ઇતિહાસ ગવાહ હૈ:રાષ્ટ્રપિતા ગાંધીજીની હત્યા સંબંધે અલવરના મહારાજા અને દીવાનને નજરકેદ શા માટે કરાયા હતા?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંદુ મહાસભા ભણી રાજ્યની કૂણી લાગણી મહાત્મા ગાંધી ભણી ઘૃણા પ્રસરાવતી હતી
  • ક્યારેક હિંદુ-મુસ્લિમ સાથે મળીને ૧૮૫૭ની ક્રાંતિમાં સહભાગી થઈ જાન કુરબાન કર્યા
  • મહાત્માના હત્યારા નથુરામ ગોડસે ભણીના શ્રદ્ધાળુઓ થકી મુસ્લિમોની શુદ્ધિની ઝુંબેશ

આજકાલ અલવર અને જોધપુર કોમી અથડામણો અને રાજકીય હૂંસાતુંસી માટે ચર્ચામાં છે. વીતેલા સમયમાં પણ એ ક્યારેક અંગ્રેજોના શાસન સામે હિંદુ મુસ્લિમના સંયુક્ત સંઘર્ષ માટે અને પછીથી કોમી અથડામણો માટે ચર્ચિત રહ્યું છે. સમય સમયની બલિહારી છે. ઈ.સ. ૧૮૫૭માં ભારતમાંથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જુલ્મી શાસનને તગેડવા માટે જે જુવાળ જાગ્યો એમાં અલવર સ્ટેટ અને આસપાસના વિસ્તારોના ૬૦૦૦ જેટલા મેઓ-મેવાતી મુસ્લિમો માર્યા ગયા હતા. પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાતા આ બળવામાં હિંદુ-મુસ્લિમ સંગઠિત થઈને લડ્યા હતા. જોકે, રાષ્ટ્રીય સ્તરે એ ક્રાંતિનું સુસંકલન નહોતું. મોટાભાગનાં દેશી રજવાડાંએ અંગ્રેજોનું પડખું સેવવાનું પસંદ કર્યું એટલે ક્રાંતિ નિષ્ફળ રહી. આઝાદી આવતાં ૯૦ વર્ષ લાગ્યાં. ૧૯૪૭ની ૧૫ ઓગસ્ટ આવતાં સુધીમાં તો દેશનો માહોલ એટલો બદલાઈ ચૂક્યો હતો કે હિંદુ-મુસ્લિમ રમખાણો સામાન્ય થઈ ગયાં હતાં.

ગોડસે ફ્લાયઓવરનું નામકરણ
૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ ત્યારે એનો વિરોધ કરનાર એ વેળાના કોંગ્રેસી આગેવાન બેરિસ્ટર મોહમ્મદ અલી ઝીણાએ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આવતાં લગી તો ઈસ્લામને નામે અલગ પાકિસ્તાન મેળવી પણ લીધું. જે વિભાજન માટે મહાત્મા ગાંધી જવાબદાર નહોતા એના માટે એમણે નથુરામ ગોડસેની ગોળીએ વીંધાઈને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના રોજ મોતને ભેટવું પડ્યું. હત્યારા નથુરામ ગોડસેને ફાંસી થઈ, પણ થોડાં વર્ષ પૂર્વે જ રાજસ્થાન સરકારે ૨૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરેલા ફ્લાયઓવરને ‘રાષ્ટ્રવાદી નથુરામ ગોડસે પુલ’ નામ આપવામાં આવ્યું હતું ! એ સમાચાર માત્ર દેશમાં જ નહીં, દુનિયાભરમાં કૂતુહલ બનીને પ્રગટ્યા હતા. એ વેળાના જિલ્લાના કલેક્ટર મહાવીર સ્વામીએ તો આ ફ્લાયઓવરને નથુરામ ગોડસેનું નામ આપવાનું કેટલાંક અસામાજિક તત્ત્વોનું કામ હોવાનું ગણાવીને હાથ ખંખેરી નાખ્યા હતા, પણ અલવર અને મહાત્મા ગાંધીની હત્યાના સંબંધનો પણ એક ઈતિહાસ છે. ગાંધી હત્યાના કાવતરામાં સંડોવાયેલા એક આરોપીને અલવરમાં છુપાવાયો હતો.

રાજવીના વંશજ ની સ્પષ્ટતા
વડા પ્રધાન રહેલા ડૉ. મનમોહન સિંહની સરકારમાં રાજ્યપ્રધાન રહેલા અલવરના ‘મહારાજા’ જિતેન્દ્ર સિંહ ફેબ્રુઆરી ૨૦૧૫માં અલવરના ફ્લાયઓવરને ‘રાષ્ટ્રવાદી’ ગોડસેનું નામ અપાયાના મુદ્દે આઘાત પામ્યા હતા. એમણે તપાસની માગણી પણ કરી હતી. અલવરના છેલ્લા મહારાજા સર તેજ સિંહના પૌત્ર જિતેન્દ્ર સિંહે સ્પષ્ટ કરવાનું પસંદ કર્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યા સાથે પોતાના દાદા કે દીવાન ડૉ. એન. બી. ખરેનો સંબંધ નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યા છતાં બેઉને દિલ્હીમાં નજરકેદ જરૂર રખાયા હતા. એનું કારણ બહુ સ્પષ્ટ હતુંઃ અલવરના રાજવી તેજ સિંહ મહાત્મા ગાંધીની અસહકાર ચળવળના વિરોધી હતા. તેઓ હિંદુ મહાસભા સાથે સંકળાયેલા હતા. હિંદુ રાષ્ટ્રવાદના પુરસ્કર્તા હતા. ઓછામાં પૂરું, એમણે પોતાના દીવાન તરીકે કોંગ્રેસ છોડી ગયેલા ડૉ. ખરેને નિયુક્ત કર્યા હતા. આ ડૉ. ખરે મધ્ય પ્રાંતના પ્રીમિયર (મુખ્યમંત્રી) હતા. એમને એ હોદ્દેથી દૂર કરવા પાછળ સરદાર પટેલની ભૂમિકા હોવાનો ભારે કકળાટ એમણે કર્યો હતો. ગાંધીજી સમક્ષ ફરિયાદ પણ કરી હતી.

હિંદુવાદીની ઝીણાને આજીજી
નવાઈ તો એ વાતની હતી કે કોંગ્રેસે એમને પ્રીમિયર તરીકે દૂર કર્યા પછી ડૉ. ખરે હિંદુ મહાસભામાં જોડાયા અને એક તબક્કે અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ બન્યા હતા. કોંગ્રેસને બતાવી દેવા માટે મધ્ય પ્રાંતના પ્રીમિયર થવા માટે એમણે મુસ્લિમ લીગનો ટેકો લેવા વારંવાર મોહમ્મદ અલી ઝીણાને પત્રો લખીને વિનંતી કરી હતી, પણ કાયદે આઝમે એમને દાદ આપી નહોતી. આવા ડૉ. ખરે કોંગ્રેસ છોડ્યા પછી વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય (પ્રધાન) પણ બન્યા હતા. અલવરના પ્રાઈમ મિનિસ્ટર તરીકે સેવારત હતા ત્યારે મહારાજાએ એમને બંધારણ સભામાં નિયુક્ત પણ કર્યા હતા. જોકે, મહાત્માની હત્યાના કેસમાં અલવરના મહારાજા અને ડૉ. ખરે બેઉની સંડોવણીની તપાસ ચાલી ત્યાં લગી તેમને બેઉને નજરકેદ રખાયા અને બંધારણ સભાથી દૂર રખાયા હતા.

અલવરમાં ત્રિરંગો ના ફરક્યો
મૂળ અલવરના અને ભારતીય રિઝર્વ બેંકમાં સાડા ત્રણ દાયકા સુધી વિવિધ હોદ્દે કાર્યરત રહેલા આર. સી. મોદી ૧૯૪૭-૪૮નાં સંસ્મરણો રજૂ કરતાં નોંધે છેઃ ‘૧૫ ઓગસ્ટ ૧૯૪૭ આવી અને ગઈ. અલવરમાં કોઈ જાહેર ઈમારત પર ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો ફરક્યો જ નહીં. હા, કોંગ્રેસ સંલગ્ન પ્રજામંડળના કાર્યાલય કે અમારા જેવાં કેટલાંકના ઘર પર એ જરૂર ફરકાવાયો હતો. અલવર વહીવટી તંત્ર તરફથી ભારપૂર્વક જણાવાયું હતું કે આ દેશી રજવાડું ભારતમાં વિલય પામ્યું નથી, માત્ર સંરક્ષણ, વિદેશી બાબતો અને સંદેશાવ્યવહાર સહિતની ત્રણ બાબતોમાં જ એ ભારત સાથે જોડાયું છે. એટલે કરારનામા મુજબ અલવર ભારતનો હિસ્સો નહોતું.’ જોકે, અલવર ૭ એપ્રિલ ૧૯૪૯ના રોજ ભારતમાં વિલય પામ્યું. એ પહેલાં ગાંધીહત્યાના સંદર્ભમાં મહારાજા અને દીવાન બેઉને દિલ્હીમાં નજરકેદ રખાયા હતા એટલે માર્ચ ૧૯૪૮થી અલવરનું વહીવટી તંત્ર ભારત સરકારે સંભાળી લીધું હતું. કોમી રમખાણની દૃષ્ટિએ અલવર ખૂબ સંવેદનશીલ હોવાને કારણે નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર પટેલ અલવરની અણધારી મુલાકાતે આવી ચડ્યા હતા. મહારાજા તેજ સિંહનું ૨૦૦૯માં અલવર હાઉસ, દિલ્હી ખાતે ૯૮ વર્ષની વયે નિધન થયું હતું. એમના પછી એમના પૌત્ર જિતેન્દ્ર સિંહ એમના અનુગામી બન્યા હતા. પુત્ર પ્રતાપ સિંહ અગાઉ ગુજરી ગયા હતા.

મુસ્લિમોની ઘૃણાસ્પદ શુદ્ધિ
અલવર સ્ટેટ હિંદુ રાજ્ય ગણાતું હોવાથી હિંદુ સિવાયના બીજા બધાને દુય્યમ દરજ્જાના નાગરિક (સેકન્ડ ક્લાસ સિટીઝન્સ) ગણવામાં આવતા હોવાનું મોદી નોંધે છે. અલવરમાં મુસ્લિમોને હિંદુ ધર્મમાં પાછા આણવા માટેના શુદ્ધિના કાર્યક્રમો પણ થતા રહ્યા છે. કેટલાક કિસ્સામાં તો અનિચ્છાએ હિંદુ બનાવી દેવામાં આવેલાં કેટલાક મુસ્લિમ પરિવારોએ તો પાકિસ્તાનની વાટ પકડી હતી. શુદ્ધિની પ્રક્રિયા પણ કેવી ઘૃણાસ્પદ હતી એ જાણીને જ રૂવાડાં ખડાં થઈ જાય છે. ડુક્કરનું હાડકું સૂંઘવાનું કે એને ચાટવાનું સંબંધિત મુસ્લિમને જણાવાતું હતું. ઈસ્લામમાં ડુક્કરનું માંસ ખાવું પણ હરામ છે એટલે કાયદે આઝમ મોહમ્મદ અલી ઝીણાને ખૂબ પસંદ પડતી હેમ સેન્ડવિચ એ છુપાઈને ખાવાનુ પસંદ કરતા હતા. સ્ટેન્લી વોલ્પર્ટ લિખિત ‘જિન્નાહ ઓફ પાકિસ્તાન’માં નોંધાયું છે કે એમનાં યુવા પત્ની રૂટી એક બેઠકમાં પતિ માટે હેમ સેન્ડવિચ લઈને ગયાં ત્યારે ઝીણા રીતસર ભડક્યા હતા. ઝીણાએ ઈસ્લામને નામે પાકિસ્તાન મેળવ્યું તો ખરું, પણ એ ઈસ્લામે ફરમાવેલા આદેશોનું પાલન કરનાર નહોતા.

ગાંધીદ્રોહી દીવાન ડૉ. ખરે
અલવરના દીવાન એટલે કે પ્રાઈમ મિનિસ્ટર ડૉ. એન. બી. ખરેના દિલ્હીસ્થિત નિવાસસ્થાને આર. સી. મોદી એક વાર ગયા ત્યારે તેઓ ઉપસ્થિતોને ભારપૂર્વક કહી રહ્યા હતા કે ગાંધી અને બીજા દેશનેતાઓ ભારતને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડૉ. ખરે ત્યારે બંધારણ સભાના સભ્ય હતા. એ વાત કરી જ રહ્યા હતા કે સમાચાર આવ્યા કે ગાંધીજીની હત્યા થઈ છે. ભારતનું ભાવિ આખું બદલાયું અને અલવરનું પણ. કારણ માત્ર ડૉ. ખરે જ નહીં, અલવરના મહારાજા પણ ગાંધીહત્યાના કાવતરાની શંકાના વલયમાં આવી ગયા હતા. તપાસમાં બેઉ નિર્દોષ જાહેર થયા હતા. જોકે ડૉ. ખરેને સરદાર પટેલ માટે એટલી ઘૃણા હતી કે તેમણે સરદારના નિધન પછી હિંદુ મહાસભા થકી શ્રદ્ધાંજલિનો ઠરાવ નહોતો થવા દીધો. આનાથી ઊલટું, મહાત્મા ગાંધીની હત્યાના પ્રકરણમાં ગૃહ મંત્રી અને નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જેમને જેલમાં નાખ્યા હતા એ હિંદુ મહાસભાના પ્રાણ લેખાતા અને વર્ષો સુધી અધ્યક્ષ રહેલા સ્વાતંત્ર્યવીર સાવરકરે વલ્લભભાઈને ભાવભીની અંજલિ અર્પી હતી.

haridesai@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને રાજકીય વિશ્લેષક છે)