તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિજિટલ ડિબેટ:દેશનું આરોગ્ય તંત્ર ઓક્સિજન પર કેમ આવી ગયું?

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મોટી મોટી તૈયારીઓના બણગાં ફૂકવાંનું જ કામ સરકારો કરતી રહી અને એક વર્ષ પછી કોરોનામાં ચેપમાં ઉછાળો આવ્યો ત્યારે દર્દીઓ ઓક્સિજન વિના તડપીને મોત પામ્યા...

વિકાસ ઉપાધ્યાય (VU): જગતભરમાં બીજો અને ત્રીજો પ્રવાહ કોરોના ચેપનો શરૂ થયો હતો અને વધારે ઘાતક સાબિત થયો હતો. નરી આંખે દેખાય એવી આ વાસ્તવિકતા સામે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આંખ આડા કાન કરતી રહી. રાજકીય પક્ષો આ દેશની જનતા માથે મોટો બોજ સાબિત થયા છે. આર્થિક અને સામાજિક નુકસાન કરનારા રાજકીય પક્ષોએ આ વખતે આરોગ્યનું નુકસાન જનતાની કેડ પર નાખ્યું છે કારણ કે, તેમને ચૂંટણીઓ જીતવી હતી. માત્ર સત્તાલક્ષી રાજકારણ કરનારા રાજકીય પક્ષોના પાપે આજે દેશનો નાગરિક ઓક્સિજન વિના તડપી રહ્યો છે.
દિલીપ ગોહિલ (DG): દુઃખની વાત એ છે કે નાગરિકો આજે રાજકીય પક્ષોની ગંદી માનસિકતા સાથેના પ્રચારમાં દોરવાઇ રહ્યા છે. પોતાનુંય હિત ભૂલીને રાજકીય તમાશા અને તાયફામાં સામેલ થવા લાગ્યા અને ભૂલી ગયા કે માંદા પડશો ત્યારે આમાંનો એકેય નેતા તમને ઘસીને ગૂમડે લગાવવાય કામ આવશે નહીં. કઠણાઈ ભોગવવાની અને ગુલામી કરવાની પાંચ હજાર વર્ષની માનસિકતાને કારણે પ્રજા કાયમ ભગવાન ભરોસે જ રહે છે અને શાસકોની, ખાસ કરીને હવે લોકશાહીમાં પોતે જ પસંદ કરીને બેસાડેલા લોકોની જવાબદેહી કરવાનો પોતાને અધિકાર છે એ ભૂલતી રહે છે.

VU: એવું લાગે છે કે રામભરોસે ચાલી રહ્યો છે આ દેશ. આટલી મોટી આપત્તિ આવી, પણ એક પૈસાની તૈયારી સરકારો કરી શકી નથી એ ઉઘાડું પડી ગયું છે. તૈયારીના નામે જગતમાં સૌથી વધુ નુકસાનકારક લોકડાઉન નાખ્યું, પણ દળી દળીને ઢાંકણીમાં. એક વર્ષ પછી ફરી કેસો વધવા લાગ્યા ત્યારે આજે સ્થિતિ શું છે? ટેસ્ટિંગ વધારવાની ક્ષમતા નથી, ટ્રેસિંગ અને ટ્રેકિંગનું તંત્ર ગોઠવાયું નથી, એમ્બ્યુલન્સ અપૂરતી, દવાખાનામાં પથારીઓ ના મળે, આઈસીયુ ગોત્યા જડે નહીં, વેન્ટિલેટર વિના માણસ ટળવળે અને ઓક્સિજનના બાટલા ખાલી ખાલી ખખડે.
DG: આ સ્થિતિ એક વર્ષ સુધી સરકારોએ તાબોટા પાડ્યા તેની સાબિતી છે, પણ જાહેરજીવનના અગ્રણીઓ (જેને ગણો તે બધાએ) ક્યારેય આરોગ્યને પ્રાયોરિટી ના આપી કે સરકારને આરોગ્ય અને શિક્ષણ, પાયાની સુવિધાઓ ઊભી કરવા માટે ક્યારેય પ્રેરી નહીં તેનું આ પરિણામ છે. કમનસીબે આ દેશનું રાજકારણ આ સાત દાયકામાં જુદા જુદા મુદ્દાઓ પર ચાલતું રહ્યું, ક્યારેય નાગરિકોના મુદ્દે ચાલ્યું નથી. આજેય નહીં. આજેય પ્રાયોરિટી માત્ર ચૂંટણીઓ જીતવાની છે. સવારે સૂફિયાણી સલાહ આપવાની અને બપોરે બે લાખની સભા કરીને છાતી કૂટવાની.

VU: સાત દાયકામાં નેતાઓને એટલી સમજ ન આવી કે પહેલાં દેશને સમૃદ્ધ દેશની હરોળમાં મૂકવાનું કામ કરીએ અને એ રીતે ઇતિહાસમાં સ્થાન મેળવીએ. આ દેશના અનુયાયીઓ આજેય આંધળા થઈને સાથ આપવા તૈયાર છે, પણ તેમનો સાથ સારા કામ માટે પણ કરાયો હોત તો આ સ્થિતિ નહોતી. રામમંદિર માટે દેશના અનુયાયીઓ અબજો રૂપિયા તરત દાનમાં આપી શકે છે. કોઈકે તો આગેવાની લીધી હોત અને કહ્યું હોત કે ચાલો ફાળો કરીએ અને દરેક જિલ્લે એક નવી હોસ્પિટલ ઊભી કરી દઈએ.
DG: દસ્તાવેજીકરણ માટે એવા બે ચાર કામ કરી નાખીને તેની વાહ વાહ તો બહુ થવાની. ગુજરાતમાં એક વર્ષ પછી ઝડપથી કેસ વધવા લાગ્યા ત્યારે કન્વેન્શન સેન્ટરમાં મોટી હોસ્પિટલ ઊભી કર્યાનાં બણગાં ફૂકાઇ રહ્યા છે. ક્યારે આ સુવિધા તૈયાર થઈ? 10 દિવસ સ્થિતિ વકરે તેની રાહ જોવાઈ અને પછી કંઈક દેખાય એવું કરવાની ફરજ પડી તે પછી આદેશો થયા. આદેશ થયાના 10 દિવસે માંડ માંડ સુવિધા તૈયાર થઈ. વુહાનની સ્થિતિ યાદ કરો – હૂઓશેનશાન નામની હોસ્પિટલ 10 દિવસમાં ચણી નાખવામાં આવી હતી. યસ, ચણીને તૈયાર થઈ ગઈ હતી – કન્વેશન હોલમાં પથારીઓ ગોઠવવામાં અને ઓક્સિજનની પાઈપ ગોઠવવામાં 10 દિવસ લાગ્યા. 48 કલાકમાં થઈ શકે એવું આ કામ હતું, પણ નેતાઓને રસ છે પોતાના છાપેલા ફોટા સાથે ઓક્સિજન બાટલા દેખાડા ખાતર વહેંચવા, ઉદ્યોગપતિઓ પાસેથી હજારો ઇન્જેક્શન બારોબાર પડાવી લેવાના અને વહેંચવાના એટલે નાગરિકોએ સરકારી દવાખાનાને બદલે લાઈન ત્યાં લગાવવાની. પણ લાઈન તો લગાવવાની જ.

VU: મહારાષ્ટ્રમાં સૌથી કરૂણ સ્થિતિ છે અને ત્રણ ત્રણ પક્ષોનું ત્રેખડ કરીને બનેલી સરકાર પોતાને બચાવવામાં પડી છે. દર્દીઓને માંડ માંડ દવાખાને જગ્યા મળે તો અકસ્માતમાં મોતને ભેટે. મહારાષ્ટ્રમાં બે દિવસમાં ત્રણ મોટા અકસ્માતે બે ડઝન દર્દીઓનો ભોગ લેવાઈ ગયો અને કાળજું કંપાવનારી રાજકીય પક્ષોની ઉદાસીનતા દેખાડે છે. કેરળની ડાબેરી સરકારે પ્રારંભમાં ઠીક કામ કર્યું, પણ ચૂંટણી આવી એટલે ત્યાંના ડાબેરીઓ ધંધે લાગી ગયા. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતાઓ બેફામ બન્યા, પણ મમતા બેનરજીએ શું કર્યું? અરે એ તો મુખ્ય પ્રધાન છે રાજ્યના અને રાજ્યની પ્રથમ જવાબદારી નાગરિકોના સ્વાસ્થ્યની છે, પણ ના હૈસો હૈસો કરીને મમતા ને સમતા સૌ કોરોના દર્દીઓને રઝળતા છોડીને સત્તા પાછળ દોડતા રહ્યા આ આપત્તિના વર્ષે પણે.
DG: તેનું કારણ ફરીવાર એ જ કે આ દેશમાં નાગરિકોના મુદ્દા, દેશને પ્રથમ મજબૂત કરવાના મુદ્દા, સ્વાવલંબન માટેના અસલ પ્રયાસોના મુદ્દા, સરકારી તંત્ર, પ્રાઇવેટ સેક્ટર, સેવાકીય ક્ષેત્ર આ બધામાં કાર્યદક્ષતા માટે ક્યારેય ગંભીર પ્રયાસો ના થાય. અગાઉના દાયકામાં GDPનો સરેરાશ એક ટકો જ આરોગ્ય માટે ફાળવાતો રહ્યો. હાલના દાયકામાં તે વધીને 2 ટકા થયો એ ખુશ થવા જેવું નથી કારણ કે, યુરોપિયન દેશોમાં સાતથી આઠ ટકાની સરેરાશ ચાલતી આવી છે. વિશાળ વસ્તીની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીએ તોય ચારથી સાડા ચાર ટકા GDPના જોઈએ. નીતી આયોગે વર્ષ 2025 સુધીમાં 3 ટકાનો લક્ષ્યાંક રાખ્યો છે, પણ જોઈએ હવે આ વાયદાનો વેપાર આપણને ક્યાં લઈ જાય છે.

VU: બજેટ કરતાંય તેનો અસરકારક ઉપયોગ, ભ્રષ્ટાચારની નાબુદી, અમલદારશાહીની લાપરવાહી અને માત્ર ચૂંટણી જીત-લક્ષી રાજકારણ થઈ ગયું છે, તે આ દેશની ઘોર ખોદી રહ્યું છે. ચૂંટણી પહેલાંના છેલ્લાં છ મહિનાને બદલે પાંચેપાંચ વર્ષ જીતેલી સરકારો – તેમાં હવે તો બધા રાજકીય પક્ષો આવી ગયા છે – માત્રને માત્ર પ્રચાર, વાહીવાહી, તાયફા, તમાશા, ઉત્સવો અને ગોઠવણોમાં જ રચીપચી રહે છે. તેમાં અમલદારો ફાવે છે અને ભ્રષ્ટાચારને સિસ્ટેમેટિક બનાવી દેવાયો છે. હું અને તમે અને આપણી ભાવી પેઢીનું ભાગ્ય લૂંટાઈ રહ્યું છે અને મને અને તમને સમજ જ નથી આવી રહી કે આજનો સમગ્ર રાજકીય વર્ગ પ્રજાને ઉલ્લુ બનાવી રહ્યો છે.
DG: રાજકીય પક્ષોનું અને લેભાગુ નેતાઓનું કામ જ નાગરિકોને વધારે મૂરખ બનાવવાનું છે, સમજદાર બનાવવાનું નહીં. સમજદાર આપણે બનવાનું છે. આજે આપણે સગા માટે, મિત્રો માટે, પરિચિતો માટે, પડોશી માટે અને માનવતાના ધોરણે સાથી નાગરિકો માટે એક પથારી નથી શોધી શકતા, એક આઇસીયુ મળતું નથી, ઓક્સિજનનો એક બાટલો હાથ નથી લાગતો, ઇન્જેક્શન જેવી સામાન્ય વસ્તુ નથી મળતી અને જવાબ આપનારું કોઈ નથી અને બિન્ધાસ્ત થઈને પક્ષો પોતે કેન્દ્રો ખોલીને તાયફા કરે તે આપણે તમાશબીન બનીને જોયા કરવાનું? ઉદ્યોગો પાસેથી નેતાઓ બાટલા પડાવી લાવે અને વહેંચે, પણ શું એ કામ સરકારે ના કરવાનું હોય? આપણી સરકાર કેવી હોવી જોઈએ એ માટે સૌએ સ્પષ્ટ થઈ જવાની જરૂર છે અને ધાર્યું કામ ના કરે તે સરકાર રિપિટ ના થાય તેની જવાબદારી નાગરિકોની બને છે. દુખની વાત એ છે કે આ દેશમાં ખાનગીકરણ આવ્યા પછી પ્રાઇવેટ સેક્ટર અસલી પ્રોફેશનલ બન્યું નથી. આજે ખાનગી હોસ્પિટલોએ તગડો નફો કરવાના બદલે બહોળા વેપારે નફાના ઉદ્દેશથી પોતાનો વ્યાપ વધાર્યો હોત તો તેમને માટે બિઝનેસની ઉત્તમ તક હતી અને સુખાકારીનો બિઝનેસ જ્યાં દર્દીઓ વાજબી રકમ આપીને સારવાર મેળવીને સાંત્વના પામ્યા હોય તો કે મારા દેશમાં એવા આંત્રપ્રિન્યોર છે, જે દેશની જનતાની કેડે પર બોજ બન્યા વિના સંતોષકારક નફો કરવા જેટલા સ્માર્ટ બન્યા છે. આપણે માત્ર સ્માર્ટફોનનો ઉપયોગ કરીને જાતનું અહિત કરવાનું જ મિથ્યા શીખ્યા છીએ. નેતાઓએ સ્માર્ટના સૂત્રો આપ્યા તે ચગળી ગયા છીએ, હવે ગળામાં તે સૂત્રો ભરાયા છે અને ખાંસી ચડી છે...

(વિકાસ ઉપાધ્યાય અને દિલીપ ગોહિલ બંને સિનિયર પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષકો છે.)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો