What To Do To Keep The Relationship Vibrant, Green And Alive? Here Are Some Practical Tips ...
ઇટ્સ કોમ્પ્લિકેટેડ:સંબંધોને ધબકતા, લીલાછમ અને જીવંત રાખવા શું કરવું? આ રહી કેટલીક પ્રેક્ટિકલ ટિપ્સ...
3 મહિનો પહેલા
કૉપી લિંક
અમદાવાદની આ સત્ય ઘટના છે. એક યુવકનાં લગ્ન થયાં. જ્ઞાતિ એવી કે માનમર્યાદા રાખવી પડે. નવવધૂને તેમની જ્ઞાતિનાં પરંપરાગત કપડાં જ પહેરવાનાં હોય. હા, ડ્રેસ પહેરે તો ચાલે. એટલી છૂટ પણ વધૂને એ કપડાં પહેરવા સામે કોઈ જ વાંધો નહોતો, પણ એમને ક્યારેક-ક્યારેક મોડર્ન કપડાં પહેરવાનું મન થતું. યુવક આ વાત પામી ગયો.
તેની જીવનસાથીના વગર બોલ્યે અને પોતાના વગર સાંભળ્યે તેને ખબર પડી ગઈ કે મારી પત્નીને મોડર્ન કપડાં પહેરવાનું મન થાય છે. સાચા અને પાકા સંબંધનો આ સૌથી મોટો માપદંડ છે કે સામેનું પાત્ર બોલે નહીં તો પણ તમને ખબર પડી જાય. સંબંધની પાકટતાને મૌન સાથે સીધો સંબંધ છે. તમે જોજો જેમનું દાંપત્ય 50 વર્ષનું હોય છે એવાં ઘણાં પતિ-પત્ની બોલ્યા વિના જ સંવાદ સાધી લેતાં હોય છે. સતત સાયુજ્યને કારણે જે-જે લોકો એકબીજાનાં હૃદય સુધી પહોંચી શકે છે તેમને બોલવાની ઓછી જરૂર પડે છે. જેમ પ્રેમમાં ભાષા ઘણીવાર ગૌણ બની જાય છે, બિલકુલ એ જ રીતે સંબંધમાં પણ શબ્દો વામણા પૂરવાર થતા હોય છે.
એ યુવકે પોતાની પત્નીને કહ્યું કે તારે મોડર્ન કપડાંનો શોખ પૂરો કરવો છે કે કાયમી એવાં કપડાં પહેરવાં છે. ઓછું ભણેલી પણ ખૂબ ગણેલી, સંસ્કારી અને ડાહી એ યુવતીએ કહ્યું કે તમે એકના એક દીકરા છો. મને બધાની સાથે રહેવાનું ખૂબ ગમે છે. મારે બિલકુલ જુદા નથી થવું. ભેગા રહેવાના ફાયદા ઘણા છે. પણ હા, હું દંભ નહીં કરું, મને ઘણીવાર નવી સ્ટાઈલનાં કપડાં પહેરીને રેસ્ટોરાંમાં જવાનું મન થાય છે.
એ યુવકે પોતાના મિત્રની હોટલનો રૂમ ભાડે રાખ્યો. બન્ને જણાં એ રૂમમાં ગયાં જ્યાં યુવતીએ કપડાં બદલ્યાં. એ પછી તેઓ કારમાં (યુવકને પોતાની ટેક્સી છે, તે ભાડે ફેરવે છે.) એક રેસ્ટોરાંમાં ગયાં. એ પછી પાછાં રૂમ પર જઈને યુવતીએ કપડાં બદલ્યાં અને ઘરે આવ્યાં. યુવતીનો શોખ પૂરો થયો. તેણે કહ્યું, ઠીક છે મારા ભાઈ. આ કંઈ કાયમી અનુભવવા જેવી જરૂરિયાત નથી.
એ યુવક કહે છે દેખાદેખીમાં મારી પત્નીને આવું મન થયું હતું તો મેં તેનો શોખ પૂરો કર્યો. હું તો ખુલ્લા મનનો છું. એને કહું છું કે જો તારે રોજ આવાં કપડાં પહેરવાં હોય તો મને કોઈ વાંધો નથી. હું મારાં મમ્મી-પપ્પાને સમજાવું. એ લોકો તૈયાર થઈ જશે. એ યુવતી કહે કે એવી કોઈ જરૂર નથી. કપડાં પહેરવાથી મોડર્ન થવાય છે એવું હું માનતી નથી. યુવક પણ એમ જ માને છે કે મોડર્ન તો વિચારોથી જ થવાય.
સંબંધો બે સ્તરે જીવાતા હોય છે. એક સહજ સંબંધો. ઝરણાંની જેમ વહેતા સંબંધો. બીજા આયાસપૂર્વક રખાતા સંબંધો, જે બંધિયાર ખાબોચિયાં જેવા બની જતા હોય છે. બીજા પ્રકારના સંબંધોને સતત સાચવવા પડતા હોય છે. દરરોજ સવાર પડે ને તેને ખાતર પાણી આપવાં જ પડે. જેને સતત સાચવવા પડે એવા સંબંધો ભારરૂપ બની જતા હોય છે.
સહજ સંબંધો કાયમ માટે સહજ જ રહે તે જરૂરી છે. સંબંધો સતત તાજા અને મહેકતા રહે તે માટે સભાન તો રહેવું જ પડે છે. હા, તેમાં આયાસ કે પ્રયાસ ન હોય પણ તેમાં પ્રેમભરેલી ચેષ્ટા તો જરૂર રાખવી જ પડે છે. સૌથી મહત્ત્વનો મુદો એ છે કે સંબંધોને સતત જીવતા રાખવા શું-શું કરવું જોઈએ?
તો, જોઈએ...
બને એટલા નિખાલસ રહોઃ સંબંધોમાં નિખાલસ રહેવું એ ઘણીવાર તલવારની ધાર પર ચાલવા જેવું વિકટ કામ હોય છે. આવું કરવા જતાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય છે. સંપૂર્ણ નિખાલસ થઈને સંબંધો રાખવાનું તો કોઈ નવલકથા કે ફિલ્મમાં જ હોઈ શકે. આમ છતાં બને એટલા નિખાલસ રહેવાનો પ્રયાસ સંબંધોને તાજગી આપે છે.
બેલેન્સ કરવુંઃ જીવન કંઈ સીધું-સપાટ હોતું નથી. દિવસ ઊગે સંબંધોમાં કોઈ નવી વાત ઉમેરાતી હોય છે. વળી, સંબંધો કંઈ એક જ પ્રકારના હોતા નથી. માણસ અનેક સંબંધોથી સતત ઘેરાયેલો રહે છે. સંબંધોનાં લટિયાં-જટિયાં એકબીજા સાથે ગૂંચવાઈ ન જાય તેનું સતત ધ્યાન રાખવું પડે છે. એવા વખતે ચોક્કસ સમજણ હોય તો વાંધો ના આવે. એક મોટા ગજાના સાહિત્યકાર-ચિંતકે લગ્ન પછી એવું નક્કી કરેલું કે પોતાનાં માતા અને પત્નીની બાબતમાં સ્પષ્ટ જ રહેવું. ક્યારેય કોઈનો પક્ષ ન ખેંચવો. સ્પષ્ટ જ રહેવું. જેની ભૂલ હોય તેને કહેવું જ. દંભ નહીં જ કરવાનો. એને કારણે એમના ઘરમાં ભાગ્યે જ પ્રશ્નો ઊભા થતા હતા.
ધારણાઓ ના બાંધવીઃ સંબંધોને સૌથી વધુ દૂષિત કરે છે ધારણાઓ. સામેના પાત્રએ તો આમ જ વિચાર્યું હશે અથવા તો સામેનું પાત્ર તો આવું જ કરશે. ધારણાઓ એ ખરેખર તો આપણા મનની પેદાશ હોય છે. સામેવાળાને બદલે આપણે ધારણાઓ બાંધીને કોઈ સાથેના આપણા સંબંધને દૂષિત કરીએ છીએ. આવી ભૂલ લગભગ બધા જ લોકો કરતા હોય છે. જો સંબંધોમાંથી લોકો ધારણાઓ અને માન્યતાઓની બાદબાકી કરી નાખે તો સંબંધોમાં પ્રેમ અને પ્રસનન્નતાનો સતત ગુણાકાર જ થયા કરે.
જીવવું એટલે જ સંબંધમાં હોવુંઃ કૃષ્ણમૂર્તિ કહે છે કે જો સંબંધ નથી તો જીવન પણ નથી. સમય પાસ કરવો અને જીવવું એ બંનેમાં ખાસો ફરક છે. જો તમે સંબંધોને ગંભીરતાથી લઈને તેને નિભાવશો તો તે વાસી નહીં થાય, સતત સુવાસિત જ રહેશે. દરેક સંબંધની ગંભીરતા સમજવી જોઈએ અને ભૂલેચૂકે કે જાણે-અજાણે એ ગંભીરતાને લસરકો ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
જતું કરવું, ભૂલી જવું. હસી કાઢવુંઃ જેને આ ત્રણ બાબતો આવડી જાય એના સંબંધોને ક્યારેય કોઈની નજર લાગતી નથી. જતું કરવું અઘરું હોય છે પણ જો તમને એકવાર જતું કરવાનું આવડી જાય તો વાંધો આવતો નથી. જતું કરવા માટે મોટું મન જોઈએ. જેનું મન મોટું હોય તેના મનમાં અનેક સંબંધો હળીમળીને રહી શકતા હોય છે. નાનકડું, ગોખલા જેવડું મન હોય તેમાં સમાઈ-સમાઈને કેટલા સંબંધો સમાય? વળી, જેટલા સમાય તેટલા સતત એકબીજા સાથે ઘર્ષણમાં આવે.
મધ્યમ માર્ગી બનવુંઃ ઘણા લોકો છેડા પર જ જીવન જીવતા હોય છે. ક્યાં આ છેડો ક્યાં પેલો છેડો. એ લોકો વચ્ચે રહી શકતા જ નથી. માણસે મધ્યમમાર્ગી બનીને સંબંધોની એરરને દૂર રાખવી જોઈએ. ઘણીવાર નાની-નાની બાબતો, જેનું સહેજે મહત્ત્વ ના હોય એવી બાબતોથી મોટા પ્રશ્નો ઊભા થતા હોય છે. એ વખતે ચપટીક સમજણ રાખીને જો પરિસ્થિતિ સાચવી લેવામાં આવે તો સંબંધોનું વિશ્વ ડહોળાય નહીં.
સંબંધના સ્તંભઃ કોઈપણ સંબંધ બે અડીખમ સ્તંભ પર ઊભો હોય છે. એક પ્રેમ અને બીજો સમય. તમે જેની સાથે સંબંધ ધરાવો છો તેને પૂરતો સમય આપો. હા, પ્રેમનો દેખાડો ના કરો. સાચો પ્રેમ અને દેખાડાનો પ્રેમ જુદાં-જુદાં હોય છે. દેખાડાવાળો પ્રેમ આજે નહીં તો કાલે બહાર આવી જતો હોય છે. સોનું એ સોનું હોય છે અને પિત્તળ એ પિત્તળ. પ્રેમ કરો તો સાચો જ કરો. દેખાડાવાળા પ્રેમ કરતાં પ્રેમ ના કરવો સારો.
સંબંધ જીવંત રાખોઃ છેલ્લે એક મહત્ત્વની વાત. જો સંબંધો લાઈવ રાખવા હોય, જીવંત રાખવા હોય તો મોબાઈલ ફોન, લેપટોપ પરની તમારી ઓનલાઈન જીવવંતા ઓછી કરો. સોશિયલ મીડિયા પર તમારી સક્રિયતા ઘટાડશો કે આપોઆપ અસલ સમાજ સાથેની તમારી સક્રિયતાનું નેટવર્ક પકડાઈ જશે.
જતી વેળાનું સ્મિતઃ સંબંધો શબ્દમાંથી ઘણા સમ્ શબ્દ પકડીને સંબંધોને મહેકાવે છે, તો ઘણા બંધ શબ્દનું પૂછડું પકડીને સંબંધો બહેકાવે છે.
જેવો જેનો અભિગમ, એવું એનું જીવન. positivemedia2015@gmail.com (લેખક વરિષ્ઠ પત્રકાર, કટારલેખક અને ‘RAA પોઝિટિવ મીડિયા’ના સ્થાપક છે)