તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • You Have To Say Something Cool, Men's Lustful Madness' ... And Paragbhai, Who Was Standing At The Table, Started Sweating, 'Do You Know This?'

મારી વાર્તા:‘તમને એક મસ્ત વાત કરવી છે, પુરુષોના લંપટવેડાની...’ અને ટેબલ પકડીને ઊભેલા પરાગભાઇને પરસેવો વળી ગયો, ‘આને ખબર પડી ગઈ છે કે શું?’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરાગભાઈએ નક્કી કર્યું કે, એકરાર કરી જ લેવો છે. કંચન સામે બોલી શકાય એમ નથી. કાગળમાં લખીને રાખી દઉં, આ કોરોના મહામારીમાં માણસ ક્યારે ટપકી પડે એ કહેવાય નહીં. એક પાપ, ડંખ લઈને ફરવું?

પરાગભાઈ પોતાના રૂમમાં કાગળ, પેન લઈને લખવા બેઠા - 'હું એકરાર કરું છું કે...'આટલું લખ્યું ત્યાં જ કંચનબેનનો અવાજ સંભળાયો - 'જરા અહીં આવો તો.' પરાગભાઈ ઊભા થાય એ પહેલાં તો શ્રીમતીજી બારસાખ પકડીને ઊભેલાં જોવા મળ્યાં અને બોલ્યાં, 'અત્યારનાં પો'રમાં છાપામાં ને ચોપાનિયાં ડૂબી ગયા છો, ઊભા થાઓ. સાડા દસ થયા, શાકભાજી તો લઇ આવો. તમે શાક નહીં લાવો તો મારે શેનું શાક કરવું? ગામની પથ્થર ખાણમાંથી નીકળેલા પથરાનું?'

શ્રીમતીજીની આટલી વાત સાંભળીને પરાગભાઈ બોલ્યા, 'ક્યારેક તું લઈ આવતી હોય તો શાક.' કંચનબેન બોલ્યાં, 'ના... રે.. ના...ગામડું ગામ છે. ચોકમાં શાકભાજી લેવા જઈએ ત્યાં કેટલા બધા પુરુષો બેઠા હોય? બધા તાકી રહે બૈરાઓ સામે. મને ન ગમે. આમેય તમે નવરાધૂપ છો. જાવ જલ્દી જાવ, શાકવાળી...'

પરાગભાઈ ખાલી થેલી ઝુલાવતાં નીકળી પડ્યા. યાદ આવ્યું, 'હા, તે દિવસે પણ શાકભાજી લેવા જ નીકળ્યો હતો ને? ત્યાં જિંદગીમાં પાપ કરી બેઠો. આમ જુઓ તો પાપ ન કહેવાય. કોઈને ફસાવીને કે ભોળપણમાં ગેરલાભ લીધો હોય તો પાપ કહેવાય. આમાં તો એણે જ મને સામેથી.'

બહુ વિચારમાં અટવાયેલા હતા ત્યાં જ ચોક આવી ગયો. શાકવાળી લહેકામાં બોલી, 'સાયબ, આ લીલાં શાકભાજી તો જુઓ.' ત્યાં કંચનના શબ્દો યાદ આવ્યા, 'આજે અલગ શાક લેજો. લીલો મસાલો, લીંબુ, આદુ ભૂલતા નહી હોં.' વળી, પરાગભાઈની નજર શાકભાજીના ઢગલા પર પડી. ભીંડાને હાથ લગાડી જોયો. ત્યાં બાઈ બોલી, 'ભાદરવાનો ભીંડો છે. ઘરડો છે થોડો પણ મીઠો છે હોં.'

'ભીંડો ના ખવાય પિત્ત કરે, રીંગણાં? ના, સિઝન સિવાય ના ખવાય, કારેલાં કડવાં લાગે.' એ બબડયા. હંમેશાંની ટેવ મુજબ શાકભાજીના ઢગલા પર ફરતી ફરતી નજર દૂધી પર ઠરી. વળી, બાઈ પણ બોલી, 'સાયબ, લઈ જાવ, દૂધી કૂણી માખણ જેવી છે.'

