ન્યુ રીલ્સ:21મી સદીની NRI ફિલ્મો

વિનાયક વ્યાસ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક જમાનામાં ‘સંગમ’, ‘લવ ઇન ટોકિયો’, ‘એન ઇવનિંગ ઇન પેરિસ’ જેવી ફિલ્મો આવતી, જેમાં ઇન્ડિયન પાત્રો ફોરેનમાં રોમાન્સ કરતાં જોવા મળતાં હતાં. જોકે મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો પછી આખું ચિત્ર જ બદલાઇ ગયું. આપણા NRIઓ જે સખત મહેનત કરીને ડોલરનો ગુણાકાર રૂપિયામાં કરતા રહે છે, શનિ-રવિ એડજસ્ટ કરીને નવરાત્રિ ઊજવે છે, અમેરિકા કે ઇંગ્લેન્ડમાં પોલિટિક્સ કરતાં ભારતના રાજકારણમાં વધારે રસ ધરાવે છે અને જે ભારતના સાધુ-સંતો, કવિઓ અને નાટકના કલાકારો પાછળ ઘેલાં-ઘેલાં થઇ જાય છે એમની કોઇ કહાણીઓ આવી NRI કદી આવતી જ નથી. એટલું જ નહીં, જ્યાં નવી પેઢી સરખું ગુજરાતી કે હિન્દી બોલી શકતી નથી અને જૂની પેઢીને સરખું અંગ્રેજી બોલતાં હજી ફાવતું નથી, જ્યાં વહુને ડિલિવરી આવવાની હોય તો સાસુજીને નાછૂટરે ત્યાં ચાર મહિના રહેવું પડે છે અને જ્યાં સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અને પરમેનન્ટ રેસિડન્સીના વિઝાની રાહ જોવામાં ઇન્ડિયનો સતત સંઘર્ષ કરતાં રહે છે…. જ્યાં મોલમાં ક્યારે ‘સેલ’ આવે ને સસ્તા ડિસ્કાઉન્ટ ભાવમાં કપડાંથી લઇને લોટ સુધીની ચીજો ખરીદી લઇએ તેનો વેંત ગોઠવાતો હોય અને જ્યાં વર્ષો સુધી રહી ચૂક્યા હોવા છતાં ભારતની ‘સંસ્કૃતિ’માં ગુણગાનનો મોહ ઊતરતો ન હોય એવા લોકોની પણ કહાણીઓ કરી આ NRI ફિલ્મોમાં આવી નહીં. 21મી સદીના આ મલ્ટિપ્લેક્સ સિનેમાના યુગમાં વિદેશની ધરતી ઉપર સાકાર થતી હોય એવી ફિલ્મોની જે વણઝાર લાગી ગઇ, એમાં તો કંઇક જુદું જ ચાલી રહ્યું હતું. અહીં છ-સાત ઇન્ડિયનો બેન્કમાં લૂંટ કરીને, ડઝન જેટલા વિદેશી પોલીસોને શૂટ કરીને કોઇ એવી જગ્યાએ સંતાઇને બેસે છે, જ્યાં છેવટે તેઓ અંદરોઅંદર લડી મરે છે, પણ વિદેશની પોલીસ કંઇ કરી શકતી નથી. (કાંટે) અહીં અમેરિકાની કોઇ બેન્કમાં મલ્ટિ-મિલિયન ડોલરની રોબરી થાય તેને સોલ્વ કરવા માટે ઇન્ડિયાથી બે બબુચા ટાઇપના કોમેડી કરતા પોલીસ અફસરો આવે છે અને ભેદ ઉકેલી નાખે છે. (ધૂમ-3) અરે! ઇન્ટરનેશનલ લેવલનું ભયંકર આતંકવાદી કાવતરું શોધીને છેક છેલ્લી ઘડીએ યુરોપના કોઇ મોટા શહેરમાં જે વિનાશ બોમ્બ નાખવાનો હતો તેને ત્યાંથી 150 કિલોમીટર દૂરના દરિયામાં ફેંકી દઇને બે ભારતીય શૂરવીરો જ હેપ્પી એન્ડિંગ લાવે છે! (દસ) એવી જ રીતે કોઇ મહાન સુપર લોયર ગણાતા ભારતીય એડવોકેટને સાવ કપોળકલ્પિત વાર્તા સંભળાવીને, ફક્ત એક જ કોર્ટના હીયરિંગમાં નિર્દોષ છૂટીને આખેઆખી દેશી ગેંગ કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને બિન્દાસ ભાગી છૂટે છે! (ચોકલેટ) એટલું જ નહીં, ‘ગ્યારાહ મુલ્કોં કી પુલીસ’ જેને પકડી શકી નથી એવો ડોન પણ ત્યાંની સ્વિસ બેન્કમાંથી બહુ મોટી ‘વર્લ્ડ ફેમસ’ ચોરી કરવા માટે દેશીઓની જ ગેંગ બનાવે અને બધાને પતાવીને પોતે છટકી પણ જાય છે! (ડોન-2) વિદેશમાં વસતા ભારતીય લોકોની ‘સામાજિક’ વાતો કહેતી ફિલ્મોમાં પણ ત્યાંની વાસ્તવિકતાથી જોજનો દૂર હોય એવી ઘટનાઓ બનતી રહી છે. જેમ કે, ‘કભી અલવિદા ના કહેના’ નામની ફિલ્મમાં રંગીન મિજાજી સસરો પોતાનો બર્થ-ડે ઊજવવા માટે બે ડઝન જેટલી સેક્સી ડાન્સરોને પોતાના એપાર્ટમેન્ટમાં બોલાવે છે, ત્યારે તેની વહુ અને દીકરો પૂછવાય નથી આવતાં કે આ શું ચાલી રહ્યું છે? ‘માય નેમ ઇન ખાન’માં મંદ બુદ્ધિ હીરો પોતાના મૃત દીકરાને ન્યાય અપાવવાને બહાને આખા ઓફિસમાં ‘ફોરેસ્ટ ગમ્પ’ નામની અમેરિકન ફિલ્મની નકલ કરીને રખડતો ફરે છે! ‘દોસ્તાના’માં બે હટ્ટાકટ્ટા મર્દો ફક્ત ભાડાના ફ્લેટમાં રહેવા મળે એટલા ખાતર થઇને હોમોસેક્સ્યુઅલ હોવાનો ઢોંગ કરે છે! (કયા ભારતીય યુવાનને આવી ‘મજબૂરી’ પેદા થતી હશે?) મહેશ ભટ્ટ અને વિક્રમ ભટ્ટની અડધોઅડધ ફિલ્મોમાં જુઓ તો NRI પાત્રોને ભૂત-પ્રેત અને પલીતોનો જ પરચો થતો રહે છે! સવાલ એ છે કે NRIઓમાંથી 80 ટકા લોકો, જે કદી ત્યાંના મોંઘા મલ્ટિપ્લેક્સોમાં હિન્દી ફિલ્મ પણ જોવા જતા નથી (વીકએન્ડમાં બે ફેમિલી ભેગાં થઇને એક ડીવીડી જુએ છે!) શું એમના માટે આ ફિલ્મો બને છે? કે ‘ફોરેન’નું શૂટિંગ બતાડીને ભારતીય પ્રેક્ષકોને ઉલ્લુ બનાવવા માટે આવી ફિલ્મો બને છે! ⬛

અન્ય સમાચારો પણ છે...