મારી વાર્તા:‘આપણે જેને ગાંડી... ગાંડી... કહીએ છીએ, એ હકીકતમાં ગાંડી હતી જ નહીં, આપણા મહોલ્લાની સૌથી તેજસ્વી વિદ્યાર્થિની હતી!’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘મોસાળની હવેલીનો સોદો થઈ ગયો. હવે ત્યાં અત્યંત આધુનિક મૉલ બનશે.’ એવો મામાના દીકરા - મોટાભાઈનો ફોન ડૉ. ઝરણાંબેન પર આવ્યો. મોટાભાઈએ સાથે એમ પણ કહ્યું, ‘આ હવેલીમાં આપણે બધાં ભેગાં મળીએ અને છેલ્લી યાદો હૃદયમાં કંડારી લઈએ.’ ઝરણાંબેન આ વાત સાંભળી ખુશ થઈ ગયાં. એ મનોમન બોલ્યાં, ‘વડીલો તો કોઈ રહ્યાં નથી. ચાલો, વર્ષો પછી મસિયાઈ ભાઈ-બહેનો, ભાણેજો બધાં એક સાથે મળીશું. જલસા પડી જશે. બાળપણની યાદો તાજી કરીશું. યાદો તો ક્યાં, ક્યારેય ભૂંસાય જ છે?’ ત્યાં તો સામે ફોન પરથી ‘હલો... હલો’નો અવાજ આવ્યો.

મોટાભાઈએ પૂછ્યું, ‘ક્યાં ખોવાઇ ગઈ ઝરુ!’ ઝરણાંબેન જરા ગળું ખંખેરીને સ્વસ્થ થઈ બોલ્યાં, ‘હા, હા. મોટાભાઈ! હું તો ચોક્કસ જ આવીશ. તમે બાકીનાં બધાંને પણ કહી દો કે કોઈનું પણ બહાનું ચાલશે નહીં. બધાંએ ફરજીયાત આવવાનું જ છે. હું તો મારી ટિકિટ આજે જ બુક કરાવી લઈશ.’ કહી ઝરણાંબેને મોબાઈલ મૂક્યો.

ઝરણાંબેન પાંચ વર્ષની બાળકીને મામાના ઘરે જવાનો જેવો ઉત્સાહ અને થનગનાટ હોય એવી જ લાગણી પંચાવન વર્ષની ઉંમરે અનુભવી રહ્યાં. એ યાદોમાં ખોવાઈ ગયાં.

***

બે મામાનાં મળીને પાંચ ભાઈ-બહેન, માસીનાં ત્રણ અને પોતે ત્રણ ભાઈ-બહેનો. આમ, કુલ મળીને અગિયાર બાળકો ઉનાળુ વેકેશનમાં મામાનાં ઘરે ભેગાં થતાં હતાં. આખો દિવસ ઊછળકૂદ, ધાંધલ-ધમાલ ચાલતી. બપોરના સમયે ઘરનાં વડીલ સ્ત્રીવર્ગ આરામ કરતાં હોય ત્યારે છેક છેલ્લી મેડીએ બાળકો બેઠી રમતો રમતાં. છેલ્લી મેડી યાદ આવતાં પોતે ઊંડો શ્વાસ લીધો. છેલ્લી મેડીનાં પાછળનાં ભાગની અગાશીની વરણી ચડીને બાજુની હવેલીમાં ડોકિયાં કરતાં.

એકદમ શાંત, કોઈપણ જાતની હિલચાલ વગરની એ હવેલી હતી. ચાર માળની હવેલીમાં છેલ્લી મેડીએ ફક્ત બે બહેનો રહેતી હતી. અલકનંદામાસી અને સોહિણીમાસી. એમનાં મોટાબેન અલકનંદામાસી મગજનાં અસ્થિર હતાં. ગાભાનાં ચિંથરાંમાંથી બનાવેલ એક ઢીંગલું એમની પાસે રહેતું જેને એ પોતાનું બાળક સમજતાં. ગાભાનાં એ બાળકને દરરોજ નવડાવે, ખવડાવે, સૂવડાવે એમનું રોજનું કામ. બધાં ભાઈ બહેનો એમની રમતોમાં મશગુલ હોય અને મારું ચિત્ત બાજુની હવેલી તરફ જ ખેંચાયા કરતું. મને રમતમાં ઝાઝો રસ પડતો ન હતો. અમને બધાં ભાઈ બહેનોને એની પ્રવૃત્તિ જોવાનું કુતૂહલ તો રહેતું જ. અમે જેમ તેમ કરીને વરણી ચડતાં. જરા સરખો પણ અવાજ થાય તો અલકાનંદામાસી કકળાટ કરી મૂકતાં, આ પિટિયાઓ મારા મુન્નાને સૂવા નથી દેતાં અને પછી આખો દિવસ ખૂબ રડતાં. એમને સમજાવવા એમની નાની બહેન સોહિણીમાસી માટે મોટો પડકાર થઈ પડતો.

એક વખતી સોહિણીમાસીએ અમારા ઘરે ફરિયાદ કરી, ‘તમારાં પોયરાં બહુ હેરાન કરે છે. મારે અલકનંદાને સાચવવી અને સમજાવવી અઘરી થઈ જાય છે. ત્યારથી રોજ બપોરે અગાશીનાં લોખંડનાં જાળિયાને ઉપરથી મામી બંધ કરી દેતાં અને અમને આગ્રહપૂર્વક કહેલું, ‘એ ગાંડી છે એને હેરાન ન કરાય.’ પણ, તે દિવસથી અમારા બધાનું કુતૂહલ ઓર વધી ગયું. જાળિયાં પર ચડી મોટી દીદી અવાજ ન થાય એ રીતે ધીમેથી ઉપરથી ખોલતી અને અગાશીમાં એક પડતર પીપ પડ્યું હતું એનાં ઉપર અમે બધાં ભાઈ બહેનો વારાફરતી ચડી બાજુની હવેલીમાં પેલી ગાંડીને જોવા પ્રયત્ન કરતા. જો કોઈને દેખાઈ જાય તો જાણે એને ધ્રુવતારા દેખાયા જેટલો આનંદ થતો. ઉપર ચડેલાને પાછળથી બીજા ભાઈ-બહેનો ખેંચાખેંચ કરતાં ‘મારે જોવું છે’ની ચણભણ ધીમા અવાજે કરતાં.

એક દિવસ એ જૂનું પીપ તૂટી ગયું. અમે બધા જ ધડામ દઈને નીચે પડ્યાં. બધાને ઓછેવત્તે અંશે વાગ્યું. મને કોણીમાં ઘસરકો પડ્યો. મેં મોટેથી ભેંકડો તાણ્યો. નીચે ઘરમાં વડીલો સુધી વાત પહોંચી ગઈ. તે દિવસે મામીનો પારો છટક્યો, ‘આ પોયરાં કેમ કંઈ સમજતા જ નથી? હવે અલકનંદા સોહિણીનો જીવ લઈ લેશે.’ મારી મમ્મી અને માસીએ અમને બધાને તે દિવસે બહુ ધમકાવ્યાં હતાં. તે દિવસે બપોરે બધાં બાળકોને કોહલાજીનું દૂધ કોલ્ડ્રિંક્સ પીવડાવવાનો પ્લાન હતો એ પણ કેન્સલ કર્યો. અમારાં બધાનાં મોં પડી ગયાં હતાં. સૌથી મોટાં દીદી બોલ્યાં, ‘એવું તે અમે શું કરી નાંખ્યું કે આટલી મોટી પનિશમેન્ટ?’ મોટાં માસીએ બધાને ગોળ કુંડાળું કરી બેસાડ્યાં અને વાત માંડી.

માસી બોલ્યાં, ‘આપણે જેને ગાંડી... ગાંડી... કહીએ છીએ. એ હકીકતમાં ગાંડી ન હતી. આપણા મહોલ્લાની સૌથી તેજસ્વી વિદ્યાર્થિની હતી. એસ.એસ.સી.બોર્ડની પરીક્ષામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી હતી. બે વર્ષ કોલેજ પણ ગઈ હતી. ખૂબ સુંદર, સુશીલ, સંસ્કારી અને વળી હોશિયાર એટલે એનાં લગ્નનાં માગાં પણ ખૂબ આવતાં. પ્રતિષ્ઠિત ઘરે એનાં લગ્ન થયાં. એ સુખી હતી.

બીજા વર્ષે સુવાવડ કરવા અહીં પિયર આવી. મૃત બાળક જન્મ્યું અને એના દિવસો ફેરવાઇ ગયા. એની જિંદગીમાં હંમેશ માટે અમાસનું અંધારું છવાઇ ગયું. મૃત બાળક જન્મ્યું હોવાને કારણે એનાં સાસરેથી કોઈ એને મળવા પણ ન આવ્યાં કે એનો વર પણ એને તેડવા ન આવ્યો. એક તરફ બાળક ગુમાવ્યાનું દુ:ખ અને ઉપરથી પતિથી તરછાડાયેલાં હોવાના કારણે એ માનસિક સંતુલન ગુમાવી બેઠી. તે દિ' ને આજનો દા'ડો એની પરિસ્થિતિ ન જ સુધરી. ગાભામાંથી બાળકનું બાવલું બનાવી એ માતૃત્વને માણ્યાં કરે. લાડલી દીકરીની આવી હાલત ન જીરવાતાં એનાં માબાપ પણ અકાળે છ-છ મહિનાનાં અંતરે પરલોક સીધાવ્યાં.

અલકનંદાની ધમાલ દિવસે ને દિવસે વધતી જતી હતી. ભાઈ-ભાભી કંટાળી બીજે ઠેકાણે રહેવા જતાં રહ્યાં અને છેવટે નાની બહેન સોહિણી પર બધી જવાબદારી આવી પડી.

મોટી બહેનની સુશ્રુષા માટે નાની બહેન એટલે સોહિણીએ આજીવન લગ્ન ન કર્યાં. બાપડીએ બહુ સાચવી છે મોટી બહેનને. અરે! ઘણીવાર અલકનંદા એવો ઉપાડો લે કે મુન્નાને સ્કુલે મૂકવા જા. સોહિણી બહુ સમજાવવા પ્રયત્ન કરે પણ અલકનંદા એની આભાસી દુનિયામાંથી બહાર જ ન નીકળે. નાછૂટકે સોહિણી ગાભાનું બાવલું લઈ નીકળી પડે, સ્કૂલે જવા. સોહિણી બિચારીએ બહુ સહન કર્યું છે. બાળકો, હવે તમે જ કહો કોઈની આવી દયનીય સ્થિતિમાં આપણે એમને હેરાન કરીએ એ કેટલું યોગ્ય?’

અમે બધાં ભાઈ-બહેન અવાક થઈ ગયાં. એકીટશે માસીને સાંભળતાં રહ્યાં. મમ્મી બોલ્યાં, ‘જેવી રીતે તમે તમારી મમ્મી વિના થોડા દિવસ પણ નથી રહી શકતાં એવી જ રીતે કોઈપણ મમ્મી એનાં સંતાનનો ઝૂરાપો નથી સહી શકતી.’ તે દિવસથી અમે એ વરણી ચડવાનું ભૂલી ગયાં. તે સમયે હું માંડ આઠેક વર્ષની હોઈશ, પણ મારાં માનસપટ પર અલકનંદામાસીની ઊંડી છાપ પડી હતી.

***

અચાનક ફોનની ઘંટડી વાગી. ઝરણાંબેન વિચારોની તંદ્રામાંથી સફાળા જાગી ગયા. એમની હોસ્પિટલમાંથી નર્સનો ફોન હતો. નર્સે કહ્યું, ‘મેડમ! જલ્દી આવો. રૂમ નં. 5વાળું પેશન્ટ, જેની ગઇકાલે કસુવાવડ થઈ હતી એ પેશન્ટ આખા વોર્ડમાં ધમાલ કરે છે. ડૉ. ઝરણાંબેન તાત્કાલિક હોસ્પિટલ ગયાં. એ પેશન્ટની પરિસ્થિતિ સમજી ગયાં. એમણે પેશન્ટને ‘પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર’ની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી.

થોડા દિવસમાં પેશન્ટ એકદમ શારીરિક અને માનસિક રીતે સાજું થઈ ગયું. એક દિવસ એ પેશન્ટના પતિ મિ. સાગર દેસાઇ ડૉક્ટરને પેંડાનું બોક્સ લઇને મળવા આવ્યા. ડૉ. ઝરણાંબેનનો હૃદયપૂર્વક આભાર માની કહ્યું, ‘મારી વાઈફની સમયસર તમે ટ્રીટમેન્ટ શરૂ કરી. જેથી આજે મારો સંસાર બચી ગયો. અમારાં સંસારમાં ખુશીની લહેર તમારાં કારણે જ આવી છે.’

ડૉ. ઝરણાંબેનની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એમને એમનાં મોસાળની બાજુવાળી હવેલી, હવેલીની વરણી અને એમાં પીડાતાં અલકનંદામાસી અને સોહિણીમાસી યાદ આવી ગયાં. એ ઊંડા અફસોસ સાથે વિચારવા માંડ્યાં, ‘કાશ! એ વખતે પણ મેડિકલની આટલી સુવિધા, આટલી જાગૃતિ હોત! કાશ, અલકનંદા માસીનો પતિ પણ મિ. સાગર દેસાઇ જેવો સંવેદનશીલ હોત તો એકસાથે બબ્બે જીવન ન રોળાયાં હોત!’

સ્ત્રીત્વને સમજવાં, સ્ત્રીનાં હોર્મોન્સ અને સંવેદનાને સમજવાં, સમાજમાં જાગૃતિ લાવવા માટે એ દિવસે જ અને તે જ ક્ષણે પોતાની કન્સલ્ટિંગ ચેર પર બેઠાં બેઠાં ડો.ઝંખનાબેને પ્રતિજ્ઞા લીધી. મોટાભાઈને ફોન કર્યો અને કહ્યું, આપણી હવેલીનો સોદો રદ કરો. હું એની જે કિંમત હશે એ ચૂકવી દઈશ. મારે અલકનંદામાસીની યાદમાં પી.ટી.એસ.ડી.-'પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડિસઓર્ડર' સેન્ટર ખોલવું છે.

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)

અન્ય સમાચારો પણ છે...