ડિજિટલ ડિબેટ:લાઉડસ્પીકરના કાન ફાડી નાખતા વિવાદમાં વાંક કોનો? તેનું કોઈ સોલ્યૂશન ખરું?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ષા પાઠક (VP): ચીંટી કે પગ નેવર બાજે, સો ભી સાહિબ સુનતા હૈ...
કબીરે કહેલા આ શબ્દો વારંવાર ટંકાય છે. કબીરનો કહેવાનો ભાવ એ છે કે મોટા અવાજે પ્રાર્થના ના કરો, પણ હૃદયમાં ભક્તિનો મૌન નાદ પ્રગટે તેને પણ સર્વશક્તિમાન જાણી લેવાનો છે. મનોજગતની વાસ્તવિકતા આ છે, પણ વાસ્તવિક જગતની વાસ્તવિકતા કૈંક જુદી છે. અહીં તો હિંદુ, મુસ્લિમ, આપણે સહુ કૈંક જૂદું ધારીને બેઠા છીએ. આપણે એમ માનીએ છીએ કે કીડીના પગે રણકતા ઝાંઝરનો અવાજ ભલે ભગવાન-અલ્લાહ સાંભળી લે, પણ માણસનો અવાજ એમને નહીં સંભળાતો હોય! આપણો અવાજ ઉપર સુધી પહોંચાડવા બને એટલો મોટો ઘોંઘાટ કરવો, બને એટલા વધારે ડેસિબલવાળાં લાઉડ સ્પીકર વગાડવા એ સૂતેલા સર્જનહારને જગાડવા માટે જરૂરી છે.
દિલીપ ગોહિલ (DG): કબીરના આ શબ્દો ખરેખર તો મગજમાં હથોડાની જેમ પડવા જોઈએ, પણ સંવેદન મરી પરવાર્યું હોય ત્યાં કાનમાં પડતા શબ્દો અને મગજમાં પડઘાતા અર્થો ધણધણાટી જન્માવે છે. મનમાં ભક્તિનો ભાવ જાગે એ સ્વયં ભજન અને કિર્તન અને પ્રાર્થના છે, પણ વિવાદ જે થઈ રહ્યો છે તે સર્જનહાર સાથે સંવાદનો નથી. અહીં તો એક બીજાને સંભળાવી દેવાની વાત છે. ઘોંઘાટ કરીને અવાજ પરલોક સુધી નથી પહોંચાડવો, પણ ધરાતળ પર આસપાસમાં વસતા 'ઇતર લોક'ના કાનમાં અને મગજમાં પોતાની હાજરી અને પોતાનું વર્ચસ્વ રેડવાનો છે. સ્વકલ્યાણ ખાતર આ ઘોંઘાટ નથી થતો, પણ અન્યોને સંભળાવી દીધાના આત્મસંતોષ માટે થતો હોય છે.

VP: મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈમાં મસ્જિદો પર લગાડાતાં લાઉડસ્પીકર્સના મુદ્દે વારતહેવારે વિવાદ થાય છે. આ વિવાદ નવો નથી અને અત્યારે ફરી જાગ્યો છે, પણ આ વખતે એમાં એક નવું, પહેલી નજરે વાહિયાત લાગે પણ થોડું વિચારો તો મહાજોખમી કહેવાય એવું તત્ત્વ ઉમેરાયું છે. 'તમારો અવાજ બંધ નહિ થાય તો અમે પણ અવાજ કરશું'વાળી વિચારધારા આ વખતે તેમાં ભળી છે. અમે સામો ઘોંઘાટ કરીશું તેનો 'ઊંચા અવાજે' પ્રચાર થઇ રહ્યો છે. રાજકીય મંચ પરથી અદૃશ્ય થઇ ગયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના બોસ રાજ ઠાકરેએ પલીતો ચાંપ્યો. અને બીજાં એમાં જોડાઈ ગયાં.
DG: બીજાં એમાં જોડાયાં અને ઘોંઘાટ વધી પડ્યો, કેમ કે રાજકીય પક્ષોને લાગ્યું કે આ મુદ્દે પ્રચાર કરીને તુષ્ટિકરણ કરવાની તક મળી છે. પોતપોતાની વૉટબેન્કનું તુષ્ટિકરણ કરવા માટે ચારે બાજુના રાજકીય પક્ષો અને નેતાઓ એટલા મોટા પ્રમાણમાં નિવેદનોમાં કરવા લાગ્યા (અને મહારાષ્ટ્રમાં સંયુક્ત અઘાડી સરકારે તો પોલીસ પગલાં પણ લીધાં) કે મૂળ લાઉડસ્પીકરના વિવાદ કરતાંય આ વિવાદનો ઘોંઘાટ વધી પડ્યો છે. તમારો એ મુદ્દો સાચો છે કે 'તમે બંધ ના થયા તો અમે ચાલુ થઈ જશું'વાળી બૂમ પડી તેનાથી સમસ્યા ઊલટાની વકરી છે. રાજકીય પક્ષો આ મુદ્દે ખરેખર આટલા ગંભીર હોય તો સમસ્યાના ઉકેલમાં લાગ્યા હોત, વિવાદો વધારવામાં નહીં. આ મુદ્દે લગભગ દરેક રાજ્યની હાઈ કોર્ટ્સમાં અને સુપ્રીમ કોર્ટમાં વારંવાર સુનાવણીઓ થઈ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો પણ આપેલો છે, પણ અમલ થતો નથી. અમલ કરવાની વાત આવે ત્યારે વૉટબેન્કનો હિસાબકિતાબ કરીને એટલો જ અમલ થાય છે.

VP: કોર્ટ્સ ચુકાદા આપે, પછી સત્તાધીશો તેના અમલમાં પોતાની સાનૂકુળતા જોવાના હોય તો ન્યાયતંત્રની વ્યવસ્થાનો અર્થ શો રહ્યો? રૂલ ઑફ લૉની વાત શાસક અને વિપક્ષે બંને કરવાની હોય છે, તેના બદલે ધમકીઓ અપાઈ કે મસ્જિદમાંથી લાઉડસ્પીકર દ્વારા પોકારાતી ગગનભેદી અઝાન બંધ નહિ થાય તો અમે સામે એટલા જોરથી હનુમાન ચાલીસાનું રટણ શરૂ કરીશું. મતલબ એ જ થયો ને કે ઘોંઘાટ સામે ઘોંઘાટ કરીને ભગવાન-અલ્લાહ જ નહિ, માણસોના કાન પણ ફાડી નાખશું? મંદિરના ઘંટનાદનું પ્રસારણ લાઉડસ્પીકર્સ દ્વારા થાય તો? આ પ્રકારના વિવાદમાં ખરેખર કોનું ભલું થવાનું?
અને વાત અહીંથી અટકવાની નથી. અમારા એરિયામાં મોટું ચર્ચ છે, એમને પણ હવે થોડાથોડા સમયે લાઉડસ્પીકર પરથી એમના ગૉડ અને ગૉડના બંદાઓને જગાડવાનો ઉત્સાહ જાગ્યો છે. બાકી રહી ગયેલાં બીજાંના મનમાં પણ આવા વિચાર જાગે તો તેનું પરિણામ શું આવે?
DG: પરિણામ એ આવે કે શાંતિપ્રિય અને વૉટબેન્ક ના બનેલા નાગરિકોએ બંને બાજુથી ભોગવવાનું આવે. લાઉડસ્પીકરના નામે જાગેલા વિવાદ મૂળમાં પોતાની વૉટબેન્કનું તુષ્ટિકરણ છે. પોતાના ટેકેદારોના કલ્યાણની ભાવના જાગી એટલે નેતાઓનાં મસ્તિષ્કમાં નાદ જાગ્યો એવું નથી, પણ આ તો પ્રચારનો મુદ્દો છે એવો ખ્યાલ આવ્યો છે. રાજકીય પક્ષોની વૉટબેન્ક બની ગયેલા લોકો પણ તેમાં કૂદી પડ્યા છે. તેમને પણ લાઉડસ્પીકર બંધ થાય તેમાં ઓછો રસ છે, વધારે પોતાના મુદ્દાનો બૂમરાણ મચાવવાનો વધારે છે. કમ્પિટિશન એ જામી છે કે કયો રાજકીય પક્ષ પોતાની વૉટબેન્કને સૌથી વધારે મોટા અવાજે ખુશ કરી શકે.

VP: પણ કમ્પિટિશન માત્ર જુદા જુદા ધર્મો વચ્ચે (કે રાજકીય પક્ષો વચ્ચે) જામી છે એવું પણ નથી. એક જ મઝહબમાં માનનારાં પણ લાઉડસ્પીકરના મુદ્દે એક બીજાને વટી જવા માગતા હોય તેમ લાગે છે. થોડાં વર્ષ પહેલાં મુંબઈના જે વિસ્તારમાં હું રહેતી હતી ત્યાંની ત્રણ મસ્જિદો વચ્ચે અઝાનના સમયે જાણે કમ્પિટિશન હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. એક મસ્જિદ પરના લાઉડસ્પીકર પરથી શરૂઆત થાય એની બે-ત્રણ સેકન્ડ પછી બીજી મસ્જિદવાળા જાગે, અને ભલભલા ઊંઘણશીને જગાડી દે. આટલું ઓછું હોય ત્રણેયમાંથી કોણ લાંબું ચલાવે એની પણ જાણે હરીફાઈ થાય.
DG: આ વાત સાચી છે અને ટેક્નોલૉજી આવે ત્યારે ફાયદો લેવાની વાતના બદલે ઘણી વાર દુરુપયોગ થાય છે તેનો આ નમૂનો છે. એક જમાનામાં મોટા ભૂંગળાવાળાં સ્પીકરો નહોતાં. આજે વધારે ડેસિબલવાળાં અને વધારે દૂર સુધી ધારી ફ્રિન્ક્વન્સીમાં અવાજ ફેંકી શકે તેવાં લાઉડસ્પીકર આવ્યાં છે. વહેલી સવારે તેનો ઉપયોગ થાય તે ઉપયોગ કરતાં દુરુપયોગ જ વધારે છે. કયા ધાર્મિકસ્થળ પરથી દુરુપયોગ થાય છે એ મુદ્દો નથી, મૂળે દુરુપયોગ થાય છે. આજે હવે શ્રદ્ધાળુઓને જગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર નથી. સેલફોનના અલાર્મ અત્યાધુનિક છે અને તેના સેટિંગમાં જઈને જગાડનારી ધૂન કે અઝાન વગાડી શકાય છે. ધાર્મિકસ્થળ પર લાઉડસ્પીકરના બદલે સૌ પોતપોતાની અલાર્મ વગાડતા થઈ જાય તો વધારે સારું આત્મકલ્યાણ થશે.

VP: દિવાળીમાં બે-ત્રણ દિવસ પણ મોટા અવાજવાળા ફટાકડા ફોડવા નહિ, હોસ્પિટલ પાસેથી પસાર થતા વાહનોએ હોર્ન વગાડવા નહિ, જેવા નિયમો છે, પણ મસ્જિદ પરનાં લાઉડસ્પીકરને કોઈ મૂંગાં કરતાં નથી, કારણ કે ત્યાં ધાર્મિક લાગણી દુભાઈ જવાનો, અને પછી ચૂંટણીમાં મત ગુમાવવાનો ડર લાગે છે. હિંદુ ધર્મના ઝંડા ફરકાવીને સત્તા પર આવેલા કેટલાં લોકોએ મસ્જિદ પરનાં લાઉડસ્પીકર્સ દૂર કરવાનું તો બાજુએ રહ્યું, એમને વોલ્યુમ ઘટાડવાની વિનંતી પણ કરી છે? અહીં ઉત્તરપ્રદેશની વાત કરવાની જરૂર નથી.
DG: એવા પણ નિયમો છે કે રાતના 10થી સવારના 6 વગર મંજૂરીએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો નહીં. ડેસિબલ માટેના પણ નિયમો છે, પણ તે નિયમો બધા માટે છે. ઘોંઘાટ કરવાની બાબતમાં બધા જ સરખા છે. ઉત્તર પ્રદેશમાં બધાં જ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવવાની અત્યારે શરૂઆત થઈ છે. નિવેદનબાજીનો ઘોંઘાટ બંધ કરીને બીજાં રાજ્યોએ તેનો અમલ કરવો જોઈએ. લાઉડસ્પીકરની બાબતમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો અમલ થાય - વાત બસ આટલી જ કરવાની જરૂર છે.
(વર્ષા પાઠક અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે)