ન્યૂ રીલ્સ:21મી સદીની ‘ટ્રુ-સ્ટોરી’ ફિલ્મો

3 મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક
  • વર્લ્ડ વોર-ટુની ઘટનાઓ હોય કે બીજાં યુદ્ધ-ઓપરેશનો હોય, અમેરિકન ફિલ્મોએ પણ ‘સત્ય ઘટના’ને નામે ઘણા ગપગોળા ચલાવ્યા છે

કવીસમી સદી ભારતના સિનેમા ઉદ્યોગ માટે અનેક રીતે અનોખી છે. આપણે સતત અંગ્રેજોને તેમની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ માટે ભાંડતા આવ્યા છીએ પણ મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખેરખાંઓએ હિન્દી સિનેમાના પ્રેક્ષકોને મલ્ટિપ્લેક્સના વ્યાપ વડે એ જ રીતે ભાગલાઓમાં વહેંચી નાખ્યો છે. અગાઉની સદીમાં જે આમ જનતા માટે ફિલ્મો બનતી હતી તેમાં પ્રેક્ષકોની ‘એવરેજ’ ઇન્ટેલિજન્સને ઓછી જ આંકવી પડતી હતી, જેના કારણે વિષયોમાં વેરાયટી રહી જ નહીં. પરંતુ નવી સદીમાં જેને ‘કંઇક નવું, કંઇક અલગ’ જોવાની ઇચ્છા છે, (અને જોયા પછી રૂપિયા પડી ગયા એવો અફસોસ પણ નથી) એવા વર્ગ માટે ફિલ્મો બનવા માંડી. આવી ફિલ્મોમાં ‘સત્ય ઘટના’ ઉપર આધારિત અથવા જેને ‘ટ્રુ-સ્ટોરી’ કહે છે એવી ફિલ્મોનો પણ જબરદસ્ત ફાલ આવી ગયો. અગાઉના લેખમાં લખ્યું હતું તેમ બાયો-પિક ફિલ્મોમાં જુઠ્ઠાણાં ચમચાગીરી અને ક્લિન-ચીટ આપવાના હેતુઓ સ્પષ્ટ દેખાતા હતા એવું જ કંઇક ‘સત્ય ઘટના’ બ્રાન્ડની ફિલ્મોમાં પણ બન્યું જ છે. જોકે, અહીં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજી લેવી જોઇએ કે કેમેરા કદી પણ 100 ટકા સચ્ચાઇ બતાડી શકતો નથી. કેમેરાને જે એંગલમાં ગોઠવો તે સિવાયની 240 ડિગ્રીની જે વાસ્તવિકતા છે તેની હંમેશાં બાદબાકી જ થઇ જતી હોય છે. ટીવીની ન્યૂઝ-ચેનલોમાં તો આ વાત બહુ સ્પષ્ટ રીતે બહાર આવે છે. કોઇ એકાદ દુકાન સળગતી હોય તેની સામે જ કેમેરા ધરી રાખીને ‘રમખાણ… રમખાણ… રમખાણ’ની બૂમરાણ મચાવીને ન્યૂઝ-ચેનલોએ બાકીના આખા શહેરની 95 ટકા શાંતિ ઉપર ઢાંકપિછોડા જ કર્યા હોવાના દાખલા આપણે સૌએ જોયા છે. આ જ વાત ‘ટ્રુ-સ્ટોરી’ની ફિલ્મમાં પણ બને છે. બલ્કે, અહીં તો પ્રેક્ષકોનું ‘મનોરંજન’ પણ કરવાનું છે ને! એટલે ‘સત્ય ઘટના’માં જાતજાતના વઘાર કરતાં કરતાં છેવટે ‘સત્ય-ઘટ’ વધતી જાય છે. આનાં ઉદાહરણો તો સૌને યાદ હશે. ‘મિશન મંગલ’ જોતાં જ એમ લાગે કે મંગલયાનની જે તદ્દન નવી ટેક્નોલોજીની સિદ્ધિ હતી તેની પાછળ તો ચારેક સુંદર દેખાતી મહિલાઓનાં જ ભેજાં હતાં! ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’માં માસ્ટર સ્ટ્રોક તો પેલું ડ્રોન ફિટ કરેલંુ પક્ષીનું રમકડું હતું, જેનો આઇડિયા તો એક ટીનએજર છોકરાનો હતો! ‘પરમાણુ’ જોતાં આપણે ઇમ્પ્રેસ થઇ જઇએ કે અમેરિકા જેવા પાવરફુલ દેશોને સહેજ પણ ગંધ ના આવે એ માટે ભારતે કેવી ગજબની તૈયારીઓ કરી હતી! પણ ભાઇસાહેબ, આપણે એ વાત તો ભૂલી જ ગયા કે ભારતે પરમાણુ બોમ્બ ફોડ્યો એના ત્રીજા જ દિવસે પાકિસ્તાને પણ એવો જ પરમાણુ બોમ્બ ફોડ્યો હતો! તો શું એમની તૈયારીઓ આપણા કરતાંય વધારે ગુપ્ત હતી? ભલે, આપણે આપણી ફિલ્મોને હળવાશથી લઇને મશ્કરીઓ કરી લઇએ પણ હોલિવૂડની ફિલ્મો પણ કંઇ દૂધે ધોયેલી નથી હોતી. વર્લ્ડ વોર-ટુની ઘટનાઓ હોય કે બીજાં યુદ્ધ-ઓપરેશનો હોય, અમેરિકન ફિલ્મોએ પણ ‘સત્ય ઘટના’ને નામે ઘણા ગપગોળા ચલાવ્યા છે. બીજા વિશ્વયુદ્ધમાં હારેલા પૂર્વ જર્મની કે રશિયા જેવા દેશો દુનિયાના બીજા દેશોની સંસ્કૃતિમાં ઘૂસણખોરી ના કરી શક્યા એટલે અમેરિકા ફિલ્મોમાં મહાન લાગે છે! (આ જ વાત પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગને પણ લાગુ પડે છે. એ લોકો હજી એમની ‘પરમાણુ-સત્ય ઘટના’ની ફિલ્મ ક્યાં બનાવી શક્યા છે?) છતાં, ભારતમાં માત્ર હિંદી ભાષામાં છેલ્લાં વીસ જ વરસમાં (બાયો-પિક્સને બાદ કરતાં) જેટલી ‘ટ્રુ-સ્ટોરી’ ફિલ્મો બની છે તેની સંખ્યા તેની સંખ્યા 40 જેટલી થવા જાય છે! એમાંથી કેટલાંક નામો… ‘એટેક્સ ઓફ 26/11’, ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘એર લિફ્ટ’, ‘નીરજા’, ‘બ્લેક ફ્રાઇ ડે’, ‘તલવાર’, ‘ગાઝી એટેક’, ‘રાઝી’ ‘ગોલ્ડ’, ‘’83’, ‘છપ્પાક’, ‘બાટલા હાઉસ’, ‘ટ્રાફિક’, ‘રુસ્તમ’, ‘રેઇડ’, ‘કેસરી’, ‘ સરદાર ઉધમ સિંહ’, ‘વીરપ્પન’… વગેરે! માનો યા માનો 21મી સદી ભારતીય સિનેમા માટે અનોખી તો છે જ! ⬛

અન્ય સમાચારો પણ છે...