ડિજિટલ ડિબેટ:ગુજરાતમાં ડ્રગ્ઝની હેરફેર અને નશાખોરીની સમસ્યાને કેમ ગંભીરતાથી લેવાતી નથી?

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં છેલ્લા થોડા મહિનામાં એક પછી એક જગ્યાએથી નશીલા પદાર્થોનો જથ્થો પકડાઈ રહ્યો છે. મુંદ્રા બંદરે જંગી જથ્થો પકડાયો તે પછી જામનગર અને દ્વારકામાં પણ બીજા નશીલા પદાર્થો મળ્યા છે ત્યારે ચિંતાનું કારણ એ છે કે કેફી દ્રવ્યોની હેરફેરમાં ગુજરાતની નવી પેઢીનો ભોગ ન લેવાઈ જાય. ગુજરાતમાં લાંબો દરિયાકાંઠો હોવાથી તે માર્ગે દાણચોરીથી કેફી દ્રવ્યો ઘુસે અને પછી બીજે પહોંચાડવામાં આવે તે સમસ્યા જૂની છે પણ આગે સે ચલી આતી હૈ એવી ઉદાસીનતા કેટલી યોગ્ય તે સવાલ દર વખતે નવો જથ્થો પકડાય ત્યારે થાય છે. એવા જ સવાલો ફરી જાગ્યા છે ત્યારે એક ચર્ચા...

જયવંત પંડ્યા (JP): ચાર વર્ષ પહેલાં એક ટીવી કાર્યક્રમમાં તત્કાલીન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જિતુભાઈ વાઘાણીને એક પ્રશ્ન પૂછેલો કે ગુજરાતમાં ડ્રગ્સનો અવૈધ ધંધો વધી રહ્યો છે, સરકાર શું કરી રહી છે? જિતુભાઈનો જવાબ હતો કે સરકાર ડ્રગ્સ પકડી તો રહી છે ને. આ વાતને ચાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે પણ પ્રશ્ન એમનો એમ છે. આજે હવે તો કેબિનેટ પ્રધાન બની ચૂકેલા જિતુભાઈ કે નવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને પૂછવામાં આવે તો જવાબ એ જ હશે.
દિલીપ ગોહિલ (DG): પણ આ જવાબ કોઈ જવાબ નથી - કહો કે ઉડાઉ જવાબ છે, વાતને ટાળી દેવાની વાત છે. નશીલા પદાર્થોનો કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે એટલે ક્યારેક તેમાંથી અનાયાસે કેટલીક ટોળકી પોલીસને હાથે ચડી પણ જાય. એ ખરું કે દાયકાથી કેફી દ્રવ્યોની હેરાફેરી ચાલતી આવે છે અને તેમાં વચ્ચે વચ્ચે રેડ વધી જાય એવું બને. મુંદ્રા પોર્ટ પર કરોડો રૂપિયાનું ડ્રગ્ઝ પકડાયું તે પછી કાયદાપાલન એજન્સીઓ થોડી સજાગ થઈ એનું પણ પરિણામ હોઈ શકે. કારણ અને તારણ જે હોય તે સવાલ એ ઊભો જ છે કે ગુજરાતમાં નશાકારક પદાર્થોની હેરફેર કેટલી નુકસાનકારક સાબિત થઈ રહી છે.

