ટેક્નોહોલિક:શું હવે ઊલટાં ચશ્માંનું સ્થાન સ્માર્ટ ચશ્માં લેશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અનિલ કપૂર અને શ્રીદેવીનું મિસ્ટર ઇન્ડિયા કેટલી વખત જોયું? એમાં અનિલ કપૂર ઘડિયાળ જેવો સ્માર્ટ રિસ્ટ બૅન્ડ પહેરે અને એની સ્વિચ દબાવે એટલે એ આપણી નજર સામેથી અદૃશ્ય થઇ જાય. એ જોઈને એ જમાનામાં, એ ઉંમરમાં બહુ કુતૂહલ થતું કે એવું થાય ખરું? હવે એવી કલ્પના કરો કે એવાં કોઈ સ્માર્ટ ચશ્માં પહેરીને અનિલ કપૂર વિલન મોગેમ્બો સામે ઊભો છે. ચશ્માંના કાચ જ તેને એવી માહિતી આપે છે કે સામે ઊભેલા મોગેમ્બોની હાઈટ છ ફૂટ છે, તેનું વજન 90 કિલો છે, તેની કમર ચોત્રીસ ઈંચની છે અને તે કોઈ બીમારીથી પીડાતો લાગે છે.

ફેન્ટેસી જેવી આ વાત લાગી ને? આવું કંઈ શક્ય છે ખરું? પણ નજીકના ભવિષ્યમાં આનાથી પણ વધુ સગવડતા મળે એવા સ્માર્ટ ગ્લાસીસ આવશે. ક્રાઈમ ડિટેક્શનથી લઇને ઇન્ટરનેટ કનેક્શન સુધીના પ્રોગ્રામ ગ્લાસીસમાં હશે. તો શું, આયર્ન મેનને એની આંખ સામે એની હેલ્મેટમાં જેવું દેખાય છે એવું આપણને દેખાશે? જી હા, ઓગમેન્ટેડ રિયાલિટીની મદદથી હવે એવાં ચશ્માં મળે છે જે એક કમ્પ્યૂટર જેવું કામ આપશે. તો ચાલો આ ઓગમેન્ટેડ રિયાલિટીવાળાં ચશ્માંની દુનિયામાં એક ડોકિયું કરીએ અને આ ગ્લાસીસને સ્માર્ટ ગ્લાસીસ કેમ કહેવાય છે એ જાણીએ. આ ઓગમેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ચશ્માંને પહેરી શકાય એવા AR ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને એને નિયમિત ચશ્માંની જેમ જ પહેરવામાં આવે છે. વ્યક્તિ તે પહેરીને જે જુએ છે એમાં તે માહિતી ઉમેરી આપે છે અને એટલે તેને હરતું-ફરતું કમ્પ્યૂટર પણ કહી શકાય.

આ સ્માર્ટ ચશ્માં કે ગ્લાસીસ તેમના કમ્પ્યૂટર આધારિત કાર્ય, સોશિયલ મીડિયા કે ગેમિંગ સોફ્ટવેરને દૂરથી એક્સેસ કરવામાં પણ મદદ કરે છે. તમે મોર્નિંગ વૉક કરતા હો અને તમને યાદ આવે કે મીટિંગ કેટલા વાગે છે એ જોવાનું તો તો રહી ગયું, તો ત્યાં તમારાં આ સ્માર્ટ ચશ્માં કામમાં આવશે. એની મદદથી તમે તમારું કમ્યૂટર એક્સેસ કરી શકશો અને જોઈ શકશો કે મીટિંગ કેટલા વાગે છે. મોર્નિંગ વૉક કરતા હો અને સામે દૂરથી પેલાં પંચાતિયા માસી દેખાય તો ચશ્માં તમને અલર્ટ પણ આપી શકે છે. જેથી, તમે યુ-ટર્ન લઈ શકો. તમે જે જગ્યાએ વાસ્તવમાં છો તે જગ્યાએ તમારા સોશિયલ મીડિયાના ફ્રેન્ડલિસ્ટમાં હોય એવું કોઈ છે? એ માહિતી પણ ચશ્માં આપી શકે.

હવે જોઈએ કે આ સ્માર્ટ ગ્લાસીસ કામ કેવી રીતે કરે છે. આ AR ગ્લાસીસ એ એક પારદર્શક ડિવાઇસ છે, જે પહેરનારના વ્યૂ પોઈન્ટ હોય એની લિમિટમાં AR કન્ટેન્ટ પેદા કરે છે, જે તેમને જોવા મળતી વસ્તુઓમાં માહિતી ઉમેરવામાં મદદ કરે છે. સાદી રીતે કહીએ તો તે વાયરલેસ કનેક્ટિવિટી અને ઇમેજીસ છે, જે આપણે ઘરના કમ્પ્યૂટર કે સેલફોન પર માણીએ છીએ તે આપણાં ચશ્માંની ફ્રેમ્સ અને લેન્સમાં લાવવાનો પ્રયત્ન છે. આપણે બધા જે કી-બોર્ડ અને માઉસનો ઉપયોગ કરીએ છીએ તેને બદલે ચશ્માંની ફ્રેમમાં બનેલા કન્ટ્રોલ્સને ટીંગ કરીને કે, સ્વાઇપ કરીને કે ટેપિંગ કરીને એલેક્સા કે સિરીની જેમ આપણી વિનંતીને શાબ્દિક બનાવીને તેની ડિસ્પ્લેને દિશામાન કરીને સ્માર્ટ ચશ્માંને નિયંત્રિત કરી શકાય છે. ફક્ત ડિવાઈસ અને ગેજેટ્સને એકબીજા સાથે કનેક્ટ કરવાના છે. સિન્ક્રોનાઈઝેશન ઈઝ ધ ફ્યુચર.

સ્માર્ટ વૉચ અને અન્ય વેરેબલ વાયરલેસ ડિવાઇસિસની લોકપ્રિયતા વધારવાની આશા સાથે ગૂગલે સૌપ્રથમ વર્ષ 2013માં ગૂગલ ગ્લાસ એક્સપ્લોરરની રજૂઆત સાથે આઈ વ્યુઅર્સની શરૂઆત કરી હતી. દુર્ભાગ્યવશ એક્સપ્લોરર મોટાભાગના માટે ખૂબ અસ્પષ્ટ અને ખર્ચાળ ($1,500) સાબિત થયું, ગૂગલને 18 મહિના પછી બજારમાંથી તેને લઇ લેવું પડ્યું.

અત્યારે વેવઓપ્ટિક્સ, એપ્રેન્ટિસ આઈ ઓ, વુઝિક્સ, મી. સ્પેક્સ જેવી કંપનીઝ સ્માર્ટ ગ્લાસીસ બનાવી રહ્યામાં છે. આ સ્માર્ટ ગ્લાસની ઉપયોગિતા સામે કેટલાક પડકારો પણ છે જેમ કે, લોકોએ આ ચશ્માંને કેવી રીતે વાપરવા એ તો શીખવું જ પડશે પણ અચાનક આંખ સામે આવતા વાયરલેસ ડેટા, ઇમેજિંગથી કેવી રીતે અનુકૂલન સાધવું એ પણ શીખવું પડશે.

આની સામે સ્માર્ટ ચશ્માંનો ઉપયોગ વિવિધ માહિતી અને ડેટા એક્સેસ કરવાની ક્ષમતાને વધારે છે, જે તમારી કાર્યક્ષમતામાં વધારો કરશે અને તમે સ્માર્ટલી કામ કરી શકશો. હવે તમે જ નક્કી કરો કે આ સ્માર્ટ ચશ્માં ફાવી શકે એટલા તમે સ્માર્ટ છો? કે આ ચશ્માં જ તમને સ્માર્ટ બનાવી દેશે?
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)