ડિજિટલ ડિબેટ:ગુજરાત કોંગ્રેસની દિશા અને દશા હવે આગળ કેવી રહેશે?

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી અધ્યક્ષની નિમણૂકનો મામલો અટકેલો હતો. પેટાચૂંટણીઓમાં તથા પંચાયતોની ચૂંટણી પછી તે વખતના પક્ષપ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મોવડીમંડળને રાજીનામાં સોંપ્યાં હતાં. પરંતુ તેમની જગ્યાએ નવી નિમણૂકોનો નિર્ણય અટકેલો હતો. આખરે જગદીશ ઠાકોર પ્રદેશપ્રમુખ બન્યા અને વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થઈ એટલે હવે આગામી ચૂંટણી આ જોડીની આગેવાનીમાં લડાશે. પ્રચાર સમિતિના પ્રમુખ સહિત અન્ય નિમણૂકો થઈ શકે છે. પરંતુ ત્રણેક અઠવાડિયાં પછીય નવી નિમણૂકો સામે પક્ષમાંથી કોઈ મોટો વિરોધનો સ્વર ઊઠ્યો નથી. તો શું હવે નવી નેતાગીરી સામે માત્ર બહારના જ પડકારો છે કે પછી...? ચર્ચા કરવાનો સમય થઈ ગયો છે.

જયવંત પંડ્યા (JP): ઉત્તર ગુજરાતના જગદીશ ઠાકોરની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે હવે કોંગ્રેસ પાસે ગુમાવવા જેવું કંઈ રહ્યું નથી. ગત ફેબ્રુઆરી 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પૂરેપૂરો રકાસ થઈ ગયો અને બાકી રહ્યું’તું તો ગાંધીનગર મહાપાલિકામાં પણ 17 વર્ષે સત્તા ગુમાવી. બીજી તરફ, કોંગ્રેસ સંગઠનમાં પણ છેલ્લાં બે વર્ષથી ચોક્કસ તારીખ કહીએ તો 23 ઓક્ટોબર 2019થી કોઈ નિમણૂક નથી થઈ. બધા પોતપોતાની રીતે દોડે છે. આવા સમયે તેમની પાસે ખરેખર તો સુવર્ણ અવસર છે કોંગ્રેસને બેઠી કરવાનો, કારણ કે કોઈ બોજો નથી. સત્તા હોય ને થોડી જગ્યાએ હાર્યા હોય તો બોજો હોય. પરંતુ સત્તા આટલાં વર્ષોથી છે જ નહીં, સંગઠન પણ ખાલી છે ત્યારે તેમની પાસે મોકળું અને કોરું મેદાન છે. હા, એટલી વાત ચોક્કસ છે કે તેમની પાસે સમય ઓછો છે અને એક બોજો કદાચ હોય તો એ છે કે 2017 કરતાં વધુ સારું પ્રદર્શન દેખાડી કોંગ્રેસને પુનઃ સત્તામાં લાવવાનો બોજો હોઈ શકે છે.
દિલીપ ગોહિલ (DG): ગુમાવવા જેવું કંઈ ન હોય ત્યારે તમે જ કહ્યું તે પ્રમાણે સુવર્ણ અવસર છે. મોટા પાયે સંગઠનમાં ફેરફારો કરવાની તક છે અને તકાજો પણ છે. પંજાબમાં અને રાજસ્થાનમાં હાલમાં જ વ્યાપક ફેરફારો થયા છે એટલે મોવડીમંડળ તરફથી પણ તૈયારી હશે તેમ માની શકાય. બીજું કે પંજાબના અનુભવ પછી કદાચ ગુજરાત માટે કાળજી લેવાઈ અને નેતા નક્કી કરતાં પહેલાં બધાં જૂથો સાથે ચર્ચા થઈ હતી. તેથી જ ખાસ કોઈ રિએક્શન આવ્યું નથી. તેનો અર્થ એ પણ થયો કે જુદાં જુદાં જૂથો વચ્ચે કેવી ખેંચતાણ નિર્ણય પહેલાં થઈ હશે તેનો અંદાજ પણ નવા પ્રમુખને હશે. તેથી સંગઠનમાં જે ફેરફારો કરવાના થાય તે આ બધી ગણતરીને ધ્યાનમાં રાખીને કરી શકે. સમય ઓછો હોવાની વાત બરાબર છે, પણ રાજકારણમાં સમયની માપપટ્ટી જરાક અલગ પ્રકારની હોય છે. સમય ઓછો કે વધારે કરતાં યોગ્ય છે કે કેમ તે જોવાતું હોય છે. એટલે કહી શકાય કે યોગ્ય સમયે પસંદગી થઈ ગઈ. ભાજપમાં જે પણ ફેરફારો થવાના હતા અને તેના પડઘા જો પડવાના હતા તો પડી ગયા છે, ત્રીજા વિકલ્પની અસર ક્યાં-ક્યાં કેવી રીતે થઈ શકે તેનો અંદાજ પણ આવી ગયો છે. એટલે બાહ્ય પરિબળોની ગણતરી કરવાનો સમય પૂર્ણ થયો તે પછી નિમણૂકો થઈ છે.

JP: જગદીશ ઠાકોર લડાયક મિજાજના છે. ચાર વર્ષ પહેલાં તેમણે કોંગ્રેસની કાર્યપદ્ધતિ, ખાસ તો ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે રોષે ભરાઈને રાજીનામું આપી દીધું હતું. આથી તેઓ જાણે છે કે જોડો ક્યાં ડંખે છે. તકલીફો ક્યાં છે. આ તકલીફો તેમણે દૂર કરવાની છે.
DG: શંકરસિંહ હવે નથી અને તેમની વાપસીની શક્યતા લગભગ રહી નથી. ભરતસિંહ મુખ્ય સ્પર્ધક હતા પણ કદાચ તેમની સંમતિ સાથે ફેરફારો થયા છે. પ્રમુખપદ નક્કી થયા પછી પ્રદેશ અને જ્ઞાતિ સમીકરણનાં બાકીનાં પાસાં ગોઠવવા માટેના એક પ્રયાસરૂપે ભરતસિંહ સૌરાષ્ટ્રના સામાજિક અગ્રણીને મળી પણ આવ્યા. તેના બંને અર્થ થઈ શકે - નવા પ્રમુખ સાથે મળીને કામ કરવાની તૈયારી અને સાથે જ પોતે પણ ચિત્રમાં છે જ તે દેખાડવાની શક્યતા. રાજકીય પક્ષોમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં વ્યક્તિગત નેતાઓની આ પ્રકારની પ્રવૃત્તિ - વૃત્તિ નવી નથી એટલે આ તકલીફો સમજવામાં જગદીશ ઠાકોરને તકલીફ પડે તેમ લાગતું નથી.

JP: ના, તકલીફ તેમના સ્તરે નથી, તકલીફ ઉપરના સ્તરે છે. પહેલી તકલીફ મોવડીમંડળની છે. 2017માં ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી જે વિકાસની વિરુદ્ધ વાત કરતા હતા તે જ વિકાસના નમૂના એવા સાબરમતી રિવરફ્રન્ટ પર ઊભા રહીને કાર્યકરોને ‘સંવાદ’ કાર્યક્રમ દ્વારા આશા બંધાવી હતી કે તેમના પ્રશ્નો ઉકેલાશે. પેરાશૂટ ઉમેદવાર ઊભા નહીં રખાય. પક્ષપલટુ ઉમેદવારોને ટિકિટ નહીં મળે તેમ પણ તેમણે કહ્યું હતું. જો કે, આ નીતિનો રાષ્ટ્રીય તો ઠીક પણ ગુજરાત કક્ષાએ પણ અમલ કરાયો નથી. રાહુલ ગાંધી પોતે કાર્યકરો માટે ઉપલબ્ધ નથી. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાનો પ્રશ્ન કેટલાય સમયથી લટકે છે. પક્ષ પ્રમુખનો પ્રશ્ન પણ બે વર્ષે જ ઉકેલાયો.
DG: મોવડીમંડળની અનિર્ણાયકતા લાંબી ચાલી એની ના નથી, પણ હવે સ્પષ્ટ નિર્ણય લેવાઈ ગયો છે. છેલ્લે દિપક બાબરિયાનું નામ પણ વહેતું કરીને ચકાસણી થઈ હતી. જગદીશ ઠાકોરની પસંદગીના સમાચાર પણ સત્તાવાર જાહેરાત પહેલાં વહેતા થયા હતા. એટલે પાણી પહેલાં પાળ બાંધવાનું કામ થયું હતું. મોવડીમંડળની મોટી મુશ્કેલી હવે મને લાગતી નથી. હવે પડકાર કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી સામે છે. નવા બંને નેતાઓ ઉપરાંત 25 વર્ષથી સત્તાથી દૂર રહેલા સિનિયર નેતાઓએ પણ પોતાની કરિયર સામેના પડકારો સમજવાના છે. કોંગ્રેસમાં કાર્યકરો માટે સર્વોચ્ચ નેતા ઉપલબ્ધ હોય એવું ક્યારેય બન્યું નથી. આમ તો કોઈ પક્ષમાં બનતું નથી.

JP: તો પણ જગદીશ ઠાકોરે પક્ષના માંધાતા નેતાઓને રાજી રાખવાની તકલીફ નડવાની છે. બીજી તરફ, યુવાન નેતા હાર્દિક પટેલ પણ પક્ષથી દુઃખી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જ તેમણે અનેક ઇન્ટરવ્યૂમાં બળાપો કાઢી કહ્યું હતું કે તેમને કાર્યકારી અધ્યક્ષ તો બનાવાયા પરંતુ તેમની પાસે કામ નથી લેવાઈ રહ્યું. તેમાંય છેલ્લે તેમને પ્રદેશ પ્રમુખ બનાવાય એવી શક્યતા પણ ઊભી થઈ હતી, જેની સામે પક્ષના નેતાઓએ વિરોધ કર્યો હોવાની ચર્ચા હતી. આ સંજોગોમાં હાર્દિક વધુ ઊછાળા મારે તેવી સંભાવના છે.
DG: મારી દૃષ્ટિએ ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચેની ખેંચતાણની ચર્ચા નિર્ણય લેવાતા પહેલાં જ દિલ્હીમાં થઈ ગઈ છે. એકથી વધુ વાર બેઠકો થઈ હતી. કોંગ્રેસને અત્યાર સુધી ટકાવી રાખનારા મતદારોને જાળવી રાખવાની કોશિશ મોટાભાગના નેતાઓએ સ્વીકારી લીધી છે. હવે અન્ય મતદારોને આકર્ષવા માટે પ્રદેશવાર અને જ્ઞાતિવાર બેલેન્સ કરવાનો પડકાર મુખ્ય છે. પક્ષના સિનિયર નેતાઓને તેમાં જોડીને આ કામ કરી શકાય છે. પ્રદેશપ્રમુખે ચૂંટણી લડવાની નથી એટલે સીએમના ચહેરાનો સવાલ ખુલ્લો છે. સિનિયર નેતાઓ પણ સમજતા હશે કે હવે સત્તા મેળવવી મુખ્ય છે, પક્ષમાં હોદ્દો મેળવવો નહીં. હાર્દિક પટેલથી કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થયો નથી. એટલે નુકસાન થવાની શક્યતા પણ નાબુદ થઈ જાય છે.

JP: તો પણ આ નેતાઓને સાચવવાની સાથે કાર્યકરોનું મનોબળ વધારવાનું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં જે થોડા-ઘણા સારા દેખાવ અને અહમદ પટેલના રાજ્યસભામાં તથાકથિત વિજયથી કાર્યકરોનું મનોબળ વધ્યું હતું તે 2018થી આવેલી પેટાચૂંટણી-લોકસભા ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીમાં સતત પરાજયથી તળિયે પહોંચ્યું છે. આ મનોબળ તળિયે પહોંચવાના કારણે જ કાર્યકરો કોંગ્રેસ છોડવા લાગ્યા છે. જગદીશ ઠાકોર જે દિવસે પદગ્રહણ કરવાના હતા તે જ દિવસે કોંગ્રેસના રાજ્યસભાના પૂર્વ સાંસદ સાગર રાયકા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને હવે માત્ર ભાજપ જ નહીં, આપ અને અસદુદ્દીન ઓવૈસીના પક્ષનો પણ પડકાર છે.
DG: આ પડકારો છે જ પણ મને લાગે છે કે અસલી પડકારો શું છે સમજવું એ વધારે મોટો પડકાર છે. પડકારો અને તેનો ક્રમ સમજી શકાય તો ઉકેલ થઈ શકે. મુખ્ય પડકાર ભાજપ સામે જીતવાનો કે વધુ નેતાઓ ગુમાવવાનો નથી. મુખ્ય પડકાર ત્રીજા પરિબળને કારણે ભાજપને થનારા ફાયદાનો છે. કોંગ્રેસે મૂળ વૉટબેન્ક સાચવી લીધી છે અને અન્ય સામાજિક જૂથોને આકર્ષવા માટે ઉપાયો કરે તે પછી મતોની ટકાવારી વધે તે પછીય બેઠકો વધશે કે કેમ તે સવાલ ઊભો રહેવાનો. આ ગણતરી આગોતરી કરવી મુશ્કેલ છે પણ અશક્ય નથી. ગાંધીનગરમાં બેઠકો ન મળી તે કરતાંય 47%માંથી મતોની ટકાવારી 28% થઈ ગઈ તેની ચિંતા કરવી પડે. ત્રીપાંખિયા જંગમાં ભાજપના મતો બે ટકા ઊલટાના વધી ગયા. આ બધા આંકડા યોગ્ય રીતે મંડાય તો તાળો નજીકનો આવી શકે છે.

JP: કાર્યકરોનું મનોબળ, પક્ષમાં તેમને ટકાવવા તે સાથે જનતામાં કોંગ્રેસ જેવી કોઈ ચીજ છે એ દેખાડવું પડશે. જનતા ઘણા સમયથી કોંગ્રેસ વિમુખ થઈ ગઈ છે. જનતાના પ્રશ્નો તો ઘણા છે પણ તેને તાર્કિક અંત સુધી લઈ જવાનું કામ જગદીશ ઠાકોર જો કરી બતાવશે તો લોકો ફરીથી કોંગ્રેસ તરફ વળી શકે. જો કે, જગદીશ ઠાકોરે આવતા વેંત ફટકાબાજી તો કરવા માંડી છે. પરંતુ તેમાં તેમની જીભ લપસી રહી છે. ફટકાબાજીમાં હિટ વિકેટ ન થઈ જવાય તેનું તેમણે ધ્યાન રાખવું પડશે.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ બંને વરિષ્ઠ પત્રકારો અને વિશ્લેષકો છે.)

અન્ય સમાચારો પણ છે...