પોઝિટિવ પેરેન્ટિંગ:કઈ કરિયર ચોઈસ વધુ સારી? સ્પેશિયલાઇઝેશન અથવા સમય સાથે પરિવર્તનીય?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હમણાં થોડા સમય પહેલાં જ એક ચિંતિત વાલીએ મારી જોડે શેર કર્યું કે, 'મારી 16 વર્ષની દીકરીને બહુ બધી વસ્તુઓ શરૂ કરવાની ટેવ છે પણ તે તેને પૂરી નથી કરતી. એવું લાગે છે જાણે તે કોઈપણ વસ્તુમાં રસ ઝડપથી ગુમાવી દે છે. હું એને કહું છું કે આ ટેવ તેના ભવિષ્ય માટે સારી નથી કારણ કે, એ કોઈપણ કોર્સ અથવા કરિયરને સ્થાયી રીતે વળગીને નહીં રહી શકે. પરંતુ એને તો જાણે ખબર જ નથી પડતી કે તે પોતાના જીવનમાં શું કરવા માગે છે!'

આ સમસ્યા ઘણા વાલીઓની છે. જેઓ એવું અનુભવે છે કે હાલ તેમનાં બાળકો (કિશોરવયનાં પણ) એક હોબીમાંથી બીજી હોબીમાં અથવા કંઇક નવું શીખવામાં પતંગિયાની માફક ફરક્યા રાખે છે. તેઓ એક કોર્સ પોતે પસંદ કરે છે અને પછી અચાનક પોતે જ નક્કી કરી લે છે કે આ કોર્સ કરવો તે તેમના સમયનો બગાડ છે અને ઝટ દઈને તેને છોડી પણ દે છે! શું આનું કારણ - લો અટેન્શન સ્પેન (નાના સમયગાળા માટે ધ્યાન આપવાની ક્ષમતા) હશે?

આપણે આપણી જાતને સતત યાદ અપાવ્યા રાખવાની જરૂર છે કે બધા બાળકોને ખબર ન હોય કે મોટા થઈને તેઓ શું કરવા માગે છે. એવાં ઘણાં બાળકો છે જે પહેલેથી જ આ બાબતે ક્લિયર હોય છે અને તેઓ તે લક્ષ્ય મેળવવા માટે પોતાનો સમય અને સતત પ્રયત્ન ફાળવે છે. ઘણાં બાળકો એવા પણ હોય છે જે આવું કરે તો છે પણ પછી તેમનું મન તે લક્ષ્યને લઈને બદલાઈ જાય છે. ઘણાં બાળકોને તો આઈડિયા જ નથી હોતો કે તેમને શું જોઈએ છે અને એટલે જ્યાં સુધી તેમને કોઈ સંતોષજનક વસ્તુ ન મળે ત્યાં સુધી તેઓ ઘણી બધી વસ્તુઓ ટ્રાય કર્યા રાખે છે.

કિશોરવયનાં બાળકો કેમ વારંવાર પોતાનું માઈન્ડ ચેન્જ કરે છે? હોર્મોનલ ફેરફાર સિવાય, પિયર પ્રેશર અને સામાજિક અપેક્ષાઓ આ વર્ગના બાળકો ઉપર ઊંડો પ્રભાવ છોડે છે. જેથી, તેઓ એવો કોર્સ કે કરિયર પસંદ કરે છે જેના થકી તેઓ પોતાના પિયરની માન્યતા મેળવી શકે...પછી ભલે ને તેઓ તે કોર્સ માટે જરાય ફિટ ન હોય! બીજું કારણ એ પણ હોઈ શકે છે કે, કિશોરવયના બાળકોએ કોઈ ખાસ વ્યવસાયને લઈને પોતાની એક ધારણા બનાવેલી હોય છે. આ ધારણા તથ્ય ઉપર આધારિત નથી હોતી પણ તદ્દન કાલ્પનિક અથવા રોમેન્ટિક હોય છે કારણ કે, તેઓ પુખ્ત જીવનની જટિલતાઓ અને ગુંચવણોથી અજાણ છે અને જ્યારે તેમને ખબર પડે કે તેમની આદર્શવાદી કલ્પના અને વાસ્તવિકતામાં ખૂબ મોટો ગાળો છે ત્યારે તેઓ પોતાના ચયન કરેલા ક્ષેત્રમાંથી બહાર આવી જાય છે.

બંને સંજોગોમાં બાળક જ જાણી શકે છે અને તે ત્યારે જ જાણી શકે છે જ્યારે એ પોતાની તરફ આવી રહેલી જુદી-જુદી તક વિશે વધુ માહિતી મેળવે. એક વાલી અથવા શિક્ષક તરીકે તમારો રોલ છે બાળકને જુદી-જુદી પ્રવૃતિઓ થકી તે શોધ કરવા દેવી કે તેને કઈ વસ્તુ કરવામાં આનંદ થાય છે, કઈ પ્રવૃત્તિમાં તે શ્રેષ્ઠ છે અને તે કયા ક્ષેત્રમાં પોતાનું કૌશલ્ય વધારવા માગે છે.

આનાથી સબંધિત બીજો પ્રશ્ન સ્પેશિયલાઇઝેશન વિશે છે. શું જે બાળકો જીવનમાં મોડેથી ખીલે છે તેઓ ફક્ત એ કારણથી તે બાળકોથી (જેઓ સ્પષ્ટ રીતે જાણતા હોય છે કે તેઓ જીવનમાં શું કરવા માગે છે) પાછળ રહી જશે કારણ કે, તેમણે મોડી શરૂઆત કરી છે? ના... હકીકત બહુ અલગ છે! સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કરેલાં એક સંશોધન પ્રમાણે પૂરાવા છે કે જે ખેલાડીઓ જુદા-જુદા સ્પોર્ટ્સમાં ભાગ લઇને પછી સ્પેશિયલાઈઝેશન કરે છે તેઓ સ્પોર્ટ્સના તે સ્પેશિયલાઈઝ્ડ ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરે છે.

જે બાળકો સ્પેશિયલાઈઝેશન કૌશલ્ય જીવનમાં વહેલા શીખે છે તેમને ચોક્કસ નોકરી (અથવા વ્યવસાય) અને કરિયર પહેલાં મળે છે. પરંતુ આનો અર્થ એ નથી કે તેમને તે વ્યવસાયમાં પરિપૂર્ણતા, સિદ્ધિ અથવા આનંદ મળે અને વળી, ભિન્ન પ્રકારની પ્રવૃતિઓ કરવાથી મળતો એક લાભ એ છે કે તે વ્યક્તિ પોતાના ભવિષ્યના વ્યવસાયમાં જુદા-જુદા પ્રકારના કૌશલ્ય અને અનુભવ લાવી શકે છે.

આપણે સતત આપણી જાતને યાદ અપાવવું જોઈએ કે આ દિવસે-દિવસે બદલતી દુનિયામાં ઘણી વાતોમાં અસ્થિરતા છે જેમ કે, રાજકીય કોલાહલ, ક્લાઇમેટ ચેન્જ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, પ્રાકૃતિક આપદાઓ અને માનવ-રચિત ઘર્ષણો. આજના અસ્થાયી સમાજમાં યુવા પેઢી અને પુખ્તવયની વ્યક્તિઓએ સતત બદલાતી અર્થવ્યવસ્થામાં પોતાને ઢાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં નોકરી એટલે બદલવી પડે છે કારણ કે, તમારી અગાઉની નોકરી કે ઉદ્યોગ હવે અસ્તિત્વમાં જ નથી. આવી સ્થિતિમાં, એવી વ્યક્તિ જેણે જુદા-જુદા કૌશલ્ય કેળવ્યા છે અને વિભિન્ન રોલ સ્વીકાર્યા છે, જે જુદા પ્રકારના માણસો જોડે તાલમેલ બેસાડી શકે છે અને પરિસ્થિતિ અનુકૂળ વર્તન કરી શકે છે. આ ખૂબ ઉપયોગી નીવડશે કારણ કે, આવી વ્યક્તિમાં વધુ પ્રમાણમાં પરિવર્તનક્ષમતા હોય છે.

ભલે મોડેથી ખીલનારા બાળકો એક યુનિવર્સિટી કોર્સથી બીજા કોર્સ ઉપર કુદકા મારે કે પછી એક નોકરીથી બીજી નોકરી બદલ્યા રાખે અને આપણને તેઓ તેમની સફળતા અને નિષ્ફળતાના લીધે અસ્થાયી લાગે…પણ હકીકતમાં તેઓ ઘણું બધું શીખી રહ્યા છે! એટલે ક્યારેય પણ પોતાના બાળક ઉપર દબાણ ન કરો કે તે વહેલી તકે પોતાનો માર્ગ શોધે! સાચું કહું તો વાલીઓની આ વ્યગ્રતા જ છે જે બાળક અને તેના આત્મસન્માન ઉપર આડી અસર છોડે છે.

હવે આનાથી જોડાયેલ વાલી તરફથી છેલો પ્રશ્ન એ છે કે 'તો શું મારે મારા બાળકને જુદા-જુદા કલાસમાં પોતાનો સમય, મેહનત અને પૈસા વેડફવા દેવા જોઈએ...અને અધૂરામાં પૂરું એ કોર્સ તે વચ્ચેથી છોડી દેશે? શું આ તેના માટે એક સહેલો અને જવાબદારીથી છટકવાનો માર્ગ તો નહીં બની જાય? જો આના કારણે મારું બાળક આળસુ થઇ જશે તો?

તમે તમારા કિશોરવયના બાળકને અંતર્જ્ઞાન (ઈન્ટ્યૂશન) અને તર્કવિજ્ઞાન વાપરીને જવાબ શોધવામાં મદદ કરી શકો છો. તમારા બાળકને કહો કે તે તમને કોઈ કોર્સ બદલવા કે ના કરવા માટેનાં ઠોસ કારણો આપે

આમાં એવું તે શું છે જે એને રસપ્રદ નથી લાગતું? કોર્સ વિષયાર્થ (કન્ટેન્ટ) અથવા શિક્ષક? કે કદાચ વિદ્યાર્થીઓનું એ ગ્રુપ જે એનું બુલિંગ કરે છે અને એને હૂંફ નથી આપતું? જો વાત નોકરીની હોય તો શું ત્યાં આપવામાં રહેલાં કામો એને નથી ગમતાં કે પછી એના બોસનું અથવા સહકર્મીનું વર્તન કે પછી નોકરીએ આવવા-જવાનો માર્ગ?

કારણ શોધવું એ એક ખૂબ જરૂરી અભ્યાસ છે. હવે અંતર્જ્ઞાન (ઈન્ટ્યૂશન) વાપરો

  • આનાથી તેને કેવી અનુભૂતિ થાય છે?
  • કેવી ભાવના કોર્સના ક્યા ભાગ જોડે સંકળાયેલી છે?

કદાચ તમારા કિશોરવયના બાળકને ફિઝિક્સનો (ભૌતિકશાસ્ત્રનો) કલાસ ખૂબ ગમે છે પણ તેને લેક્ચર કંટાળાસ્પદ લાગે છે અને તે વધુ એક્સપેરિમેન્ટ (પ્રયોગ) કરવા માગે છે!

2 મિલિયન સ્ટાર્ટઅપ ઉપર કરેલાં સંશોધન પ્રમાણે 45ની વયે ચાલુ કરેલું સ્ટાર્ટઅપ ખૂબ જ સફળતા મેળવે છે! એટલે તેનો અર્થ એ છે કે મિડલાઇફ ક્રાઈસીસના લીધે કરિયર બદલતા વ્યાવસાયિકો વધુ પરિપૂર્ણ માર્ગો ઉપર વળે છે. કદાચ આનું એક કારણ એ હોઈ શકે કે વધતી ઉંમરની સાથે આપણી પ્રાથમિકતાઓ અને જીવનથી આપણી અપેક્ષાઓ પણ બદલાય છે.

પોતાનું લક્ષ્ય અથવા કરિયર શોધવાનો માર્ગ એક જીવનયાત્રા જેવું છે અને એક વાલી તરીકે તમારો રોલ એ છે કે તમે આ આખી પ્રક્રિયામાં તમારા બાળક સાથે જોડાયેલ રહો.
(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)