• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • What Will Happen To The Career Now That The Exam Has Been Canceled? Keep A Positive Mind So That The Child Does Not Take A Difficult Step Due To The Exam Which Is Stopped Due To Covid.

મનન કી બાત:પરીક્ષા કેન્સલ થઈ હવે કરિયરનું શું થશે? કોવિડના કારણે અટકેલી પરીક્ષાથી બાળક કપરું પગલું ન ભરે એ માટે તેનું માઇન્ડ પોઝિટિવ રાખો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધૈર્ય બારમા ધોરણનો વિદ્યાર્થી છે. તેનું હંમેશાં સપનું રહ્યું છે ડોક્ટર બનવાનું. પરિવારમાં પહેલો ડોક્ટર બનીને માતા-પિતા અને પરિવારનું નામ રોશન કરવું એ એનો ધ્યેય છે. દસમા ધોરણમાં ગણિત અને વિજ્ઞાન બંનેમાં એને સોમાંથી સો ગુણ આવ્યા હતા. બારમા ધોરણની પણ પ્રિલીમની પરીક્ષા કે જે જાન્યુઆરીમાં યોજાઈ એમાં એનું પર્ફોર્મન્સ ખૂબ સરસ રહ્યું. એપ્રિલમાં બોર્ડ પરીક્ષા માટે એની ગાડી એકદમ પાટા પર હતી. પરંતુ ત્યાં જ કોવિડની બીજી વેવ આવી અને મોમેન્ટમ તોડી ગઈ. પરીક્ષાના ટાઈમટેબલ માટેની સતત રસાકસી, અવાર-નવાર પોસ્ટપોન થતી પરીક્ષા અને મિત્રોને ન મળી શકવું. આ ઉપરાંત, 15 દિવસ પહેલાં ધૈર્યના મમ્મીને કોવિડ ડાયગ્નોઝ થયો અને હાલ એ વેન્ટિલેટર પર છે. આ બધી પરિસ્થિતિમાં એનાથી વાંચી પણ નથી શકાતું અને એક પોઝિટિવ માઈન્ડ રાખવું પણ ખૂબ કપરું પડે છે.

ધૈર્યને જયારે મનોચિકિત્સક પાસે લાવ્યા ત્યારે એની હાલત ગંભીર હતી. ચિંતામાં અને ચિંતામાં એણે પેરાસિટામોલની 60 ગોળી ગળી લીધી હતી અને એને ઇમર્જન્સી વિભાગમાં લઇ જવો પડ્યો હતો. સ્ટ્રેસમાં આવીને આપણાં બાળકો આવાં કપરાં પગલાં ભરી લેતાં હોય છે અને આવા કેસની માત્રા વધતી જઈ રહી છે.

બાળક સ્ટ્રેસમાં છે એ શક્ય એટલું વહેલું પકડવું જરૂરી છે. તો આપણું બાળક સ્ટ્રેસમાં છે કે નહીં એનાં લક્ષણો કેવી રીતે જાણવા?

  • બાળક પહેલાં જેટલું ચંચળ ન રહેવું
  • ઘર- પરિવારના લોકો જોડે વાત કરવામાં એનું મન ન લાગવું
  • પરીક્ષામાં બાળકનું પર્ફોર્મન્સ અચાનક ગબડી પડવું
  • પોતાના મિત્રોને પણ બાળકને મળવાનું મન ન થવું
  • પોતાની ગમતી રમતો અથવા ટીવી શો જોવાનું બાળકને મન ન થવું
  • બાળકની ઊંઘ ઘટી જવી
  • બાળકની ભૂખ ઘટી જવી
  • બાળકનું નાની-નાની વાત પર ઈમોશનલ થઇ જવું

જો આપણે બાળક સ્ટ્રેસમાં છે એ સમયસર પકડી ન શકીએ તો શું થઇ શકે છે?

  • બાળક પોતાને હાનિ પહોંચાડી શકે છે
  • બાળક ડ્રગ્સના રવાડે ચડી શકે છે
  • બાળક ખોટી સંગતના રવાડે ચડી શકે છે
  • બાળક ખોટી વ્યક્તિ પાસે સલાહ લેવા પહોંચી શકે છે
  • બાળક ડિપ્રેશન અથવા એન્ઝાયટીનો શિકાર બની શકે છે

આપણા બાળકને આવી કપરી અસરોથી બચાવવા શું કરવું ?

  • ઘરમાં એક એવો માહોલ ઊભો કરવો કે જેમાં દરેક વ્યક્તિ પોતાના મનની વાત ખૂલીને કહી શકે
  • રડવા અથવા આશરો લેવા બાળકે બહાર ન જવું પડે
  • બાળક પર ભણવા બાબતે વધુ પડતું પ્રેશર ન આપવું
  • કદાચ બાળકથી જાણતા-અજાણતા ભૂલ થઇ હોય તો એની જોડે કડકાઈથી વર્તવા કરતાં એને સમજાવવું કે 'આ વસ્તુ થઇ શકે છે અને હું ખુશ છું કે તું મને કહી શક્યો/ શકી.'

આ બધું ધ્યાન રાખવા છતાં જો બાળક કંઈ કપરું પગલું લે અથવા લઇ શકે એવી પરિસ્થિતિમાં લાગે તો મનોચિકિત્સક પાસે એને નિઃસંકોચપણે લઇ જવો.

મન: ઘણી વાર આપણે ભૂલી જઈએ છીએ કે આપણે પણ બાળક હતાં અને આપણે પણ ભૂલો કરી છે. એ યાદ રાખશો તો જીવન સરળ લાગશે. હા, આપણે એવું ન ઇચ્છીએ કે જે ભૂલો આપણે કરી એ આપણાં બાળકો ન કરે. પરંતુ એ પણ યાદ રાખવું જરૂરી છે કે ભૂલો તો એ પણ કરશે જ.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)