ઇટ્સ કોમ્પ્લિકેટેડ:‘ફાસ્ટ ફૂડ’ હોય પણ ‘ફાસ્ટ રિલેશન’ ન હોય... ઉતાવળમાં બાંધેલા કે તોડેલા સંબંધો અફસોસ જ કરાવે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇટ્‌સ કોમ્પ્લિકેટેડ કોલમના ગયા અંકમાં આપણે સંબંધોને તંદુરસ્ત અને સ્વસ્થ રાખતાં સાત પરિબળોની ચર્ચા કરી હતી. પંદરમાંથી બાકી રહેલી આઠ ટિપ્સ વિશે હવે વાત કરીએ...

(8) સંબંધો અને ઉતાવળ: આ જમાનો ગતિનો છે. એક જમાનામાં ઉતાવળને દુર્ગુણ માનવામાં આવતો હતો. કોઈપણ વ્યક્તિ ગમે તે બાબતમાં ઉતાવળ કરતી તો તેની સામે તિરસ્કારથી જોવાતું હતું. હવે સ્થિતિ 180 અંશના ખૂણેથી બદલાઈ ગઈ છે. આ જમાનો ‘ફાસ્ટ’ છે. હવે લોકોમાં ધીરજનો અભાવ છે. મનની ચંચળતા ખૂબ વધી છે, જેની અસર સંબંધો ઉપર પણ પડી છે. એટલું યાદ રાખવાનું કે કોઈ દિવસ સંબંધો બાંધવામાં કે પછી તોડવામાં ઉતાવળ નહીં કરવાની. સંબંધો બાંધવામાં ધારો કે ઉતાવળ થાય તો ચાલે પણ તોડવામાં તો ઉતાવળ નહીં જ કરવાની. સ્ત્રીઓ સંબંધ બાંધવામાં ધીમી હોય છે પણ એક વખત સંબંધ બાંધ્યા પછી તેને નિભાવી પણ જાણે છે. અનેક લોકો સંબંધોને ઝડપથી દોડીને પછી પેટ ભરીને પસ્તાય છે. અમારા એક ડોક્ટર મિત્રને સંબંધો તોડવાની જાણે કે ટેવ જ પડી ગઈ છે. કોઈની પણ સાથે સહેજ મતભેદ થાય કે તેઓ તરત જ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દે છે. આવો સ્વભાવ યોગ્ય નથી.

(9) સતત વિકસતાં રહેવું જોઇએ: કોઈપણ સંબંધને લીલોછમ રાખવા માટે બંને પ્રિયજનોએ સતત વિકસતાં રહેવું જોઇએ. સ્વસ્થ વ્યક્તિ એને જ કહેવાય જે વ્યક્તિ સમયની સાથે પોતાનો વિકાસ કરે. સંબંધને પૂર્ણપણે અનુભવવો હોય તો બંને પાત્રોએ નિયમિત વિકસતાં રહેવું જોઇએ. ઘણી વખત એક પાત્ર વિકસે અને બીજું પાત્ર જ્યાં હોય ત્યાં જ રહી જાય તો અસંતુલન સર્જાતું હોય છે. તમે આજુબાજુ નજર કરશો તો આવાં કજોડાં અનેક દેખાશે. જનરેશન ગેપ કે પછી બીજો કોઈપણ ગેપ ન સર્જાય તે માટે સતત વિકાસ કરવો અનિવાર્ય છે.
બીજી મહત્ત્વની વાત એ છે કે બંને પાત્રોએ એકબીજાને વિકસવામાં મદદ કરવી જોઇએ. પોતે તો પોતાનો વિકાસ બધા કરે પણ સાચો સ્વજન એ કહેવાય જે પોતાના પ્રિયજનને વિકસવામાં મદદ કરે. કોઈપણ પ્રકારની ગ્રંથિ, અહમ (ઇગો) કે અસલામતીની ભાવનાથી પર ઊઠીને એકબીજાનો વિકાસ કરવો જોઇએ.

(10) એકબીજામાંથી કંઈક શીખતાં રહો: આ એક નવી અને જુદી વાત છે. શીખવા માટે તો શિક્ષકો હોય, ક્લાસીસ હોય કે પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય... પોતાના સ્વજન પાસેથી પણ કંઇક શીખી શકાય. ઘણીવાર સૌથી નજીકની વ્યક્તિ જ સૌથી દૂર હોય છે. અમારું એક મિત્ર યુગલ છે. પતિ-પત્ની એકબીજા પાસેથી ઘણું શીખ્યાં છે. પતિએ પોતાની પત્નીને કમ્પ્યૂટર શીખવાડ્યું, અકાઉન્ટ શીખવાડ્યું તો સામે પત્નીએ પોતાના પતિને પોતાની ભાષા અને રસોઇ શીખવાડી. એકબીજા પાસેથી શીખવાની આ રીતને કારણે સંબંધો વધારે મજબૂત થાય છે. નાનાં બાળકો પાસેથી પણ શીખી શકાય અને ઘરના નોકર પાસેથી પણ કંઇક શીખી શકાય. અનેક દાદા-દાદીઓ પોતાનાં પૌત્રો-દોહિત્રો પાસેથી નવી ટેક્નોલોજી શીખતાં જ હોય છે.

(11) પંચાત અને ટીકા ન કરો: અમદાવાદમાં ક્રિષ્ના હોસ્પિટલ સ્થાપનારા અને અમેરિકા વસતા ડૉ. અતુલ ચોક્સી વિશે એક વખત તેમનાં જીવનસાથીએ કહ્યું હતું કે, તેઓ ક્યારેય કોઈની ટીકા કરતા જ નથી. સ્વસ્થ મનથી હિસાબ કરીએ તો સમજાય કે મોટાભાગનો સમય નિંદા કરવામાં, કૂથલી કરવામાં, પંચાત અને ટીકા કરવામાં જ જતો હોય છે. પરસ્પરની ટીકા કરવાનું ટાળીને કામની વાતો જ કરવી જોઇએ. અન્ય સગાં-વહાલાંની ટીકા-નિંદાથી પણ બચવું જોઇએ. એને બદલે પ્રોત્સાહક વાતો કરવી જોઇએ. અનેક પતિ-પત્ની પોતાના સંવાદના સમયમાંથી 60-70 ટકા સમય કોઈની ને કોઈની ટીકા કરવામાં જ વ્યસ્ત રહે છે. આવી ટેવ સંબંધોને અસ્તવ્યસ્ત કરી નાખે છે. તેના બદલે સંબંધોને વધારે મજબૂત કરવા એકબીજાની સારી બાબતોનું સતત એપ્રિસિએશન કરવું જોઇએ. આવી ટેવ સંબંધોને વાસી થવા દેતી નથી.

(12) વફાદારી છોડશો નહીં: સંબંધમાં સૌથી મહત્ત્વનું પરિબળ વફાદારીનું છે. કોઈપણ સંજોગોમાં એકબીજાની વફાદારી છોડશો નહીં. જીવનમાં અનેક પ્રકારના પડકારો આવતા હોય છે. નિર્ણય લેવાનું અઘરું પડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થતું હોય છે. આવા સંજોગોમાં એક જ ધ્યાનમંત્રને વળગી રહેવાથી સંબંધ તૂટતા નથી. એકબીજાની વફાદારી એકબીજાને સતત વફાદાર રહો. કોઈપણ સ્થિતિમાં વફાદારીને ઢીલી થવા દેશો નહીં. આંતરિક મતભેદ ભૂલી જવાના. ગુજરાતના એક મંત્રીના દીકરાએ પ્રેમલગ્ન કર્યાં. મંત્રીનાં પત્ની તેનાથી ભારે નારાજ હતાં. મંત્રી મહોદયને જો કે કોઈ વાંધો નહોતો. આમ છતાં તેમણે પણ પોતાના દીકરાનાં લગ્નનો વિરોધ કરીને તેને ઘરમાં ન રાખ્યો. કોઈએ પૂછ્યું કે તમે તો પ્રગતિશીલ વિચારધારા ધરાવો છો. તમે શા માટે આવું સ્ટેન્ડ લીધું? તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો: 'હું વ્યક્તિ તરીકે શું માનું છું તે વાત જુદી છે, માટે આવી નાજુક સ્થિતિમાં મારી પત્ની સાથે ઊભા રહેવું જોઇએ. એ સાચી છે કે ખોટીએ વાત જુદી છે. જો હું તેની સાથે ઊભો ન રહું તો તે એકલી પડી જાય. હું પતિ તરીકે તેને એકલી ન પડવા દઉં.' તો આ છે વફાદારી. આખી દુનિયાનો વિરોધ સહન કરીને પણ પતિ-પત્નીએ એકબીજાને સહયોગ આપવો જોઇએ.
કસ્તુરબા ગાંધી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમના પૌત્રે લખેલું કસ્તુરબાનું જીવનચરિત્ર વાંચીએ તો રડી પડાય. થાય કે ડગલે ને પગલે તેમણે ખૂબ જ સહન કર્યું છે. પારાવાર પીડા સહન કરી છે. જો કે, પોતાના વિચારોને બાજુ પર મૂકીને તેમણે કાયમ ગાંધીજીના વિચારોને જ પ્રાધાન્ય આપ્યું. આ હતી તેમની વફાદારી. અનેક ભણેલા-ગણેલા પતિદેવો પોતાની નિરક્ષર પત્નીઓને વફાદાર રહેતા હોય છે.

(13) સંબંધ જાળવવા એકબીજાને ક્વોલિટી ટાઇમ આપો: સંબંધમાં સૌથી મોટું પરિબળ સમય છે. લોકો પાસે સંપત્તિ છે, પૈસા છે, ઉપકરણો છે, સાધનો છે માત્ર સમય નથી. સંબંધને સતત સાચવવા માટે સ્નેહીજનને સમય આપવો જરૂરી છે. જેમ લાંબી ઊંઘ કરતાં ઘસઘસાટ (આલ્ફા) ઊંઘ મહત્ત્વની ગણાય છે તેમ સમય કરતાં ગુણવત્તાવાળો સમય વધારે મહત્ત્વનો ગણાય છે. પાંચ કે દસ મિનિટનું સાંનિધ્ય એટલં જબરજસ્ત હોય કે એકબીજાને પૂરો સંતોષ થઈ જાય. સંબંધીઓ પ્રસંગોમાં ભીડ ઊભી કરીને એકબીજાને આપવાનો સમય વેડફી નાખે છે. આવું ન થવું જોઇએ.

(14) પ્રેક્ટિકલ અને ફ્લેક્સિબલ બનો: ઘણા લોકો પોતાના સિદ્ધાંતો અને વિચારોને જડની જેમ વળગી રહેતા હોય છે. આવું વલણ સંબંધોને ઢીલા કરી નાખે છે. આ પૃથ્વી પર દરેકને પોતપોતાની રીતે અને પ્રીતે જીવવાનો હક્ક છે. કોઈના પોતાના વિચારો લાદવાનો પ્રયાસ ન કરો. ફ્લેક્સિબલ બનો. પ્રેક્ટિકલ એન્ગલ રાખો. ભગવાન બુદ્ધે કહ્યું છે મધ્યમમાર્ગી બનવું જોઇએ. જીવન જીવવામાં ડગલે ને પગલે અનેક પડકારો અને એરર આવે છે. એને પાર કરવામાં પોતાના વિચારોમાં બાંધછોડ કરવી પડે છે. ઘણા પતિદેવો જડભરત હોય છે. માટે તો આ જ જોઇએ અને હું તો કશું જ ઢીલું ન ચલાવી લઉં જો આવું નહીં કરો તો હું નહીં જોડાઉં... આવી ચેતવણી કે ધમકીઓથી ઉપર ઉપરથી સંબંધો સારા રહે છે પણ અંદર આગ લાગેલી હોય છે. ઘણી સ્ત્રીઓ પણ જક્કી હોય છે. ચપટીક સમજણ રાખીને જો થોડુંક જતું કરો તો સંબંધની શોભા વધી જતી હોય છે.

(15) એકબીજાને ગમતાં રહો, એકબીજાને મદદ કરતાં રહો: સંબંધમાં બે બાબતો ક્યારેય ભૂલવા જેવી નથી. એક પ્રેમ અને બીજી કેર. કેર એટલે કાળજી. સતત એકબીજાને ગમતાં રહો. પોતાને સામેના પાત્રમાં શું ગમે છે તે પણ કહેતાં રહો. એકબીજાને સતત મદદ કરતાં રહો. નાની-નાની મદદ મોટી અસર ઊભી કરે છે. એમાંય કહ્યા વિના કરેલી મદદ તો સવિશેષ મદદ કરે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે સ્ત્રીના મૃત્યુ પછી તાજમહેલ બાંધવો એ જ માત્ર પ્રેમ નથી, ક્યારેક તેને લોટ બાંધી આપવો એ પણ પ્રેમ છે. પત્ની રસોડામાં હોય તો પતિ 10-15 મિનિટ પણ તેને સપોર્ટ કરે તો તેને કેટલું સારું લાગે!

સંબંધોને મધુર બનાવતી આ યાદી અધૂરી છે. તેમાં હજી ઘણી નવી બાબતો ઉમેરી શકાય. વ્યક્તિએ વ્યક્તિએ તેમાં ફરક પણ પડે. સરવાળે એક જ વાત મહત્ત્વની છેઃ સાથે મળીને સુંદર જીવવું. દરેક વ્યક્તિને તેની મર્યાદા સાથે સ્વીકારીને સંબંધને સતત ધબકતો રાખવો.

જતી વેળાનું સ્મિત:
સ્ત્રી પોતાને જે પ્રેમ કરે છે તેને તો ચાહે જ છે, પણ જે તેની કેર કરે છે તેને સવિશેષ ચાહે છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...