• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • You Have Decided Everything ... If You Have Found A New Mom, Why Do You Pretend To Take My Permission? Richa Angrily Ran Towards The Room And Knocked On The Door

મારી વાર્તા:‘તમે બધું નક્કી કરી જ લીધું છે...નવી મમ્મી શોધી જ લીધી છે તો મારી પરમિશન લેવાનું નાટક કેમ કરો છો?’ ગુસ્સાથી સમસમતી ઋચાએ રૂમ તરફ દોડી ધડામ કરતો દરવાજો પછાડ્યો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઋચાએ ચાવીથી દરવાજાનું લોક ખોલ્યું. ઘરની અંદર આવતા જ એક તીખી સુગંધ શ્વાસમાં ભરી. ‘વાઉ! મારા ફેવરિટ પિત્ઝા.’ દોડીને સીધી ડાઇનિંગ ટેબલ પાસેની ચેર પર ગોઠવાઈ ગઈ. માલવ ત્યાં જ બેઠો હતો. એની રાહ જોતો હતો.

‘પપ્પા, આજે આંટી નથી આવ્યાં. હાશ! એકનું એક બોરિંગ ખાઈને કંટાળી ગઈ હતી. તમે પિત્ઝા લઈને આવ્યા, થેંકયુ.’ અને વળગી પડી પોતાના પપ્પાને. ‘મને ખબર છે, મારી દીકરીને પિત્ઝા બહુ જ ભાવે છે...એટલે જ તો આજે ઓફિસથી વળતા આંટીને ફોન કરીને મેં ના પાડી કે, આજે ન આવતાં રસોઈ કરવાં. ચાલ, જલ્દી હેન્ડવોશ કરીને આવી જા.’

‘યસ,પપ્પા...મારા મોઢામાં પાણી આવી ગયું.’

હાથ ધોઈને તરત જ ઋચા ગોઠવાઈ ગઈ ચેર ઉપર. બે પ્લેટમાં ગરમાગરમ પિત્ઝા પીરસાઈ ગયા.

‘કેવું ચાલે છે બેટા, તારી સ્ટડી? એકઝામની ડેટ આવી ગઈ?’ માલવ ઋચાને એનો પ્રોગ્રસ રિપોર્ટ પૂછી લેતો.

‘યસ, પપ્પા. ફેબ્રુઆરી એન્ડથી સ્ટાર્ટ થઇ જશે એક્ઝામ અને માર્ચ એન્ડથી તો દસમા ધોરણનું ભણવાનું પણ ચાલુ થઇ જશે. એવું ટીચર કહેતા હતા. ‘છોડોને પપ્પા, અત્યારે ભણવાની વાતો. અત્યારે તો પિત્ઝાની મજા લઈએ.’ મસ્તીથી ઋચાએ બીજો પિત્ઝાનો ટૂકડો મોઢામાં મૂક્યો. ‘રોજ-રોજ આવું ખાવાનું કયાં મળે છે. રોજ તો એ જ ભાખરી અને શાક.'

‘બેટા, તને દરરોજ નવું-નવું જમવા મળે તો?’

‘એટલે...કેવી રીતે? તમે તો કહેતા હતા કે રોજ-રોજ બહારનું ફૂડ ન ખવાય.’

‘ઋચા, હું તારા માટે નવી મમ્મી લાવું તો’...? માલવ ધીમેથી બોલ્યો.

‘પપ્પા...’ ઋચાનો અવાજ ઢીલો થઇ ગયો.

‘તમે, મમ્મીને ભૂલી ગયા?’ એની આંખોમાં આછાં પાણી ફરી વળ્યાં.

‘ના...બેટા, અનુ તો મારા હૃદયનો એ ટૂકડો છે જેના વડે હું શ્વાસ લઉ છું. અનુનાં મૃત્યુ પછી મને હતું કે હું તને સંભાળી લઈશ. હું બધું મેનેજ કરી લઈશ પણ હવે મને લાગે છે કે ઘર, ઓફિસ બધું એકસાથે મેનેજ કરવું મારા માટે અઘરું થઇ રહ્યું છે... તું પણ ટીનએજમાં આવી ગઈ છે. મને લાગે છે કે આ ઉંમરે એક દીકરીને પિતા કરતાં માની વધારે જરૂર હોય. જે એની દોસ્ત બની શકે. ટ્રસ્ટ મી, ઋચા હું જે કંઈ કરી રહ્યો છું એ સમજી વિચારીને કરી રહ્યો છું. તારિકા બહુ જ સમજદાર અને લાગણીશીલ છે. તારા વિશે બધું જ જાણે છે એ. તને શું ભાવે છે, શું ગમે છે, નથી ગમતું. તારી બધી જ પસંદ-નાપસંદનો ખ્યાલ રાખશે. જો તું હા પાડે તો ઉત્તરાયણ પછી હું અને તારિકા કોર્ટ મેરેજ...’

‘તમે બધું નક્કી કરી જ લીધું છે. નવી મમ્મી શોધી જ લીધી છે પછી મારી પરમિશન લેવાનું નાટક કેમ કરો છો?’ પિત્ઝાની અધૂરી પ્લેટ છોડી ગુસ્સાથી સમસમી ગયેલી ઋચા દોડી ગઈ એના રૂમમાં અને ધડામ કરતો દરવાજો પછાડ્યો. કબાટમાંથી અનુનો ફોટો કાઢી છાતીએ વળગાડી રડતી ગઈ ધ્રુસકે ને ધ્રુસકે. ‘મમ્મી, તું મને છોડીને કેમ જતી રહી. મને નથી ગમતું તારા વગર. તું પાછી આવી જા. પ્લીઝ પાછી આવી જા. હું તારી જગ્યા કોઈને નહીં આપું.’ ઓશિકા પર મોઢું દબાવીને ક્યાંય સુધી રડતી ગઈ. અવાજ ડૂસકાંમાં ગળાઈ ગયો.

બીજા દિવસથી ઋચાનું માલવ પ્રત્યેનું આખું વર્તન જ બદલાઈ ગયું. જે પપ્પા અત્યાર સુધી વર્લ્ડના બેસ્ટ પપ્પા હતા એ હવે સ્વાર્થી બની ગયા હતા. માલવ સાથે એ ખાલી ‘હા’ કે ‘ના’માં જ વાત કરતી. એ પણ એની સામે જોયા વગર જ.

‘બીજાં લગ્ન કરવાનો નિર્ણય સાચો છે કે પછી કોઈ ભૂલ તો નથી કરી રહ્યો ને...’ માલવ જાણે ગિલ્ટી અનુભવવા લાગ્યો.

અનુ સાથે જીવાયેલાં પંદર વર્ષની એક-એક સુખદ ક્ષણ નજર સામે તરવરવા લાગી. બંનેએ સાથે મળીને ઋચા માટે કેટકેટલાં સપનાં જોયાં હતાં. છેલ્લા સ્ટેજ સુધી કંઈ ખબર જ ન પડી. બે મહિનાથી સારવાર ચાલતી હતી પણ કોઈ ઈમ્પ્રુવમેન્ટજ દેખાતું નહોતું.અને એક દિવસ ચાલી ગઈ પોતાને મધદરિયે એકલો મૂકીને... નાનકડી દીકરીની જવાબદારી સોંપીને... હંમેશ માટે. માલવની આંખોમાં ભીનાશ ફરી વળી. બાપ-દીકરી એકબીજાની હૂંફમાં જીવતાં ગયાં. રૂટિન ગોઠવાતું ગયું. રસોઈવાળાં બહેન સવાર-સાંજ આવીને રાંધી જતાં. બહારનું બધું કામ માલવ ઓફિસથી વળતા કરી લેતો. જરૂરિયાતો સચવાઈ જતી પણ હવે પોતે થાકી ગયો હતો જવાબદારીઓનાં પોટલાથી. વર્ષોથી જીવાતી એકધારી યંત્રવત્ જિંદગીથી. જરૂર હતી હવે એક સારા હમસફરની, પાર્ટનરની, એક સાથીની જે સાચવી લે પોતાને અને દીકરીને.

***

કમુરતાં ઊતરતાં માલવે તારિકા સાથે લગ્ન કર્યાં અને ઘરમાં નવી મમ્મીનું આગમન થયું. તારિકા સવારે પાંચ વાગે ઊઠી ફટાફટ રસોડાનાં કામમાં ગૂંથાઈ જતી. સાત વાગે જયારે ઋચા ઊઠે ત્યારે ડાઇનિંગ ટેબલ પર ઋચાનું દૂધ, નાસ્તો, લંચબોક્સ અને માલવનું ટિફિન તૈયાર હોય. આઠ વાગે તૈયાર થઈ એક્ટિવાનો સેલ મારી સાડા આઠ સુધીમાં એ પહોંચી જતી જોબ પર. ટીચર હતી એ સ્કૂલમાં. ત્રણ વાગે આવી જાય પછી તો આખો દિવસ ઘરમાં જ. તારિકાએ ઘર બરાબર સંભાળી લીધું હતું. એ સતત ઋચાનું ધ્યાન રાખતી. દરરોજ ઋચાની ભાવતી ડિશ બનાવતી. એને કોઈ વાતે અગવડ ન પડે, કોઈ વાતનું ઓછું ન આવે એનો ખ્યાલ રાખતી. માલવ જાણતો હતો કે ઋચાએ હજી સુધી નવી મમ્મીને સ્વીકારી નથી. એ સતત તારિકાને નિગ્લેક્ટ કરતી હતી.

‘આઈ એમ સોરી તારિકા, પ્લીઝ કદાચ એને થોડો સમય લાગશે. બાળક છે એ. મને ખબર છે તું તારી રીતે બહુ જ પ્રયત્ન કરે છે એને ખુશ રાખવા પણ...’ બાકીના શબ્દ માલવ ગળી ગયો.

‘જગતમાં નવી મમ્મીની શું વ્યાખ્યા હોય છે એ જાણું છું હું. માલવ, ડોન્ટ વરી મને ખરાબ નહીં લાગે. ટ્રસ્ટ મી...આઈ વિલ બી ધ પરફેક્ટ મોમ ફોર હર.’ એ હસી.

જોતજોતામાં બે મહિના વીતી ગયા. ઋચાને નવમા ધોરણની એક્ઝામ પતી ગઈ અને પહેલી એપ્રિલથી તો દસમા ધોરણનું ભણવાનું પણ ચાલુ થવાનું હતું અને આવી ગયું લોકડાઉન. માલવ અને તારિકાને વર્ક ફ્રોમ હોમ અને ઋચાને ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ગયાં. આખા શહેરમાં મહામારીએ માઝા મૂકી હતી અને ઋચા સપડાઈ ગઈ એમાં. લોકડાઉન ખૂલતાં એક ફ્રેન્ડને મળવા ગઈ હતી. બીજા દિવસથી ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો, ખાંસી ચાલુ થઇ ગઈ. તાત્કાલિક ટેસ્ટ કરાવ્યો અને ઋચાને હોસ્પિટલમાં એડમિટ કરાવાઈ. એ દરમિયાન માલવ અને તારિકા વીડિયો કોલિંગથી ઋચાના સંપર્કમાં રહેતા. તારિકાએ એને મેન્ટલી સ્ટ્રોંગ બનાવી. રોગ સામે લડવાની હિંમત આપી. એ ફોનમાં પણ ઋચા સાથે પોઝિટિવ વાત જ કરતી. સમયસર ફૂડ અને દવા લેવાની સલાહ આપતી. દસેક દિવસ પછી ઋચા સાજી થઈને ઘેર આવી ત્યારે તારિકાએ આરતી ઉતારી દીકરીનું સ્વાગત કર્યું.

ઘેર આવ્યા પછી પણ ઋચાને એક અઠવાડિયા સુધી ક્વોરન્ટીન રહેવાનું હતું. તારિકાએ ઋચાની જરૂરિયાતની દરેક વસ્તુ એના રૂમમાં ગોઠવી દીધી હતી. જેથી, એને કોઈ તકલીફ ન પડે. દર બે કલાકે દીકરીને અલગ અલગ ઇમ્યુન બુસ્ટર લિક્વીડ, હેલ્ધી ફૂડ બનાવી જમાડતી. થાક્યા કે હાર્યા વગર એ ઋચાની દરેક સગવડ સાચવતી. સગી મા કાળજી રાખે એ રીતે જ એ ઋચાનું ધ્યાન રાખતી. આખરે એક અઠવાડિયા પછી ઋચા આ રોગમાંથી સંપૂર્ણ મુક્ત થઇ ગઈ.

સવારે નાહીધોઈ તૈયાર થઇ રૂમમાંથી બહાર આવી ત્યારે માલવ અને તારિકા ડાઇનિંગ ટેબલ પાસે જ બેઠાં હતાં. એ વળગી પડી તારિકાને. ‘આઈ એમ સોરી. મેં તમને ખોટાં ધાર્યાં હતાં. મારા મનમાં નવી મમ્મીની છાપ જુદી હતી. તમે પોતાની દીકરીની જેમ મારી કાળજી લીધી. મારી સગી માની જેમ જ મને પ્રેમ અને હૂંફ આપ્યાં છે. તમને સમજવામાં મેં ભૂલ કરી. પ્લીઝ, મને માફ કરી દો મમ્મી...' ઋચાની પાંપણો ભીની થઇ ગઈ.

'ના...બેટા, મેં તો ફક્ત મારી ફરજ નિભાવી છે. આજે હું બહુ જ ખુશ છુ. આજે મારી દીકરીનો નવો જન્મ થયો છે.' તારીકાએ ઋચાનાં કપાળ પર એક મીઠું ચુંબન કર્યું. માલવ મા-દીકરીના મિલનને અનિમેષ નજરે નિહાળી રહ્યો. ત્રણેયના ચહેરા પર સંતોષ છલકાતો હતો.
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)