એક્સપ્લોર ઇન્ડિયા:વાઇલ્ડલાઇફ વીક: ગુજરાતનાં વિવિધ સ્થળોએ મહાલતા વન્યજીવો અને પક્ષીઓને કંપની આપીએ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘોંઘાટથી આપણે સામાન્ય રીતે ભાગતા હોઈએ છીએ અને ક્યાંક દૂર શાંત સ્થળે જતા રહીએ એવું હંમેશાં વિચારીએ છીએ અને જ્યારે શાંતિ મળે ત્યારે સુનકારથી ડરી જઈએ છીએ. માનવસહજ સ્વભાવ હંમેશાં જે મળે તેનાથી વિપરિત જ ઈચ્છતો હોય છે પણ અકળ શાંતિમય વાતાવરણમાં જો પોતાની જાતને ઢાળી જોઇએ તો કદાચ ક્યારેય ન જોઈ હોય એવી અવસ્થાને એ પામી શકે. ઝાડ પર કોયલને બોલતી સાંભળીને પળભરમાં દુનિયાભરનો સ્ટ્રેસ ક્યાંય ખોવાઈ જાય, બુલબુલ અને દરજીડાની ધૂન, ઘુવડની લયબદ્ધ ધૂન આ સઘળું એ સંપત્તિ છે, જે નસીબ લઈને જન્મેલા લોકો જ પામી શકે. દેશભરમાં વિવિધ પ્રકારનાં જંગલો છે, જે કુદરતનું ભવ્ય રૂપ રજૂ કરે છે. ખાલી આપણા ગુજરાત રાજ્યની જ વાત લઈએ તો ગુજરાતમાં અવનવાં જંગલો, રણપ્રદેશ, ઘાસનાં મેદાનો, જળાશયો વગેરે વિવિધ વન્યજીવો અને પ્રજાતિઓને ઘર પૂરું પાડે છે અને ગુજરાતને કુદરતી માહોલ. દર વર્ષે બીજી ઓક્ટોબરથી અઠવાડિયાં સુધી વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી થાય છે, જેમાં વન્યજીવોનાં સંરક્ષણ અને વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતાં જંગલોનાં સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે. આ ઉપરાંત, જંગલોની જાળવણી માટે જાગૃતિ કેળવાય એવા આશયથી વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે. આજે આપણે ગુજરાતનાં વિવિધ સ્થળોએ વસતા વન્યજીવો, કુદરતી સ્થળોની શાબ્દિક અને વિઝ્યુઅલ સફર કરીને કુદરતના ખોળે વિહાર કરીશું.

ઝાડ પર બોલતી કોયલ, બુલબુલ અને દરજીડાની ધૂન, ઘુવડની લયબદ્ધ ધૂન આ સઘળું એ સંપત્તિ છે, જે નસીબ લઈને જન્મેલા લોકો જ પામી શકે
ઝાડ પર બોલતી કોયલ, બુલબુલ અને દરજીડાની ધૂન, ઘુવડની લયબદ્ધ ધૂન આ સઘળું એ સંપત્તિ છે, જે નસીબ લઈને જન્મેલા લોકો જ પામી શકે

ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ વાઇલ્ડલાઇફ ટૂરિઝમ થાય છે પણ આપણે હજી આ પ્રકારનાં ટૂરિઝમથી ખાસ પરિચિત નથી હોતા. પરિણામે, આપણે કુદરતી વૈભવથી વંચિત રહી જઈએ છીએ. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમ છે, જે વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય વિસ્તાર, રણ વિસ્તાર અને સમુદ્રી વિસ્તારમાં વહેંચાયેલી છે, જેને અલગ અલગ સમયમાં ફરી શકાય છે. પક્ષીઓ નિહાળવા માટે ગુજરાતમાં વિવિધ જળ પ્વલિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ, શિકારી પક્ષીઓને નિહાળવા માટે ઘાસનાં મેદાનોમાં અને રણવિસ્તાર, યાયાવર સમુદ્રી પક્ષીઓને નિહાળવા માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો, પ્રાણીઓને નિહાળવા માટે જંગલ અને ઘાસનાં મેદાનો જેવી સઘળી કુદરતી સંપદા આપણે ધરાવીએ છીએ અને એને યોગ્ય રીતે માણીએ અને જાળવીએ તો આપણી આવનારી પેઢીનો નાતો કુદરત સાથે સરળ રીતે જોડી શકીશું.

પક્ષીઓ નિહાળવા માટે ગુજરાતમાં વિવિધ જળ પ્વલિત વિસ્તાર આવેલા છે
પક્ષીઓ નિહાળવા માટે ગુજરાતમાં વિવિધ જળ પ્વલિત વિસ્તાર આવેલા છે

દક્ષિણ ગુજરાતમાં ડાંગનાં જંગલો આવેલાં છે, જે ચોમાસાંની ખુબસુરતી અને વિવિધ ધોધ માટે જાણીતા છે. છેક મહારાષ્ટ્રની સરહદ સુઘી અહીંની લીલોતરી આંખોને ઠારે છે અને અહીંની ખુશનુમા હવા મનને અનેરો આનંદ આપે છે. શરૂઆત બીલીમોરાથી કરી શકાય છે. જો અંગ્રેજોના વખતની જૂની-પુરાણી નોરોગેજ ટોય ટ્રેનમાં હેરિટેજ સફરનો આનંદ માણવો હોય તો આ ટ્રેન બીલીમોરાથી નીકળીને વઘઈ સુધી જાય છે અને ત્યાંથી પરત ફરે છે. મજાની વાત એ છે કે આ ટ્રેન સંપૂર્ણપણે ડાંગનાં જંગલોમાંથી ખૂબ જ ધીમી ગતિએ પસાર થાય છે અને અંબિકા નદી પાર કરીને વઘઈ સુધી પહોંચે છે. અહીંથી મહાલ, ભેંસકાત્રી, ગિરિમલ, ભીગુ, આંબાપાણી, પદમડુંગરી વગેરે જગ્યાઓએ ફરીને કુદરતના લખલુટ ખજાનાને ભરપૂર માણી શકાય છે. આ સિવાય, જરાક વડોદરા તરફ આગળ ધપીએ તો દેડિયાપાડા વિસ્તાર પણ એના કુદરતી માહોલ માટે સૌ કોઈને આકર્ષે છે. અહીં શૂલપાણેશ્વર અભયારણ્ય છે, જેમાં રીંછ, દીપડા જેવા વન્યપ્રાણીઓ અને સાપની પ્રજાતિઓ વિહરતી જોવા મળે છે. આ સિવાય, પંખીઓના અભ્યાસુઓ માટે પણ આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. અહીં પહોંચવા માટે રાજપીપળા થઈને મોજદા ગામ સુધી આવી શકાય. અહીં વનવિભાગની કેમ્પ સાઈટ છે અને અભયારણ્ય વિસ્તાર છે, જ્યાં કેટલાક સ્થળે ટ્રેકિંગ પણ કરી શકાય છે. અહીં નિનાઈ ધોધ છે એ પ્રવાસીઓ માટે ચોમાસા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર છે. અહીંથી નજીકમાં મહારાષ્ટ્રની સરહદ નજીક દહેલ ઘાટ છે, જ્યાં વિવિધ પ્રકારના ધોધને માણી શકાય છે. હવે ત્યાંથી વડોદરા તરફ જતા ડભોઈ નજીક પક્ષીઓનું વિશાળ વિશ્વ એટલે કે રામસર સાઈટ - વઢવાણા પક્ષી અભયારણ્ય આવેલું છે, જ્યાં મધ્ય ઓક્ટોબરથી વિવિધ જાતનાં વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે એ જોવાનું ક્યારેય ન ચૂકી શકાય.

રામસર સાઈટ - વઢવાણા પક્ષી અભયારણ્યમાં વિવિધ જાતના વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે
રામસર સાઈટ - વઢવાણા પક્ષી અભયારણ્યમાં વિવિધ જાતના વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે

દાહોદ નજીક આવેલું રતનમહાલ રીંછ અભ્યારણ્ય રીંછને કુદરતી માહોલમાં મહાલતા જોવા માટેનું ખૂબ જ સુંદર સ્થળ છે. અહીં રીંછ સિવાય ઊડતી ખિસકોલી, વિવિધ જાતના શિકારી પક્ષીઓ, ઘુવડ વગેરે પણ જોવા મળે જ છે. આ સિવાય, અહીં અલગ અલગ ત્રણ પાણીનાં ધોધ સાથે વિશાળ તળાવ છે, જે એક આહલાદક કુદરતી માહોલ પૂરો પાડે છે. વડોદરા નજીક આવેલું જાંબુઘોડા અભ્યારણ્ય દીપડા માટે જાણીતું સ્થળ છે. આ ઉપરાંત, અહીં વિવિધ જાતના નાનાં અને સુંદર પક્ષીઓનો મધુર કલરવ માણી શકાય છે અને ધીરજ હોય તો જોઈ પણ શકાય છે. અહીં તરધોળ અને ભાટ એમ બે સ્થળો આવેલા છે. તરધોળમાં વિવિધ જાતનાં ચામાચીડિયા અને વાગોળની આખેઆખી કોલોની છે, જ્યાં હજારોની સંખ્યામાં ચામાચીડિયાં જોઈ શકાય છે. ભાટમાં સુંદર ટ્રેકિંગ કરીને છેક ટોચ પરથી પાવાગઢનાં પાછળનાં ભાગનાં જંગલોનો નયનરમ્ય નજારો જોઈ શકાય છે. અહીં થોડું ટ્રેકિંગ કરીએ તો એક પ્રાકૃતિક ગુફા પણ જોવા મળે છે, જે ગુફામાં વિવિધ ચામાચીડિયાં ઊડતાં જોવા મળે છે. અહીં નજીકમાં હથણીમાતાનો ધોધ પણ છે, મહી નદીનો સુંદર પથરાળ પ્રવાહ છે. આ નદીમાં સ્નાન પણ કરી શકાય છે.

પક્ષી જોવા માટે અમદાવાદ નજીક થોળ પક્ષી અભ્યારણ્ય પણ જઈ શકાય છે, જે તાજેતરમાં રામસર સાઈટમાં સમાવિષ્ટ થયું છે અને સેન્ટ્રલ એશિયન ફ્લાય વે પરથી આવતા આશરે 320 જાતનાં વિવિધ પક્ષીઓનું ઘર છે. કલોલ નજીક આવેલું આ સ્થળ પક્ષીદર્શન માટે ઓક્ટોબરથી લઈને માર્ચ સુધીના સમયગાળાનું ઉત્તમ સ્થળ છે. હવે ચરોતરની વાત લઈએ તો સુંદર અને એકમેકને વફાદાર પક્ષી એવા સારસ બેલડીને એકમેકમાં મગ્ન હોય એવી નિહાળવી હોય તો તારાપુર નજીક આવેલા પરીએજ પક્ષી અભયારણ્ય જઈ શકાય. પક્ષીઓની પ્રેમ વ્યક્ત કરવાની રીત નિરાળી છે. એમાં પણ સારસનુ કોર્ટશિપ ડિસ્પ્લે તો લાજવાબ છે. ભલ ભલા કવિઓને શબ્દો મળી જાય સારસ યુગલને પ્રણયરત જોઇને. અહીં વિવિધ જાતના યાયાવર પક્ષીઓ આવે છે પણ નજીક આવેલાં ડાંગરનાં ખેતરોમાં સારસ મહાલતાં જોવા મળે છે. અહીં નજીકમાં જ કનેવાલ તળાવ છે. આ વિશાળ તળાવમાં પણ અઢળક પક્ષીઓને વિહાર કરતાં જોઈ શકાય છે. ગુજરાતનું સૌથી માનીતું અને જાણીતું પક્ષી અભયારણ્ય નળસરોવર પણ ઓક્ટોબર મહિનાથી વિવિધ યાયાવર પક્ષીઓનું આશ્રય બને છે. સામાન્ય રીતે સેન્ટ્રલ એશિયન ફ્લાય વેથી આવતા પક્ષીઓ અહીં જ શિયાળો વિતાવે છે અને પોતાના બચ્ચાંઓનો ઉછેર કરે છે. અહીં બોટમાં બેસીને પક્ષીઓને ખૂબ જ નજીકથી નિહાળવાનો મોકો મળે છે. અહીં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટથી ટિકિટ લઈને બોટમાં બેસીને આનંદ માણી શકાય છે.

ભાવનગર નજીક આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં વિવિધ જાતનાં પ્રાણીઓ જેવાં કે, બ્લેકબક, વરુ, જંગલી બિલાડી, સાપ અને અઢળક શિકારી પક્ષીઓ જોઈ શકાય છે
ભાવનગર નજીક આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં વિવિધ જાતનાં પ્રાણીઓ જેવાં કે, બ્લેકબક, વરુ, જંગલી બિલાડી, સાપ અને અઢળક શિકારી પક્ષીઓ જોઈ શકાય છે

દેશભરમાં એકદમ યૂનિક કહી શકાય એવું સ્થળ એટલે રણ. કચ્છનું નાનું રણ, જે સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડીથી શરૂ થાય છે, જ્યાં વિશ્વભરના શિકારી પક્ષીઓ શિયાળુ આશ્રય લે છે. અહીં વિશ્વના સૌથી ઝડપી ઉડતાં ફાલ્કન, વિશાળ એવા સાપમાર ગરુડ, પટ્ટાઇ, નાનાં કાનવાળા ઘુવડ વગેરે મુલાકાત લે છે. ભીડભાડથી દૂર એક ખુબસુરત જીવન, નજર પહોચે ત્યાં સુધી વિસ્તીર્ણ રણવિસ્તાર અને ઝાંઝવાના જળ સિંચે છે એની ક્ષિતિજ - કચ્છનું નાનું પણ અફાટ રણ પણ જોવાલાયક છે. આ રણમાં આવેલ વેટલેન્ડ એક ગુલાબી મિજાજ ધારણ કરે જ્યારે ફ્લેમિંગોઝ એક સાથે ઉડાન ભરે કે પાણીમાં વિહરતા હોય .હજારોની સંખ્યામાં ગુલાબી પેણ, નાના અને મોટા હંજ પાણીમાં મહાલતાં જોવા મળે છે. પક્ષી સિવાય, અહીં ઘુડખર, ઝરખ, રણ બિલાડી, શિયાળ, વરુ વગેરે પણ જોઈ શકાય છે. આ રણમાં પહોંચવા માટે વિરમગામ પાસે આવેલા બજાણા ગામ સુઘી પહોંચવું પડે છે. અહીંથી પરમીટ લઈને રણમાં ફરી શકાય છે. ભાવનગર નજીક આવેલા બ્લેકબક નેશનલ પાર્કમાં વિવિધ જાતનાં પ્રાણીઓ જેવાં કે, બ્લેકબક, વરુ, જંગલી બિલાડી, સાપ અને અઢળક શિકારી પક્ષીઓ જોઈ શકાય છે. કોઈપણ પક્ષીવિદ માટે આ સ્થળ ખરેખર સ્વર્ગસમાન છે. અહીં પહોંચવા માટે ભાવનગરથી સરળતાથી પહોંચી શકાય છે. પોરબંદરનાં કોસ્ટલ વિસ્તારમાં ગોસાબારા નામનાં સ્થળે અઢળક યાયાવર પક્ષીઓનો મેળાવડો જામે છે. માધવપુરના દરિયા કિનારા નજીક ઓલિવ રિડ્લી ટર્ટલ જોવા મળે છે.

ગુજરાતનાં આવા અદભુત સ્થળોએ આંટો મારીને પોતાની જાતને નિસર્ગના રંગમાં રંગી શકાય. વસુંધરાનો વૈભવ અરણ્યમાં રખડો તો જ માણી શકો પછી એ ગુજરાત હોય કે વિશ્વનાં કોઈ પણ ખૂણાંનું અરણ્ય...
creativearyans3@gmail.com
(‘આરણ્યક’ તરીકે જાણીતા કૌશિક ઘેલાણી અલગારી રખડપટ્ટી કરીને કુદરતને પોતાના અસ્સલ મિજાજમાં જોતા અને કેમેરામાં કેદ કરતા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે)

અન્ય સમાચારો પણ છે...