પરાગભાઈ શાકભાજી લઈને ઘેર આવ્યા. ઓસરીની કોરે શાકભાજીની થેલી મૂકી. ત્યાં શ્રીમતીજી તાડૂક્યાં, 'એક કલાક કર્યો. હજી શાકભાજી ધોવાં પડશે. આ કોરોનાએ તો થકવી દીધાં થકવી. ક્યાં વાતોના તડાકા મારતા હતા?' પરાગભાઈ સાંભળતા રહ્યા. મનમાં બોલ્યા, 'તે દિવસ જેટલી વાર નથી લાગી.' શ્રીમતીજીએ પાણીની ડોલમાં થેલી ઊંધી વાળતાં - વાળતાં કહ્યું, 'શાકમાં શું-શું લાવ્યા? દૂધી તો નથી ઉપાડી લાવ્યા ને?' ત્યાં દૂધી ડોકાણી! 'અરે...રે! તમને દૂધી સિવાય કંઈ નજરે જ નથી પડતું. મારે દૂધીનું શાક નથી ખાવું. દાળ-ભાત, રોટલી થઈ ગયાં છે. તમને તો તે બહુ વા'લી છે ને, સાંજે દૂધીના પરોઠા કે મુઠીયા ઢોકળા કરી દઈશ. આમ તો દૂધીને ખમણીને તમારા માથે બાંધવાની જરૂર છે. થોડીક કપડાંમાં લપેટીને આંખ પર પણ લગાવવાની જરૂર છે.'

પરાગભાઈ કશું બોલ્યા વગર બાથરૂમમાં હાથ-પગ ધોવા ગયા. શ્રીમતીજી કહે, 'તમારે ખાવું હોય તો થોડું શાક બનાવી દઉં. હું તો પડોશમાં કાશીમાને ત્યાંથી મારા પૂરતું શાક લઈ આવીશ.' પરાગભાઈ કહે, 'તો પછી થોડું મારા માટે પણ લેતી આવજે ને.' શ્રીમતી છણકો કરતાં બોલ્યાં, ' હું તમારા માટે માગવા જઉં એમ? તમે છે ને દાળ-ભાત ને રોટલી ખાઈ લેજો! હું આવું હમણાં.'

થોડીવારમાં કંચનબેન પાછા આવ્યા બોલ્યાં, 'કાશીમાએ તો અડદની દાળ બનાવી છે તે હું લાવી છું. એ...ય ને અડદની દાળ, રોટલી, છાશ, ગોળ, ડુંગળીનો દડો, અથાણું ખાઈ લઈશ. તમે મારા ભાગનાં દાળ-ભાત ઝાપટી જાજો.'

'એટલે હું એટલો બધો ભુખાળવો છું એમ?' પરાગભાઇ બોલવા ગયા પણ એકરાર યાદ આવી ગયો, એને ભૂખ જ કહેવાય ને!

જમીને પરાગભાઈ વામકુક્ષિ કરી. પાછા કાગળ પેન લઈને એકરાર પૂરો કરવા બેઠા. ત્યાં શ્રીમતીજીનો અવાજ સંભળાયો, 'અહીં આવો તો!'

પરાગભાઈ બોલ્યા, 'બોલો, બોલો, શું આદેશ છે?'

શ્રીમતીજી કહે, 'ઓણસાલ ચોમાસું ભારે ગયું છે. માળિયામાં જોઈ લઈએ. કઠોળ અને દાળમાં સડો તો પડ્યો નથી ને? ભેજ તો નથી લાગ્યો ને, એવું લાગે તો ભાદરવાના આકરા તાપમાં તપાવી જોઇએ. તમે ટેબલ પકડી રાખો. હું તપાસ કરી લઉં.’ પરાગભાઈ ટેબલ પકડીને ઉભા રહ્યા. શ્રીમતીજી બોલ્યાં, 'હાશ! ભેજ તો નથી લાગ્યો. હજી બીજા બે ડબ્બા જોઈ લઉં. ભેજ હોય તો તપાવી લેવાય. માણસની જાતને પણ તપાવવી પડે હોં, આકરા તાપમાં. તમને એક મસ્ત વાત કરવી છે, પુરુષોના લંપટવેડાની.’

ટેબલ પકડીને ઊભેલા પરાગભાઇને પરસેવો વળી ગયો, 'આને ખબર પડી ગઈ છે કે શું?' ટેબલ ધ્રુજી ઊઠ્યું. શ્રીમતીજી બોલ્યાં, 'જોજો, ક્યાંક ટાંટીયા ભાંગશો.' બધું સલામત દેખાયું એટલે શ્રીમતીજી કહે, 'ચાલો, બધું બરાબર છે. મારી કાળજી એવી કે ભેજ ના લાગવા દઉં. 'પછી ટેબલ પરથી નીચે ઊતરતાં કહે, 'હવે સરસ મજાની મસાલેદાર ચા બનાવું. પછી મસાલેદાર વાત કરું. 'પરાગભાઇ કહે, 'ચા બનાવતાં-બનાવતાં વાત પણ કર.’

શ્રીમતીજી કહે, ‘તમને ઉતાવળ કેમ છે? નિરાંત રાખો. પહેલા ચા એવી કડક બનાવું કે અમરેલી દેખાઈ જાય.’ વળી પરાગભાઈ ભડકયા, 'અરરર....આને ખબર પડી ગઈ છે હોં! મને તો ધોળા દિવસે તારા દેખાય છે તારા!'

પછી શ્રીમતીજી ચાની ચુસ્કી લેતાં-લેતાં બોલ્યાં, 'આપણી શેરીની છોકરી....' પરાગભાઈને ચા કડવી લાગી. ધ્રાસકો પડ્યો. અરરર...આને બધી જ ખબર લાગે છે. ક્યાંક એકરાર કરું એ પહેલાં તો મોટી ધમાલ થઈ જશે એવું લાગે છે. પછી નિરાંતે બોલ્યા, 'હા, તે શું છે?'

'કંઈ નહીં' શ્રીમતીજીએ વાત આગળ ચલાવતાં કહ્યું , 'એ તો બધાં વાતો કરે છે કે, એ છોકરી, જવા દો ને, આપણે શું? સાસરે ગઈ ત્યાં પોલ ખૂલી. આપણાં ગામનાં ઘણાં મોટાં માથાં પણ છે...' પરાગભાઇ પાછા પૂછી બેઠા, 'પોલ ખૂલવાનું કારણ?' શ્રીમતીજી કહે, 'કારણ જે હોય તે. પાપ છાપરે ચડીને પોકારે, બીજું શું. બધાં થોડા તમારા જેવા સીધા સાદા હોય?'

પરાગભાઇને થોડી નિરાંત થઈ, 'હાશ,‌ મને આ સીધો સાદો ગણે છે. બધાનાં નામનો એકરાર કર્યો તો મારું નામ કેમ નહીં આવ્યું હોય?'

'તમે પુરુષોની જાત' શ્રીમતીજી બોલ્યાં, 'આંગળી આપતા પોંચો પકડી લો, બિચારી છોકરીને...' પરાગભાઈ મનમાં બોલ્યા, 'મેં કાંઇ નહોતું કર્યું. સીધો તેણે જ મને બોલાવીને હાથ પકડી લીધો હતો.'

શ્રીમતીજીની વાત સાંભળીને પરાગભાઇને વળી અજંપા જેવું થઈ ગયું. 'છોકરી પણ સતવાદી થઈને, એકરાર કરવા ગઈ. પુરુષના આવા ખેલ મારાં જેવી સહન પણ ના કરે. સીધા કરી દઉં. હા, રોજ દૂધી લઈ આવો એ સહન થાય. બાકી વાંક આવે તો દૂધીની જેમ કટકા કરી નાખું.'

શ્રીમતીજીની વાત સાંભળીને પરાગભાઇને પરસેવો છૂટી ગયો. સીધા ગયા ઓરડામાં, અડધી લખેલી ચબરખીના ટુકડે ટુકડા કરી નાખ્યા ને નાખ્યા પેન્ટના ખિસ્સામાં. કાલે સવારે નિકાલ કરી દઈશ, શાક લેવા જાઉં ત્યારે, અરે.. રે.. રે.. તે દિવસે શાક લેવા જ ગયો હતો ને? શાક લેવા જવાના ચક્કરમાં..!
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...