ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોને વધારે ગંભીરતાથી કોણ લે છે? સ્ત્રી કે પુરુષ? સંબંધોને સાચવવામાં કોણ ચડે? સ્ત્રી કે પુરુષ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વખ્યાત ફિલસૂફ ઝ્યાં પોલ સાર્ત્રે (Jean-Paul Sartre) કહ્યું છે કે, હું એટલે હું વત્તા મારા સંજોગો. સંજોગોથી કપાઈને કોઈ વ્યક્તિત્વ હોઈ શકે નહીં. જે. કૃષ્ણમૂર્તિએ એમ કહ્યું છે કે, જીવન એટલે જ સંબંધો. બીજાં પ્રાણીઓએ સંબંધોની દુનિયા ઊભી કરી નથી. સંબંધો માયા છે અને માયાજાળ પણ છે. સંબંધોથી જીવન ધબકતું રહે છે તો સંબંધોને કારણે જ ક્યારેક જીવન અટકી પણ જાય છે. સંબંધો જીવનને લય આપે છે તો ક્યારેક લય ખોરવી પણ નાખે છે. સંબંધોને કારણે વ્યક્તિ જિંદગીને ચોક્કસ અર્થ આપી શકે છે. સંબંધોને કારણે વ્યક્તિ સુંદર રીતે જીવન જીવી શકે છે. સંબંધોની બાદબાકી કરવામાં આવે તો મનુષ્યજીવનમાં સમય બચે છે, જીવન બચતું નથી.

સંબંધો વ્યક્તિને જીવવાની દૃષ્ટિ આપે છે. માણસ માત્ર પ્રેમને પાત્ર. માણસ ભલે મગજથી વિચારે છે, પરંતુ તેને જીવવાનું તો હૃદયથી જ ગમે છે. ભલે તે ડગલે ને પગલે બુદ્ધિનો ઉપયોગ કરે છે, પરંતુ પ્રેમ અને શ્રદ્ધા વગર તેને ચાલતું નથી. આ વાસ્તવિકતા છે. કરોડો કે અબજો રુપિયા કમાતો માણસ પણ સાંજ પડે આવી ગયા ઘરે ? એવો પ્રેમથી ભરેલો ટહુકો સાંભળવા આતુર રહે છે એ જ વસ્તુ બતાવે છે કે, પૈસા કરતાં સંબંધો ચડિયાતા છે.

સંબંધો કોનાથી વધારે નજીક છે? સ્ત્રી કે પુરુષથી?
કદાચ, આવો સવાલ ન કરવો જોઈએ. કદાચ, આવી સરખામણી પણ ન કરવી જોઈએ. જોકે, વાસ્તવિકતા એ છે કે, આવા પ્રશ્નો આપણા બધાના મનમાં થતા હોય છે. પ્રશ્નો માત્ર પ્રશ્નોના હેતુથી ન થવા જોઈએ, પરંતુ એની પાછળ ચોક્કસ જિજ્ઞાસા હોવી જોઈએ. જો એ જિજ્ઞાસાને આપણે પોષીએ તો એવાં કારણો મળે જે સ્વસ્થ અને સુંદર સંબંધોની દુનિયા ઊભી કરવામાં મદદ કરે.

આ લેખની ઉપર જે મથાળું આપ્યું છે તે સંબંધોને સમજવા માટે જરૂરી હોવાથી આ લેખમાં તેની ચર્ચા કરીએ.

આ પૃથ્વી પરની દરેક વ્યક્તિ બુદ્ધિ અને શ્રદ્ધાનો સમન્વય કરીને સતત સુંદર જીવન જીવવા માટે મથે છે. એકલી શ્રદ્ધા પણ નકામી અને માત્ર બુદ્ધિના રવાડે ચડીને જિંદગી જીવવાનો પ્રયત્ન કરીએ તો તે પણ હિતકારી નથી. તેથી જ તો ડાહ્યો માણસ બુદ્ધિ અને શ્રદ્ધાનો સમન્વય કરીને, તેમાં એક સમતોલપણું ઊભું કરીને સુંદર જીવન જીવવાનો પ્રયત્ન કર્યા કરે છે.

યોગશાસ્ત્ર એવું કહે છે કે, મનુષ્યના શરીરમાં 72 હજાર નાડી હોય છે. એમાં ત્રણ નાડી મુખ્ય હોય છે. બાકીની તમામ નાડીઓ ત્રણ મુખ્ય નાડીઓમાંથી પેદા થયેલી છે. ડાબી તરફ રહેલી નાડીને ઈડા અથવા ચંદ્રનાડી, મધ્યમાં આવેલી નાડીને સુષુમ્ણા અથવા મધ્યનાડી અને જમણી બાજુ આવેલી નાડીને પિંગલા અથવા સૂર્યનાડી તરીકે ઓળખવામાં આવે છે.

ઈડા સ્ત્રૈણ – Feminine નાડી ગણાય છે જ્યારે પિંગળા પુરુષપ્રધાન – Masculine નાડી ગણાય છે.

એનો અર્થ એ થયો કે, દરેક મનુષ્ય આપણને બહારથી સ્ત્રી અને પુરુષ દેખાય છે, પરંતુ દરેક સ્ત્રીમાં એક પુરુષ હોય છે અને દરેક પુરુષમાં એક સ્ત્રી હોય છે. ચંદ્રનાડી એ સ્ત્રીની કેન્દ્ર નાડી છે અને સૂર્યનાડી એ પુરુષની કેન્દ્ર નાડી છે. એ બંનેનો સમન્વય વ્યક્તિનું નિર્માણ કરે છે.

એકવાર મનુભાઈ પંચોળી દર્શકે પોતાનાં જીવનસાથી વિદ્યાબહેનની વિદાય પછી તેમને યાદ કરતાં કહ્યું હતું કે, કોઈપણ સંસ્થાને જેમ સૂર્યની જરૂર હોય છે તેમ ચાંદનીની પણ જરૂર હોય છે.

આ સંદર્ભ એ છે કે, સૂર્ય અને ચંદ્ર બંનેનો સમન્વય એ જીવન છે.

સ્ત્રી અને પુરુષ બંનેમાં બંનેનાં ગુણો અને લક્ષણો હોય છે.

આ વાત સમજ્યા પછી હવે એ ચર્ચા કરીએ કે, સ્ત્રીમાં પ્રેમ, શ્રદ્ધા, મમતા, ઊર્મિ, લાગણી, સંવેદના, વાત્સલ્ય, કરુણા આ બધા ગુણો વધારે હોય છે. એ સહજ રીતે વધારે હોય છે. કુદરતે પક્ષપાત કરીને આવા ગુણો સ્ત્રીને વધારે આપ્યા છે. તેની સામે પુરુષોમાં તર્ક, બુદ્ધિ જેવા ગુણોનું પ્રમાણ વધારે હોય છે.

એવું પણ બન્યું હોય કે, સમાજ રચનામાં સ્ત્રીને ઘર સંભાળવાનું આવ્યું અને પુરુષને આર્થિક ઊપાર્જનની જવાબદારી મળી એટલે પુરુષે બુદ્ધિનો વધારે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હોય અથવા એને એવું કરવું પડ્યું હોય.

સ્ત્રી માતા પણ બને છે. આ એક મોટી સિદ્ધિ અને ઉપલબ્ધિ છે. એવા સંજોગોમાં સ્ત્રીના હૃદયમાં પ્રેમ અને શ્રદ્ધા ના હોય તો ચાલે જ નહીં.

સંબંધોનું વિશ્વ એ પ્રેમ અને શ્રદ્ધાનું વિશ્વ છે. એટલે આપણે ચોક્કસ એમ કહી શકીએ કે, સંબંધોએ પુરુષો કરતાં સ્ત્રીનો વધારે વિષય છે.

સ્ત્રીઓને બાદ કરી નાખો તો મનુષ્યના વિશ્વમાંથી કદાચ સંબંધોની જ બાદબાકી થઈ જાય. એ પણ યાદ રાખવું જોઈએ કે, સ્ત્રીઓ જ સંબંધોની ધરી છે. એ ધરી પર જ સંબંધો ચાલ્યા કરે છે. સંબંધોમાં મૂંઝવણ અને ગૂંચવણ વધારે ઊભી થાય છે તેનું કારણ પણ સ્ત્રીઓ જ છે એવી ઘણીવાર દલીલ કરવામાં આવે છે. એ દલીલ સંપૂર્ણપણે સાચી છે એવું તો નથી, પરંતુ એમાં વજુદ છે.

સ્ત્રીઓ ભાવનાપ્રધાન હોય છે. તેઓ તરત ઢળી પડે છે. તેઓ પ્રેમ અને શ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને આગળ વધે છે. સ્ત્રી શક્તિ છે તો તે ભક્તિ પણ છે. આ વસ્તુ ખાસ સમજવાની છે. સ્ત્રી એકલી શક્તિ હોત તો વાત જુદી હતી, પરંતુ તેનું હૃદય માતૃહૃદય હોવાથી તે ભક્તિ પણ છે. ભક્તિમાં બુદ્ધિ અને તર્ક કામ આવતાં નથી. ભક્તિ એટલે સંપૂર્ણ સમર્પણ. ભક્તિ એટલે પોતાની જાતને શૂન્ય કરી નાખવી. ભક્તિ એટલે પોતાની જાતને સૌથી છેલ્લે મૂકવી. ભક્તિ એટલે બુદ્ધિથી વિચાર ન કરવો. આવી સ્થિતિમાં સ્ત્રીઓ સંબંધોને લાગણીથી વધારે મૂલવે છે અને જીવે છે.

જે ગૂંચવણો ઊભી થાય છે તેનું કારણ પણ આ જ હોય છે. જે મૂંઝવણો જન્મે છે તેની પાછળ પણ આ બાબત જ જવાબદાર છે. ભલે લાગણીને માપી નથી શકાતી, પરંતુ તેને માપમાં રાખી શકાય છે તે દરેક સ્ત્રી સમજતી નથી.

લાગણી, લાગણીશીલતા અને લાગણીવેડા આ બધા વચ્ચે અત્યંત પાતળી દીવાલ હોય છે. એને કારણે જ બધી ગરબડ થાય છે. જો આ બધાને સમજીને સંબંધો જાળવવામાં આવે તો પ્રશ્નો ઓછા થાય. એમ કહો કે, પ્રશ્નો થાય જ નહીં.

પુરુષોને પણ સંબંધો વગર ચાલતું નથી, પરંતુ તેઓ માત્ર શ્રદ્ધા અને પ્રેમના જોર પર સંબંધો બાંધતા પણ નથી અને ટકાવતા પણ નથી. તેઓ વાસ્તવવાદી હોય છે. તેઓ બુદ્ધિનો પણ ઉપયોગ કરે છે.

મેં અનેક એવા પુરુષો જોયા છે જે લોકો અત્યંત સંવેદનશીલ હોવા છતાં સંબંધો સાચવવામાં નિષ્ફળ પુરવાર થાય છે. તેનું કારણ એ હોય છે કે જ્યારે ને ત્યારે બુદ્ધિ આડી આવે છે. સંબંધોને સાચવવામાં જ્યારે વારંવાર બુદ્ધિ આડી આવે ત્યારે મોટી એરરો આવતી હોય છે. ઘણીવાર તો ઉકેલ લાવી ન શકાય તેવાં વાઇરસ પણ ઘૂસી જતા હોય છે.

સંબંધો એ માત્ર સ્ત્રીનો ઈલાકો નથી કે તે પુરુષોનો પણ વિષય નથી. બંનેનો વિષય છે. અલબત્ત, તેનું જે સ્વરૂપ છે એ જોતાં ચોક્કસ કહી શકાય કે, વિશેષ કરીને તે સ્ત્રીઓનો વિષય છે. તમે જોજો સ્ત્રીઓ સંબંધોને પુરુષો કરતાં વધારે ગંભીરતાથી લેતી હોય છે. અહીં માત્ર વિજાતીય સંબંધની જ વાત નથી, પરંતુ તમામ પ્રકારના સંબંધોને પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે ગંભીરતાથી લે છે, તેનું એ કારણ છે કે, સંબંધો ઉપર જ તેમનું જીવન ચાલતું હોય છે.

પુરુષોને તો પોતાનાં બધાં સગાંઓની પણ ઘણીવાર ખબર હોતી નથી. એ ઓળખતો ય હોતો નથી. કયાં સગાં કેવી રીતે સગાં થાય છે તેમાં પણ પુરુષો થાપ ખાઈ જતા હોય છે. એની સામે સ્ત્રીઓ સમજી પણ ન શકાય તેવા દૂર દૂર સુધીના સંબંધોને પણ યાદ રાખીને સાચવવાનો પ્રયત્ન કરતી હોય છે. માસીની દીકરીની સાળીનો છોકરો પણ તેને ખબર હોય અને દિયરની સાળીની મામીનો દીકરો કયા પ્રસંગમાં આવ્યો હતો તે પણ તેને યાદ હોય.

તો આ છે સ્ત્રીઓના સંબંધોની સૃષ્ટિ.

જો સ્ત્રીઓ સંબંધોની બાંધણી, અને સાચવણીમાં થોડી સ્વસ્થ બને, લાગણીશીલતા ઘટાડે તો ખરેખર તેઓ વધારે ઉત્તમ રીતે સંબંધોને સમજી શકે અને માણી પણ શકે. એની સામે જો પુરુષો પણ સંબંધોના વિશ્વમાં, માત્ર મગજને બદલે હૃદયનો ઉપયોગ કરીને સંબંધોને પ્રમાણવાને બદલે માણવાનો પ્રયત્ન કરે તો તેઓ પણ સંબંધોથી પોતાની જાતને ધન્ય કરી શકે.

આખા લેખનો સાર એટલો જ કે, સ્ત્રીઓએ સંબંધોમાં થતી ગૂંચવણોને ઘટાડવા થોડોક વાસ્તવલક્ષી બુદ્ધિથી ભરેલો અભિગમ કેળવવાની જરૂર છે અને બહાદુર ગણાતા પુરુષોએ સંબંધોમાં ચપટીક પ્રેમ ઉમેરવાની આવશ્યકતા છે.

positivemedia2015@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...