તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખનું સરનામું:ઢીંગલી લાકડાની છે કે માટીની, એ ઓળખી જશો તો બાળકની કારકિર્દીનું યોગ્ય ઘડતર કરી શકશો!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક ગામમાં એવી પરંપરા હતી કે ગામમાં કોઇ નવો માણસ રહેવા માટે આવે તો ગામના બધા લોકો આ નવા નાગરિકને મળવા માટે જાય. મળવા જતી વખતે ગામના આ નવા નાગરિક માટે પોતાની ક્ષમતા પ્રમાણે કંઇ ને કંઇ ભેટ લઇને જાય. નવી રહેવા આવેલી વ્યક્તિ સાથે થોડી વાતો કરે અને વિદાય થતી વખતે એમના માટે લાવેલી ભેટ આપે. આમ કરવાથી નવી વ્યક્તિને આ ગામ પોતીકું લાગે. બીજા કોઇ ગામમાંથી બે ભાઇઓ આ ગામમાં નવા રહેવા માટે આવ્યા. ગામના બધા જ લોકો પરંપરા પ્રમાણે આ બંને ભાઇના પરિવારને પોતાની ક્ષમતા પ્રમાણેની ભેટ લઇને મળવા જઇ રહ્યા હતા.

ગામમાં જ રહેતો એક કુંભાર આ બંને ભાઇઓને મળવા માટે આવ્યો ત્યારે એમના માટે માટીમાંથી બનાવેલી સરસ મજાની બે ઢીંગલીઓ બનાવીને ભેટ આપવા માટે લઇ આવ્યો. બંને ભાઇઓને એક-એક ઢીંગલી આપી અને કહ્યુ, 'આ માટી માંથી બનાવેલી ઢીંગલી છે હું હજુ એને પકવી શક્યો નથી. આ ઢીંગલી અત્યારે બહુ નાજુક છે પણ એ પાકી જશે તો મજબૂત બનશે એને મજબૂત બનાવવાનું કામ હવે તમારું છે. તમે આ ઢીંગલીને તાપમાં બરોબરની તપાવજો એટલે એ મજબૂત બનશે.

આ જ ગામમાં રહેનારો એક સુથાર પણ ગામના નવા રહેવાસીઓને મળવા માટે આવ્યો. સુથાર બંને ભાઇઓને ભેટ આપવા માટે લાકડાની બનાવેલી બે ઢીંગલી લાવ્યો. બંને ભાઇઓને એક-એક ઢીંગલી આપી. ઢીંગલી તો બહુ જ સરસ હતી એટલે એક ભાઇએ આ ઢીંગલીના ખૂબ વખાણ કર્યા. સુથારે કહ્યું, ‘આ ઢીંગલી અત્યારે સારી દેખાય છે પણ જો તમે એને યોગ્ય રીતે મજબૂત નહીં કરો તો જે ઢીંગલી અત્યારે તમને બહુ ગમે છે તે જોવી પણ નહીં ગમે. અત્યારે આ કાચા લાકડામાંથી બનાવી છે. જો તમારે એને મજબૂત બનાવવી હોય તો એને પાણીમાં પલાળજો. લાકડાની ઢીંગલી છે એટલે પાણીમાં પલળીને મજબૂત થશે અને જેવી અત્યારે દેખાય છે એના કરતાં પણ વધુ સારી લાગશે.’

ગામના બધા લોકો વિદાય થયા એટલે બંને ભાઇ હવે પોતાનું ઘર ગોઠવવાના કામમાં લાગી ગયા. પેલી ઢીંગલીઓને પણ ગોઠવવાની હતી પણ હજુ એ કાચી હતી અને એને પકવવાની હતી. એક ભાઇએ એની પાસે રહેલી માટીની ઢીંગલીને આગમાં તપાવી અને લાકડાની ઢીંગલીને પાણીમાં પલાળી. અમુક સમય પછી જોયું તો બંને ઢીંગલીઓ મજબૂત બની હતી એક આગમાં તપીને મજબૂત બની અને બીજી પાણીમાં પલળીને મજબૂત બની. બીજા ભાઇએ વિચાર્યુ કે, મારે ચીલાચાલુ બધા કરે એમ નથી કરવું. મારે તો જુદી રીતે દુનિયાથી જરા હટકે મારી ઢીંગલીઓને મજબૂત કરવી છે. એણે માટીની ઢીંગલીને પાણીમાં પલાળી અને લાકડાની ઢીંગલીને આગમાં નાખી થોડા સમય પછી જોયું તો બંને ઢીંગલી નાશ પામી હતી એક પાણીમાં ઓગળી ગઇ અને બીજી આગમાં બળી ગઇ.

ભગવાને પણ પૃથ્વી પરના દરેક મનુષ્યને જુદી-જુદી ક્ષમતાઓ આપી છે. પ્રભુએ કોઇને માટીની ઢીંગલી બનાવી છે તો કોઇને લાકડાની ઢીંગલી બનાવી છે. તમારુ સંતાન કેવા પ્રકારની ઢીંગલી છે એ માતા-પિતા તરીકે તમારે નક્કી કરવાનું છે. જો તમારી ઢીંગલી કેવી છે એ તમે ઓળખી શકશો તો જ એની કારકિર્દીનું યોગ્ય ઘડતર કરી શકશો. તમારી ઢીંગલી માટીની હોય અને તમે એને પરાણે પાણીમાં નાંખવાનો પ્રયાસ કરશો તો એ તમારી સૌથી મોટી મૂર્ખામી હશે. ઢીંગલી તો બીચારી કંઇ નહીં બોલે, પણ થોડા સમય પછી ધીમે-ધીમે ઓગળી જશે. એક મોટા પુસ્તકથી ન શીખી શકાય એટલું આ દૃષ્ટાંત કથા શીખવી જાય છે.

જૂન મહિનો શરુ થતાં જ વાલી તરીકે આપણે આપણા સંતાનના આગળના અભ્યાસ માટે હવે ક્યા પ્રકારના કોર્સમાં એડમિશન અપાવવું એની ચિંતા સેવી રહ્યા છીએ. કેટલાય કહેવાતા શિક્ષણવિદો પાસે માર્ગદર્શન માટે પહોંચી જઇએ છીએ અને આ શિક્ષણવિદો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાને જ ફાયદો થાય એવી રીતે તમારા સંતાનના આગળના અભ્યાસ માટે સલાહ આપે છે, પછી સંતાન ભલે બિચારું ઓગળી જાય કે બળી જાય! બની બેઠેલા વિદ્વાનોની સલાહો લેવાના બદલે તમારા સંતાનના ભવિષ્યનો નિર્ણય તમે પોતે જ કરજો. સંતાનોની કારકિર્દી માટે તમે જે ક્ષેત્રની પસંદગી કરો તે ક્ષેત્ર જો એને મનગમતું અને પ્રિય ક્ષેત્ર હોય તો સફળતાના શિખર સુધી પહોંચવાની એમની યાત્રા સરળ તો હશે જ પણ સાથે સાથે આનંદપ્રદ પણ હશે. આમીરખાનની ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’ આ બાબતે ઘણું બધું કહી જાય છે.

માત્ર અમુક પ્રકારના ફિલ્ડમાં જ ઉજ્જ્વળ કારકિર્દી છે તે માત્ર આપણી ભ્રમણા છે. દુનિયામાં તમામ ક્ષેત્રનું પોતાનું આગવું મહત્ત્વ છે. આ સમાજને જેટલી જરૂર એક સારા ડોક્ટર કે એન્જીનિયરની છે એટલી જ જરૂર એક સારા કવિ કે લેખકની પણ છે. વ્યક્તિમાં રહેલી શક્તિઓને જો સોળે કળાએ ખીલવવી હોય તો તે માત્ર અને માત્ર તેના પસંદગીના ક્ષેત્રમાં જ શક્ય બની શકે છે. પરાણે તમે એને ડોકટર બનાવી દેશો તો એ પોતે પણ સુખી નહીં હોય અને સમાજને પણ કોઇ ફાયદો નહીં થાય. મારા જ ગામનો એક ખૂબ હોંશિયાર છોકરો અત્યારે MBBS બની ચૂક્યો છે પણ ખાનગીમાં મને ઘણી વખત કહી ચૂક્યો છે કે મારા પપ્પાએ મને ડોક્ટર બનાવીને અજાણતાં જ મને મોટી સજા કરી છે.

આ દુનિયામાં કિંમત ડિગ્રીની નહીં એક્સપર્ટાઇઝની છે. તમારું મૂલ્ય તમારી નિપૂણતા પર નિર્ભર કરે છે. MBA થયેલો માણસ મહિનાના 10,000નો પગાર પાડતો હોય અને બીજીબાજુ 12 ધોરણ સુધી જ ભણેલો મહિનાના 50,000 પણ કમાતો હોય કારણ માત્ર એટલું જ કે એક પાસે ડિગ્રી છે પણ એક્સપર્ટાઇઝ નથી અને બીજા પાસે એક્સપર્ટાઇઝ છે માત્ર ડિગ્રી નથી. ગોંડલમાં રહેતો હરેશ ધામેલિયા બે ટ્રાય બાદ માંડ માંડ ગ્રેજ્યુએટ થઇ શક્યો છે. પરંતુ એણે કમ્પ્યૂટર નેટવર્કિંગના પોતાના પસંદગીના ક્ષેત્રમાં એવી માસ્ટરી મેળવી છે કે હાલ લંડનમાં 90 લાખના પેકેજથી કામ કરી રહ્યો છે. ધો. 12 સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા રાજકોટના કૃણાલ પટેલને ગૂગલે વાર્ષિક 1 કરોડ 40 લાખના પગારથી નોકરી પર રાખ્યો. કૃણાલ કરતાં પણ વધુ ટકા લાવનારા એના સહાધ્યાયીઓ કદાચ આના 10%નું પેકેજ પણ નહીં મેળવી શક્યા હોય! કૃણાલ આ કમાલ એટલા માટે કરી શક્યો કારણ કે, એ પોતાના મનપસંદ ક્ષેત્રમાં ગયો અને એટલે એની પાસે ડિગ્રીની સાથે સાથે નિપુણતા પણ હતી.

તમારાં સંતાનો કેવા પ્રકારની ઢીંગલી છે એ તપાસીને પછી જ એને ક્યા ક્ષેત્રમાં મોકલવો તે નક્કી કરજો.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)