ઇટ્સ કોમ્પ્લિકેટેડ:મનમાં વસી ગયેલી છોકરીને કારણે બીજે ક્યાંય લગ્ન કરવાનું મન ના થાય ત્યારે સાચો રસ્તો તો કાઢવો જ પડે...

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યોગેશ કોલેજમાં ભણતો હતો ત્યારે તેના મનમાં એક છોકરી વૈભવી વસી ગયેલી. પહેલી જ નજરે જ એને એ છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. આવું અનેક કિસ્સામાં બનતું હોય છે. કિશોરાવસ્થામાં આવું થવું સહજ છે. કવિવર ઉમાશંકર જોશી કહેતા કે ઈશ્વરે સ્ત્રી અને પુરુષમાં પરસ્પર અદમ્ય આકર્ષણ મૂકીને કેવું સુંદર કાર્ય કર્યું છે. જેથી, વિશ્વની અડધી દુનિયા બીજી અડધી દુનિયાને ચાહ્યા જ કરે. યોગેશ પોતાને ગમતી યુવતીને ચાહવા લાગ્યો હતો પણ પોતાના પ્રેમનો એકરાર કરવાની તેનામાં હિંમત નહોતી.

એ સ્કૂટી લઈને આવતી. યોગેશ બાઈક લઈને કોલેજ જતો. પાર્કિંગમાં તેઓ અવાર-નવાર મળી જતાં. યોગેશ રોજ નક્કી કરતો કે આજે તો હું વૈભવી સામે મારા પ્રેમનો એકરાર કરીશ. જો કે, એવું તે ક્યારેય કરી જ ન શક્યો. વહેલો જઈને વૈભવીની રાહ જોતો. વૈભવી આવતી ત્યારે તેની બધી હિંમત વરાળ બનીને ઊડી જતી. વાત કરવાની હિંમત જ નહોતો કરી શકતો. જો ક્યારેક વાત કરે, તો પ્રેમ સિવાયની બીજી આડીઅવળી વાતો કરતો.

આમ ને આમ કોલેજનાં ત્રણ વર્ષ પૂરાં થઈ ગયાં અને યોગેશના મનમાં જે વાત હતી તે મનમાં જ રહી ગઈ. એ પછી તો યોગેશે MBA કર્યું. અમદાવાદની એક કોર્પોરેટ કંપનીમાં તે નોકરી પર લાગી ગયો. પ્રતિભા અને નિષ્ઠાના જોરે તેણે જોતજોતામાં ઘણી પ્રગતિ કરી. માત્ર પાંચ વર્ષમાં તે કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગનો હેડ બની ગયો હતો.

આ દરમિયાન પરિવારજનોએ તેના માટે છોકરી શોધવાનું ચાલુ કર્યું. યોગેશ માટે એકથી એક ચડિયાતી છોકરીઓનાં માગાં આવતાં હતાં પણ યોગેશ પોતાના દિલો-દિમાગમાંથી વૈભવીને દૂર કરી શકતો જ નહોતો. પોતાના જીવનસાથી તરીકે તેના મનમાં એક જ નામ આવતું હતું: વૈભવી. પોતાનાં માતા-પિતાના આગ્રહથી એ છોકરીઓ જોવા જતો, મીટિંગો ગોઠવાતી તેમાં પણ તે સામેલ થતો, વાતચીત કરતો, પોતાના પ્રતિભાવ આપતો.. આમ છતાં છેવટે તો તેને વૈભવીની જ ખૂબ યાદ આવતી.

છોકરીઓ જોવાનો ક્રમ અને ઉપક્રમ ચાલતો રહ્યો. તે મને-કમને છોકરીઓ જોતો રહ્યો. છેવટે એક દિવસ તેણે પોતાનાં માતા-પિતાને શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ કહ્યું કે હું હવે છોકરીઓ નહીં જોઉં. મારું મન જ માનતું નથી. જો હું લગ્ન કરીશ તો કોઈને છેતરીશ.

યોગેશનાં માતા-પિતાએ તેને સમજાવ્યો. એમ પણ કહ્યું કે તું વૈભવીની શોધ કર. જો તને વૈભવી ગમતી હોય અને એ મળી જાય, હજી પરણી ન હોય તો અમે તેની સાથે તારાં લગ્ન કરાવી દઈએ. યોગેશે પોતાની સાથે ભણતા અમિત અને સુખદેવની મદદથી વૈભવી અત્યારે ક્યાં છે તે શોધવાનો પ્રયાસ કર્યો. વૈભવીના પિતાની બદલી થતાં તેઓ મુંબઈ શિફ્ટ થયા હતા. સુખદેવના મુંબઈ રહેતા મિત્ર આશુએ ભારે જહેમત કરીને વૈભવીના પિતા પ્રતાપભાઈનું સરનામું શોધી કાઢ્યું.

