SC, ST અનામત આઝાદી સાથે જ નક્કી થઈ હતી અને તેની ચર્ચા બંધારણના ઘડવૈયાઓએ કરી હતી. પરંતુ 70 અને 80ના દાયકામાં પ્રાદેશિક પક્ષોનું જોર વધ્યું પછી OBC અનામતની શરૂઆત થઈ. કોંગ્રેસ અને ભાજપ બંને OBC અનામત માટે આતુર નહોતા પણ પ્રાદેશિક પક્ષો સામે ટક્કર લેવા હવે બંને મુખ્ય પક્ષો OBCની તરફેણ કરે છે. મંડલ સામે કમંડલ લાવનારો ભાજપ પણ હવે મંડલ-2નાં મંડાણ કરી રહ્યો છે એવી ચર્ચા ચાલી છે. પરંતુ ચર્ચામાં ગેરસમજો બહુ છે - શા માટે અને કોણ ફેલાવી રહ્યું છે એ પણ સવાલ છે.
જયવંત પંડ્યા (JP): મોદી સરકાર આવ્યા પછી એવી ફરિયાદ થતી હોય છે કે કેન્દ્ર રાજ્યોના અધિકાર પર તરાપ મારે છે. પરંતુ તાજેતરમાં પસાર થયેલો બંધારણનો 127મો સુધારો આ વાત ખોટી સાબિત કરે છે. અન્ય પછાત વર્ગની યાદી બનાવવા રાજ્યોને અધિકાર આપતો આ ખરડો સંસદનાં બંને ગૃહોમાં પસાર થયો છે.
દિલીપ ગોહિલ (DG): કોઈક કારણસર આ ખરડાના મુદ્દે મોટી ગેરસમજ થઈ રહી છે. ક્યાં તો ઈરાદાપૂર્વક ફેલાવામાં આવી રહી છે. રાજ્યોને કોઈ નવો (રિપિટ 'કોઈ નવો') અધિકાર આપવામાં આવ્યો નથી. બંધારણનો 102મો સુધારો કરીને રાષ્ટ્રીય OBC પંચની રચના કરવામાં આવેલી. OBC પંચને બંધારણીય દરજ્જો અપાયો. આ પંચ યાદી તૈયાર કરે તેના પર રાષ્ટ્રપતિ સહી કરે એટલે OBC યાદીમાં જ્ઞાતિનું નામ ઉમેરાશે આટલી વાત હતી. આ યાદી એટલે કેન્દ્ર સરકારની OBC યાદી એવું ધારી લેવાયું હતું. પરંતુ મરાઠા અનામતને રદ કરતો સુપ્રીમનો ચુકાદો આવ્યો તેમાં 102મા સુધારા પ્રમાણે રાષ્ટ્રપતિની સહીથી જ OBC યાદી બને તેવું જણાવી દેવાયું. તેથી ઊભી થયેલી ગૂંચ દૂર કરવા 127મો સુધારો થયો. રાજ્ય OBCની યાદી અગાઉની જેમ (રિપિટ 'અગાઉની જેમ') જાતે તૈયાર કરે અને રાજ્યની વર્તમાન OBC યાદી યથાવત રહે તે માટે 127મો સુધારો કરાયો છે. હવે ગેરસમજ થઈ છે અથવા ફેલાવાઈ રહી છે કે રાજ્ય સરકારોને હક અપાયો છે એટલે મનફાવે તે રીતે કોઈને OBCમાં નાખી દેશે અને કોઈને હટાવી દેશે.
JP: અનામતનો મુદ્દો સ્વતંત્રતા સાથે શરૂ થયો હતો. SC, ST માટે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી, જે વાજબી હતું. પરંતુ દલિત આગેવાન બાબાસાહેબ આંબેડકરે બનાવેલા બંધારણમાં આ જોગવાઈ તેમજ કલમ 370 અને અંગ્રેજીને રાષ્ટ્રભાષા રાખવાની જોગવાઈ કેટલાંક વર્ષો પૂરતી કામચલાઉ જ હતી. રાજકારણીઓને તેમાં મતબેંક દેખાઈ. કોંગ્રેસ સામે ધીમે-ધીમે અસંતોષ વધવા લાગ્યો. 1970ના દાયકામાં કેન્દ્ર અને (કેન્દ્રના આદેશના લીધે જ) રાજ્યોમાં નવો વિચાર જન્મ્યો. અન્ય પછાત વર્ગને પણ અનામત આપીએ તો કેવું? આથી કેન્દ્રમાં જનતા પક્ષની સરકાર હતી ત્યારે 1979માં મંડલ અને ગુજરાતમાં 1972માં ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ એ. આર. બક્ષીના એકલ સભ્યનું બક્ષી પંચ રચાયું. 1978માં જનતા પક્ષની બાબુભાઈ જશભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આ પંચની ભલામણોનો સ્વીકાર કર્યો. 268 દિવસમાં જ સરકારને ઉથલાવી દેવામાં આવી. બક્ષી પંચનો અમલ કર્યો માધવસિંહ સોલંકીએ. તેના વિરુદ્ધ અનામત આંદોલન પણ થયું. માધવસિંહને જવું પડ્યું. આ જ રીતે કેન્દ્રમાં વી. પી. સિંહે મંડલ પંચની ભલામણો અમલમાં મૂકી. તેની વિરુદ્ધ પણ આંદોલન થયું, પરંતુ રાજકારણીઓ ટસના મસ ન થયા.
DG: યસ, પ્રાદેશિક પક્ષો મજબૂત થતા ગયા તેમ તેમ OBC રાજકારણ જોર પકડતું ગયું. ઇન્દિરા ગાંધીએ મંડલ પંચનો અહેવાલ મૂકી રાખ્યો હતો પણ વી. પી. સિંહે તેના પરથી ધૂળ ખંખેરી. ગુજરાતમાં પણ અનામત વિરુદ્ધ હિંસક આંદોલન થયું, પણ મતબેંકના રાજકારણના કારણે OBC અનામત આગળ વધી પણ અહીંયા એક ગેરસમજ છે અને ઈરાદાપૂર્વક ફેલાવાતી રહી છે - OBC મેળવનારા ફાવી ગયા છે! OBC અનામત બધા રાજકીય પક્ષોએ સ્વીકારી અને આપી પરંતુ ખરેખર લાભ મળે તેવા પ્રયત્નો થયા નથી. યુનિવર્સિટીથી માંડીને અનેક સરકારી જગ્યાએ OBCની ભરતી ના થાય તેવા પ્રયાસો થતા રહ્યા છે. છેલ્લે ગુજરાતમાં પણ મહિલા પોલીસની ભરતી વખતે OBCની યુવતીઓ બાજુએ રાખીને બિનઅનામત વર્ગની યુવતીઓની ભરતી કરાવી દેવાઈ. પછી આંદોલન કરાવીને, બેઠકો વધારીને, ગેરકાયદે રીતે કરેલી ભરતીને પણ કાયમ રાખીને મામલો થાળે પાડી દેવાયો.
JP: ગેરસમજ હોય કે ના હોય પણ OBC મુદ્દે રાજકારણ ચાલતું જ રહ્યું છે. મંડલ પછી ભાજપે હિન્દુત્વની રાહ પકડેલી અને રામ જન્મભૂમિ આંદોલન કર્યું. પરંતુ ટૂંક સમયમાં સમજાઈ ગયું કે માત્ર હિન્દુત્વથી રાજકારણનો માર્ગ સિંહાસન સુધી નહીં પહોંચે કારણ કે, હિન્દુ જ્ઞાતિઓમાં વહેંચાયેલો જ રહ્યો છે. પ્રાદેશિક પક્ષોના જ્ઞાતિવાદી રાજકારણે કોંગ્રેસનો પણ સફાયો કરી નાખ્યો. તેથી, નરેન્દ્ર મોદીના આગમન પછી OBC અને દલિત રાજકારણ ભાજપમાં વધ્યું.
DG: એક્ઝેક્ટ્લી, અત્યારે કદાચ આવી જ ગેરસમજ ફેલાવવાની કોશિશ થઈ રહી છે કારણ કે, (એક જમાનામાં કોંગ્રેસની જેમ) હવે ભાજપને પણ OBC મતોનું કોન્સોલિડેશન થાય તે થવા દેવું નથી. બિનઅનામત વર્ગની વોટબેંક સાબૂત અને OBC વોટબેંકમાં ભાગલા પડે તો જ યુપીમાં (અને ગુજરાતમાં પણ) ફાયદો થાય. કદાચ એટલે જ અમે રાજ્યોને OBC યાદીનો હક આપ્યો તેવી વાતો ચલાવાઈ રહી છે. હક હતો જ, તે 102મા સુધારાના કારણે અટક્યો હતો એટલે પુનઃસ્થાપિત થયો છે. એ જ રીતે NEETમાં રહેલા ઓલ ઇન્ડિયા ક્વૉટામાં 27 ટકા OBC અમે આપી છે એવો પ્રચાર થાય છે તે પણ ખોટો છે. મદ્રાસ હાઈકોર્ટના આદેશને કારણે આ આપવો પડ્યો છે. મૂળે તો આપવાનો જ હતો, પણ મેડિકલ કોલેજમાં કેન્દ્ર સરકારનો ઓલ ઇન્ડિયા ક્વૉટા શરૂ થયો 1984 અને 1986ના બે કેસીઝને કારણે. રાજ્યોની કોલેજમાં 15 ટકા બેઠકો રાષ્ટ્રીય ધોરણે ભરવાનું નક્કી થયું પણ તે વખતની રાજીવ ગાંધીની સરકારે 15 ટકાને મુક્ત ગણીને તેમાં કોઈ અનામતનું ધોરણ રાખ્યું નહીં. તેથી, 2009માં વળી સુપ્રીમના ચુકાદાથી SC, ST ક્વૉટા તેમાં ઉમેરાયો અને 2015માં OBC ક્વૉટાની પણ માગણી થઈ. તામિલનાડુમાં આ મુદ્દે ભારે અસંતોષ હતો એટલે મદ્રાસ હાઈ કોર્ટના આદેશ પછી નહોતો અપાતો તે આપવો પડ્યો છે - આપવાની કોઈ ઉદારતા દાખવામાં આવી નથી.
JP: દરમિયાનમાં, મહારાષ્ટ્રમાં મરાઠા અને ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયાં. હરિયાણા-રાજસ્થાનમાં જાટ અને ગુર્જર આંદોલન તો ચાલતાં જ રહે છે. મરાઠા આંદોલન પણ આમ તો 1997થી ચાલે છે. મરાઠા મહાસંઘ અને મરાઠા સેવા સંઘે શરૂ કરેલા આ આંદોલનનો મુદ્દો ઈ. સ. 2000માં NCPએ ઉઠાવી લીધો. 2014માં કોંગ્રેસ-એનસીપીની યુતિ સરકારે મરાઠાઓને 16 ટકા અનામત આપી હતી. આ સાથે મુસ્લિમોને નોકરી અને શિક્ષણમાં 5 ટકા અનામત આપવામાં આવી હતી.
DG: એટલે મુદ્દો એ જ છે કે બધા જ પક્ષોને જ્ઞાતિઓના નામે રાજકારણ રમીને ફાયદો લેવો છે. પછી કંઈ પણ પૂછો એટલે પહેલું એ કહેશે ફલાણો અને ઢિકણો પક્ષ જ્ઞાતિ અને વોટબેંકનું રાજકારણ રમે છે. અમે તો જ્ઞાતિનું રાજકારણ કરતાં જ નથી! કમનસીબે આ પ્રકારના મુદ્દાઓ ચાલ્યા પણ છે. જ્ઞાતિજન નાગરિક તરીકે એ નથી સમજવા તૈયાર કે જ્ઞાતિનું રાજકારણ કોઈ એક જ્ઞાતિને નહીં, બધી જ્ઞાતિઓને નુકસાનકારક છે. તેના બદલે નાગરિકો, નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો, આરોગ્ય અને શિક્ષણ, અર્થતંત્ર અને રોજગાર, સુરક્ષા અને સુખાકારી આ મુદ્દે રાજકીય પક્ષોના લેખાંજોખાં કરતો થાય તો જ આ બંધ થાય.
JP: મહારાષ્ટ્રમાં બધી જ સરકારોએ અનામતના ખેલ કર્યા. અનામત એક વાર આપી દેવાની અને તે પછી અદાલતોમાં ચલકચલાણું ચાલે. છેવટે મરાઠા અનામતનો મુદ્દો પણ સર્વોચ્ચ ન્યાયાલયમાં આવ્યો અને પાંચમી મેએ તેને ગેરબંધારણીય ઠરાવ્યો. ભેગાભેગ એમ પણ કહ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર અને રાષ્ટ્રપતિ પાસે જ છે. આ ચુકાદો ફેરવી તોળવામાં બધા પક્ષોને હિત દેખાઈ રહ્યું છે. તેથી જ મોદી સરકારે સુધારા માટેનો 127મો ખરડો રજૂ કર્યો ત્યારે વિપક્ષોએ પણ તેને ટેકો આપ્યો. બધા વિપક્ષો આમાં સંપી ગયા અને પેગાસસ જાસૂસી અને કૃષિ કાયદાને પાછા ખેંચવા હંગામા વચ્ચેય OBC ખરડા મુદ્દે એકમત થઈ ગયા. પરિણામે હવે આ કાયદો બનશે અને તેના લીધે રાજ્યોને OBC નક્કી કરવાનો અધિકાર મળશે. ભયસ્થાન એ છે કે આ રીતે અનામત વધતી જશે અને ગુણવત્તા નબળી પડશે. વળી, OBCમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનો પણ સમાવેશ થશે તો અન્યાય હિન્દુઓની જ્ઞાતિને થયો છે અને તેનો લાભ તેમને મળવાના બદલે બીજા પંથોને મળી જશે. જરૂરિયાતવાળા ઠેરના ઠેર રહેશે.
DG: આ ભયસ્થાનની વાત અભિપ્રાય અને વિશ્લેષણમાં સહજ એવી ગેરસમજને કારણે આવી છે કે ઇરાદાપૂર્વકની ગેરસમજને કારણે ખરેખર એ સમજવું અઘરું બની રહ્યું છે. OBC નક્કી કરવાનો અધિકાર બસ હવે તો રાજ્યોને મળી ગયો છે એટલે ફટાફટ આપી દેવાશે અથવા લઈ લેવાશે - આવી વાત પત્રકારો, વિશ્લેષકો, અખબારો અને ટીવી ચેનલોએ પણ કરી છે! સમજવું મુશ્કેલ છે, કારણ કે મૂળ રાજ્યનો અધિકાર રાજ્યને પરત થયો. પરંતુ OBC યાદી તૈયાર કરવા માટેની જે પ્રોસેસ કરવાની હોય તે કરવાની જ રહે છે. તે પ્રોસેસમાં કોઈ ફેર થયો છે ખરો - આ સવાલની પણ ઊંડી તપાસ કરીને કોઈ નિષ્ણાત જણાવે તો કદાચ ગેરસમજ દૂર થાય. ગેરસમજની વાત જ ચાલે તો એ પણ જાણી લેવું જોઈએ કે OBCમાં બધા પ્રકારની જ્ઞાતિઓ છે - મુસ્લિમ જ્ઞાતિઓ પણ છે (મિર, મકરાણી, મિયાણા), બ્રાહ્મણો છે (કાઠી રાજગોર, આહિર (પરજિયા) રાજગોર), ખ્રિસ્તીઓ પણ છે (કર્ણાટકમાં બ્રાહ્મણ ક્રિશ્ચિયન, કુરુબા ક્રિશ્ચિયન, મડિગા ક્રિશ્ચિયન) અને માગણી ના કરી હોય તેવી જ્ઞાતિઓને પણ (ગુજરાતમાં) યાદીમાં મૂકી દેવાઈ છે અને માગણી કરી હોય તેમને ના મુકાઈ હોય તેના દાખલા તો સુવિદિત છે...
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.