તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેક્નોહોલિક:યે મોહ મોહ કે ધાગે, તેરે સાયન્સ સે જા ઉલઝે... કપડાંમાં વણાઈને હેલ્થની પલ પલ કી ખબર આપતાં ડિજિટલ ફાઇબર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં રક્ષાબંધનના તહેવારનું અને રાખડીનું ખૂબ મહત્ત્વ છે. કહેવાય છે બહેન એ સુતરના તાંતણે ભાઈ સ્વસ્થ અને સુરક્ષિત રહે એવા આશીર્વાદ આપે છે અને બદલામાં ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

પણ કલ્પના કરો કે આ સુતરના તાંતણામાં એવી ચિપ મૂકેલી હોય જે ભાઈની સાચે જ રક્ષા કરવામાં મદદ કરે તો? ભાઈનું બ્લડ પ્રેશર વધી જાય કે હાર્ટબીટ અનિયમિત થઇ જાય તો જણાવે કે ભાઈને તાવ આવે તો એ તાંતણો તમને જણાવે...! જી હા, આ કલ્પના સાચી પડવા જઈ રહી છે.

ઔદ્યોગિક ક્રાંતિ અને તેના પછી આવેલા યુગનો મુખ્ય હેતુ માણસનું વર્તમાન સુધારવાનો હતો. એટલે એ સમય દરમિયાન એવાં એવાં યંત્રો બન્યાં જે માણસની મહેનત સરળ કરે અને જે તે કામની પ્રોડક્ટિવિટી વધારે. ઉદાહરણ તરીકે, જો ઔદ્યોગિક ક્રાંતિના પગલે ટ્રેક્ટર શોધાયું. જો ટ્રેક્ટર ન શોધાયું હોત તો આપણે આઠ અબજ માણસોને ધાન્ય પૂરું પાડવા માટે ખેતરો ખેડી શક્યા હોત? તેથી, ઓગણીસમી અને વીસમી સદીનો મોટાભાગનો સમય જુદા જુદા ઉપકરણો બનાવવામાં ગયો, જેણે મનુષ્યની મજૂરી ઓછી કરી. પછી એ પ્લેન હોય કે હાઈડ્રોલિક જેક. પરંતુ કમ્પ્યૂટરની શોધ પછી જે IT યુગ આવ્યો એનો હેતુ શિફ્ટ થવા લાગ્યો. હવે વર્તમાન સુધરી ગયું હતું પણ માણસની નજર ભવિષ્ય પર પડી. એને ભવિષ્યની ચિંતા સતાવવા લાગી. હવે તે પોતાનું ભવિષ્ય સિક્યોર કરવા લાગ્યો. તેથી, સુપરકમ્પ્યૂટર બનાવ્યું. જુદા-જુદા સોફ્ટવેર બનાવ્યા. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એટલું બધું ખેડાણ કર્યું જેથી નજીકના કે દૂરના ભવિષ્યમાં શું થાશે તેની તરત ખબર પડી જાય. આ ડિજિટલ ફાઈબર પણ માણસની ફ્યુચર હેલ્થ વિશે જ પ્રીડિક્ટ કરે છે. કઈ રીતે?

અમેરિકાની MIT સંસ્થાના સંશોધનકર્તાઓએ ડિજિટલ ક્ષમતાઓ સાથેનું એવું ફાઈબર બનાવ્યું છે કે જે તમારા કપડાંમાં સીવી લેવામાં આવે પછી માહિતી સેન્સ કરી શકે, એને સમજીને એનું વિશ્લેષણ કરી શકે અને અનુમાન કરી શકે કે શરીરમાં શું ચાલી રહ્યું છે. સાદી ભાષામાં એ ફાઈબર શર્ટમાં વણી લો. પછી એ એની ડિજિટલ ક્ષમતા વડે શરીરનું તાપમાન માપી શકે અને એ માહિતીનું વિશ્લેષણ કરીને તમારા સુધી પહોંચાડે! ટૂંકમાં, આ ડિજિટલ ફાઈબરવાળું શર્ટ પહેર્યું હોય પછી તે ઓક્સિમીટરનું ઘણું ખરું કામ સંભાળી લે.

મેસાચુસેટ્સ યુનિવર્સિટીના પ્રોફેસર યુએલ ફિન્ક કે જે મટિરિયલ સાયન્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અને આ અભ્યાસના વરિષ્ઠ લેખક છે તેઓ એવું કહે છે કે, આ ડિજિટલ ફાઈબર કાપડ દ્વારા મનુષ્યના શરીરમાં છુપાયેલી પેટર્નને ખૂલી પાડીને શક્યતાઓના દ્વાર ખોલી આપે છે, જે શારીરિક પર્ફોર્મન્સ મોનિટરિંગ અને રોગોના વહેલા નિદાન માટે મદદરૂપ થાય છે. ફિન્ક કહે છે કે, આ વાત ડેટાને કપડાંમાં ડિજિટલી સંગ્રહિત કરવાની વાતને વાસ્તવિકતામાં ફેરવે છે અને કપડાંમાં નવી ઇન્ફર્મેશનના પરિમાણને ઉમેરીને કપડાંને પ્રોગ્રામ્ડ કરવાની ક્ષમતા પૂરી પાડે છે.

એટલે કે, તમે એ નાનકડાં ફાઈબર દ્વારા કે જે ડિજિટલી પ્રોગ્રામ્ડ થયેલું છે એના દ્વારા તમારા શર્ટ કે સાડીનો ઉપયોગ કમ્પ્યૂટરની જેમ કરી શકો છો! હવે જોઈએ એ આ ડિજિટલ ફાઈબર કામ કેવી રીતે કરે છે.

એક સાદા ફાઇબરમાં હજારો સ્ક્વેર સિલિકોન ડિજિટલ ચિપ્સ મૂકવામાં આવે છે, જે પોલિમર ફાઈબરમાં રૂપાંતરિત થાય છે. આ પોલિમર ફ્લોને નિયંત્રણ કરીને સંશોધનકર્તાઓએ એવું ફાઈબર બનાવ્યું કે જેમાં ચિપ્સ વિદ્યુત પ્રવાહ દ્વારા જોડાયેલી હોય. આ ફાઈબર અત્યંત પાતળું અને ફ્લેક્સિબલ હોય છે, જે એક સોયમાંથી પણ પસાર થઇ શકે છે અને કોઈપણ કપડાંમાં વણાઈ શકે છે અને દસ વખત ધોવાઈ પણ શકે છે અને જયારે તમે આ ફાઇબરને સાડી કે શર્ટમાં મૂકો તો એને અનુભવી પણ નહીં શકો એટલું પાતળું એ હોય છે. આ ડિજિટલ ફાઈબર મેમરીમાં ઘણી માહિતી પણ સ્ટોર કરી શકે છે જેને સંશોધનકર્તાઓ વાંચી શક્યા અને સમજી પણ શક્યા.

અત્યાર સુધી ફાઈબરનો ઉપયોગ ઇન્ટરનેટ માટે થયો છે. સમુદ્રના તળિયે લાખો કિલોમીટર લાંબા ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક ફેલાવવામાં આવ્યું છે. હવે એવો પણ જુદી જાતનો ફાઈબર શરીરના સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પણ આપશે.

આ ફાઇબરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉમેરવાથી એનામાં રહેલી શક્યતાઓમાં ઘણો વધારો થાય છે. ડિજિટલ કમ્પોનન્ટ્સવાળાં ફેબ્રિક આખા શરીરમાંથી ઘણી બધી માહિતી એકઠી કરી શકે છે. આ વિશ્લેષણ શક્તિ સાથે આ ફાઇબર્સ શ્વસન તંત્રના પ્રોબ્લેમ્સ કે અનિયમિત હાર્ટબીટ વિશે તેમજ તાલીમ દરમિયાન એથ્લેટ્સને તેમના સ્નાયુ સક્રિય છે કે નહીં અથવા દોડવા દરમિયાન તેમનું હાર્ટ કેવી રીતે કામ કરી શકે છે એ જણાવી શકે છે.

અત્યારે આ ફાઈબર એક નાના બાહ્ય ઉપકરણ દ્વારા નિયંત્રિત થાય છે પણ આગળનું પગલું એક નવી ચિપને માઈક્રોકન્ટ્રોલર દ્વારા ડિઝાઇન કરવાનું રહેશે, જે ફાઇબરમાં જ કનેક્ટ થઇ શકશે અને ત્યારે તે એક નાનકડાં ફાઈબર કમ્પ્યૂટર તરીકે ઓળખાશે તેમ લોકો કહે છે.

તો તૈયાર છો ને, ડિજિટલી ડિઝાઇન કરેલી સાડી કે શર્ટ ખરીદીને પહેરવા? જે તમને ફક્ત સુંદર જ નહીં દેખાડે પણ તંદુરસ્ત રહેવામાં પણ મદદ કરશે!
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)