જો કે, આ બધી શોધખોળ સાવ નકામી પૂરવાર થઈ કારણ કે, વૈભવીનાં તો બે વર્ષ પહેલાં બેંગલુરુમાં લગ્ન થઈ ગયાં હતાં. ઓહ, યોગેશના માથે તો જાણે વીજળી પડી. પોતે વૈભવી વિના જીવી જ નહીં શકે એવું તેને લાગતું હતું. પહેલાં તો તેણે એવો નિર્ણય કર્યો કે હું જિંદગીભર કુંવારો રહીશ. લગ્ન જ નહીં કરું. જો કે, માતા-પિતા અને બહેનની સમજાવટ પછી યોગેશે એ નિર્ણય પાછો ખેંચ્યો.

યોગેશનાં માતા કહેતાં હતાં કે, જો બેટા, લગ્ન તો સ્વર્ગમાં જ નક્કી થાય છે. અહીં તો માત્ર થાય જ છે. જો તારાં લગ્ન વૈભવી સાથે થવાનાં હોત તો ચોક્કસ તે પરણી ન હોત. તારા માટે ભગવાને બીજું કોઈ પાત્ર નક્કી કરેલું જ હશે અને તેની સાથે જ તારાં લગ્ન થશે. યોગેશ પોતાની મમ્મીની આ વાત હસીને ટાળી દેતો. પરંતુ ખરેખર એવું જ થયું. તેના જીવનમાં અચાનક સાદગીનું આગમન થયું. નિયતિએ એવું ચક્ર ફેરવ્યું કે યોગેશનાં જેની સાથે લગ્ન થવાનાં હતાં તે સાદગી તેને સામેથી મળી.

યોગેશ પોતાના બિઝનેસના કામથી મુંબઈ ગયો હતો. ત્યાં તે મલાડમાં પોતાની ફોઈના ઘરે રોકાયો હતો. ફોઈના ઘરની બાજુમાં જ સાદગી રહેતી હતી. તેણે M.A. વિથ ગુજરાતી કરેલું. ખૂબ જ પ્રતિભાશાળી યુવતી. યોગેશનાં ફોઈની દીકરી સરલાની તે બહેનપણી. સરલાને મળવા આવતી હતી. યોગેશની ઓળખાણ થતાં તેણે યોગેશમાં રસ લેવા માંડ્યો. કદાચ યોગેશ અને સાદગી બંને એક થવા જ જન્મ્યાં હતાં.

યોગેશને પણ પહેલી જ નજરે સાદગી ગમી ગઈ. એ પછી તો તેમની મિત્રતા પ્રતિદિન ગાઢ થતી ગઈ. મિત્રતા પ્રેમમાં ફેરવાઈ અને પ્રેમની ગાડી લગ્નના સ્ટેશન પર ક્યારે આવી ગઈ તેની બંનેને ખબર જ ના પડી. કોઈ એક સમયે યોગેશના મન અને હૃદયમાં વૈભવી છવાયેલી હતી. સાદગીના પ્રવેશ પછી યોગેશની આખી દુનિયા જ બદલાઈ ગઈ. તે પોતે એવું માનવા લાગ્યો કે જે થયું તે યોગ્ય જ થયું.

આપણે ઘણી વખત ના બંધાયેલા સંબંધોની બાબતમાં અફસોસ કરતાં હોઈએ છીએ. એમાંય લગ્નની બાબતમાં તો ખાસ એવું બનતું હોય છે. ઘણીવખત કોલેજકાળના આકર્ષણને યુવક કે યુવતી સાચો પ્રેમ માની લેવાની ભૂલ કરે છે. વિજાતીય આકર્ષણ અને પ્રેમને માપવાનું કોઈ યંત્ર હજી શોધાયું નથી, બાકી કિશોરાવસ્થામાં મોટાભાગે વિજાતીય આકર્ષણને કારણે જ યુવક-યુવતીઓ એકબીજા પ્રત્યે આકર્ષાતાં જ હોય છે. દરેક કિસ્સામાં ભલે એવું નથી હોતું. પરંતુ મોટાભાગના કિસ્સામાં એવું જ હોય છે.

આ સંબંધ બંધાયા હોત તો સારું હતું અને આ સંબંધ ન બંધાયો હોત તો રાહત રહેત. આવી માન્યતામાં રહેવાનો કોઈ અર્થ જ નથી. દરેક સંબંધનો એક ઋણાનુબંધ હોય છે. માત્ર પતિ-પત્નીનો જ નહીં, વિશ્વનો દરેક સંબંધ અગાઉથી નિયત જ હોય છે એવું માની લેવામાં શાણપણ છે. કેટલાક સંબંધો માણસ કોઈપણ સ્થિતિમાં નક્કી કરી જ શકતો નથી. જેમ કે, તે માતા-પિતા કે ભાઈ-બહેનો નક્કી કરી શકતાં નથી. એ જ રીતે પોતાના જીવનના અનેક સંબંધો એવા હોય છે જે નક્કી કરવાની તેને તક મળતી નથી. દરેક સંબંધને સહજ રીતે સ્વીકારીને તેની યોગ્ય માવજત કરવી એ જ જીવનને શ્રેષ્ઠ રીતે જીવવાનો સાચો રસ્તો છે.

આપણે એટલું યાદ રાખવું જોઈએ કે દરેક સંબંધની જેમ એક જરૂરિયાત હોય છે તેમ તેનું સૌંદર્ય પણ હોય છે. દરેક સંબંધનું એક પ્રેમવિશ્વ હોય છે. દરેક સંબંધની પાછળ ચોક્કસ લાગણીની ધારા વહેતી હોય છે. સંબંધોનું વિશ્વ રળિયામણું વિશ્વ છે. સંબંધની માવજત કેવી રીતે કરવી એ દરેક વ્યક્તિ પર નિર્ભર કરતું હોય છે. અફસોસ કરવાથી સંબંધોના લીલાછમ છોડને કરમાઈ જતાં વાર નથી લાગતી.

માણસના જીવનમાં જુદા-જુદા તબક્કે જુદા-જુદા પ્રકારના સંબંધો બંધાતા હોય છે. એમાં ક્યારેક નિયતિનો હાથ હોય છે તો ક્યારેક સંજોગોની જરૂરિયાત હોય છે. માણસની ફરજ એ છે કે દરેક સંબંધને તે ખુલ્લા દિલે સ્વીકારે અને તેને ખીલવવાનો પ્રયાસ કરે.

જો યોગેશ વૈભવીના વિચારોમાંથી જ ઊંચો ન આવ્યો હોત તો તેને સાદગી ન મળી હોત. સાદગીને મેળવવા માટે તેણે વૈભવીને અને વૈભવીના વિચારોને, તેના માટેની આસક્તિને છોડવી જ પડે તેમ હતી. એ અનિવાર્ય હતું. તે એવું કરી શક્યો તેનો તેને લાભ થયો.

એવા અનેક લોકો હોય છે જે ન બંધાયેલા કે ન જન્મેલા સંબંધને યાદ કરીને જીવ બાળે છે. અનેક પુરુષો એવા હોય છે જે કહેતા હોય છે કે મારાં (અત્યારની મારી જે પત્ની છે તેને બદલે) ફલાણી છોકરી સાથે લગ્ન થયાં હોત તો મારી જિંદગી સાવ જુદી જ હોત. એવી જ રીતે ઘણી સ્ત્રીઓ પણ 70-80 વર્ષે જીવ બાળતી હોય છે કે ફલાણા છોકરાનું માગું આવ્યું ત્યારે જો મેં હા પાડી હોત તો હું વધારે સુખી હોત. ખરેખર તો આ બધી જ ભ્રમણાઓ છે. ભવિષ્યમાં ક્યારે શું થવાનું છે તે કોઈ નક્કી કરી શકતું નથી.

શાણપણ એમાં જ છે કે જે સંબંધ આપણા જીવનમાં આવે છે તેનું પૂરેપૂરા ઉમળકાથી સ્વાગત કરીએ. પ્રેમ અને શ્રદ્ધાથી તેને વધાવીએ. દરેક સંબંધને પૂરેપૂરું માન અને સન્માન આપીએ. કોઈપણ સંબંધની ઈમારત છેવટે તો પ્રેમના પાયા પર જ ચણાતી હોય છે. પ્રેમ એક અજીબ રસાયણ છે. પ્રેમમાં ભરપૂર શક્તિ છે. કોઈપણ કુરુપ સંબંધને, અણગમતા સંબંધને પણ ધબકતો સંબંધ કરવાની પ્રેમમાં તાકાત હોય છે.

કોઈપણ મજબૂત અને પ્રસન્ન સંબંધને સમજવાનો પ્રયાસ કરીએ તો તરત જણાય કે તેમાં મોટી માત્રામાં પ્રેમ હોય છે. કોઈપણ સંબંધને સાચવવાની, જાળવવાની, માણવાની એક જ રીત છેઃ પ્રીત. સંબંધમાં પ્રીતથી મોટી કોઈ જ રીત નથી. કોઈપણ એરર, કોઈપણ વાઇરસ, કોઈપણ ગૂંચવણ કે કોઈપણ મૂંઝવણને દૂર કરવા માટેનો રામબાણ ઈલાજ છેઃ આશંકાઓ, અનુમાનો, ધારણાઓ ભૂલીને માત્ર અત્યારે જે સંબંધો છે તેને પૂરાં દિલથી નિભાવો.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)