ઇટ્સ કોમ્પ્લિકેટેડ:નવા સંબંધો બાંધતી વખતે જ્યારે છેતરપિંડી કરવામાં આવેઃ જેવું વાવશો એવું જ લણશો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીમાં રહેતા અમારા એક મિત્ર પાસેથી આ વાત જાણી.

તેમની દીકરી કાયદા વિષયમાં ગ્રેજ્યુએટ થઈ. ઉંમરલાયક છે, એટલે છોકરાઓ જોવાનું ચાલું કર્યું. અમદાવાદના એક છોકરા સાથે વાત થઈ અને આગળ વધી. બે-ત્રણ મીટિંગો થઈ. પરિવારજનો પણ મળ્યા. વાત લગભગ પાકી થવાની તૈયારી હતી. છેલ્લી મીટિંગમાં ખાવા-પીવાની વાત થઈ તો છોકરીએ કહ્યું કે હું ક્યારેક ક્યારેક ઈંડાં ખાઉં છું અને વાત અટકી ગઈ. માત્ર અટકી ના ગઈ, પૂરી થઈ ગઈ.

છોકરાવાળાં પક્ષ તરફથી કહેવાયું કે આ સગપણ શક્ય નથી.

દીકરીનાં માતા-પિતાએ કહ્યું કે અમે વૈષ્ણવ છીએ. ઠાકોરજીની નિયમિત પૂજા કરીએ છીએ અને દીકરીએ પોતાના જીવનમાં માંડ ચાર-પાંચ વખત ઈંડાં ખાધાં હશે અને તે પણ ઘરની બહાર. જો કે આ સ્પષ્ટતાની કોઈ અસર ના થઈ.

જો છોકરીએ ઈંડાંવાળી વાત છુપાવી હોત તો કદાચ તેનું સગપણ થઈ જાત. લગ્ન પછી તેણે ક્યારેક ક્યારેક પણ ઈંડાં ખાવાનું છોડવું પડ્યું હોત એટલું જ!

છોકરી નિખાલસ છે, તેને એવું લાગ્યું કે મારે આ વાત છુપાવવી ના જોઈએ. જો કે આ છોકરીની વાત જુદી છે, બાકી સારા ઘરમાં સારા પાત્ર સાથે લગ્ન કરવા માટે લોકો અનેક વાતો છુપાવતા હોય છે.

હું જે હોસ્ટેલમાં રહેતો હતો ત્યાં કપિલ નામનો એક યુવક રહેતો હતો, જે ભણવામાં સાધારણ હતો. બી.કોમ. પછી તેણે સી.એસ. જોઈન કર્યું ત્યારે બધાને ખૂબ નવાઈ લાગી હતી. બી.કોમ. પછી એ પોતાના પિતાનો ધંધો સંભાળવાનો હતો અને અચાનક તેણે સી.એસ. શરૂ કર્યું. છ-આઠ મહિના પછી અચાનક તેણે સી.એસ. છોડી દીધું અને પિતાનો કારોબાર સંભાળી લીધો. મિત્રોને તેણે કહેલું કે સારી છોકરી મળે તે હેતુથી જ સી.એસ. જોઈન કરેલું. જેવું સારું પાત્ર મળ્યું કે ભણવાનું છોડી દીધું. ‘છોકરો સી.એસ. કરે છે.’ એવું બતાવીને તેનાં માતા-પિતાએ કોઈ ભણેલી છોકરી સાથે તેનું ગોઠવી દીધેલું.

આપણા હાસ્યલેખક-હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડ તેમના મિત્ર મથુરના સગપણના પ્રયત્નોની વાત કરે ત્યારે આવું ઘણું કહે છે. છોકરીવાળા છોકરો જોવા આવવાના હોય ત્યારે બધું જ બદલાઈ જાય. છોકરાને ‘વર’ બનાવવા ‘ઘર’ને મહેલ જેવું બનાવવાના પ્રયાસમાં ક્યારેક તો સામેના લોકોને ‘બનાવવા’નો જ પ્રયાસ હોય છે ને!

લગ્ન પહેલાં-પાત્ર પસંદગીની પ્રક્રિયામાં અને લગ્ન નક્કી થાય તે દરમિયાન આવી તો કેટકેટલી છેતરપિંડી થતી હોય છે.

જે ના હોય તે બતાવાય અને જે હોય તે ના બતાવાય. ક્યારેક તો ચીજ-વસ્તુ જ નહિ, મુરતિયા કે કન્યાના કેસમાં પણ આવું બને!

આખે આખું પાત્ર જ બદલાઈ જાય!

અમારા એક નજીકનાં સગાંમાં આવું બન્યું હતું. ચાર ભાઈઓમાં જે છોકરો બતાવ્યો હતો તે જુદો હતો-સગપણની વાત ચાલતી હતી તે છોકરો મોટો હતો. નાનો રૂપાળો છોકરો બતાવીને મોટાનો મેળ પાડી દીધો હતો.

શિક્ષણની વિગત પણ મોટાપાયે છુપાવવામાં આવતી હોય છે. છોકરો કમાતો હોય ખૂબ સારું, પણ શિક્ષણનો તાલ ના મળતો હોય.

‘લો, એમ કહી દોને કે છોકરાએ કોલેજ કરેલી છે.’ દરેક જ્ઞાતિમાં થોડાક વચેટિયા મુત્સદ્દી, ચતુર અને પહોંચેલા હોય જ. તેઓ આખી બાજી પોતાના હાથમાં લઈ લે. છોકરો ફલાણી કોલેજમાં ભણેલો છે, તેવું જાહેર કરી દેવાય.

હવે કોણ જોવા જવાનું છે કે ભાઈસાહેબ ભણ્યા છે કે નથી ભણ્યા? આપણે ત્યાં જન્મકુંડળી જોવાનું ચાલે છે, માર્કશીટ કે પ્રમાણપત્રો જોવાનો થોડો રિવાજ છે?

લગ્ન એક પવિત્ર સંબંધ છે. લગ્ન કરીને એક યુવક અને એક યુવતી જિંદગીભર સાથે રહેવા માટે જોડાતાં હોય છે. માત્ર તનનું જ નહિ, મનનું-હૃદયનું જોડાણ થતું હોય છે. જો આવો સંબંધ જ અસત્યના પાયા પર રખાય તો લગ્નજીવનની ઈમારત કેવી રીતે ટકે?

પણ લોકો એવો વિચાર કરતા નથી. પોતાને અનુકૂળ, સારું પાત્ર મળે કે કુટુંબ મળે તે માટે લોકો ખૂબ જ સરળતાથી ખોટું બોલતા હોય છે. આ સ્થિતિ દુઃખદ છે, પણ હકીકત છે. એમાંય વિદેશમાં રહેતા છોકરા કે છોકરી સાથે લગ્ન થતાં હોય છે, તેમાં તો ઘણી વાર મોટી છેતરપિંડી થતી હોય છે. પરણીને અમેરિકા કે લંડન કે ઓસ્ટ્રેલિયા જવાની લાયમાં છોકરીઓ કે પછી તેમના પરિવારજનો પૂરી તપાસ કરે નહિ અને પછી પેટ ભરીને પસ્તાય.

આવા તો અનેક કિસ્સા છે. મને ગયા વર્ષે જાણવા મળેલો એક કિસ્સો અહીં નોંધું છુંઃ અમદાવાદમાં રહેતા એક વડીલ મને મળવા આવેલા. તેઓ બેન્કના રિટાયર્ડ મેનેજર. દીકરી ખૂબ તેજસ્વી હતી. ભણી-ગણીને અમદાવાદમાં એક સારી કંપનીમાં સારા પગારથી નોકરી પણ કરતી હતી. મેલબોર્નમાં રહેતા એક ગુજરાતી યુવક સાથે તેનું લગ્ન થયું. લગ્ન કરીને છોકરી મેલબોર્ન ગઈ. એ છોકરાનું અગાઉ લગ્ન થઈ ગયું હતું અને છૂટાછેડા પણ થયા હતા. તે વાત તેણે છુપાવી હતી. ખેર, છોકરીએ જતું કર્યું, પણ છોકરો તો જબરો હતો. સાચું કહો તો દગાબાજ હતો. તેને અનેક છોકરીઓ સાથે સંબંધો હતા. મેલબોર્નમાં આ છોકરીએ તો પોતાની સજ્જતા પર નોકરી મેળવી લીધી. લગ્નજીવન જેમ-તેમ ચાલતું હતું, પણ પેલા ચાલબાજ છોકરાએ છોકરીને ખૂબ હેરાન કરી. પછી કેસ થયા વગેરે.

છોકરીના પિતા રડતાં રડતાં કહેતા હતા કે અમારે લગ્ન કરતાં પહેલાં થોડી વધારે કાળજી રાખવાની જરૂર હતી.

ઘણી વાર તમે ગમે તેટલી કાળજી રાખો તો પણ બનવાનું હોય તે બનતું જ હોય છે, પણ તમે સાવ મૂર્ખ ‘બની’ જાવ તે તો ખોટું જ કહેવાય. વળી, માત્ર દીકરીઓના કેસમાં આવું થાય છે તેમ નથી. દીકરાઓ પણ ઘણા હેરાન થતા હોય છે.

અમદાવાદમાં એક સંસ્થાના પ્રમુખનો દીકરો અમેરિકામાં હતો. લગ્ન કર્યાં. સાસરિયાં અને દીકરી એવાં તો જબરાં મળ્યાં કે છોકરાને થોડો સમય અમેરિકા છોડીને અમદાવાદ આવવું પડ્યું. માંડ માંડ છૂટાછેડા મળ્યા અને તેનું જીવન સ્થિર થયું.

લગ્નસંસ્થા ગમે તેટલી જરૂરી અને મજબૂત હોય તો તેના પોતાના પ્રશ્નો તો છે જ. એ પ્રશ્નોની વાત ના કરીએ પણ પાત્ર પસંદગી વખતે સામેના પાત્ર કે પરિવારને છેતરવાની વૃત્તિથી બચવું જોઈએ. એ માત્ર તેમના માટે જ નહિ, તમારા માટે પણ જોખમી પુરવાર થઈ શકે છે.

પોતાનાં દીકરા કે દીકરીનાં લગ્નની વાત ચાલતી હોય ત્યારે...

(1) ભલે તેના ફોટો એકદમ સારામાં સારા મોકલીએ, પણ હકીકતોને ફોટોશોપમાં લઈ જઈને એડિટ ના કરીએ. છોકરો છોકરી જોવા આવે ત્યારે છોકરી મેકઅપ કરે કે છોકરી છોકરો જોવા જાય ત્યારે ડાઈ કરીને છોકરો વાળ કાળા બતાવે તે કદાચ સહ્ય છે, પણ છોકરીની આંખ ફાંગી હોય અને તેને ચશ્માં પહેરાવીને એ વાત છુપાવીએ કે પછી છોકરાની ઉંમર 35ની હોય અને તમે 25ની બતાવો તો તે ‘વહેવાર’ કહેવાય, છળકપટ કહેવાય અને આવું ના કરાય.

(2) માત્ર જન્મકુંડળી જોઈને ઈતિશ્રી ના માની લેવાય. જરૂરી તમામ મેડિકલ ટેસ્ટ થવા જોઈએ અને શિક્ષણ વગેરેનાં પ્રમાણપત્રો પણ જરૂરી લાગે તો ચેક કરવાં જોઈએ.

(3) સારું લગાડવા અથવા પોતાનું ખોટું ના લાગી જાય તેવા (કાલ્પનિક) ભયમાં હોય તેના કરતાં વધારે બતાવવું કે કહેવું ના જ જોઈએ. દુનિયાનો મોટામાં મોટો ખાડો દેખાડો છે. કોઈ પણ પ્રકારના ખાડામાં પડીએ તો વાગે જ. ઈજાથી બચવું જોઈએ.

(4) જેમના દ્વારા વાત આવી હોય કે ચાલતી હોય તેમનું માન સાચવવાનું જ હોય, પણ તેમના પર આંધળો વિશ્વાસ મૂકીને- તેમના દ્વારા કહેવાતી બધી જ વાત સ્વીકારી લેવામાં ક્યારેક મુશ્કેલી પડી શકે. ડાયરેક્ટ કનેક્શન કરીને મૂળ પાત્ર અને તેના પરિવારજનો સાથે સ્પષ્ટ વાત કરવી વધારે હિતકારી છે.

(5) ...અને જ્યારે તમને જાણ થાય કે તમારાથી કોઈ મહત્ત્વની વાત છુપાવવામાં આવી છે, ખોટું બોલવામાં આવ્યું છે ત્યારે તરત જ તેની સ્પષ્ટતા કરી લેવી જોઈએ. વિલંબ ના કરવો જોઈએ કે વાતને ભૂલી પણ ના જવી જોઈએ.

(6) અને હા, બીજા આપણને છેતરે નહિ, તે પહેલાં જરૂરી એ છે કે આપણે પણ તેમને છેતરીએ નહિ. કોઈ પણ કિંમત ચૂકવવાની તૈયારી સાથે આપણે સત્યને વળગી રહેવું જોઈએ.
સત્ય, સરળતા, નિખાલસતાના પાયા પર જે લગ્નજીવનની ઈમારત નખાય તે મજબૂત જ હોય.
positivemedia2015@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)