JP: હા, એ વાત નકારી શકાય એમ નથી કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. પકડાઈ રહ્યું છે તેનો અર્થ એ પણ છે કે આવી રહ્યું છે અને હજી કોઈ માહિતી નથી પણ દારૂમાં જેમ થાય છે તેમ કેટલોક જથ્થો બતાવવામાં ન આવતો હોય તેમ પણ બને. પરંતુ 2017 અને 2021 વચ્ચે મુખ્ય તફાવત એ છે કે 2020 પછી NCB ડ્રગ્સ કેસમાં હિન્દી ફિલ્મ જગતના કલાકારોને પકડી રહ્યો છે. આમાં રાજકારણ ભળ્યું છે. મહારાષ્ટ્રમાં આ ઘટનાઓ બની રહી છે ત્યારે ગત વર્ષે તો મહાવિકાસ અંગે સરકાર એવો આક્ષેપ કરતી હતી કે હિન્દી ફિલ્મ જગતના ભાજપ વિરોધી ટ્વિટર ચળવળિયાના લીધે NCBના ઓઠા હેઠળ ભાજપ હિન્દી ફિલ્મ જગતને નિશાન બનાવે છે. પરંતુ આ વખતે હિન્દી ફિલ્મના એક સમયના સુપરસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને પકડતા મામલાએ ખતરનાક વળાંક લઈ લીધો છે.
DG: એ મામલો ડ્રગ્ઝની હેરાફેરી રોકવાના પ્રયાસો કરતાં વાનખેડેઓ જેવા પ્રસિદ્ધિ ભૂખ્યા અધિકારીઓની કિન્નાખોરીનો મામલો વધારે છે. વાનખેડે જેવા અમલદારોની એક પેટર્ન હોય છે. પ્રારંભમાં પ્રસિદ્ધ લોકોને પકડમાં લે - મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારી તરીકે વાનખેડે ફિલ્મસ્ટાર્સને ખાસ પકડતા હતા અને ડ્યુટી ભરાવતા હતા. વાત બિરદાવવા જેવી છે કે અધિકારીએ આ રીતે જ કામ કરવું જોઈએ. પરંતુ આગળ જતા, ધાક જમાવ્યા પછી આવા અધિકારીઓ તોડપાણીમાં કાબેલ થઈ જતા હોય છે. અહીં મુદ્દો ગુજરાતમાં હેરફેરનો મુખ્ય છે. ગુજરાતમાં ડ્રગ આવે અને પછી બીજે જાય પણ વચ્ચે અહીં પણ કેટલોક જથ્થો યુવાનોને બરબાદ કરવામાં વપરાવાનો ખરો. એ ચિંતાનું કારણ છે.

JP: NCBના પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે વાનખેડે પર ડ્રગ્સ કેસના બહાને વસૂલીનો આક્ષેપો કર્યો છે. નવાબના જમાઈ વિરુદ્ધ પણ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી થઈ હતી. વાત વણસી ચૂકી છે અને શાબ્દિક લડાઈ માત્ર નવાબ મલિક અને વાનખેડે પૂરતી ન રહેતાં નવાબ વિરુદ્ધ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની પણ થઈ ચૂકી છે. એ તો ઠીક પણ આમાં ગુજરાતના રાજકારણીને પણ નવાબે સાંકળ્યા છે. મહારાષ્ટ્ર પોલીસે વસુલીનો કેસ આદર્યો છે. આર્યન કેસમાં સાક્ષી મનીષ ભાનુશાળી જેની પ્રોફાઇલમાં ભાજપ ઉપાધ્યક્ષ લખાયેલું છે તે ક્રુઝમાં હાજર હતા તેથી મુંબઈ પોલીસ તેમને વસુલીના આરોપી ગણાવે છે. આવા જ બીજા એક સાક્ષી છે કિરણ ગોસાવી. મનીષ અને કિરણ કેટલાક અન્યો સાથે અમદાવાદમાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાયા હતા. ગુજરાત સરકારમાં પ્રધાન કિરીટસિંહ રાણા સાથે તેમને સંબંધ છે તેવો આક્ષેપ નવાબ તરફથી થયો છે પણ કિરીટસિંહે તે નકારી કાઢ્યો છે.
DG: નવાબ મલિકના ઇરાદા રાજકીય છે એ સ્પષ્ટ છે, પણ મૂળ મુદ્દાની વાત કરીએ કે ગુજરાતમાં દાયકાઓથી ડ્રગની હેરાફેરી ચાલતી જ રહી છે તો અઢી દાયકાથી સત્તામાં રહેલી સરકારે શું કર્યું? વાઇબ્રન્ટ, સ્માર્ટ, સંવેદનશીલ અને હવે નિરામય એવી શબ્દાવલિથી ગુજરાતનું નામ મઢાતું રહ્યું છે પણ નશાખોરીની બાબતમાં આમાંનો એકેય શબ્દ લાગુ પડે એવો લાગતો નથી. આગે સે ચલી આતી હે... ચાલવા દો, એ જ નીતિ દેખાઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ પણ મહાનગરોની અસલી વ્યાખ્યામાં આવી રહ્યા છે ત્યારે યુવાનોમાં ડ્રગ્ઝના દૂષણ બીજાં મહાનગરોની કક્ષાએ પહોંચે તેમાં વાર નહીં લાગે. ગુજરાતની સુખ-શાંતિનું કારણ તેની યુવાપેઢીની આંત્રપ્રેન્યોરશિપમાં રહેલું છે. આ પેઢીને બીજી કોઈ લત ન લાગે તે માટે સાવધાની રાખવી પડશે અને તે કામ સરકારે કરવાનું છે.

JP: પહેલાં મુંદ્રા અને હવે સમુદ્રી કાંઠાવાળા દ્વારકા જિલ્લામાંથી ડ્રગ્સ પકડાયું છે. પકડાયું તે સારી વાત છે પણ દારૂની જેમ પોલીસની કૃપાદૃષ્ટિથી ચોપડે ઓછું તો નથી બતાવાતું ને? એક સમયે દેશમાં ત્રાસવાદ માટે RDX સહિતની સામગ્રી ગુજરાતથી જતી હતી, તો હવે ડ્રગ્સ નથી જતું ને, તે જોવું પડે. RDX મારી નાખે પણ ડ્રગ્સથી યુવાનો ખોખલા થઈ જાય છે. ભારતને સીધું પહોંચી ન શકતું પાકિસ્તાન ભારતમાં ડ્રગ્સ ઘુસાડી ભારતના યુવાનોને ખોખલા કરી ભારતનું ભાવિ અંધકારમય કરી દેવા માગે છે. વળી, ગુજરાત પંજાબની જેમ જ સીમાવર્તી રાજ્ય છે. પંજાબને ‘ઉડતા પંજાબ’ બનાવી દીધા પછી હવે ગુજરાત નિશાન પર જણાય છે. ડ્રગ્સ એવી ચીજ છે જેની લત લાગી જાય પછી વ્યસની તેને મેળવવા કંઈ પણ કરી શકે છે. તેથી દેશવિરોધી પ્રવૃત્તિમાં તેમનો ઉપયોગ પણ થઈ શકે. વળી, ડ્રગ્સની કમાણી રોકડમાં કાળાં નાણાંના રૂપમાં જ હોવાથી કાળાં નાણાંનું સામ્રાજ્ય આગળ વધે છે. સાથોસાથ આ નાણાંથી ત્રાસવાદી પ્રવૃત્તિમાં પૈસા પહોંચે છે.
DG: અહીં જ સમસ્યા છે. સત્તાધીશોને સમસ્યા દૂર કરવામાં રસ નથી, પણ સમસ્યામાં પાકિસ્તાનનું નામ જોડવામાં છે. માની લઈએ કે વાત સાચી છે તો તેને નિષ્ફળ બનાવવા સરકારે શું કર્યું? અઢી દાયકા વિપક્ષમાં આ સમસ્યાની જાણકારી હતી અને અઢી દાયકા સત્તામાં રહ્યા પછી પગેરું પારખવું વધારે સહેલું બન્યું હશે પણ પાંચ દાયકા નકરી વાતો જ કરવાની કે ગુજરાતને ખોખલું કરવાની ચાલ છે. આ કયા પ્રકારનો રાજકીય નશો છે કે પાંચ પાંચ દાયકે પણ છૂટતો નથી પણ રાજકીય આક્ષેપબાજી કરતાંય નશીલા પદાર્થોની હેરફેર અને વેચાણ સૌ માટે નુકસાનકારક છે એટલું સમજીને સત્તા પર આવનારા કોઈપણ હોય, કાળજી રાખે એટલું સામાજિક દબાણ ઊભું સમજદારોએ કરવું જોઈએ.

JP: એ વાત સાચી અને બીજું કે ડ્રગ્સ લાવતા લોકોની સાથે તેના નાના-નાના વેપારીઓને પકડવા પણ જરૂરી છે. કેરળના ખ્રિસ્તી બિશપ માર જોસેફ કલરંગટ્ટે ઇસ્લામિક જિહાદીઓ પર નાર્કો ટેરરિઝમનો આક્ષેપ કરેલો છે. વળી, જેમ ઊંચો અભ્યાસ તેમ દારૂ, સિગરેટ, ડ્રગ્સનું વ્યસન વધુ. સત્તાવાર નહીં પણ બિનસત્તાવાર કહેવાય છે કે અમદાવાદ સહિતની મેડિકલ કોલેજ, આર્કિટેક્ટની કૉલેજ, ફેશન ડિઝાઇનિંગ, ફાઇન આર્ટ્સની કૉલેજ, એન્જિનિયરિંગની કૉલેજ આ બધામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિની દારૂ અને સિગરેટ તો લે જ છે પણ ડ્રગ્ઝ લેતા હોવાનું પણ કહેવાય છે. ફિલ્મ જોનારાઓએ તો તાજેતરની ગુજરાતી ફિલ્મ 'ધૂંઆધાર' પર ડ્રગ્સ અને હત્યાને ગ્લોરિફાય કરવાનો આક્ષેપ કરેલો છે. આવી ફિલ્મો અને વેબસિરીઝોને પણ અટકાવવી પડે. આથી આ બાબતે પક્ષાપક્ષીનું રાજકારણ કરવાના બદલે બધા પક્ષો અને બધી સરકારોએ તેને એક થઈને નાથવું જોઈએ.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે.)

અન્ય સમાચારો પણ છે...