• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • Why Did The Modi Government, Which Has Been Firm Till Now, Suddenly Have To Withdraw All The Three Agricultural Laws? Will It Resonate In The Next Elections?

ડિજિટલ ડિબેટ:અત્યાર સુધી મક્કમ રહેલી મોદી સરકારે અચાનક ત્રણેય કૃષિ કાયદા કેમ પાછા લેવા પડ્યા? તેના પડઘા આગામી ચૂંટણીઓમાં પડશે?

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિક્રમ વકીલ (VV): કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેની લાંબા ગાળાની માગણીઓને ધ્યાનમાં રાખીને સુધારા માટે કાયદાઓમાં ફેરફાર કરવાનું વિચારેલું. તે રીતે ત્રણ કાયદા કરવામાં આવ્યા અથવા સુધારા કરવામાં આવ્યા. આવશ્યક ચીજવસ્તુ ધારામાં સુધારો કરાયો હતો, જેથી ઉદ્યોગોની વિશાળ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પૂરતા પ્રમાણમાં સ્ટોક રાખી શકાય. કૃષિ ક્ષેત્રે સુધારાની જરૂરિયાત પ્રમાણે કાયદા થયા, પણ આ કૃષિ કાયદાઓના ફાયદાની વાત ખેડૂતો સુધી પહોંચાડવામાં સરકાર સફળ થઈ નહીં. જેમના ફાયદા માટે કાયદા બન્યા હોય એમને એટલે કે ખેડૂતોને જ એ સ્વીકાર્ય નથી એવું પર્સેપ્શન ઊભું થયું હતું. વિરોધ પછી આંદોલન જાગ્યું અને દિલ્હીની ફરતે અન્ય રાજ્યોની સરહદ પાસે જ ખેડૂતોએ છાવણીઓ નાખી. ખેડૂતોને બળજબરીપૂર્વક હટાવવા શક્ય નહોતા અને વાજબી પણ ના ગણાય, એટલે વર્ષથી વધારે સમય બાદ આખરે સરકારે પીછેહઠ કરવી પડે એમ હતી.

દિલીપ ગોહિલ (DG): પીછેહઠ કરવા માટેનાં કારણો હવે શોધવામાં આવશે. બંને પક્ષો તરફથી શોધવામાં આવી રહ્યા છે, પણ બંનેનાં કારણોમાં ફરક રહેવાનો. સરકારે ખેડૂતો સામે ઝૂકવું પડ્યું, તેમ છતાંય વિજેતા દેખાવા માટે અમુક પ્રકારની દલીલો થશે. હકીકતમાં સરકારે લોકલાગણી પ્રમાણે અમુકતમુક નિર્ણયો બદલવા પડે તેને હારી જવું ગણાય નહીં, પણ જાતે અને ટેકેદારો પાસે સતત અત્યંત મજબૂત સરકારના ઢોલનગારા રાતદિવસ પીટવામાં આવ્યા હોય ત્યારે પછી બહાનાં શોધવા પડે તેમ છે. એટલે કહી શકાય કે સરકારે શા માટે ઝૂકવું પડ્યું તે કારણો સ્પષ્ટ હોવા છતાં સરકાર બહાનાં શોધતી રહેશે.

VV: ઉત્તર પ્રદેશ અને પંજાબ જેવા મહત્ત્વનાં રાજ્યોની ચૂંટણીઓ માથા પર છે. ભાજપ માટે આ કૃષિ આંદોલન માથાનો દુખાવો બની ગયું હતું. ગ્રામીણ વિસ્તારોમાં ભાજપના નેતાઓને પ્રચાર માટે જવું મુશ્કેલ બન્યું હતું. પ્રચાર કરવા જનારા નેતાઓને પૂછવામાં આવતું હતું કે કૃષિ કાયદા વિશે તમારો મત સ્પષ્ટ કરો, પછી મત માગવા આવો. આવા સંજોગોમાં ઉત્તર પ્રદેશમાં પણ સત્તા જાળવી શકાશે કે કેમ તે સામે સવાલો પુછાવા લાગ્યા હતા. હવે સત્તા જાળવવા કે મેળવવા માટે કાયદા રદ કરવા પડે એમ હોય તો કયો પક્ષ જડતાથી નિર્ણયને વળગી રહે?
DG: આ વાત વાજબી અને વ્યવહારુ છે. આખરે તો સત્તા માટે રાજકીય પક્ષો હોય છે, પણ ભાજપના પ્રવક્તાઓ આ વાસ્તવિકતા જાહેરમાં સ્વીકારી શકે તેમ નથી. તેથી વ્યાપક દેશહિત અને સમજાવટ કરવામાં નિષ્ફળતા એવું જણાવી રહ્યા છે. સમજાવટ પણ થોડા લોકોની નથી થઈ શકી એવું કહેવાતું રહ્યું છે. થોડા લોકો જ સમજતા નથી - એમ કહીને હજીય ખેડૂતોને બદનામ કરવાની વૃત્તિ ગઈ એમ લાગતું નથી. પરંતુ તમે જે રીતે સ્પષ્ટ વાત કરી શકો તો રીતની વાત સરકારના સમર્થકોના જીભે ચડતી નથી, કેમ કે ચડે તો ચચરે તેમ છે. જાણકારો કહે છે કે આંતરિક સર્વેમાં પશ્ચિમ યુપી એટલે કે દિલ્હીની નજીક આવેલા વિસ્તારમાં નુકસાન થશે તેવી વાત બહાર આવી હતી. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જાટ લોકો વસે છે. મુઝફ્ફરનગરનાં રમખાણો પછી જાટ મતોમાંથી 91 ટકા મતો ભાજપને મળ્યા હતા તેવો અંદાજ છે. આ મતો હવે જાળવવા મુશ્કેલ બન્યા છે. ચૌધરી ચરણસિંહના પૌત્ર જયંત ચૌધરી આ જ જાટ વૉટ રાષ્ટ્રીય લોક દળ તરફ પાછા ફરશે તેવી આશામાં છે અને અખિલેશ યાદવ સાથે ગઠબંધનની જાહેરાત કરવાની તૈયારીમાં છે.

VV: એનો અર્થ એ થયો કે મોકો જોઈને વિપક્ષના નેતાઓએ ખેડૂતોના નામે રાજકારણ શરૂ કરી દીધું હતું. એટલે એ આક્ષેપને ખોટો ના કહી શકાય કે ખેડૂતોના આંદોલનને રાજકીય સ્વરૂપ મળ્યું હતું. બીજું કે વડા પ્રધાને જાતે આવીને, ગુરુ નાનકની જયંતિના ગુરુપરબના દિવસે કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી છે. તેમ છતાં ખેડૂત આગેવાનોએ કહ્યું કે તાત્કાલિક તેઓ હટવાના નથી. સંસદમાં કાયદો પસાર થાય તે પછી જ ઘરે પાછા ફરીશું એવું કહી રહ્યા છે. કૃષિ કાયદા પાછા લેવાની જાહેરાત રાષ્ટ્રને સંબોધનમાં થઈ હોય તે પછી પણ જો આંદોલન ચાલુ રહેશે તો આંદોલનના ઉદ્દેશ વિશે સામાન્ય ખેડૂતને ચોક્કસ શંકા પેદા થશે.
DG: મને લાગે છે કે આંદોલન સંસદમાં કાયદો પસાર થાય તે સાથે પૂરું થઈ જશે. સિવાય કે કોઈના ઈરાદા કંઈ જુદા હોય. અહીં કેટલાક વિપક્ષના નેતાઓએ ભરોસાનો સવાલ ઊભો કર્યો હતો. શું વડા પ્રધાનની શ્રદ્ધેયતા એટલી ઓછી થઈ ગઈ છે કે તેમના રાષ્ટ્રજોગ સંદેશ છતાં સંસદમાં વિધિવત્ કાયદા નાબુદ ના થાય, ત્યાં સુધી ઊભા ના થવાય એવું ખેડૂતોએ કહેવું પડ્યું? મને અવિશ્વાસ કરવાનું કોઈ કારણ લાગતું નથી. કદાચ એક વિધિ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની અને વિધિસર છાવણીઓ ખાલી કરવાની વાત હોઈ શકે છે. છાવણીઓ ખાલી કરાવી દેવા બહુ પેંતરા થયા હતા, તેમ છતાં માનું છું કે એવા અવિશ્વાસની વાત ના હોય. પણ એક નાનકડો મુદ્દો છે, જે સમજનારા કદાચ મનોમન સમજ્યા હશે. ટીવી પર જાહેરાત થાય અને ખેડૂતો વિખેરાઈ જાય તો મામલો પૂર્ણ થાય તેવી ઈચ્છા સરકારની હોઈ શકે. સામી બાજુ સંસદના સત્રની શરૂઆત સુધી મુદ્દો ગાજતો રહે, ગૃહમાં વિધિવત નાબુદીના ખરડા આવે, તેની ચર્ચા થાય અને ખેડૂત છાવણીમાં વિવિધત ધામધૂમથી સમાપ્તિ થાય એવી પણ ગણતરી હોઈ શકે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંઈ અમુક જ પાર્ટીનો ઈજારો ના હોય.

VV: ઇવેન્ટ મેનેજમેન્ટ તો ચાલતું જ રહ્યું છે. ખાલિસ્તાનીઓ અને દેશ વિરોધી તત્ત્વો આંદોલન કબજે કરી રહ્યા હતા, તે વાત સાવ અસ્થાને નહોતી. તેવી શંકા જાય તેવાં પૂરતાં કારણો હતાં. ગત વર્ષે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના દિવસે બનેલા બનાવો શોભાસ્પદ નહોતા. તોફાનીઓ ઘૂસી ગયા હતા. તેમને ગમે તેની પ્રેરણા હોય, પણ એક રાષ્ટ્રીય પર્વના દિવસે તમાશો થયો હતો. બીજું કે સરકારને મળેલા ઇન્ટેલિજન્સ ઇનપુટ ગંભીર હોઇ શકે છે. ખેડૂતોનું આંદોલન બાજુ પર રહી જાય અને નવી મુસીબત રાષ્ટ્ર સામે આવીને ઊભી રહે તેવું કોઈ સરકાર ના ઈચ્છે. બીજું કે ખેડૂતો સામે નિવેદનો કરવાથી પણ લોકો છંછેડાઈ જતા હોય તો તેમની સામે કાર્યવાહી કરવી મુશ્કેલ છે. સરકારે આ દરમિયાન એવી કોઈ કડકાઇ દાખવી પણ નહોતી. નહિ તો સરકાર ધારે તો શું આંદોલન તોડી પાડી શકે નહીં?
DG: આંદોલન તોડી પાડવા પ્રયાસો થયા જ નહોતા એમ કહેવું મુશ્કેલ લાગે છે. ખેડૂતોને થકવી દેવાના, તેમનામાં ભાગલા પડાવવાના, તેમને દેશદ્રોહી, મવાલી, ગુંડા, તોફાની, આતંકવાદી, ખાલિસ્તાની કહીને બદનામ કરવા, દેશના બીજા લોકોને તેમની સામે ઉશ્કેરવા એ બધા પ્રયાસો થયા હતા. તેમાંથી કોઈ પ્રયાસો કામિયાબ ના થયા તે જુદી વાત છે. છેલ્લે છાવણીઓ પરથી ખેડૂતોને બળજબરીપૂર્વક હટાવી દેવાની તૈયારીઓ પણ થઈ હતી. પરંતુ ટિકૈતનાં આંસુ અને આસપાસનાં ગામડાંમાંથી ખેડૂતો ઉમટવા લાગ્યા ત્યારે સરકારે સમજદારી દાખવીને કોઈ કાર્યવાહી કરી નહોતી. સરકારે યોગ્ય જ કર્યું એમ કહેવામાં વાંધો નથી, પણ પ્રયાસો થયા હતા. પ્રયાસો કરે તે પણ સહજ છે એ સ્વીકારવામાં પણ વાંધો નથી, પરંતુ તેની એક મર્યાદા હોય છે. સરકારનો વિરોધ કરનારાને, કોઈ મુદ્દે અસહમતી ધરાવનારાને સીધા જ દેશદ્રોહી જાહેર કરી દેવાની વાત તટસ્થ અને સામાન્ય જનતાને પણ ચીડ ચડાવી રહી છે. દેશદ્રોહની વાતો કરવાથી કોઈ ફાયદો થઈ રહ્યો નહોતો, ઊલટાનું રાજકીય નુકસાન થઈ રહ્યું હતું.

VV: એ તો રાજકીય પક્ષો પોતાના રાજકીય ફાયદા અને ગેરફાયદા જોવાના જ છે. ખેડૂતોએ ચોખ્ખું કહ્યું હતું કે અમારે કોઈ વિપક્ષની જરૂર નથી, છતાં રાજકીય નેતાઓ લાભ લેવા દોડતા હતા. લાભ વિના લાલો લેટે નહીં, એમ હરીફ રાજકીય પક્ષો નિવેદનબાજુ કરતા જ રહ્યા હતા. બીજું તમે જુઓ કે કાયદા પાછા લેવાથી રાજકીય રીતે ભાજપને નુકસાન કરતાં ફાયદો જ વધુ છે. તેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં હિંમત કરવી જ પડે. આને પણ હિંમતભર્યો જ નિર્ણય કહી શકાય, કેમ કે સારા ઈરાદા સાથે અને મક્કમતા સાથે કાયદા કર્યા હોય અને પાછા લેવાનો નિર્ણય જાહેર કરવો પડે તે સહેલો નથી હોતો.
DG: નિર્ણયને સહેલો કે અઘરો એ રીતે જોવાના બદલે સારો કે સર્વને સ્વીકાર્ય છે કે કેમ તે રીતે જોવાવું જોઈએ. વિશેષ કરીને લોકશાહીમાં. લોકશાહીમાં જનમાનસની અવગણના થઈ શકતી નથી. વિશાળ જનતા જેના માટે તૈયાર ના હોય ત્યારે કાયદાથી કશું ઠોકી બેસાડાતું નથી. લોકતંત્રમાં તો નહીં જ. તેથી જ ભારત જેવી ઉદાહરણરૂપ લોકશાહીમાં લોકઘડતરનું મહત્ત્વ રહેલું છે. જે રાજકીય નેતા સંકુચિત સત્તાલક્ષી નીતિના બદલે લોકઘડતર માટે પ્રયાસો કરે તેને જ સ્ટેટ્સમેન કહેવાય છે. આશા રાખીએ કે કાયદા હવે પાછા લઈ જ લેવાયા છે, ત્યારે નિવેદનબાજી ના થાય અને હજીય કેટલાક (‘દેશદ્રોહીઓ’) સમજ્યા નહીં તેવી વાતો ના થાય.

અન્ય સમાચારો પણ છે...