ડિજિટલ ડિબેટ:સરકાર ખાનગીકરણ કરે અને પાંચજન્ય એમેઝોન અને ઇન્ફોસિસની ટીકા કરે એવું શા માટે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલના સમયમાં બે મોટી કંપનીઓ વિરુદ્ધ બે લેખો ‘પાંચજન્ય’ મેગેઝિનમાં પ્રગટ થયા. પાંચજન્યનો તંત્રી વિભાગ સ્વાયત્ત છે અને સ્વતંત્ર રીતે તેની અખબારી નીતિ નક્કી થાય છે તેવા ખુલાસા કરાયા છે. ખુલાસા કેટલા ગળે ઊતરે તે વિચારવાનું છે. ઇન્ફોસિસની સફળતાને કારણે દુનિયામાં ભારતની આબરૂ બની છે ત્યારે તેની વાહવાહી લેવાની પણ અહીં દેશમાં જ તેને દેશદ્રોહી કહેવાની. એમેઝોન સડસડાટ આગળ વધે એવી ઉદારીકરણની નીતિઓ બની રહી છે પણ તે અબજો રૂપિયા ખર્ચીને સરકારી નીતિ બદલી કાઢે છે એવા આક્ષેપો સંઘ પ્રેરિત વિચારપત્રમાં છપાય ત્યારે આવું કેમ એવો સવાલ થાય. જવાબ મેળવવો મુશ્કેલ છે પણ કેટલાંક અનુમાનો કરી જોઈએ...

કાર્તિકેય ભટ્ટ (KB): ‘રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ’ એક બિનરાજકીય વૈચારિક સંગઠન છે પણ રાજકીય સત્તા માટે ઊભો કર્યો છે ભારતીય જનતા પક્ષ. ભાજપ સત્તામાં આવ્યો ત્યારથી બે મત પ્રવર્તમાન બન્યા છે. કેટલાક માને છે કે સંઘની પાછળ સત્તા છે. ઘણા માને છે કે સત્તાની પાછળ સંઘ છે. જે હોય તે, સમયાંતરે સંઘ પરિવાર પોતાની મૂળભૂત વિચારધારા સ્પષ્ટ કરતું રહ્યું છે, ભલેને પછી તે ભાજપની રાજકીય અને તેની સરકારની પ્રવર્તમાન નીતિ કરતાં જુદી જ હોય! એટલે સંઘપ્રેરિત પાંચજન્ય સામાયિકમાં એમેઝોનને 'ઈસ્ટ ઈન્ડિયા કંપની 2.0' કહેવી એ નવું કે આશ્ચર્યજનક નથી. આશ્ચર્યકારક બાબત ભ્રષ્ટાચારના આક્ષેપો છે, જેનો આડકતરો ઉલ્લેખ એમેઝોન વિરુદ્ધના લેખમાં થયો છે.
દિલીપ ગોહિલ (DG): આશ્ચર્યકારક કદાચ નહીં લાગે, પણ આંચકાજનક છે. સંઘના સ્વદેશી જાગરણ મંચ સહિતનાં સંગઠનો ખાનગીકરણ અને ખાનગી કંપનીઓનો વિરોધ કરતી આવ્યાં છે, પણ આ મુદ્દા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે તે આંચકાજનક છે. 8,500 કરોડ રૂપિયા કરતાં વધારે ખર્ચ એમેઝોને 'કાનૂની બાબતો' માટે કર્યો છે તે ધબકારો ચૂકાવી દે એવા સમાચાર છે. 8,500 કરોડ રૂપિયા ચૂકવાયા હોય તે નાણાં ગમે તેવા મોટા વકીલોના ગુંજામાં પણ માય નહીં. એટલે આ નાણાં વકીલોના હાથમાંથી કોને હસ્તાંતરણ થયા હશે તે લોકો સાનમાં સમજી જાય. (જો કે, એમેઝોન કંપનીએ મોડેમોડે સ્પષ્ટતા કરી છે કે વકીલો પાછળનો ખર્ચ 85 કરોડ રૂપિયા જેટલો જ છે, પણ પૂરો હિસાબ ક્યારેય મળશે નહીં.) બીજું કે આ ટીકા સાવ રાબેતા મુજબની પણ લાગતી નથી. ઇન્ફોસિસ સામે પણ એક લેખ પ્રગટ થયો. હવે ઇન્ફોસિસને સરકારે જ તગડા કોન્ટ્રાક્ટ આપેલા છે ત્યારે એવી કંપની સામે પાંચજન્યના આક્ષેપો દાળમાં કંઇક કાળું હોવાનું જણાવે છે. માત્ર આર્થિક નીતિની વાત આમાં રહી લાગતી નથી.

KB: ના, પણ તમે જુઓ આ મુદ્દાને આર્થિક નીતિના સંદર્ભમાં જુઓ તો RSS અને તેની વિચારધારાના પ્રચાર-પ્રસાર માટે ઊભા કરાયેલા સ્વદેશી જાગરણ મંચ સહિતના તમામ વૈચારિક મંચો વર્ષ 1991થી શરૂ થયેલા ખાનગીકરણ અને ઉદારીકરણની નીતિના વિરોધી જ રહ્યા છે. વિદેશી મૂડીરોકાણ, વિદેશી કંપનીઓ, મલ્ટિનેશનલ કંપનીઓની સંપૂર્ણ માલિકીની ભારતીય કંપનીઓ, ભારતમાં તેમનો કારોબાર આ બધી બાબતોમાં સંઘની સંસ્થાઓ વિરોધ કરે છે અને આ બાબતમાં આ સંગઠનો [વક્રતા એ છે કે] ડાબેરીઓ સાથે જ છે. સંસદમાં FDIના કાયદા બદલાય, દેશમાં સાયન્સ અને ટેક્નોલોજીનો વ્યાપ વધે, વધુ ને વધુ ઉદાર આર્થિક નીતિ સરકારી નીતિ તરીકે સ્વીકારવામાં આવે તે પછી એક કંપનીને હા અને બીજી કંપનીને ના પાડી શકાતી નથી. એકને ગોળ અને બીજાને ખોળની વાત ક્યાંથી ચાલે? સરકાર નીતિ નક્કી કરીને કાયદો જ ઘડી કાઢે તે પછી આવા લેખથી વિરોધ કરવાથી કોઈ ફરક પડતો નથી. સિવાય કે સંઘના દબાણના કારણે સરકારે જ પારોઠનાં પગલાં ભરવા પડે અને ઇ-કોમર્સની કદાવર કંપનીઓ પર નિયંત્રણો માટેનાં પગલાં લેવાં પડે.
DG: પણ એટલે જ સવાલો ઊભા થવાના કે સરકાર કેટલાં પારોઠનાં પગલાં ભરશે. ઉદારીકરણનો સંઘ અને તેની સંસ્થાઓના વિરોધ દંભ છે. જનસંઘને ઇન્દિરા ગાંધી 'બનિયા પાર્ટી' કહેતાં અને અત્યારે ભાજપ પર પણ આક્ષેપો લાગે જ છે કે ઉદ્યોગપતિઓની સાનુકૂળતા પ્રમાણે આર્થિક નીતિઓ બને છે. કદાચ મુશ્કેલી એ થઈ છે કે ભાજપ લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો અને વેપારીઓનો પક્ષ છે. આ તેમનો ચુસ્ત ટેકેદાર વર્ગ છે, તેની નારાજી સરકારી નીતિ સામે લાંબો સમયથી છે. એ વાત ખરી કે વેપારીવર્ગ કટ્ટર વોટબેંક છે એટલે મતો ગુમાવવા નથી પડતા. પરંતુ નારાજગીનો ઇનકાર કોઈ વેપારી કે ઉદ્યોગપતિ (ઓફ ધ રેકોર્ડ) કરતો નથી. કદાચ આ વોટબેંકને ધ્યાનમાં રાખીને પણ બબ્બે લેખો લખાયા છે. દાખલા તરીકે, કોરોના સંકટ પછી આ બીજી દિવાળી આવી રહી છે ત્યારે વેપારીઓ કમાણીની આશામાં છે પણ એમેઝોન, ફ્લિપકાર્ટ, અંબાણી-તાતાની ઇ-કોમર્સ કંપનીઓ ગંજાવર ડિસ્કાઉન્ટ જાહેર કરીને એક જ દિવસમાં અબજોનો વેપાર કરવા થનગની રહી છે. સીધું નુકસાન દુકાનદારો છે અને માથે પાંચ રાજ્યોની ચૂંટણી છે ત્યારે દુકાનદારોનું હિત વિચારવામાં આવી રહ્યું છે તે મેસેજિંગ પણ કદાચ થઈ રહ્યું છે.

KB: આખી વાતમાં એમેઝોનના ઇ-કોમર્સ અને ઓનલાઇન રિટેલ વેચાણ કરતાંય એમેઝોનનાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રજૂ થતી ફિલ્મો, સિરિયલો સામે વિરોધ વધારે હોય તેમ લાગે છે. એક સાંસ્કૃતિક સંગઠન તરીકે સંઘ પરિવારની સંસ્થાઓ હંમેશાં સંસ્કૃતિ પરના હુમલાને બજાર કરતાંય વધારે મહત્ત્વ આપે છે. ફિલ્મો, વેબસિરિઝમાં રજૂ થતાં અમુક વિષયો પરિવારને અકળાવે છે. એમેઝોન કંપનીએ પોતાનો વ્યાપ અનેક ક્ષેત્રોમાં વધાર્યો છે અને મનોરંજનનું ક્ષેત્ર પણ તેમાં છે. આ પ્રકારની મલ્ટિનેશનલ કંપની જંગી ખોટ કરીને પણ પોતાનું કામકાજ વિસ્તારવા માટે (અને હરીફ કંપનીઓનો કડૂસલો કરી નાખવા માટે) કરોડો રૂપિયા ખર્ચે છે, અધિકારીઓને ફોડે છે, લાંચ આપે છે અને નેતાઓને ફંડ આપીને સરકારી નીતિ-નિયમોને પોતાની તરફેણમાં કરાવી લે છે. આમાં ભ્રષ્ટાચાર છે પણ સાથોસાથ સરકાર પર નિયંત્રણ પણ છે. ગમે તે વિચારધારા સાથે સત્તામાં આવેલી સરકારને મલ્ટિનેશનલ કંપનીઓ ખરીદી લેતી હોય છે. આ બધી બાબતોના અણસાર વાચકોને આ લેખમાં મળે છે. આ મુદ્દો આર્થિક નીતિના વિરોધ કરતાંય વિદેશી કંપનીઓના રાજકીય નિયંત્રણો ઊભો થવાનો પણ લાગે છે.
DG: મનોરંજન હકીકતમાં મેસેજિંગનું બહુ મોટું માધ્યમ છે એ વાત અછાની નથી. મનોરંજન, ફિલ્મો, કળા પર કબજો એ પણ એક એજન્ડા છે અને તેના માટેના આ ધમપછાડા છે. કદાચ આ અમેરિકન પદ્ધતિનું માર્કેટિંગ અને મેનેજમેન્ટ છે, જ્યાં નીતિઓ કદાવર કંપનીઓ નક્કી કરતી હોય છે અને સરકારે માત્ર તેનો અમલ કરવાનો હોય છે. અમેરિકામાં પ્રમુખ બદલાઈ જાય પણ નીતિ બદલાતી નથી. અફઘાનિસ્તાનમાં અબજો રૂપિયાનો વેડફાડ બંધ કરો અને ચીન સામે આર્થિક લડત પર ધ્યાન આપો એવું અમેરિકન મલ્ટિનેશનલ્સે નક્કી કર્યું. તે પછી નેતાઓને સૂચના આપી દેવાઈ એટલે ઓબામાએ અફઘાનિસ્તાનમાંથી હટી જવાનો નિર્ણય કર્યો, ડોનાલ્ડ ટ્રમ્પે તે માટેની તૈયારી કરી લીધી અને બાઇડને હવે તેને પાર પાડી - આવું બધું પણ કહેવાતું હોય છે. એટલે રાજકીય સત્તા અને નિયંત્રણોની ચિંતા લેખમાં વ્યક્ત થઈ છે તે વાત સાચી પણ તેને દૂર કરવાનો ઉપાય શું? અને તેના માટે પોતાના જ રાજકીય પક્ષની સરકાર શું કરી રહી છે? આના જવાબો મળતા નથી.

KB: રાજકારણ તો રાજકારણ જ રહેવાનું, વિચારધારા કદાચ વાતો માટે રહેતી હશે. રાજકારણની રીતે વિચારીએ તો અત્યારે ભારતમાં માત્ર ડાબેરીઓ અને કોંગ્રેસ જ નહીં, મોદી લહેરમાં સંઘ પરિવાર પ્રેરિત ઘણી બધી સંસ્થાઓ અને સંગઠનો ભૂલાવા લાગ્યા છે. ભાજપ વિપક્ષમાં હતો ત્યારે આ બધી ભગિની સંસ્થાઓ ગાજતી રહેતી હતી પણ હવે દેખાતી નથી. આ સંસ્થાઓ સમયાંતરે પોતાની હાજરી પૂરાવા નિવેદનો, કાર્યક્રમો વગેરે કરતા રહે છે. એ ન્યાયે વિદેશી કંપની, વિદેશી રોકાણકારો કે મનોરંજન ઉદ્યોગોની મોટી પેઢીઓ પર વર્ચસ્વ નહીં પણ થોડો ઘણો કાબૂ રહે એ માટેની ચિંતા કરવી પડે. એટલે પણ આ કવર સ્ટોરી મહત્ત્વની છે. બાકી તમામ વાદ-વિવાદો, રાજકારણથી દૂરની વાત કરવી હોય તો ભારતમાં આર્થિક અને સામાજિક ક્ષેત્રે વિવેકબુદ્ધિ, સારા નરસાનું પ્રમાણભાન રાખવું જરૂરી છે. એમેઝોન હોય કે બીજી કોઈપણ કંપનીઓ, કાબુ બહારનો અર્થવિસ્તાર રાજ્ય સત્તાને ખરીદી લે છે!
DG: પણ એ જ મુદ્દો છે કે તમારી જ સત્તા છે તો કાબુ બહાર ના જવા દેવા માટે શું કરવામાં આવ્યું? ઊલટાનું ખાનગીકરણ બેફામ બની રહ્યું છે. એમેઝોન સડસડાટ આગળ વધી રહી છે. એર ઇન્ડિયા આખરે વેચાઈ ગઈના સમાચાર આ લખાય છે ત્યારે આવ્યા છે. ડિમોનેડાઇઝેશન કરીને મધ્યમ વર્ગની કમર તોડી નાખે તે પછી હવે મોનેટાઇઝેશન કરીને ઉદ્યોગપતિની સમૃદ્ધિના કમરનો ઘેરાવો ટ્રેક્ટરના ટાયર જેવડો કરવામાં આવી રહ્યો છે. આ બધી નીતિ મૂળ વિચારધારાથી વિરોધી હોય તો સરકારને રોકવા માટે સંઘ પરિવારને કોણ રોકે છે? કે પછી આ રાબેતા મુજબનો દંભ છે? હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના જુદા જ હોય...તો પછી હાથીદાંત પર (વનવિભાગના નિયમોની ઐસીતૈસી) સુંદર મજાની નકશી કરીને રાખો શૉકેસમાં, બીજું શું!
(કાર્તિકેય ભટ્ટ અને દિલીપ ગોહિલ બંને રાજકીય વિશ્લેષકો છે)

અન્ય સમાચારો પણ છે...