તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:20 પૈસે કી લોટરી : એન્જોય ભાવ-ઘટાડો!

સંજય છેલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ-ડિઝલ પર 20 પૈસાનો ક્ષણિક ભાવઘટાડો હમણાં તો એન્જોય કરી લો. બાકી સરકારો આવે ને જાય પણ ભાવવધારો શાશ્વત છે! સરકારના ટીકાકારોને એ બધું નહીં સમજાય! જીવનમાં 1-1 પૈસાની કિંમત હોય છે

ટાઇટલ્સ આજના સમાચાર, આવતી કાલનો ઇતિહાસ છે. (છેલવાણી) આપણે છેલ્લાં 74 વર્ષથી ભાવવધારા માટે દરેક સરકારો સામે કકળાટ કરતાં હોઇએ છીએ, પણ જ્યારે ભાવ ઘટાડો થાય ત્યારે સાવ નગુણા થઇને ચૂપ રહીએ છીએ! જુઓ ને હમણાં મહેરબાન સરકારે પેટ્રોલ-ડિઝલ પર અચાનક 20 પૈસા ઓછા કરી નાખ્યા! સતત ભાવવધારા બાદ આ જે રહેમ કરી છે એના આનંદનું વર્ણન કરવા માટે શબ્દો નથી. (એમ તો ફૂલ ટેન્ક કરાવવાના પૂરતા પૈસા પણ નથી, પણ એ વાત જુદી છે!) તો 20 પૈસાના ભાવઘટાડા બાદ કારમાં પેટ્રોલ ભરાવતી વખતે ‘આંખોમાં હરખનાં આંસુ આવી ગયાં..’ આ મજાક છે કે સત્ય? એ ચેક કરવા માટે મેં મારી જાતને બદલે ભૂલથી પેટ્રોલ ભરનાર માણસને ચીમટો ભરી લીધો. પેલાએ તરત કહ્યું, ‘ક્યા સાબ!? સુબહ સે સબ લોગ મુઝે ચીમટા કાટ રહે હૈ?’ મેં કહ્યું, ‘સોરી! સોરી..’ પેલાએ કહ્યું, ‘સોરી-વોરી છોડો, બોલો ના! આજ સબ ચીમટા ક્યોં કાટ રહે હૈ?’ મેં કહ્યું, ‘પગલે, પેટ્રોલ-ડિઝલ કા દામ 20 પૈસા કમ હુઆ ના? તો સબ ચેક કર રહે હૈ કિ કહીં લોટરી તો નહીં લગી? નસીબવાલે હો કિ જીતે જી તુમ્હેં યે દેખને કો મિલ રહા હૈ.’ પેલાએ કહ્યું, ‘જાવ ના સાબ.. ક્યોં ધંધે કા ટાઇમ વેસ્ટ કરતે હો?’ મેં એના તરફ દયાની નજરે જોઇને વિચાર્યું કે, ‘આ બિચારાને ખબર નથી કે કેવા ગોલ્ડન પીરિયડમાં જીવી રહ્યો છે!’ ને પછી હું એને પાછળ મૂકીને દેશપ્રેમના માર્ગે નીકળી પડ્યો. જેમ જેમ આગળ ચાલ્યો તો મને દેખાયું કે દેશમાં બધાં જ બધે જ કેવાં ખુશખુશાલ છે! એક ગાર્ડનમાં બે ફટેહાલ ભિખારીઓ પણ ખુશીના માર્યા હસતા હતા. બેમાંનાં એક ભિખારીએ બીજાને કહ્યું, ‘આવા સુંદર દિવસે પ્રકૃતિને માણવાને બદલે જો તને કોઈ 10, 000 રૂપિયા આપે તો તું આ દિવસ જતો કરે?’ બીજા ભિખારીએ કહ્યું, ‘હોય કંઇ? આ કોયલનાં ટહુકાઓ, આ બગીચાની હવાની સામે 10, 000 શું ચીજ છે?’ ‘1 લાખ આપે તો?’ ‘ના, ના. કુદરતની કળાની એમ કિંમત ન આંકી શકાય!’ ‘5 લાખ આપે તો?’ ‘અરે! કહ્યું ને, આવી સરસ ૠતુને મામૂલી પૈસામાં ન મૂલવી શકાય!’ ‘અને 10 લાખ આપે તો?’ ‘અં… 10 લાખ આપે તો વિચારું! આમેય આવતી કાલે પણ નવો દિવસ તો ઊગશે જ ને? પ્રકૃતિ ક્યાં ભાગી જવાની છે?’ જોકે ભિખારીઓને તો કોઈએ દસ લાખ ન આપ્યા, પણ જોવા જઇએ તો આપણે બધાં પણ અલગ અલગ સાઈઝનાં ભિખારી જ છીએ ને? દરેક પર અલગ અલગ પ્રાઈસ ટેગ લાગેલા છે, પણ પૈસાની નિરર્થકતા પર પ્રવચનો આપ્યા બાદ સાધુ-સંતો વ્યાસપીઠથી ઊતરીને કોઈક પૈસાદારને બંગલે રહેવા ચાલ્યા જાય છે. ગરીબોના મસીહા બનતા નેતાઓ, કરોડોના(વાંચો - ’ઉદ્યોગપતિના’) હેલીકોપ્ટરમાં બેસીને નીકળી જાય છે અને બિચારા ભારતના અબૂધ લોકો છે જે આ 20 પૈસાનો ભાવઘટાડો માણી નથી શકતાં! ઇન્ટરવલ યાર દિલદાર તુઝે કૈસા ચાહિયે, પ્યાર ચાહિયે યા પૈસા ચાહિયે? (આનંદ બક્ષી) આજ કોરોનાકાળ પછીના કારમા સમયમાં એક-એક પૈસાની કિંમત મને સમજાય છે, ત્યારે જૂની ગુજરાતી રંગભૂમિનું નાટક યાદ આવે છે. એમાં એક પાત્ર વારંવાર મોટેથી એકનો એક ડાયલોગ મારતું,‘આ તું નહીં, તારો પૈસો બોલે છે, પૈસો!’ જી હા, પૈસો ખરેખર બોલતો હોય છે! એક પત્નીનો પતિ ધંધામાં બહુ બિઝી રહેતો. પત્નીને સમય નહોતો આપી શકતો. પત્નીએ એક વાર પતિને કહ્યું, ‘ડાર્લિંગ, કહેવાય છે કે પૈસો બોલે છે! શું એ સાચું છે?’ પતિએ કહ્યું, ‘યેસ, પૈસો બોલે છે!’ તો પત્નીએ તરત કહ્યું, ’ઓહ, એમ હોય તો 2-5 લાખ મારી પાસે મૂકતો જજે ને. તારા વિના આમેય ઘરમાં બહુ એકલું લાગે છે. તો જરા, તારા પૈસા સાથે વાત કરીને ટાઈમ પાસ થશે!’ - જોક્સ અપાર્ટ, 20 પૈસા પેટ્રોલના દર લિટરમાં બચે એ એક રાષ્ટ્રીય ઘટના છે. સરકારના ટીકાકારોને એ બધું નહીં સમજાય! (વળી, આ તો નેહરુને પાપે માત્ર 20 પૈસા ભાવ ઓછો થયો, જો સરદાર પટેલ ભારતના પ્રથમ પી.એમ. હોત, તો આજે 40 પૈસા ઓછા થયાં હોત, એ પણ નક્કી!) અરે! જીવનમાં 1-1 પૈસાની કિંમત હોય છે. અમારી સાથે કોલેજમાં ગરીબ વિધવાનો છોકરો ભણતો હતો. માએ ખૂબ મહેનત કરીને મોટો કર્યો. એક દિવસ ખબર પડી કે પોતાનાથી મોટી ઉંમરની એક અમીર વિધવા સાથે પેલાએ સગાઈ કરી. અમને મિત્રોને સહેજ નવાઈ લાગી. ત્યારે એ ગરીબ વિધવાના છોકરાએ હસીને કહ્યું, ‘એ બિચારી પૈસાદાર છે એ સિવાય એનામાં શું ખામી છે?’ અમે એની વિચિત્ર રમૂજ સાંભળીને હસી પડ્યા. પછી એણે ગંભીર થઈને કહ્યું, ‘વિધવા તો મારી મા પણ છે. કદાચ આ સ્ત્રી મારી મા જેટલી જ મારી કેર કરશે અને ‘કેર’ સાથે ‘કેશ’ પણ છે, અહીં તો!’ તમને લાગશે કે આ કથા ઉપજાવી કાઢી છે, પણ ના, સરકારે પેટ્રોલ પર ઘટાડેલા એક-એક પૈસા પર આંગળી મૂકીને કસમ ખાઈ શકું કે વાર્તા સાચી છે. જો કે રોકડા પર રોકડી રમૂજ પણ મેં ઘણી જોઈ છે. જેમ કે, એક ડાયમંડ બજારનો સામાન્ય દેખાતો મારો મિત્ર પરણીને હનિમૂન પર ગયો, ત્યારે અત્યંત ખૂબસૂરત એવી એની પત્નીને એણે પ્રથમ રાત્રિએ પૂછ્યું, ‘સાચું કહેજે, તું માત્ર મારા આ બે-ચાર કરોડને કારણે જ મને પરણી છો એવું તો નથી ને?’ પત્નીએ આંખ મારીને કહ્યું, ‘ના, ના, થોડાક વધુ હોત તોય તને પરણી જ હોત ને?’ કોલમ લખતો થયો એ પહેલાં મેં ફિલ્મ લાઈનમાં પૈસાને આવતા-જતા બહુ જોયા છે અને ખાસ કરીને-કેશ. હા તો, એક હિરોઈનને ત્યાં હું સ્ક્રિપ્ટ સંભળાવવા ગયેલો, ત્યારે અચાનક હિરોઈનને ફોન આવ્યો કે ઈન્કમટેક્સવાળા, આજે ફિલ્મવાળાઓને ત્યાં ત્રાટકી રહ્યા છે. હિરોઈને તરત જ સૂટકેસો ભરીને કેશ રૂપિયા કાઢ્યા. બાલ્કનીમાંથી કેસની બેગો નીચે ફેંકી.. અને ત્રણ બેગ તો પરાણે મારે પણ માથા ઉપર ઉઠાવીને બે દાદરા નીચે ઉતારવી પડેલી. (મા કસમ, લેખક તરીકે એ દિવસે જેટલી મહેનત મેં કરેલી એવી તો આજ સુધી હજુ ક્યારેય નથી કરી!) એ બધી વાત છોડો, પણ પેટ્રોલ-ડિઝલ પર 20 પૈસાનો ક્ષણિક ભાવઘટાડો હમણાં તો એન્જોય કરી લો. બાકી સરકારો કોઇ પણ આવે ને જાય પણ ભાવવધારો શાશ્વત છે! એન્ડ ટાઇટલ્સ આદમ : પેટ્રોલ ભરાવ્યું? ઇવ : ના, ટેન્કમાંથી બહાર કઢાવ્યું! ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...