ગરવા ગિરનારમાં વરસાદની મહેકને માણવી, ભવનાથની ભૂમિ પરથી પ્રકૃતિને નિહાળવી, હરખમાં દોટ લગાવીને જતાં વાદળો સાથે વાતો કરવી, તરોતાજા જ ખીલી ઊઠેલા સાગડાઓ સાથે કુદરતની તાજગીને ગજવે ભરવી. એથી રૂડું શું હોઈ શકે આ સમામાં? કાળા ડિબાંગ વાદળો જાણે ગિરનારની આંખનું કાજળ બન્યા હોય એવું કંઈક દીસે એવો કુદરતી માહોલ દરેક ઉંમરની વ્યક્તિઓને એક અલગ જ સુકુનભર્યા સૌમ્ય માહોલમાં લઇ જાય છે. હાલમાં જ સમગ્ર દેશમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, જેમાં વન્યજીવો અને વન્યજીવનની જાળવણી માટેની જાગૃતિ દેશમાં ફેલાવવાનાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેનો ભાગ આપણે સૌ કોઈએ બનવું જ જોઈએ અને આપણી કુદરતી સંપદાને જાળવવી જ જોઈએ. આપણે ખરેખર નસીબદાર છીએ કે હજારો કિમી લાંબો દરિયાકિનારો, વિવિધ પ્રકારનાં જંગલોથી સજ્જ એવા ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો, ત્રણ જેટલી રામસર સાઈટ અને સમગ્ર વિશ્વમાં એકમાત્ર સ્થળે જેનું કુદરતી અસ્તિત્વ હોય એવા દેશનાં જ નહીં, પણ આખા એશિયાનાં ગૌરવસમા એશિયાઈ સિંહો આપણા ગુજરાતમાં ધરાવીએ છીએ. અઠવાડિયાંમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે તો એ પહેલાં જ આપણે વનરાજને મળીએ અને એના ઘર વિશે જાણકારી મેળવીએ.
એક સમયે સમગ્ર એશિયામાં ગર્જના કરતા એશિયાઈ સિંહોની વસતી ધીમે-ધીમે કરતાં સમગ્ર વિશ્વમાંથી ખતમ થઇ ગઈ અને છેલ્લે સાસણગીરમાં આંગળીનાં વેઢે ગણી શકાય એટલી જ રહી ગઈ. જે-તે સમયે સરકાર અને નવાબનાં સંરક્ષણનાં પ્રયત્નો અને સિંહ સાથે તાલમેલ મેળવીને જીવતા માલધારીઓનાં કારણે અહીં સિંહની વસતી ફરી જંગલમાં ગર્જના કરતી થઈ અને છેક પાલિતાણા સુધી તો આ તરફ છેક ઊના સુધી આજે સિંહની ડણક સંભળાય છે. વિશાળ ગિરનાર પહાડને ઘેરીને આવેલું કુદરતનું અદભુત જંગલ સાસણગીર 1,412 ચોરસ કિમી વિસ્તારમાં અભ્યારણ્ય તરીકે અને 1153 ચોરસ કિમી રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સંરક્ષિત છે. અહીં આજે 600 કરતાં પણ વધારે સિંહો મુક્તપણે જંગલમાં મહાલતા જોવા મળે છે અને એને કુદરતી વાતાવરણમાં મહાલતા જોવાની તક ક્યારેક ન ચૂકી શકાય. વિશ્વભરમાંથી પ્રકૃતિપ્રેમીઓ અહીં વનરાજની એક ઝલક જોવા માટે ઉમટી પડે છે. દર વર્ષે ચોમાસા દરમિયાન દેશનાં દરેક રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ જ 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર જનતા માટે બંધ હોય છે. 16મી ઓક્ટોબરથી રાબેતા મુજબ પાર્ક ખૂલે છે અને અહીં સફારી કરીને પાર્કનો આનંદ લઇ શકાય છે.
ગીરનાં જંગલોમાં ફરવું એટલે કુદરતી સંપદાને નજીકથી નિહાળવી. ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેવા માટે સૌપ્રથમ વન વિભાગ દ્વારા સંચાલિત વેબસાઈટ https://girlion.gujarat.gov.in/ પરથી સફારીનું બુકિંગ થઇ શકે છે. એ કરાવ્યા બાદ સાઈટ પર જ રજિસ્ટર્ડ ડ્રાઈવર્સના નંબર્સ હોય છે, જે મેળવીને જંગલની સફરે જઈ શકાય. વહેલી સવારે 6 વાગ્યે, ત્યારબાદ આઠ વાગ્યે અને ત્યારબાદ સાંજનાં સમયની સફારીના અલગ અલગ વિકલ્પો ઉપલબ્ધ છે. ખરા અર્થમાં જંગલનો માહોલ માણવો હોય તો સવારની છ વાગ્યાની સફારીમાં મુલાકાત લેવી વધુ યોગ્ય છે. ગીરનાં જંગલમાં પ્રવેશતાં જ વિવિધ પક્ષીઓ એના કલરવથી જ આપણું સ્વાગત કરીને એમની હાજરીનો પરિચય આપશે. અહીં આવીને આંખો અને કાન ખુલ્લા રાખવા એટલે ક્યાંક ઝાડની ઓથે સાવ ઝાડનાં થડને મળી આવતું ઘુવડ જોવા મળશે. એ જ રીતે કુદરતી માહોલમાં પોતાની જાતને ઢાળી દેતું વન દશરથિયું પણ જોવા મળશે. ક્યાંક વળી કોઈ ઊંચી ડાળના ટોચે સાપમાર ગરૂડ દેખા દેશે તો વળી, આમતેમ ઉડાઉડ કરતું દૂધરાજ આંખોને અલગ જ આનંદ આપશે. વિવિધ જાતનાં પક્ષીઓને માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યનાં પંથકમાં સાસણગીરથી સુંદર કોઈ જગ્યા નથી. થોડા આગળ વધો કે હિરણની કર્ણપ્રિય ધૂન સંભળાય અને એની આસપાસ વાંદરાઓ કાન સરવા કરીને બેઠા હોય.
હરણો એકસાથે ટોળાંમાં ચોતરફ નજર ફેરવીને એકદમ સચેત હોય એવા જોઈ શકાય. અહીં હરણ અને વાંદરાઓ એકમેક સાથે મળીને એકબીજાનું અસ્તિત્વ ન જોખમાય એ રીતે જીવતા હોય છે. હરણાંઓની ઘ્રાણેન્દ્રિય શક્તિ ખૂબ જ તીવ્ર હોય છે તો વાંદરાંઓની દૃષ્ટિ ખૂબ જ સચોટ અને તીવ્ર હોય છે અને તેઓ છેક ઝાડની ટોચથી દૂરથી આવતા ખતરાને પારખી શકે છે. વાંદરાંઓ જેવા દીપડા કે સિંહને જુએ કે એક અલગ જ પ્રકારના અલાર્મ કોલથી હરણાંઓને ચેતવણી આપે છે અને એ ચેતવણી સૂચક કોલથી હરણાંઓ સાવધ થઇ જાય છે અને બીજા હરણાંઓને પણ આવા જ કોલથી સચેત કરે છે. આ રીતે જ ક્યારેક વાંદરાંઓ જમીન પર બેધ્યાન થઈને ફરતા હોય અને હરણાંઓ સિંહ કે દીપડાને આવતો પારખી લે તો તેઓ પણ ચેતવણી સૂચક કોલ આપીને વાંદરાંઓને સચેત કરે છે અને વાંદરાંઓ સુરક્ષિત સ્થળે જતા રહે છે. કુદરતની રચના કેટલી અદભુત છે કે નાનામાં નાનો જીવ એકબીજાને મદદ કરીને શાંતિપૂર્વક આનંદમય જીવન જીવવાનો પ્રયાસ કરે છે, જેમાં પોતાનાં અસ્તિત્વને ટકાવી રાખવા સિવાયનો કોઈ પ્રકારનો સ્વાર્થ નથી હોતો. જીવનના ખરા પાઠ કુદરત અને વન્યજીવો આ રીતે જ શીખવી જાય છે.
જંગલના દરેક ખૂણામાં જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ જ મહત્ત્વનો છે. જેમ-જેમ જંગલમાં આગળ ધપીએ એમ કુદરતી માહોલને સીધો જ મનમાં ઊતરતો અનુભવી શકીએ. રસ્તામાં સાવ જ સાદું જીવન જીવતા માયાળુ લોકોનાં નેસડાં દેખાય. આ એ જ માલધારીઓ છે જેની અમાન્યા સાવજ અને સાવજની અમાન્યા તેઓ જાળવે છે અને એકબીજાનાં સહઅસ્તિત્વમાં કુદરતી જીવનશૈલીથી જીવન જીવે છે. સાવજની વસતી વધવામાં અને તેમની સુરક્ષામાં આ માલધારી પ્રજાઓનો જ મુખ્ય ફાળો છે. તેમની ગાય, ભેંસ કે બકરી જ્યારે સાવજનો શિકાર બને તો ટેરો સાવજને ધુત્કારવાનાં બદલે શાંતિથી એનું ભોજન કરી લેવા દે એટલા દિલેર છે. નેસડાં આસપાસ સિંહ પણ જાણે પોતાની જાતને સુરક્ષિત અનુભવતો હોય એમ આરામથી મહાલતો જોવા મળે છે. જરાક આગળ ધપીએ કે આખું જંગલ જેના પર નભે છે એવો વિશાળ કમલેશ્વર ડેમ જોવા મળે. એક સમયે મગરમચ્છનાં અસ્તિત્વ સામે ખતરો હતો પણ વનવિભાગના પ્રયાસથી અહીં ક્રોકોડાઈલ બ્રીડિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું અને જોતજોતામાં હજારોની સંખ્યામાં મગર થઇ ગયા. આ જ ડેમમાં ઠેરઠેર મગરમચ્છ જોવા મળે છે. વળી, ક્યારેક અહીં દીપડો કે સિંહ પણ સરળતાથી જોઈ શકાય.
ગીરનો વૈભવ સદીઓ જૂનો છે અને ગુજરાતી લોકસાહિત્યમાં અલગ અલગ લોકબોલી, વિવિધ શૈલીથી કવિઓ- લેખકોની કલમે ખૂબ જ લખાયો છે અને સાવજને આપણી સંસ્કૃતિનાં અવિભાજ્ય અંગ તરીકે સમાવ્યો છે. ક્યાંક ને ક્યાંક અહીંનું લોકજીવન અહીંના વન્યજીવો અને વન્યસૃષ્ટિ સાથે જોડાયેલું છે અને એટલે જ એશિયાઈ સિંહો આ વિસ્તારને પોતાનો બનાવીને મોજથી જીવી રહ્યા છે. ઝવેરચંદ મેઘાણીએ હાવજની ડણકને સાહિત્યમાં ઉતારી છે તો ધ્રુવ ભટ્ટે અહીંનું જંગલ, લોકજીવન અને સંસ્કૃતિને આબેહુબ રજૂ કરી છે તો વળી, કવિ દાદે અહીંના વગડાને સરળ રીતે સમજાવ્યો છે, જાણે આપણે ગીરને નિહાળતા હોઈએ. ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’માં નેસડામાં રહેતી કન્યાની બહાદુરી અને સાવજ પ્રત્યેનો એનો અભિગમ દર્શાવ્યો છે, તો ધ્રુવ ભટ્ટ સાહેબની ‘અકૂપાર’માં એક સરસ મજાનું દૃશ્ય વર્ણવ્યું છે એવું મને આછું પાતળું યાદ છે. સાંસાઈ રામઝાનાને સંબોધીને કહે છે કે, ’તારા બચોળીયાને મારે કાંઈ નથી કરવું મા અને ઝાંઝર ફેંકીને તેનું ધ્યાન ભટકાવે છે.’ જંગલનાં જનાવરોમાં નાનાં બચ્ચાઓનો ઉછેર કરવો સૌથી ચેલેન્જિંગ હોય છે એવું કહો તો ચાલે. જંગલમાં દરેક પ્રજાતિનાં કોઈને કોઈ દુશ્મન હોય છે પણ સિંહના આમ તો કોઈ જ દુશ્મન નથી હોતા એટલે જ એની જ પ્રજાતિથી એને ડર હોય છે. સિંહણને બચ્ચાં જન્મે કે સૌથી પહેલો ખતરો નર સિંહથી જ હોય છે, જે બીજા સિંહના બચ્ચાંનો ખાત્મો બોલાવી દે છે. જેથી પોતાનો જ વંશવેલો વિકસે અને પોતાનું વર્ચસ્વ કાયમ રહે. આ સિવાય, બચ્ચાંઓ દોઢ બે વર્ષના ન થાય ત્યાં સુઘી તેમને શ્રેષ્ઠ શિકારી બનાવવા, શિકાર કરવાથી માંડીને જંગલ પર સંઘર્ષ કરીને વર્ચસ્વ જમાવતા શીખવવું અને છેલ્લે બચ્ચાંઓ મોટાં થાય એટલે પોતાના વિસ્તારમાંથી કાઢી મૂકવા. જેથી કરીને પોતાનો વિસ્તાર જાતે બનાવીને પોતાનું અલાયદું સામ્રાજ્ય બનાવી શકે.
અહીં આવીને સિંહનાં નાનાં બચ્ચાંઓને સિંહણ સાથે વિહરતાં જોવાં એટલે જાણે જેકપોટ કહી શકાય. જંગલમાં કેટલીક વિરલ ઘટનાઓ ઘટતી હોય છે અને નસીબથી ક્યારેક આપણે એવી ઘટનાઓનાં ક્ષણ ભર માટે સાક્ષી બની જતા હોઈએ છીએ. અહીં જ ખુબસુરત સિંહણ સાથે નાનકડું બચ્ચું ગમ્મતે ચઢતાં મા સાથે વ્હાલ કરતાં કરતાં મારા કેમેરામાં ઝડપાઇ ગયું હતું. કુદરત જાણે-અજાણે આપણી સમક્ષ તેનો સાક્ષાત્કાર કરતું જ હોય છે જો આપણે ભૌતિક આનંદમાં ધ્યાન ન ભટકાવીએ તો. ગ્યરનો રાજા સઘળી તાકાત ધરાવતો હોવા છતાં સૌમ્ય જ જોવા મળે છે. એની શાલીનતા જ એનો ખરો પરિચય છે. પ્રાણી સામાન્ય રીતે હિંસક વૃત્તિ ધરાવતું હોય છે પણ પ્રાણીઓનાં રાજા સિંહમાં એવું જોવા નથી મળતું અને એટલે જ એ રાજા છે. સાસણગીર બંધ થયું એ પહેલાં જંગલની ઊડતી મુલાકાત વેળાએ આ સૌમ્ય સિંહને હું મળ્યો અને એવો અનુભવ થયો જાણે એ મને એના જંગલમાં આવકાર આપતો હોય. આ સિંહનાં શાલીન સ્વભાવને જોઈને એક વસ્તુ દૃઢપણે સમજાઈ ગઈ કે, જીવનમાં ગમે તેટલું હાંસલ કરી લો પણ સ્વભાવમાં શાલીનતા વિના સઘળું નિરર્થક છે.
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.