મસ્તી-અમસ્તી:2032નો ગુજરાતી ડોક્ટર અને એનો ‘ગૂગલી’ પેશન્ટ

19 દિવસ પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

‘સાંભળ્યું છે, હવેથી મેડિકલ અભ્યાસ ગુજરાતીમાં થશે.’ ‘ઉત્તમ પગલું!’ શાંતિલાલે કહ્યું. પ્રસન્ન થયેલા ધનશંકર બોલ્યા, ‘આહા! 2032ની કલ્પના કરું છું જ્યારે દર્દી ગુજરાતીમાં ભણેલા તબીબને કહેતો હશે, ‘શુભ પ્રભાત! ચિકિત્સા અને શુશ્રુષા અર્થે આવ્યો છું.’ પ્રેરણાડીએ કહ્યું, ‘પપ્પા, ખોટી વાત! પેશન્ટો હવે ગૂગલ કરી કરીને અંગ્રેજી શીખી ગયા છે. 2032માં ભારતીય પેશન્ટ સંપૂર્ણ ‘ગૂગલી પેશન્ટ’ બની જશે.’ બાબુ બોલ્યો, ‘ગૂગલ યુનિવર્સિટીનો પેશન્ટ અને સંપૂર્ન સુધ્ધ ગુજરાટી દાક્ટર! મજા પડી જહે!’ બાબુડિયાને જેની કલ્પનાથી મજા આવી એ વાર્તાલાપની કલ્પના મેં પણ કરી. * * * વરસ: 2032 સ્થળ: પારિવારિક ડોક્ટર દુ.ખા.વા.(દુષ્યંતભાઈ ખાચરભાઈ વાળા)નું ક્લિનિક ગૂગલી પેશન્ટ: આમ તો હું કદી ચાલુ ડો. પાસે જતો નથી. ડો. દુખાવા: મને ચાલુડો. કહી ઈજ્જતનો ફાલુદો ન કરો. ગૂગલી પેશન્ટ: બધી ટ્રીટમેન્ટ હું ગૂગલ પરથી જ કરી લઉં છું. પત્નીની ડિલીવરી પણ યૂ-ટ્યૂબ પર જોઈને કરાવી હતી. પણ આજે સર્વર ડાઉન છે તેથી તમે મને સર્વ કરશો? ડો. દુખાવા: સર્વ માટે મારાં દ્વાર ખુલ્લાં છે! ગૂગલી પેશન્ટ: સાઈન-સિમ્પ્ટમ્સ જોતાં મને સાતમીવાર ઓમિક્રોન થયો હોય એમ જણાય છે. અગાઉ ગૂગલ પર એની ત્રણ ટ્રીટમેન્ટ્સ જોઈ હતી, એમાંથી કઈ બેસ્ટ રહેશે, એ મારો ક્વેશ્ચન છે. ડો. દુખાવા: નિદાન કરવું એ દર્દીનું કામ નથી. આપની શુશ્રુષા કરવાનો અવસર મને આપો! ‘શુશ્રુષા’ જેવા અપરિચિત શબ્દના અર્થની ખોટી ધારણા કરી ગૂગલી પેશન્ટે કહ્યું, ‘પણ સૂ સૂમાં કોઈ પ્રોબ્લેમ ન હોય તો...’ ડો. દુખાવા: આપની શારીરિક ઋગ્ણતાનાં ચિહ્નો-લક્ષણો વર્ણવો! ગૂગલી પેશન્ટ: એસિડિટી જેવું લાગે છે.. ડો. દુખાવા: મને એબીસીડી કે એસિડિટી વિશે કોઈ જ્ઞાન નથી. (ગૂગલ ટ્રાન્સલેટમાં એસિડિટીનો અર્થ શોધી) લાગે છે, આપ પેટમાં અમ્લતાનો અનુભવ કરી રહ્યા છો. ગૂગલી પેશન્ટ: અને માથામાં હેડએક પણ થાય છે. ડો. દુખાવા: શિરશૂળ! એ તો શિરમાં જ થાય ને. એ કહો કે ત્રિશૂળ ભોંકાતુ હોય એવું શૂળ છે કે ગદા વાગતી હોય એવું? ગૂગલી પેશન્ટ: મારી પાસે બેમાંથી એક પણ હોત તો એનો ઉપયોગ કરી નાખ્યો હોત. મારો ક્વેશ્ચન છે કે મને ડિસિઝ શું છે? ડો. દુખાવા: તમારાં નેત્ર અને જિહ્વાનું દર્શન કરાવો, પછી હું છાતીપરિચાયક યંત્રથી તપાસ કરીશ. ગૂગલી પેશન્ટ: યાયા, રાઈટ! સ્ટેથો એટલે ચેસ્ટ અને સ્કોપ એટલે ટુ સી.. જોવું. ડો. દુખાવા: નિરીક્ષણ પત્યું, હવે રક્તપરીક્ષણ! સોયનું એક અંત:ક્ષેપણ ખમવું પડશે. ગૂગલી પેશન્ટ: ઓહો, શુદ્ધ વેજ લેંગ્વેજ સાંભળી મારી નર્વ્સ ખેંચાઈ ગઈ! ડો. દુખાવા: (નર્વ્સનો અર્થ ગૂગલ પર જોઈ) ચેતાઓ ખેંચાય