પોઝિટિવ પેરેન્ટિંગ:શું ક્રિએટિવ ગેમ્સ જેન્ડરના નક્કી કરેલાં મૂલ્યોની મર્યાદામાંથી બહાર નીકળવામાં બાળકને મદદરૂપ થશે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાત વર્ષના દીકરાની મા અરુણા પોતાની ચિંતા શેર કરતાં જણાવે છે કે, 'મારો દીકરો ઢીંગલીઓ જોડે રમે છે. જ્યારે એને મને મેકઅપ કરતાં જોઈ તો તે મારી લિપસ્ટિક લગાડવા માગતો હતો. હું થોડુંક અચકાઈ, પણ પછી મેં તેને મારા મેકઅપ સાથે પ્રયોગ કરવા દીધો અને એને આ કરવામાં ખૂબ જ મજા આવી. હું એને રોટલી પણ વણવા દઉં છું અને મેં તેને એક રમકડાંનો રસોડાનો સેટ પણ અપાવ્યો છે પણ મારા આ વલણને લઈને મારા વર અને સાસુ-સસરા શંકાસ્પદ છે, કારણ કે એમનું માનવું એવું છે કે આનાથી મારા દીકરાને ખોટો મેસજ મળશે અને તે વધુ પડતો છોકરી જેવો બની જશે અને સ્કૂલમાં બધા તેની મશ્કરી કરશે. મને હવે ચિંતા થાય છે કે, શું હું બરાબર કરી રહી છું?'

પડકાર
અરુણાની ચિંતા વ્યાજબી છે અને તે આજના સમાજના જેન્ડર વલણ અને સ્ટિરીયોટાઈપના બદલાતાં ધોરણોનો અને તેને લઈને ભવિષ્યમાં આવનારા પડકારોનું પણ પ્રતિબિંબ છે. જ્યાં એકબાજુ ઘણા યુવા વાલીઓ ઓપન છે. તેઓ પોતાનાં બાળકોને એવી સર્જનાત્મક રમતો રમવા દે છે, જે લિંગ-આધારિત નથી. ત્યાં બીજી બાજુ છે આનો વિરોધ કરતા એવા કુટુંબીજનો અને મિત્રો જેમના માટે આ વસ્તુ તેમના પ્રાચીન મૂલ્યોની ખિલાફ છે અને એક બીજો પડકાર એ છે કે મોટાભાગની સ્કૂલો પાસે રમતમાં જેન્ડર સમાનતાને સપોર્ટ કરતા માળખાનો અભાવ. છોકરીઓ જેન્ડર સ્ટિરીયોટાઈપ (લિંગની રૂઢિબદ્ધ ધારણાંઓ)માંથી બહાર નીકળવા માટે વધુ સજ્જ છે...

અહીં પૂછવા જેવો પ્રશ્ન એ છે કે 'શું સર્જનાત્મક રમતો જેન્ડરના નક્કી કરેલાં મૂલ્યોની મર્યાદાથી બહાર નીકળવામાં બાળકને મદદરૂપ થશે?' હમણાં હાલમાં છાપામાં છપાયેલા બે આર્ટિકલ આ વાતને પ્રમાણિત કરે છે. પહેલા આર્ટિકલમાં જણાવ્યા પ્રમાણે, લેગો કંપનીએ ઘણા દેશમાં એક સર્વે કર્યો. જેમાં એવું જાણવા મળ્યું કે, સર્જનાત્મક રમતો બાળકોના મનમાં હજી પણ ગ્રંથિ લાવે છે કે છોકરાઓ અને છોકરીઓએ જુદી-જુદી પ્રવૃત્તિઓમાં રોકાયેલા રહેવું જોઈએ. તે સર્વેએ જાહેર કર્યું કે છોકરાઓ કરતાં એવી છોકરીઓની ટકાવારી વધારે હતી જે એવું માનતી હતી કે છોકરીઓ ફૂટબોલ રમી શકે અને છોકરાઓ ડાન્સ કરી શકે છે. ટૂંકમાં છોકરાઓએ રમતમાં જેન્ડર સ્ટિરીયોટાઈપ પાળવાના ચાલુ રાખ્યા છે, જે આપણે જાણીએ છીએ તેમ આગળ જઈને તેમના અંગત અને વ્યવસાયિક જીવનમાં પણ રહેશે.

પરંતુ અહીં આર્ટિકલ એક રસપ્રદ વળાંક લે છે. લેગો કંપનીએ નક્કી કર્યું કે તે છોકરીઓને રમવા માટે પણ ખાસ બ્લોક્સ બનાવશે અને તેઓ એ તે બનાવ્યા પણ ખરા, પણ તે બ્લોક્સ કેવા હતા? લાંબી પાંપણવાળી દુબળી છોકરીઓના જે શોપિંગ (ખરીદી) કરી રહી હતી! દેખીતી રીતે આના લીધે લેગોએ ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો પણ અહીં નોંધપાત્ર વાત એ છે કે જેન્ડર સ્ટિરીયોટાઈપ કેટલા ઊંડાણમાં અંકિત છે અને વળી આમાંથી બહાર એવું પણ નીકળ્યું છે કે છોકરીઓ ભલે આવા જેન્ડર સ્ટિરીયોટાઈપની મર્યાદાઓ તોડીને બહાર આવી રહી છે, પણ છોકરાઓ હજી પણ આવી પરંપરાગત બેડીઓમાં પુરાયેલા છે કારણ કે, તેમના ઉપર હાઇપર (અતિરેક) પુરુષત્વની માન્યતાનું વધુ પડતું પ્રેશર નાખવામાં આવ્યું છે.

શું એક બાય-સેક્સ્યુઅલ (બે-લિંગનો) સુપરમેન સ્વીકાર્ય થશે?
આ મને લઇ જાય છે તે બીજા આર્ટિકલ ઉપર જે મને રસપ્રદ લાગ્યો હતો. તેમાં જણાવ્યા પ્રમાણે, કોમિક હીરો સુપરમેનને હવે એક બાય-સેક્સ્યુઅલ તરીકે દર્શાવવામાં આવશે. સુપરમેન પશ્ચિમી પ્રતિમાને અનુરૂપ ગોરો અને ખૂબ જ પૌરુષત્વ ધરાવતો હીરો છે, જે કોમિકનો બાદશાહ ગણાય છે. સંસાર આવા સુપરમેનને તેના આ વિચિત્ર બાય-સેક્સ્યુઅલ સ્વરૂપમાં અપનાવશે કે નહીં એ હવે જોવાનું રહ્યું. વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે આ નવી ઓળખને બીજા દેશો સ્વીકારશે કે નહીં? શું હવે વાલીઓ પોતાના બાળકો માટે સુપરમેનની કોમિક લેવાનું પસંદ કરશે? કે પછી તેમને એવી ચિંતા થશે કે આ નવા સુપરમેનની ઇમેજ તેમનાં બાળકની વિકસી રહેલી ઓળખ ઉપર આડઅસર છોડશે?

વાલીઓ અને શિક્ષકોએ આવામાં શું કરવું જોઈએ?
આ ઝાંખી પડી રહેલી બાઈનરી (દ્વિસંગી) જેન્ડર ઓળખ એ એક તદ્દન તાજો અને અસાધારણ બનાવ છે, જે વાલી અને શિક્ષકોની સમક્ષ એક નવો પડકાર લઈને આવ્યો છે. જરૂરી એ છે કે બાળકોને જુદાં-જુદાં રમકડાં જોડે નાનપણથી રમવા દેવા જોઈએ. બાળકો પાસે જેન્ડરને લઈને પહેલાંથી જ નક્કી કરેલું કોઈ જજમેન્ટ (ધારણા) નથી હોતું. આ જજમેન્ટ આવે છે એવા પુખ્તવયની વ્યક્તિઓ પાસેથી જેમની પોતાની પાસે એક પહેલેથી જ નક્કી કરેલાં શંકાસ્પદ મૂલ્યોનું માળખું છે, જે જેન્ડર (લૈંગિક) ભણતર અને વ્યવસાયમાં રૂપાંતર થઇ જાય છે. કદાચ એટલે જ સામાન્ય માન્યતા એ છે કે 'આર્ટ્સ' છોકરીઓ માટે છે અને 'સાયન્સ' છોકરાઓ માટે છે અને આગળ જઈને આપણે એ પણ જોઈએ છીએ કે છોકરાઓને કઈ રીતે એન્જિનિયરિંગમાં ધક્કો મારીને મોકલવામાં આવે છે ભલે ને પછી એને પોતે ફેશન અથવા રાંધણ કલામાં રસ હોય પણ અહીં યાદ રાખવા જેવો મુદ્દો એ છે કે આજના યુગના સૌથી પ્રખ્યાત ફેશન ડિઝાઈનર પુરુષો છે અને સૌથી મોટા વૈજ્ઞાનિક અને ભૌતિકશાસ્ત્રીઓ સ્ત્રીઓ છે.

દરેક બાળકને તક મળવી જોઈએ કે તે રમત અને સંશોધન થકી પોતાની નિજી ઓળખને વ્યક્ત કરી શકે. જ્યારે બાળકને બળજબરાઇથી તે બનાવવામાં આવે છે જે તે ખરેખરમાં અંદરથી નથી ત્યારે જીવનમાં આગળ જઈને તે બાળક ફક્ત દુઃખી જ નહીં થાય પણ તે એક આઇડેન્ટિટી ક્રાઈસિસ (ઓળખ ગુમાવવી) પણ અનુભવશે. ભવિષ્યનો સંસાર 'ન્યુ નોર્મલ' મોડેલ ઉપર બનશે. અહીં પ્રશ્ન ફક્ત એ નથી કે શું તમારું બાળક તેમાં ફિટ થશે કે નહીં પણ અહીં પ્રશ્ન એ પણ છે કે શું તમે એક વાલી તરીકે તેમાં ફિટ થશો કે નહીં? હવે સમય આવી ગયો છે કે વાલીઓ પોતાની પરંપરાગત માન્યતાઓ ઉપર પુનઃ વિચારવાનું શરૂ કરે... શું આ માન્યતાઓ તેમની પોતાની છે કે પછી તે ફક્ત એક પેઢીથી બીજી પેઢી સુધી સોંપવામાં આવી રહી છે... તે વિચાર્યા વગર કે તે માન્યતા તે પેઢી માટે યોગ્ય છે કે નહીં? શું આ માન્યતાઓને અપનાવીને એમનું બાળક એક ખુશહાલ અને પરિપૂર્ણ જીવન જીવી શકશે?

નિષ્કર્ષ
છેવટે ફક્ત એટલું જ કહીશ કે વાત અહીં લિંગ વિશે ઓછી અને લાઈફ સ્કિલ્સ વિશે વધુ છે. જે છોકરાને રાંધતા અને સીવતા આવડતું હશે તે પોતાનું અને પોતાના કુટુંબનું એટલું જ ધ્યાન રાખી શકશે જેટલું એ છોકરી રાખશે, જેણે પ્લેન ઉડાડતા અને બિલ્ડિંગ બાંધતા શીખ્યું છે. મા તરીકે અરુણાએ બસ પોતાના નાના દીકરાને એનો પોતાનો પથ શોધવામાં મદદ કરવાની છે. જેથી તે પોતાના પાંખ શોધી તેના પર ઊડી શકે.​​​​​​​

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...