ડિજિટલ ડિબેટ:ભરતી પરીક્ષાનું પેપર ફૂટી જવા છતાં ચેરમેનનું રાજીનામું કેમ નહીં?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી વધુ એક પરીક્ષાનું પેપર પણ ફૂટી ગયું. આ વખતે હેડ ક્લાર્કની માત્ર 186 જગ્યાની ભરતી હતી. પરંતુ 2,41,400 ફોર્મ્સ ભરાયાં હતાં. જો કે, પરીક્ષા આપવા માટે માત્ર 88,000 જેટલા ઉમેદવારો જ આવ્યા. 1,54,000 ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા જ નહીં. એક તૃતિયાંશ પરીક્ષાર્થીઓએ તસદી ન લીધી... કદાચ એટલા માટે કે તેમને મનોમન હતું કે નાહકની પરીક્ષા આપવા જવાનો ખર્ચ કરવો.

આસિત વોરા ફરીથી મંડળના ચેરમેન બન્યા છે ત્યારે કદાચ પેપર જ ફૂટી જશે એવી વાત સાચી પડી અને મંડળનું વધુ એક પેપર કૌભાંડ ગાજવા લાગ્યું પણ સવાલ એ છે કે નૈતિક ધોરણે પણ આસિત વોરા કેમ રાજીનામું આપી રહ્યા નથી?

નીલેશ રૂપાપરા (NR): પેપર ફૂટવાની ઘટનાને ગંભીરતાથી લેવાની હોય અને ગુજરાત સરકારે તેને ગંભીરતાથી લીધી છે. 14 જેટલા લોકોની ધરપકડ પણ થઈ છે. પેપર ખરીદનારાની પણ ધરપકડ થઈ છે, જેથી ભવિષ્યમાં કોઈ એમ વિચારતું હોય કે થોડા લાખ ખરીદીને પોતે સરકારી નોકરી મેળવી લેશે તો એવું કરતા પહેલાં બે વાર વિચારે. પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર કાઢીને આપનારાની પણ ધરપકડ થઈ છે અને પેપર લઈને તેને કોચિંગ ક્લાસના સંચાલક કે અન્યો મારફત જુદા-જુદા લોકોને વેચવા માટેનું કાવતરું કરનારાની પણ ધરપકડ થઈ છે. આ રીતે યોગ્ય દિશામાં કામ ચાલી રહ્યું છે ત્યારે ચેરમેનના રાજીનામાંની માગણી પર જ અડી જવાનું કારણ સમજાતું નથી.
દિલીપ ગોહિલ (DG): કોઈની જવાબદારી જેવું કંઇક હોય કે નહીં? નૈતિકતા જેવું પણ કંઇક હોય કે નહીં? પેપર ફૂટી જવાની ઘટના પહેલીવાર, બીજી કે ત્રીજીવાર નથી બની. આક્ષેપો થયા હોય, લગભગ પાકી શંકા હોય અને છતાં ફરિયાદ ન થઈ હોય તેની ગણતરી કરો તો ડઝનવાર પેપરો ફૂટી ગયાં છે. આસિત વોરા ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન બન્યા પછી એક પેપર ફૂટ્યું. તેમની મુદત પૂર્ણ થઈ ગઈ પણ ગત ઓક્ટોબરમાં ફરીથી તેમને અધ્યક્ષ બનાવાયા. ફરી પરીક્ષા આવી કે તરત પેપર ફૂટી ગયું. સોશિયલ મીડિયામાં મજાક ચાલી રહી છે કે ગુજરાતમાં ફટાકડા ફૂટે તેના કરતાં પેપરો વધારે ફૂટે છે. મધ્યપ્રદેશમાં વ્યાપમ કૌભાંડ થયું હતું. તેનાથી વધારે 'વ્યાપક' કૌભાંડ હવે ગુજરાતમાં થઈ રહ્યું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવા ગયું તે દિવસે આસિત વોરા એક કાર્યક્રમમાં ગીતો ગાવા ગયા હતા. હૈયાવરાળ કાઢીને યુવાનોએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે ગુજરાતનું યુવા ધન લૂંટાઈ રહ્યું હતું ત્યારે આસિત વોરા હાર્મોનિયમ વગાડતા હતા. શરમને કારણે પણ માણસ રાજીનામું આપી દે...

NR: રાજકારણમાં શરમથી કામ ચાલતું નથી. રાજકીય આક્ષેપબાજી કરીને શરમાવાની રીત નવી નથી. નૈતિકતાના મુદ્દાનો નકાર નથી પણ કોઈના રાજીનામાં આપી દેવાથી સમસ્યાનો ઉકેલ આવી જશે? વધારે જરૂરી એ છે કે પેપર કાંડની પૂરતી તપાસ થાય. આ વખતે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ત્વરિત તપાસ કરાવી છે. આસિત વોરાએ ઉપેક્ષા દાખવી, પોલીસ ફરિયાદ ન કરાવી તે માની લઈએ તો પણ વિદ્યાર્થી નેતાઓએ પુરાવા આપ્યા તે પછી તરત જ પોલીસને સક્રિય કરવા ગૃહ મંત્રીએ જણાવી દીધું હતું. બાદમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલે પણ ખાતરી આપી કે 'ચરમબંધને છોડવામાં નહીં આવે'. આ કિસ્સામાં કમસે કમ 88,000 પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓની નારાજગી હોય તે સમજી શકાય. કોઈ નેતા આટલા મોટા વર્ગને નારાજ કરવા ન માગે અને પક્ષને નુકસાન ન થાય તે માટે તપાસ કરે જ. તપાસમાં ઢીલ થતી હોય તો તેનો વિરોધ કરવો જોઈએ.
DG: તપાસમાં ઢીલ કોને કહેવી અને પોલીસની આ જે 'સક્રિયતા' દેખાઈ રહી છે તેની પાછળ ખરેખર કારણ શું છે તે કેવી રીતે ખબર પડે? મોટા માથાને બચાવી લેવામાં આવે અને કિશોર આચાર્ય તથા જયેશ પટેલ જેવી નાની માછલીઓને માથે આળ નાખી દેવામાં આવશે એવું અત્યારે લાગી રહ્યું છે. કિશોર આચાર્ય જેવો સુપરવાઇઝર પેપર સેરવી લેવાની હિંમત ન કરે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતનો ભૂતકાળ પેપરફોડના મામલે ખરડાયેલો છે, છતાં તેમને આરોપી બનાવાયા નથી. જયેશ પટેલે એક ટીવી ચેનલને કહ્યું હતું કે, પોતે મુખ્ય આરોપી નથી. હું સરન્ડકર કરીને બધું જ જણાવવા તૈયાર છું એવું તેણે કહેલું પણ તેને 72 કલાક સુધી પકડવામાં આવ્યો નહોતો. તેને ખરેખર તો હાજર કરાયો હોય તેમ લાગે છે, પકડવામાં નથી આવ્યો. એટલે નાની ટોળકીએ કૌભાંડ કર્યું એવું સાબિત કરીને મોટા માથાને બચાવી લેવાશે તેવી શંકા રહે છે.

NR: ભરતીમાં કૌભાંડ થાય છે એવા આક્ષેપો સાવ નવા નથી. લગભગ બધા રાજ્યોમાં થયા છે. મોટાભાગના રાજ્યોમાં ભરતી પરીક્ષાનું પેપર ફૂટી જાય છે કારણ કે, આમાં લાખોની કમાણી ટોળકીને થતી હોય છે. ફુલપ્રૂફ સિસ્ટમના દાવા છતાં પેપરો ફૂટતા રહે છે. આખી સિસ્ટમ સડી ગયેલી છે એમ કહેવામાં વાંધો નથી. સિસ્ટમમાં મોટાપાયે ફેરફારની જરૂર છે. કોઈ સરકાર કે પક્ષ ધારે તોય પોતાના જ માણસોને ઘૂસાડી દે એવું બને નહીં. થોડા લોકોને ગોઠવી દેવાતા હોય છે એ રિયાલિટી છે પણ કૌભાંડની વાત કરવાના બદલે આ સિસ્ટમને ઉપરતળે કરી નાખવાના મુદ્દાને મહત્ત્વ આપવું જોઈએ. સરકારી નોકરીમાં ભરતી માટેની સમગ્ર વ્યવસ્થાને પલટાવી નાખો, તેને ખૂબ જ ગંભીરતાથી લઈને જરા પણ ગેરરીતિ ન થાય એવું મોડલ બનાવો. આ પ્રકારની માગણી થવી જોઈએ. માગણી જ શા માટે, એવું જ થવું જોઈએ. એક ફુલપ્રૂફ પરીક્ષા મોડલ બનવું જોઈએ, જે માત્ર એક રાજ્યમાં નહીં, સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે. જીપીએસસી અને યુપીએસસી પરીક્ષામાં વધારે ચુસ્ત વ્યવસ્થા છે, તો શા માટે નાનામાં નાની ભરતી માટે પણ ફુલપ્રૂફ વ્યવસ્થા ન થાય?
DG: તો સરકારને કોણ રોકે છે એમ કરતાં? હું પણ માનું છું કે ભરતી પ્રક્રિયાને વધારે ચોક્સાઇભરી કરવાની વધારે જરૂર છે. આ માટે ગુજરાત સરકાર પણ ધારે તો પહેલ કરી શકે છે. જુદા-જુદા મંડળો બનાવીને ભરતી થાય છે, તેના બદલે કેન્દ્રીય વ્યવસ્થા દ્વારા ભરતી પ્રક્રિયા થવી જોઈએ. આ બધા મંડળો વિખેરી નાખો અને આસિત વોરા જેવા રાજકીય પદાધિકારીઓને ઘરે બેસાડો. એક નવું જ મોડલ તૈયાર કરવું જોઈએ અને તેના કારણે યુવાનોને ખાતરી થશે કે તેને સ્પર્ધા કરવાની તક મળી છે ત્યારે ઊલટાનું અસલી ગુજરાત મોડલ આ બની રહેશે. બીજા રાજ્યો પણ ગુજરાતના આવા મોડલને અપનાવે ત્યારે ખરો જશ મળશે પણ ત્યાં સુધી આસિત વોરાના રાજીનામાની માગણી પણ અટકવાની નથી.

NR: રાજકીય હરિફો તરત રાજીનામાની માગણી કરતા હોય છે પણ હું માનું છું કે રાજીનામું પડે તેના કરતાંય પાકી તપાસ થાય તે યુવાનોના વધારે હિતમાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે એટલે તેની પાસે યુવાનોને લગતો મુદ્દો આવે ત્યારે તે વિરોધ કરે તે સમજી શકાય તેમ છે. સબળ વિપક્ષ સારી જ વાત છે પણ વિપક્ષ માત્ર પોઇન્ટ સ્કોર કરવા માટે પ્રયત્નો કરે તેના બદલે પરીક્ષાર્થીને ન્યાય થાય તેવી તપાસ માટે દબાણ બનાવી રાખે તેનાથી યુવાનોનું હિત વધારે થશે. વિપક્ષોમાં પણ નેતાઓ વચ્ચે જશ માટે સ્પર્ધા થતી હોય એમ લાગશે તો યુવાનો ક્યાં જઈને આશા રાખશે?
DG: કોઈ મોટા મુદ્દે આંદોલન જાગે ત્યારે આવું દેખાતું હોય છે. ગુજરાતમાં હવે ભરતી પરીક્ષાનું કૌભાંડ બહુ મોટો મુદ્દો છે. એક હજાર જગ્યા માટે એક લાખ કરતાં વધારે ફોર્મ્સ ભરાતાં હોય ત્યારે કેટલા કુટુંબોમાં આશા અપેક્ષા હોય તે સમજી શકાય છે. વિપક્ષમાંથી પણ એકથી વધુ નેતાઓ જશ માટે પ્રયત્ન કરે તેને જશ કરતાંય રાજ્યના હિત માટેની સક્રિયતા ગણવી જોઈએ. એ ખરું કે આમ આદમી પાર્ટીના નેતાના બદલે પોતે વિદ્યાર્થી નેતા છે એવું વારંવાર યુવરાજસિંહ કહેતા રહ્યા છે. પરંતુ એકાદ નેતાની દૃષ્ટિએ વિપક્ષની સક્રિયતા જોવી જોઈએ નહીં કારણ કે, લાખો યુવાનોના જીવનનો પ્રશ્ન છે ત્યારે તેને ઉઠાવવો જ પડે અને છેલ્લે માત્ર નૈતિકતા ખાતર રાજીનામું આપવાની વાત શા માટે - આ ગંભીર કિસ્સામાં નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજીનામું લઈને પોતાની છાપ પાડવી જોઈએ.
(નીલેશ રૂપાપરા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે)