તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:એક પક્ષીય પ્રેમ જ્યારે સંબંધમાં ન પરિણમે ત્યારે જિંદગીને ખૂબ સાચવી લેવી પડે છે...

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિ મહેસાણામાં રહેતો હતો. પોતાની બાજુમાં રહેતી કાજલ તેને ખૂબ ગમતી. ગમતી એટલે એટલી ગમતી કે વાત જ ન પૂછો. દિવસ અને રાત રવિ કાજલના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. વિજાતીય પાત્રનું ખેંચાણ, શારિરીક આકર્ષણ અને પ્રેમ...આ ત્રણેયમાં ખાસ્સો ફરક હોય છે. પ્રેમ પણ જુદા જુદા સ્તર અને પ્રકારનો હોય છે જેમ કે, મુગ્ધ પ્રેમ અને પરિપક્વ પ્રેમ.

રવિનો કાજલ માટેનો પ્રેમ આ બધામાં કયા ખાનામાં આવતો હતો તેની રવિને ખબર નહોતી અને કાજલને તો બિલકુલ જ ખબર નહોતી કારણ કે, તેને તો ખબર જ નહોતી કે પોતાના ઘરની બાજુમાં રહેતો રવિ તેને ખૂબ જ પસંદ કરે છે. રવિએ કાજલ સુધી પોતાના પ્રેમની પ્રપોઝલ મોકલવા માટે ઘણા પ્રયાસો કર્યા પણ તેમાં સફળતા ન મળી. છેવટે એક દિવસ તે કાજલ જ્યાં સંગીતના ક્લાસ કરવા જતી હતી ત્યાં પહોંચી ગયો. ત્યાં તે કાજલને મળ્યો પણ પોતાના મનની વાત ન કરી શક્યો. વળી, પ્રેમની પ્રપોઝલ પાછી ઠેલાઈ. પછી તો એક વખત તેણે એક લાંબો પ્રેમ-મેસેજ લખીને કાજલને વ્હોટ્સએપ કરી જ દીધો.

રાત્રે મેસેજ કર્યા પછી તેને ઊંઘ ના આવી તો કાજલે શું જવાબ આપ્યો તે જોવાની હિંમત પણ ન ચાલી. જો કે, તેણે વ્હોટ્સએસ જોયું હોત તો પણ તેને જવાબ ન મળત કારણ કે કાજલ ભાગ્યે જ વ્હોટ્સએપ જોતી હતી. એટલે હવે રવિ સામે એક નવી મુશ્કેલી આવીઃ કાજલ પોતાનો પ્રેમ સંદેશ ક્યારે જોશે? સાચો પ્રેમ વ્યક્તિને ધીરજવાન બનાવતો હોય છે. જે સાચા પ્રેમી હોય છે તેમને ધીરજ રાખતાં આવડવી જોઈએ.

એક યુવાન દંપતી મહાત્મા ગાંધી પાસે ગયું. તેમણે કહ્યું કે અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ. ગાંધીજીએ કહ્યું કે, તમે જો ત્રણ વર્ષ સુધી એકબીજાનો સહેજ પણ સંપર્ક કર્યા વિના જુદાં જુદાં રહી શકો તો હું પોતે તમારાં લગ્ન કરાવી દઉં. પ્રેમમાં પડેલાં એક યુવક અને યુવતી ત્રણ વર્ષ સુધી જુદાં જુદાં રહ્યાં અને પછી પરણ્યાં પણ ખરાં. ઈન્સ્ટન્ટ ફૂડ હોઈ શકે, ફાસ્ટ ફૂડ હોઈ શકે પણ ફાસ્ટ પ્રેમ શક્ય નથી. પ્રેમમાં જેમ સમર્પણ, ત્યાગ અને બલિદાનનું મહત્ત્વ છે તે રીતે જ ધીરજનું પણ મહત્ત્વ છે.

જો કે, રવિ તો આધુનિક જમાનાનો, ડિજિટલ પેઢીનો યુવક હતો. આ એવી પેઢી છે કે જે એક મેસેજ કર્યા પછી ત્રણ-ચાર મિનિટ પણ રોકાઈ શકતી નથી. રિમોટ લઈને જો એ પેઢી ટીવી જોવા બેઠી હોય તો એક ચેનલ પર પાંચ મિનિટ પણ રહી શકતી નથી. અરે, પાંચ મિનિટ એમને એમ કોઈ કામ વિના શાંતિથી બેસવું હોય તો પણ બેસી શકતી નથી. ગતિ, સ્પીડ, ઝડપ, રઘવાટ, અજંપો, ચંચળતા આ બધાં સાથે તેમને ઘર જેવું બને છે અને ઘર સાથે ખાસ બનતું નથી.

કાજલે એક દિવસ પોતાનો મેસેજ ન જોયો એટલે અકળાયેલા રવિએ નક્કી કર્યું કે તે પોતે હવે તેને મળીને જ પ્રપોઝ કરશે. રવિ એ જ દિવસે કાજલને મળ્યો. તેણે કાજલને કહ્યું, ‘વ્હોટ્સએપ પર મારો મેસેજ વાંચ્યો?’

‘ના, હું ભાગ્યે જ વ્હોટ્સએપ જોઉં છું..’ કાજલે જવાબ આપ્યો.

‘તો અત્યારે જોઈ લે..’ રવિએ કહ્યું.

રવિએ પોતાને તુંકારેથી બોલાવી એ કાજલને ન ગમ્યું. તે રવિને વર્ષોથી ઓળખતી હતી, પણ આ રીતે તે તુંકારેથી બોલાવે તે તેને ના ગમે. આમેય તે એક સંસ્કારી અને સભ્ય પરિવારની દીકરી હતી.

તેણે પોતાના મોબાઈલ ફોનમાં રવિનો મેસેજ વાંચ્યો. અંગ્રેજીમાં રવિએ કાજલને પ્રેમની પ્રપોઝલ આપી હતી. કાજલે એ વાંચીને કહ્યું, ‘રવિભાઈ, મારા મનમાં આવો કોઈ ભાવ નથી. હું આ વિશે અત્યારે કશું વિચારતી જ નથી.’

‘તો વિચાર કરને..!’ રવિએ જાણે આદેશ કરતો હોય એ રીતે કહ્યું. કાજલે મક્કમતાથી કહ્યું કે, મારે એ અંગે કોઈ વિચાર કરવો નથી.

‘એવું નહીં ચાલે.. તારે વિચારવું જ પડશે કારણ કે, હું તને ખૂબ જ ચાહું છું. હું તારા વિના જીવી જ નહીં શકું..’ રવિએ સ્પષ્ટ કહ્યું.

‘તમારે જે વિચારવું હોય તે વિચારો, રવિભાઈ. હું મારા નિર્ણયમાં એકદમ ક્લિયર છું.’ સામે કાજલે પણ એટલી જ મક્કમતાથી જવાબ આપ્યો.

કાજલે વિદાય લીધી. રવિ ત્યાં ઊભો રહ્યો. સ્તબ્ધ થઈને. ડઘાઈને. તે વિચારી શકતો જ નહોતો કે હવે તેણે શું વિચારવું જોઈએ. એ આખી રાત તે સૂઈ ન શક્યો. તેને જાતભાતના વિચાર આવ્યા. તેને થતું હતું કે કાજલને ભગાડીને લઈ જાઉં. તેને થતું હતું કે કાજલને કોઈપણ રીતે કન્વિન્સ કરું. તેને ગમતું હોય એ બધું જ કરું. તેને થતું હતું કે જો કાજલ ન માને તો તેને બીજા કોઈની તો ના જ થવા દઉં..તેને થતું હતું કે જો કાજલ ના પાડે તો પહેલાં તેને મારું અને પછી હું પણ મરી જઉં.

ખરેખર તો રવિ કાજલના એકપક્ષીય પ્રેમમાં પાગલ હતો. એમાં પ્રેમ કરતાં આકર્ષણનું, વિજાતીય ખેંચાણનું કારણ વધારે જવાબદાર હતું. તેણે કાજલનો પીછો કરવાનું શરૂ કર્યું. જ્યાં-જ્યાં કાજલ જતી ત્યાં ત્યાં તે જતો. થોડા દિવસ તો કાજલે આ સહન કર્યું, પણ પછી તેણે પોતાનાં માતા-પિતાને જાણ કરી.

કાજલનાં માતા પિતા ઠરેલ-પરિપકવ અને સમજદાર હતાં. તેઓ પરિસ્થિતિ પામી ગયાં. તેમને ખ્યાલ આવી ગયો કે, રવિ પોતાની સ્વરૂપવાન અને નમણી દીકરી કાજલના પ્રેમમાં પડ્યો છે. તેમણે કાજલને સૂચના આપી કે બેટા તું કશું જ ન કરતી. જે કરવાનું છે એ અમે કરીશું. એક સાંજે કાજલનાં માતા-પિતા રવિના ઘરે ગયાં. રવિની હાજરીમાં જ તેઓ તેના મમ્મી-પપ્પાને મળ્યાં. વર્ષોથી સાથે રહેતાં હતાં એટલે એકબીજાને ઓળખતાં હતાં. એકબીજા માટે તેમને આદર હતો. કાજલના પિતાએ રવિને, જાણે કે પોતાના સગા દીકરાને સમજાવતા હોય એ રીતે સમજાવ્યો. 'જો બેટા, તું કાજલને ચાહે છે. કોઈને ચાહવું એ ખોટી વાત નથી. ચાહવું, કોઈને પ્રેમ કરવો એ તો વિશ્વની સૌથી મહત્ત્વની અને સૌથી રળિયામણી ઘટના છે. પરંતુ પ્રેમ એકપક્ષીય હોય તે ન ચાલે. તું અમારી દીકરી કાજલને ચાહે છે, પણ કાજલ તો બીજા કોઈને ચાહે છે...'

‘એટલે..?’ રવિએ લગભગ ચીસ પાડીને કહ્યું.

‘એ પોતાની સાથે સંગીત શીખતા પ્રહરને પ્રેમ કરે છે. બે વર્ષથી તેઓ એકબીજાને જીવનભર સાથે રહેવાનું વચન પણ આપી ચૂક્યાં છે...’ કાજલની મમ્મીએ એકદમ શાંતિથી કહ્યું. રવિ અને રવિનો પરિવાર કાજલનાં માતા-પિતાની સ્વસ્થતાને જોઈને તેનો અનુભવ કરીને ચકિત થઈ ગયા. તેમણે આખી વાતને એટલી સહજ અને સરળ કરી નાખી કે જ્યાં ગૂંચવણો અને માત્ર ગૂંચવણો દેખાતી હતી ત્યાં હવે કશું જ નહોતું. જાણે કે આકાશ એકદમ ધોવાઈ ગયું હતું.

રવિ માટે ભલે કાજલ કોઈના પ્રેમમાં છે અને હવે પોતાની સાથે જોડાઈ નહીં શકે એ સમાચાર આંચકો આપે તેવા હતા પણ જે રીતે આખી વાત તેની સામે મુકાઈ હતી તેનાથી તેને રાહત તો લાગી જ. તેના મનમાં જે ગુસ્સો અને તીવ્રતા હતાં તે થોડાં ઓછાં થયાં. તેણે કાજલના પિતાને પૂછ્યું, ‘તો હું શું કરું ? હું કાજલ વિના જીવી શકીશ એવું મને લાગતું નથી. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?’

કાજલના પિતાએ તેનો રસ્તો કાઢતાં કહ્યું, ‘જો બેટા, પ્રેમ માત્ર મેળવીને જ સાર્થક થાય તેવું નથી હોતું. કોઈને ના મેળવીને, ના પામીને પણ પ્રેમને વ્યક્ત કરી શકાય છે.’

રવિ માટે આ વાતો નવી હતી. જો કે, તેને સમજાતી હતી. કાજલનાં મમ્મીએ કહ્યું, ‘રવિ, એકપક્ષીય પ્રેમમાં વ્યક્તિએ પોતાની જાતને ખૂબ સાચવી લેવી પડે છે. આવું અનેક કિસ્સામાં બને છે. સાચો પ્રેમ તો પ્રેમીજનના સુખમાં જ પોતાના જીવનની સાર્થકતા સમજતો હોય છે.’

રવિ માટે જીવનનો મોટો પડકાર હતો આ. જો કે, સમય સૌથી મોટી દવા હોય છે. સમય વહેતો ગયો તેમ તેનું દુઃખ ઘટતું ગયું. સૌથી મોટી વાત એ હતી કે કાજલ અને કાજલના પરિવારે રવિને આ સ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી હતી. રવિ સાથે ભણતી સૌમ્યા મનોમન રવિને ખૂબ જ ચાહતી હતી તેની રવિને ખબર નહોતી. જ્યારે સૌમ્યાએ તેને કહ્યું ત્યારે તેને નવાઈ લાગી. પછી તો સૌમ્યા અને રવિ ઉત્તમ મિત્રો બન્યાં અને આગ‌‌ળ જતાં પ્રેમીજનો પણ.

મહેસાણાના આ આખા કિસ્સામાં જોવા જેવી વાત એ છે કે જો અસાધારણ સંજોગોને સ્વસ્થતાથી હેન્ડલ કરવામાં આવે તો ગમે તેવી ગૂંચવણો પણ ઉકલી શકે છે અને આમેય સાચા પ્રેમની કાંસકી ગમે તેવી ગૂંચને ઉકેલી શકતી હોય છે.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)