તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:તમે માણસોને સાચવો, માણસો તમને સાચવશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક અત્યંત પૈસાદાર પરિવારના એકના એક દીકરાનાં લગ્ન હતાં. એકમાત્ર સંતાન હોવાથી દીકરાના માતા-પિતાએ ધામધૂમથી લગ્ન ઉજવવાનું નક્કી કરેલુ. લગ્નમાં સામેલ થનાર તમામ લોકોને કંઇક ભેટ આપવી એવું નક્કી થયું. એક દિવસ પતિ-પત્ની બંને સાથે બેસીને કોને-કોને શું ભેટ આપવી? એની ચર્ચા કરી રહ્યાં હતાં. લગ્નમાં આવનાર સગા-સંબંધીઓને એવી ભેટ આપવી હતી કે જેનાથી લગ્નપ્રસંગની સ્મૃતિ જળવાઇ રહે. લાંબી ચર્ચાના અંતે એવું નક્કી થયું કે, લગ્નમાં આવનાર તમામ સ્ત્રીઓને એક સાડી અને તમામ પુરુષોને એક સૂટ ભેટમાં આપવો. સાડી અને સૂટ જેને આપ્યાં હશે તે જ્યારે એને પહેરશે ત્યારે ચોક્કસ લગ્નને યાદ કરશે. શેઠે એમના મેનેજરને બોલાવીને આદેશ આપ્યો, 'લગ્નમાં આવનાર મહેમાન માટે 500 સાડી અને 500 સૂટના કાપડનો ઓર્ડર આપી દો. મારા લાડકા દીકરાનાં લગ્ન છે એટલે સાડી અને સૂટ મોંઘામાં મોંઘા હોય એવા લેવાના છે એમાં જરા પણ કંજૂસાઇ ન કરતા.'

મેનેજર જતા હતા એટલે શેઠાણીએ એને અટકાવીને કહ્યું, 'તમે થોડી સાડી અને સૂટ સસ્તા હોય એવા પણ લેજો.' શેઠે કહ્યું, 'કેમ એવું? તારે આવા સસ્તા સૂટ અને સાડીઓને શું કરવા છે?' શેઠાણીએ કહ્યું, 'ઘરના નોકરને જે ભેટ આપીશું એ બહુ મોંઘી આપવાની જરૂર નથી આમ પણ એમને મોંઘી વસ્તુઓનું બહુ મૂલ્ય પણ ન હોય એટલે એમને જે સસ્તું હોય તે આપીએ તો પણ ચાલે. નોકરને વળી મોંઘી સાડી પહેરીને ક્યાં જવું હોય અને સૂટનું કાપડ તો એમના માટે સાવ નકામું કહેવાય કારણ કે, એ ક્યાં સૂટ પહેરવાના છે એટલે એ લોકો માટે સસ્તું કાપડ લઇએ તો પણ ચાલે.' સાંજે સાડી અને સૂટના કાપડની ખરીદી કરવા માટે મેનેજર શહેરના એક અત્યંત આધુનિક શો રૂમ પર પહોંચ્યા. આ શો રૂમ શહેરનો સૌથી મોંઘો શો રૂમ હતો કારણ કે, શેઠે જે ખર્ચો કરવો હોય એ ખર્ચ કરવાની છૂટ આપી હતી.

મેનેજર અંદર પ્રવેશ્યા કે એનું ધ્યાન 4-5 જાણીતા ચહેરા પર પડ્યું. આ બધા લોકો ઘરના નોકર હતા. મેનેજરને આશ્ચર્ય થયું કે નોકરો અહીંયા શું લેવા આવ્યા હશે? શહેરના સૌથી મોંઘામાં મોંઘા શો રૂમમાં નોકર શું કરે છે? મેનેજર તો એકબાજુ ઊભાં ઊભાં જોવા લાગ્યા. નોકરો સેલ્સમેનને કહી રહ્યા હતા, 'ભાઇ, અમારા શેઠના એકના એક દીકરાના લગ્ન છે. લગ્નપ્રસંગે અમારે એમને ભેટ આપવી છે. અમને આવા સામાન્ય કપડાં ન બતાવો. તમારા શો રૂમમાં જે મોંઘામાં મોંઘા કપડાં હોય એ બતાવો અમે બધાએ સાથે મળીને અમારા નાના શેઠને ભેટ આપવા માટે અમારા પગારમાંથી ઘણી બચત કરી છે એટલે તમે ચિંતા ન કરતા. શેઠને શોભે એવાં કપડાં બતાવો.' નોકરોની આ વાતો સાંભળીને મેનેજરની આંખ ભીની થઇ ગઇ.

આપણે માણસોનાં હૃદય જોઇને નહીં, પરંતુ એના હોદ્દા જોઇને ભેટ આપીએ છીએ. જો આપણને મોટા હોદ્દા પર બેઠેલા માણસોને નાની ભેટ આપવાની શરમ આવતી હોય તો પછી મોટા હૃદયના માણસોને નાની ભેટ આપતા શરમ કેમ નથી આવતી? આપણે ત્યાં નોકર તરીકે કામ કરતા માણસને કે સેવા આપતા માણસને સાચવવો અને એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. જે માણસ દિલથી આપણા ઘરનું બધું જ કામ કરતો હોય એ માણસના ઘરમાં કોઇ સમસ્યા નથીને એ આપણે જોવું જોઇએ. સ્વામિનારાયણ ભગવાને એમના અનુયાયીઓ માટે શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રીમાં ભગવાને જીવનને સરળતા અને સફળતાથી જીવવા માટેના આદેશો આપેલા છે. આ શિક્ષાપત્રીના 67મા શ્લોક્માં ભગવાને આજ્ઞા કરી છે કે અંગત સેવકોને અન્ન વસ્ત્રાદિકે કરીને સંતુષ્ટ રાખવા. જે લોકો આપણાં નાનાં નાનાં કામ સંભાળતા હોય એવા લોકોને અન્ન આપીને કે વસ્ત્રો આપીને રાજી કરવા. આજે બદલાયેલા સમય પ્રમાણે કહેવું હોય તો એમ કહેવાય કે આ સામાન્ય માણસોને જેની જરૂરિયાત હોય એ આપવું જોઇએ.

આપણે જ્યારે મોંઘી રેસ્ટોરાંમાં જમવા માટે જઇએ છીએ ત્યારે હજારો રૂપિયાનું બિલ ચૂકવ્યા બાદ વેઇટરને પણ મોટી રકમની ટિપ આપીને આવીએ છીએ, કારણ કે જો કોરે કોરા આવીએ તો આપણી આબરુને ધક્કો લાગે. બીજી બાજુ, આપણા જીવનમાં નાની-મોટી મદદ કરનાર છાપાવાળો, દૂધવાળો, ધોબી, શેરી સાફ કરવાવાળો, લીફ્ટમેન કે વોચમેન આ બધા આપણી કૃપાથી વંચિત રહી જાય છે. હોટેલમાં 100 રૂપિયા ફટાક દઇને આપી દેતો આપણો હાથ આ લોકોને 10 રૂપિયા આપતાં પહેલાં 2 વખત પાછો ખેંચાય છે. નાની રકમ આપીએ તો એનાથી આપણને કોઇ મોટો ફેર ન પડે, પણ એ લોકો માટે આપણી નાની એવી રકમ બહુ મોટો ફેર પાડી દેતી હોય છે. તેથી, ઉદાર બનીને આપવું. કેટલાય લોકો આપે પણ છે, પણ સામે બીજા કેટલાય કંજુસાઇ પણ કરે છે.

કેટલાક મિત્રો એવું માને છે કે, આ નાના માણસોને બહુ મદદ કરવાની ન હોય કારણ કે, એમાના મોટાભાગના તો કામચોર જ હોય છે. જે દિલ દઇને કામ ન કરે એને વળી શું મદદ કરવાની હોય? આપણી આ માન્યતામાં થોડી સચ્ચાઇ હશે પણ એ વાત પણ એટલી જ સાચી છે કે જો આપણે એમને કંઇક આપતા થઇએ તો એ પણ કામચોરમાંથી કર્મયોગી બનવા પ્રેરાય. મેં બાળપણ ગામડાંમાં વિતાવ્યું છે. ગામડાંમાં ખેતરમાં કામ કરવા માટે મજૂરની જરૂર પડે ત્યારે ખેડૂતો મજૂરી કરવા માટે આવેલા બીજા પ્રાંતના લોકોને મજૂરી માટે લઇ જાય. ખેતરમાં કામ કરવા આવતા મજૂરને બપોરના ભોજનની વ્યવસ્થા ખેતરના માલિક તરફથી કરવાની હોય. જ્યારે ખેતરમાં કોઇ મોટું કામ હાથ ધરવાનું હોય અને વધુ મજૂરોની જરૂર હોય ત્યારે આવા મજૂરો માટે બપોરે જમવામાં બાજરાના રોટલા અને અડદની દાળનું સામાન્ય ભોજન જ હોય. (જો કે, શહેરમાં રહેનારા આધુનિક લોકો માટે તો હવે આ અસામાન્ય ભોજન ગણાય છે.) મજૂરો બીજા દિવસે બીજા ખેડુતને ત્યાં મજૂરીએ જાય તો ત્યાં પણ એ જ જમવાનું હોય. રોજે રોજ એક પ્રકારનું જમીને બિચારા મજૂરો પણ કંટાળે.

ગામડામાં કેટલાક ખેડૂતો બહુ ઉદાર દિલના હોય. મજૂરને કામ કરવા માટે બોલાવે ત્યારે બાજરાના રોટલાને અડદની દાળને બદલે ઘઉંના રોટલા અને બે શાક બનાવે. સાથે સંભારા અને પાપડની પણ વ્યવસ્થા કરે. આ ઉપરાંત, બે વખત ચા પણ પીવડાવે. મજૂરોને જમવાની બાબતમાં મોજ કરાવી દે. આવા ખેડૂતને ત્યાં મજૂર દિલ દઇને કામ કરે. મજૂર માટે થોડી વધારે વ્યવસ્થા કરવાનો ખર્ચ સાવ સામાન્ય હોય પણ આ સામાન્ય ખર્ચની અસર અસામાન્ય થાય કારણ કે, આ નાનું એવું કામ મજૂરને યાદ અપાવે છે કે અમારા માટે તું પણ માણસ જ છે. બીજી જગ્યાએ ઊંચી મજૂરી મળે તો પણ મજૂરો આવા હેતાળ ખેડૂતને મૂકીને બીજે મજૂરી કરવા જાય નહીં.

આપણા જીવનમાં નાનું-મોટું યોગદાન આપનારા તમામને સાચવતા શીખવું. મોટું યોગદાન આપનારને તો સાચવતા આવડે છે પણ નાનું યોગદાન આપનારને પણ ન ભૂલીએ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)