છે? ચેતવું પડશે. તમારો કિસ્સો(કેસ) ચેતાતંતુતજજ્ઞને સંદર્ભ(રેફરન્સ) કરી દઈએ? ગૂગલી પેશન્ટ: પણ મને ન્યૂરો-સાઈકો કોઈ પ્રોબ્લેમ નથી. હાર્ટબર્ન છે. ટુ બી ઑન સેફર સાઈડ, ઈસીજી એટલે કે ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કરી લેશો? ડો. દુખાવા: ક્ષમસ્વ! વીજળીક-હૃદય-આલેખની સુવિધા મારા ઋગ્ણાલયમાં નથી. ગૂગલી પેશન્ટ: ધિસ ઇઝ નોટ ફેયર! મને હાર્ટ એટેક નીકળે તો? ઈસીજી ન લેવા બદલ તમને સ્યૂ કરી શકાય. ડો. દુખાવા: પહેલા સૂ-સૂની વાત કરી, હવે સ્યૂ સ્યૂ કરો છો. આવી પ્રકૃતિ રાખશો તો હૃદયશૂળ થશે અને ત્વરિત ‘દિલ-બહાર-શલ્ય ચિકિત્સા’ કરાવવી પડશે. ગૂગલી પેશન્ટને દિલ-બહાર ચૂર્ણ વિશે ખ્યાલ હતો, પણ દિલ-બહાર-શલ્ય ચિકિત્સા (ઓપન હાર્ટ બાયપાસ સર્જરી) વિશે ખ્યાલ ન આવ્યો. ગૂગલી પેશન્ટ: પણ મને ઓમિક્રોન છે કે નહીં? ડો. દુખાવા: આરોગ્ય કેન્દ્રમાં ‘ત્વરિત પ્રતિજન ચિકિત્સા’(રેપિડ એન્ટિજન ટેસ્ટ) કરાવવાથી.. ગૂગલી પેશન્ટ: રિપોર્ટ કર્યા પછી તો ગધેડો પણ ડાયગ્નોસિસ કરી શકે. તમારા ક્લિનિકલ નોલેજથી કહો, મને ઓમિક્રોન છે કે નહીં? ડો. દુખાવા: આ વ્યાધિ અગાઉ તમને છ વાર થયો છે. ગૂગલી પેશન્ટ: યસ્સ! ડો. દુખાવા: મારું અનુમાન છે કે છે ઓકારઅક્ષરી મુગટવિષાણુઓ ચંચળ બાળકોની જેમ તમારાં શ્વાસનળી અને ફેફસાંની આસપાસ ચલકચલાણી રમી રહ્યા છે. ગૂગલી પેશન્ટ: મને સાતમીવાર થયેલ કોરોનાનું કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે ખરા? ડો. દુખાવા: તમે ખર્ચા કરવાની ક્ષમતા રાખો છો કે માત્ર ચર્ચા માટે આવ્યા છો? ગૂગલી પેશન્ટ: લો!, તમને તો મરચાં લાગી ગયાં! ગ્રાહક તરીકે ચર્ચા કરવી એ મારો હક છે. ડો. દુખાવાને યાદ આવ્યું કે ડો. ચાણક્ય નામના સિનિયરે કહેલું, ‘વીમા પ્રતિનિધિ અને તબીબો એમના ગ્રાહકને જેટલું વધુ ગભરાવી શકે એટલી વધુ ઉન્નતિ અને ધનપ્રાપ્તિ કરે!’ એ સલાહનો ઉપયોગ કરી એ બોલ્યા, ‘ભાઈ ગૂગલતજજ્ઞ, તમને મુગટવિષાણુ સંબંધી ગૂંચવણો ચોક્કસ થઈ શકે, જેમ કે અતિઝડપી શ્વસન, પ્રાણવાયુની અછત, હૃદયવિકાર, ફૂગસંક્રમણ, બેહોશી..’ ગૂગલી પેશન્ટ: તમે મને બીવડાવો છો! ડો. દુખાવા: આજકાલ દર્દી એવા આવે છે કે શિર-શૂળ માટે પણ અમારે બિલાડી-કસોટી(કેટસ્કેન) કરાવવી પડે છે. ગૂગલી પેશન્ટ: મને સાચું કહો, મને થયું શું છે? ડો. દુખાવા: તમારો રક્તદાબ મોંઘવારીની જેમ વધી રહ્યો છે. તમારું અસ્થિતંત્ર ભારતના અર્થતંત્ર જેટલું ખોખલું છે. તમારી જીવાદોરી મોરબીના પુલની જેમ ઝૂલી રહી છે. તમારું પાચન ગુજરાતીઓનાં વાચન જેવું નબળું છે. તમારા મુખદ્વારથી મળદ્વાર સુધી બધે જ પોપાબાઈનું રાજ ચાલે છે. ગૂગલી દર્દીએ થોડી ગાળો અંગ્રેજીમાં આપી, તબીબ હસતો જ રહ્યો, એટલે ગૂગલ કરીને ગુજરાતીમાં ગાળો આપી. ⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...