મનન કી બાત:પરીક્ષાની ચિંતા વિશે શું કરવું? મનોવિજ્ઞાનના બે ટર્મ ‘યુસ્ટ્રેસ’ અને ‘ડિસ્ટ્રેસ’ વિશે જાણી લો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પરીક્ષાની ચિંતા અથવા કોઈ મોટા ઇન્ટરવ્યૂની ચિંતા દુનિયાના દરેક વ્યક્તિને અમુક અંશ સુધી હેરાન કરે છે. જે લોકો એવું માનતા હોય છે કે અમુક લોકોને પરીક્ષાની ચિંતા નથી રહેતી અથવા કોઈપણ ઇન્ટરવ્યૂમાં એ ખૂબ જ કોન્ફિડન્ટ અને શાંત હોય છે, તો હું તમને કહી દઉં કે આ એક માન્યતા છે.

દુનિયાના દરેક વ્યક્તિને કોઈપણ મોટી પરીક્ષા અથવા કોઈ પણ મોટા ઇન્ટરવ્યૂ પહેલાં ચિંતા રહેતી જ હોય છે, દરેક વ્યક્તિ નર્વસ થતી જ હોય છે. તમારે બે ફૂટની પહોળાઈમાં સીધી લીટીમાં ચાલવાનું હોય તો તમે કશું વિચાર્યા વિના આરામથી ચાલી શકશો. પરંતુ હું તમને એવું કહું કે એ જ બે ફૂટની પહોળાઈ 10 ફૂટ ઊંચી દીવાલ ઉપર તમારે ચાલવાનું છે તો તમને થોડી ચિંતા થશે. પછી હું એવું કહું કે એ જ બે ફૂટની પહોળાઈ તમારે 10,000 ફૂટની દીવાલ ઉપર ચાલવાનું છે તો તમને ચોક્કસ વધારે ચિંતા થશે. કોઈપણ વ્યક્તિ જ્યારે એ જાણે છે કે આ પરીક્ષા અથવા આ ઇન્ટરવ્યૂ ઉપર એનું આગળનું કરિયર ડિપેન્ડ કરે છે, તો ખૂબ જ સ્વાભાવિક વાત છે કે ચિંતા થવાની.

મનોવિજ્ઞાનમાં બે ટર્મ ‘યુસ્ટ્રેસ’ (Eustress) અને ‘ડિસ્ટ્રેસ’ (Distress) હોય છે. ડિસ્ટ્રેસ એટલે જ્યારે આપણને થતી ચિંતાને કારણે આપણું પરફોર્મન્સ સામાન્ય કરતા બગડી જતું હોય છે. કહેવાનો મતલબ કે જો તમે શાંતિથી પ્રેક્ટિસ કરતા હો ત્યારે સો ટકાએ હો પરંતુ, ડિસ્ટન્સના કારણે અથવા પરીક્ષાની ચિંતાના કારણે તમારું પર્ફોર્મન્સ માત્ર 60 કે 70% જ થાય, તો એને ડિસ્ટ્રેસ કહેવાય.

પરંતુ એની જ સામે યુસ્ટ્રેસ પણ હોય છે. તમે જાણો જ છો કે આપણે સામાન્ય રીતે દોડી શકીએ એના કરતાં આપણી પાછળ કૂતરું ભાગતું હોય તો ખૂબ વધારે ઝડપથી દોડી શકતાં હોઈએ છીએ. એ જ રીતે જો પરીક્ષા ના હોય તો આપણે ખૂબ ઓછું વાંચન કરી શકીએ, પરંતુ પરીક્ષાના ડરથી અથવા સ્ટ્રેસથી આપણે ઘણું વધારે વાંચતા હોઈએ છીએ. એટલે સ્ટ્રેસ આપણાં પર્ફોર્મન્સ અને આપણી મહેનત બંનેને સારું કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે.

તો જો દરેક વ્યક્તિને પરીક્ષાની અથવા ઇન્ટરવ્યૂની ચિંતા થતી જ હોય છે તો જે લોકો સારું પર્ફોર્મ કરી શકે છે અને જે લોકો સારું પર્ફોર્મ નથી કરી શકતા એ લોકો વચ્ચે સાચા અર્થમાં તફાવત શું હોય છે? પહેલો અને સહુથી મહત્ત્વનો તફાવત હોય છે પ્રેક્ટિસ, એટલે કે મહેનત. જે લોકો સફળ થતા હોય છે, એ લોકોને ખ્યાલ હોય છે કે પરીક્ષાની અથવા ઇન્ટરવ્યૂની ચિંતાને કારણે એ લોકો સો ટકા કરતાં પાંચથી દસ ટકા ઓછું પરફોર્મ કરવાના છે. એટલે એ લોકો પોતાની મહેનત એટલી વધારે કરી દેતા હોય છે કે, એક ખરાબ દિવસના કારણે અથવા ચિંતાના કારણે જો એ પોતાના સામાન્ય પર્ફોર્મન્સથી પાંચથી દસ ટકા ઓછું પરફોર્મ કરી શકે તો પણ એ ખૂબ જ આરામથી પાસ થઈ જાય. યાદ રાખજો, તમારી મહેનત એ કક્ષાની હોવી જોઈએ કે એક ખરાબ દિવસ પણ તમારા માટે પાસ દિવસ જ હોય.

બીજું, જ્યારે આપણે પરીક્ષામાં બેસીએ અથવા ઇન્ટરવ્યૂની પાંચ મિનિટ પહેલાં આપણો કોન્ફિડન્સ ડગમગવો ખૂબ સામાન્ય અને સાધારણ વાત છે. પરંતુ, જ્યારે તમે તૈયારી કરતાં હો ત્યારે જો તમને કોન્ફિડન્સ ન આવે તો એનો મતલબ કે તમારા મનને એ ખ્યાલ છે કે તમારી તૈયારી હજી એટલી પાકી નથી. તમારી તૈયારીમાં પોતાને સહેજ પણ જુઠ્ઠું બોલ્યા વિના તમારે ખૂબ જ ઈમાનદારીથી પોતાને કહેવું પડશે કે ‘આ મારી નબળાઈઓ છે.’ પોતાની નબળાઈઓ પ્રમાણે, આપણે પોતાની શક્તિ આપી નબળાઈઓ સુધારવા અને એના ઉપર મહેનત કરવા પાછળ લગાડવી પડશે. તમે ઘણા એવા લોકો જોશો કે જે પોતાની સાથે ઈમાનદારીથી વાત કરતા નથી, આવા લોકોના ઘણા બ્લાઇન્ડ-સપોટ હોય છે. પરંતુ એમના મનના એક ખૂણાને ચોક્કસ ખબર હોય છે કે આ મારી નબળાઈ છે અને એટલે એ ક્યારેય પણ કોન્ફિડન્ટ નથી હોતા. એક શાંત વાતાવરણમાં જ્યારે તમે પોતાની સાથે ખૂબ જ ઈમાનદારીથી વાત કરતા હો, ત્યારે જો તમારું મગજ તમને એમ કહે કે ‘સિવાય કે કંઈક ખૂબ જ વિચિત્ર ઘટના ઘટી જાય, આપણી તૈયારી એટલી ચોક્કસ છે કે કંઈ વાંધો નહીં આવે.’ તો એનો મતલબ કે તમારી તૈયારી હવે પાક્કી છે.

મન: કોઈપણ પરિસ્થિતિમાં, પોતાની જાતને સાચું બોલવું અને ઈમાનદારીથી વાત કરવી એ જ કોન્ફિડન્સની કડી છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)