તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇટ્સ કોમ્પ્લિકેટેડ:કોઈ આપણને સમજી શકે નહીં ત્યારે શું કરવું? માલિનીની મૂંઝવણ કેવી રીતે દૂર થઈ?

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોઈ આપણને ખોટા સમજે ત્યારે દુઃખ થાય છે.

કોઈ આપણને સમજે નહીં ત્યારે તો ભારે વેદના થાય છે.

આપણે જેને ચાહતાં જોઈએ તે જો આપણને સમજી ના શકે ત્યારે તો રીતસરની પીડા જ થાય.

માલિની અત્યારે એ જ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તે માલવ સાથે ચાર વર્ષથી રિલેશનશિપમાં હતી. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. બંનેને એકબીજા વિના ગમતું નહીં અને એકબીજા વિના ચાલતું પણ નહીં. ચાર વર્ષમાં તો બંનેને એકબીજાની ટેવ પડી ગઈ હતી. બંનેના વિચારો કોમન હતા. બંનેના શોખ સરખા હતા.

બંને એકબીજાને ખૂબ ગમતાં હતાં.

એક વખત એવું કંઈક બન્યું કે માલવે માલિની પર નાની બાબતમાં ગુસ્સો કર્યો.

માલિનીને સખત ખોટું લાગ્યું. તે ઘરે જઈને ખૂબ રડી. આખી રાત તેને ઊંઘ પણ ના આવી. આખું ઓશીકું ભીનું થઈ ગયું.

તેનું હૃદય ઘવાયું હતું. તેને બરાબર હર્ટ થયું હતું. તેને થયું કે આવા પ્રેમનો શો અર્થ? સામેની વ્યક્તિ જો આપણને સમજી ના શકે તો પ્રેમ કરવાનો કોઈ મતલબ જ નથી.

તેણે માલવ સાથેની રિલેશનશિપમાંથી પાછા હટી જવાનો નિર્ણય કરી લીધો. તેણે એ મતલબનો મેસેજ પણ માલવને કરી દીધો.

બીજી બાજુ માલવ સતત મેસેજ કરીને માલિનીની માફી માગતો રહ્યો. તે વારંવાર આઈ લવ યુના મેસેજ પણ કરતો હતો.

માલિની વિચારતી હતી કે ભૂતકાળમાં પણ માલવે ગુસ્સો કર્યો હતો, માફી માગી હતી, પણ છેવટે તે માલિનીની લાગણી સમજી શકતો નહોતો. માલિનીને માઠું લાગે તેવું વર્તન તે અવારનવાર કરતો હતો.

આ‌‌વા વર્તનને કારણે માલિનીને લાગ્યું કે, માલવ મને ચાહે છે ખરો, પરંતુ સમજી શકતો નથી.

ચાહવું અને સમજવું.

આ બંને એક જ પ્રદેશ હોય છે કે જુદા જુદા?

માલિની વિચારતી રહી.

તેનું માનવું હતું કે આપણે જે વ્યક્તિને ચાહતા હોઈએ તે વ્યક્તિને સમજતા પણ હોઈએ જ. ચાહત અને સમજણનો પ્રદેશ એક જ હોવો જોઈએ. જેને સમજી ન શકીએ તેને ચાહી કેવી રીતે શકાય? આવું તે માનતી હતી.

માલિની અને માલવના વિચારો અનેક બાબતોમાં જુદા હતા. વિચારો જુદા હોવા એ નવી કે નવાઈની વાત નથી. એ કુદરતી છે. ભગવાને સ્ત્રી અને પુરુષને જુદાં જુદાં ઘડ્યાં છે. એ માત્ર શરીર રચનાની રીતે જ નહીં, પરંતુ માનસિક સ્તરે પણ. સ્ત્રી જુદી રીતે વિચારે અને પુરુષ અલગ રીતે વિચારે.

એવું કહેવાય છે કે, સ્ત્રી લાગણીના સ્તરે વધારે વિચારતી હોય છે. લાગણી, પ્રેમ, સંવેદના, મમતા, વાત્સલ્ય, કરુણા આ બધું સ્ત્રીના ભાવજગતને સમૃદ્ધ કરતું હોય છે. તેની સરખામણીમાં પુરુષ બુદ્ધિનો વધારે પ્રયોગ અને ઉપયોગ કરતો હોય છે.

સ્ત્રી પાસે વધારે શ્રદ્ધા હોય છે, પુરુષ પાસે વધારે બુદ્ધિ હોય છે.

સ્ત્રી પાસે પ્રેમ હોય છે, પુરુષ પાસે તર્ક હોય છે.

સ્ત્રી પાસે સંવેદના અને કરુણા હોય છે, પુરુષ પાસે એ હોય છે ચોક્કસ, પરંતુ તે વાસ્તવિકતાની એરણ પર જીવન જીવતો હોય છે.

માલિની જેવો અનુભવ અનેક યુવતીઓને થતો હોય છે. યુવતીઓને થતું હોય છે કે સામેનું પાત્ર પોતાને સમજી શકતું નથી. ખરેખર તો સામેનું પાત્ર સમજી જ શકતું હોય છે, પરંતુ યુવતીઓને એવું થતું હોય છે કે સામેનું પાત્ર પોતાને પોતાની રીતે સમજે.

જેમ પ્રીતની જુદી જુદી રીત હોય છે એમ રીતની પણ જુદી જુદી પ્રીત હોય છે.

છોકરીઓને એવું થતું હોય કે છોકરાઓ હું જેવી રીતે સમજવા માગું છું એવી રીતે જ મને સમજે. અહીં જ પ્રશ્નો ઊભા થતા હોય છે. અહીં જ વિવાદ સર્જાતો હોય છે.

ચાહતનો પ્રદેશ લીલોછમ હોય છે. રળિયામણો હોય છે. પ્રેમથી છલકાતો હોય છે. ખરેખર તો આ પ્રદેશમાં પ્રશ્નો જ ન થવા જોઈએ. જ્યાં પ્રશ્નો થાય ત્યાં વિવાદ થાય.

પ્રેમમાં પ્રશ્નોને સ્થાન નથી એવું નથી. એવું શક્ય જ નથી. પ્રેમમાં પડેલી બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય, વિચારભેદ થાય એવું બને જ. એવું બનવું પણ જોઈએ. જો એવું ન બને તો ચિંતા થવી જોઈએ. સ્ત્રી અને પુરુષ એકબીજા માટે સર્જાયાં છે, પરંતુ તેઓ એકબીજાનાં સ્પર્ધક નથી. તેઓ એકબીજાનાં માલિક પણ નથી.

ખરેખર તો એવું છે કે તેઓ એકબીજાનાં પૂરક છે. વિનોબા ભાવે કહેતા કે, સ્ત્રી અને પુરુષે પરસ્પર વધારે નિકટ આવવા માટે એકબીજાના ગુણો આત્મસાત્ કરવા જોઈએ. પુરુષે સ્ત્રી બનવાનો અને સ્ત્રીએ પુરુષ બનવાનો પ્રયાસ કરવો જોઈએ.

પુરુષમાં જે સારા ગુણો છે તે સ્ત્રીએ પોતાનામાં સ્થાપિત કરવા મથવું જોઈએ અને સ્ત્રીમાં જે અનેક સારી બાબતો છે તે પુરુષવર્ગે પોતાનામાં ભરવા પ્રયાસ કરવો જોઈએ.

આમાં સારા ગુણો અને સારી બાબતો પર ભાર મુકાવો જોઈએ.

જ્યારે આવું થાય ત્યારે મોટાભાગની ગૂંચવણો, મોટા ભાગનાં કોમ્પ્લિકેશન્સ દૂર થાય છે.

સ્ત્રી મોટાભાગે પ્રેમ અને લાગણીની ભૂખી હોય છે. તેને ઝંખના હોય છે સાચા પ્રેમની. તેનું મનોવિશ્વ ભાવનાથી છલકાતું હોય છે. તેનું હૃદય પ્રેમથી છલોછલ હોય છે તેથી તેને સતત એવું થાય છે કે તેને કોઈ પ્રેમ કરે. કોઈ તેની ભાવનાઓને સમજે.

સાધનો, સુવિધાઓ, સગવડો, ચીજવસ્તુઓ આ બધાં કરતાં પણ વધારે સ્ત્રીને સાચા પ્રેમની જરુરિયાત હોય છે.

એવું પણ છે કે સ્ત્રીને સદીઓથી અવગણવામાં આવી છે. એક યા બીજા કારણોસર તેની ઉપેક્ષા કરવામાં આવી છે. તેના મતને ક્યારેય મહત્ત્વ આપવામાં આવ્યું નથી. તેને ઘર સોંપી દેવામાં આવ્યું છે. તેને ચાર દીવાલોની વચ્ચે રાખવામાં આવી છે. દીવાલને ભીંત બનાવીને તે ક્યારેય તેના પર પોતાના મનગમતાં ચિત્રો બનાવી શકે તેવું વાતાવરણ આપવામાં નથી આવ્યું. આ બધું સદીઓ સુધી ચાલ્યું તેને કારણે સ્ત્રીની માનસિકતા વધારે બંધિયાર થઈ ગઈ.

ખરેખર તો તેને ચાહતની જ અપેક્ષા હોય છે.

માલિની પણ એવું જ વિચારતી હતી કે તેને સાચા હૃદયથી પ્રેમ કરવામાં આવે. સમજવામાં બુદ્ધિ આવે છે, ચાહવામાં પ્રેમની જરુર પડે છે. તેથી જ ઘણા લોકો કહે છે કે, સ્ત્રીને ક્યારેય સમજવાનો પ્રયાસ કરવો નહીં. સ્ત્રીને ક્યારેય કોઈ સમજી શકતું નથી. માત્ર તેને ચાહવાની હોય છે.

આ અર્ધસત્ય છે. સ્ત્રી સમજી શકાતી નથી એ એક પ્રકારની છટકબારી છે. એ એક પ્રકારની પલાયનવૃત્તિ પણ છે. સ્ત્રી સમજી શકાય, પરંતુ ચાહીને સમજી શકાય. તમે ચાહતને દૂર રાખીને ક્યારેય સ્ત્રીને ન સમજી શકો. સ્ત્રી બની છે જ પ્રેમથી. તમે પ્રેમને ન સમજો તો સ્ત્રીને ન સમજી શકો. તમે લાગણીને ના જાણી શકો તો સ્ત્રીને ના પ્રમાણી શકો. તમે સંવેદના અને કરુણાને ના સમજી શકો તો સ્ત્રીને કદી પણ પામી ના શકો. આ વસ્તુ સમજવા જેવી છે. આ વસ્તુ સમજો તો જ સ્ત્રી સમજી શકાય.

પુરુષો લાંબા અનુભવ પછી આ બધું સમજી શકતા હોય છે. એ સમજી જાય છે પછી મૂંઝવણો ઘટતી જાય છે. એ સમજી જાય છે પછી ગૂંચવણો એટલે કે કોમ્પ્લિકેશન્સ ઓછાં થતાં જાય છે.

માલવ, માલિનીને સાચા દિલથી ચાહતો હતો. તેથી તેણે પ્રેમનો રસ્તો પસંદ કરીને સતત સંવાદ ચાલુ રાખ્યો. પ્રેમના પ્રદેશમાં સંવાદ કદી અટકવો ન જોઈએ. જો સંવાદનું નેટવર્ક ખોટવાયું કે જતું રહ્યું તો તમારું આવી બન્યું. પ્રેમમાં સંવાદ સતત ચાલુ રહેવો જોઈએ.

માલવે સતત માલિનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ સમજાવવાના પ્રયાસો કરતાં કરતાં તે માલિનીને સમજી શક્યો. સાચી ચાહતે મોટું કામ કર્યું.

જ્યાં સાચી ચાહત હોય છે ત્યાં પ્રશ્નો જરુર થતા હોય છે, પરંતુ સરવાળે પ્રેમ જ જીતતો હોય છે.

પ્રેમમાં પ્રશ્નો થાય તો ક્યારેય ગભરાવું નહીં. ક્યારેય રિલેશનશિપ તાત્કાલિક છોડી દેવાનો વિચાર કરવો નહીં. સાચા પ્રેમમાં પ્રશ્નો થતા જ હોય છે. એ પ્રશ્નોમાંથી પસાર થયા પછી જ એક એવા રળિયામણા પ્રદેશમાં પહોંચાય છે જ્યાં બંને પાત્રો સાચા આનંદ સાથે જીવન જીવી શકે છે.

સ્ત્રી હોય કે પુરુષ, ચાહવું અને સમજવું એ સમીકરણમાં હંમેશાં ચાહવાને જ પ્રાથમિકતા આપવામાં શાણપણ છે.

હવે માલિની અને માલવ એકબીજાને ચાહે છે અને સમજે પણ છે.

positivemedia2015@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો