શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહી દીધું કે તમને ગુજરાતની શાળાઓ સારી ના લાગતી હોય તો રવાના થઈ જાવ. આવા બેફામ વાણીવિલાસને કારણે ગુજરાતના વાલીઓ આઘાતમાં છે. અત્યાર સુધી તો 'દેશદ્રોહી'ઓને દેશ છોડીને વાત કરનારા શાસકો હવે વાલીઓને પણ રાજ્યમાંથી રવાના કરી દેવા માગે છે! ગુજરાતમાં ખાડે ગયેલા શિક્ષણનો મામલો એટલો ચગ્યો છે અને ગુજરાતની ભાજપ સરકારને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા છે. ગુજરાત સરકારના પ્રવક્તા તરીકેની પણ ભૂમિકામાં રહેલા વાઘાણી પાસે કદાચ કોઈ જવાબ નથી ત્યારે જવાબ આપવાને બદલે પ્રશ્નો પૂછનારાને હાંકી કાઢવાની વાત કરી તેની પાછળ સમગ્ર રીતે શિક્ષણની દયનીય સ્થિતિ છેઃ વારંવાર પ્રયોગો કરીને ખોરવી નાખેલું તંત્ર; તળિયે ગયેલી શિક્ષણની ગુણવત્તા; ખાનગીકરણ કરીને મોંઘું કરી દેવાયેલું શિક્ષણ; પ્રવેશ માટેય પરીક્ષા અને ભરતી માટેય પરીક્ષા યોજીને દાઝ્યા પર ડામ દેવાની નીતિથી મધ્યમવર્ગીય વાલીઓ અકળાયા છે. શિક્ષણનો મુદ્દો કદાચ ચૂંટણીનો મુદ્દો બની જાય અને બચાવ કરવાનું ભારે પડી જાય તેની અકળામણને કારણે પણ કદાચ વાઘાણી વાલીઓને કાઢી મૂકવાની વાણી ઉચ્ચારી ગયા ત્યારે આ મુદ્દાની આસપાસના મુદ્દાઓની ચર્ચા...
કાર્તિકેય ભટ્ટ (KB): જાહેરજીવનમાં રહેલા અને સત્તા સ્થાને બેઠેલા લોકોએ વધારે સંયમ અને સમજણપૂર્વક બોલવું જોઈએ. શબ્દોની પસંદગી જ આપણા વ્યક્તિત્વ કે વિચારને વ્યક્ત કરે છે. એક અધ્યાપક કે શિક્ષક પાનના ગલ્લે, ચાની કિટલી પર કે મિત્રોની ચર્ચામાં ભલે ગમે તે બોલે, પણ જ્યારે વર્ગ ખંડમાં વિદ્યાર્થીઓ સમક્ષ ઊભા થઈને બોલવાનું હોય ત્યારે જવાબદારી સાથે બોલવું પડે. પૂર્વગ્રહો કે આવેશને પોતાના પર હાવી થવા દઈ શકાય નહીં. વળી, બોલ્યા પછી સંદર્ભ જુદો હતો, અર્થ જુદો હતો એ ખુલાસા પણ વાજબી નથી. ભૂલ થઈ હોય, બોલાઈ ગયું હોય તો સ્વીકારી લેવામાં વળી નાનપ શું?
દિલીપ ગોહિલ (DG): સ્વીકાર કરવાનું નેતાઓ શીખ્યા જ નથી અને ગમે તેવા મુદ્દા હોય વારંવાર જીત મળતી હોય ત્યારે શા માટે સ્વીકારે? યેનકેનપ્રકારેણ ચૂંટણી જીતી જવી એ જ એકમાત્ર ધોરણ બની ગયું હોય ત્યાં બીજા મુદ્દાઓની ચિંતા નથી હોતી. પણ અકળામણ એ હોય છે આ લોકો ટીકા કેમ કરે છે. અમારી ટીકા ના કરવાની હોય, કેમ કે અમે જીતીએ છીએ! તમે કહ્યુંને કે વાણીથી વ્યક્તિત્વ પરખાય છે. વાત સાચી છે - આ વાણીમાં અહમ્ અને અહંકાર છે, હરીફોને દુશ્મન સમજવાની દાનત છે, સવાલો સહન નહીં કરવાની બિનલોકતાંત્રિક દાદાગીરી છે.
KB: રહી વાત લોકોએ સરખામણી કેમ કરી તેની... તો આ મીડિયા ક્રાંતિના જમાનામાં લોકો બીજા રાજ્ય કે બીજા દેશ સાથે પ્રાથમિક સુવિધાથી માંડીને આંતરમૂડી માળખા સુધીની બધી જ બાબતોની તુલના કરશે જ! બીજા રાજ્યોમાં શી સ્થિતિ છે તે હવે સહેલાઈથી જાણી શકાય છે. વિપક્ષ પણ પોતે જ્યાં સત્તામાં હોય અને સારું કામ કરી બતાવ્યું હોય તો તેનો પ્રચાર કરીને રાજ્યમાં શાસનમાં રહેલા પક્ષ સામે કામગીરીના સવાલો ઉઠાવશે જ. વિપક્ષ શિક્ષણની નબળી ગુણવત્તાનો મુદ્દો ના ચગાવે તોય નાગરિકો અને વાલીઓ સારા શિક્ષણની માગ કરશે જ. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, પાયાની સુવિધા હોવી જોઈએ તેવી માગણી નાગરિક કરવાનો જ છે. સરકારી કચેરીમાં જઈએ ત્યારે વગર લાંચે કામ થવું જોઈએ એવી ઈચ્છા રાખવાનો જ છે. જો જાપાન જેવી બુલેટ ટ્રેન રાજ્યને આપવામાં આવતી હોય અને તેના ઢોલ પીટવામાં આવતા હોય તો પ્રજા જાપાન કે ફિનલેન્ડ જેવું શિક્ષણ માગવાને પણ હક્કદાર છે.
DG: લોકો સારું શિક્ષણ, સસ્તું શિક્ષણ, સરકારી શાળામાં ખરેખર તો મફત પ્રાથમિક શિક્ષણની ઈચ્છા રાખે જ છે. સરકારી દવાખાને સારવાર મળી જતી હોય તો મોંઘી હોસ્પિટલોએ કોઈ ના જાય. રોજગારીની તો યુવાનોને આશા જ જતી રહી છે અને આ બાબતમાં ગુજરાતી પ્રજા સરકાર પર આધાર રાખતી નથી. ગુજરાતની પ્રજા પહોંચી વળે એવી છે અને સરકાર નડે નહીં એટલું કરે તોય સમૃદ્ધિ પેદા કરી લેશે. પણ દરેક કામ માટે સરકારી કચેરીએ લાંચ આપવી પડતી હોય ત્યારે અકળામણ તો થાય જ. મહેસૂલ ખાતામાં ભ્રષ્ટાચાર ચાલે છે તેવું નવા મહેસૂલ પ્રધાને જ જાહેર કર્યું હતું. આમ છતાં કમનસીબે આ પ્રકારના મુદ્દાઓથી ચૂંટણીનાં પરિણામો નક્કી થતાં નથી. ચૂંટણીમાં બીજા જ મુદ્દા ચાલે છે - જીતી જવાય તેવા મુદ્દા ચાલે છે એટલે શિક્ષણના મુદ્દે મને નથી લાગતું કે મતદાર તરીકે વાલીઓમાં વધારે કોઈ ચર્ચા થાય.
KB: ના, મને લાગે છે કે શિક્ષણ અને પરીક્ષણ જેવા મુદ્દાઓ ચર્ચામાં રહેવાના. શિક્ષણની સમસ્યા સાથે જ એ પ્રશ્ન થવો જોઈએ કે આટલી બધી પરીક્ષાઓ શા માટે લેવામાં આવી રહી છે? બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછીય પ્રવેશ માટેની પરીક્ષા આપવાની. સરકારી ભરતી માટે પરીક્ષા આપવાની. શું આપણાં બોર્ડ અને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હોય તેના પર જ આપણને વિશ્વાસ નથી? જો વિશ્વાસ નથી અને બેકારી વધારે હોવાથી યોગ્ય ઉમેદવારને 'ચાળવા' માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાની થાય છે તો દરેક જગ્યાની ભરતી માટે જુદી જુદી કેમ લેવામાં આવે છે? રાજ્ય કક્ષાએ એક કે બે પરીક્ષા દ્વારા જ બધી ભરતી કેમ ના થઈ શકે? તલાટી માટે જુદી, LRD માટે જુદી, વનરક્ષક માટે ત્રીજી આવું કેમ થાય છે?
DG: એટલા માટે કે શિક્ષણને જે રીતે ધંધો બનાવી દેવાયો છે, તે રીતે વધારોનો એક આડધંધો ટ્યુશનનો મળતિયાઓ માટે ખોલી દેવાયો છે. માત્ર શાળામાં ભણો એટલાથી ચાલે નહીં. ટ્યુશનનું દૂષણ ઘાલો એટલે મધ્યમ વર્ગના વાલીઓ વધારે એક વાર લૂંટાતા રહે. બીજું કે નિમ્ન મધ્યમ વર્ગનાં સંતાનોને ટ્યુશન પરવડે નહીં એટલે તેમને સ્પર્ધામાંથી પહેલાં જ બાકાત કરી દેવાના. તે રીતે સ્થાપિત હિતોનાં સંતાનો માટે માર્ગ મોકળો કરી દેવામાં આવે છે. સરકારી ભરતીની પરીક્ષાઓ અલગથી લેવાનું કામ તો સ્પષ્ટ છે કે સરકારી ભરતીમાં ગોલમાલ કરવી છે, ભ્રષ્ટાચાર કરવો છે, કૌભાંડ કરવું છે અને સરકારી તંત્રમાં પણ મળતિયાઓને ઘૂસાડી દેવાની સ્થાપિત હિતોની ચાલે છે. શિક્ષણને એવું ગોટે ચડાવો કે સ્થાપિત હિતો સામે ગુણવત્તા સાથે સ્પર્ધામાં આવનારો વર્ગ ઊભો જ ના થાય.
KB: હા, આ રોજગારીનો મુદ્દો, એમાંય સરકારી નોકરીનો મુદ્દો ખૂબ મોટો મુદ્દો બની ગયો છે. શિક્ષણની સાથે જ આ મુદ્દો સંકળાયેલો છે, કેમ કે ભણશો તો જીવનમાં કૈંક કરી શકશો એ વાત આપણે સતત કહીએ છીએ. પરંતુ અર્થતંત્ર વિકસી નહીં ત્યારે ગમે તેટલું સારું શિક્ષણ આપો તે પછીય રોજગારી ઊભી થવાની નથી. તેના કારણે બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થયો છે અને કેટલાંક લેભાગુ તત્ત્વો આ વધતી બેકારીની સ્થિતિનો લાભ લાભ લઈને પ્રજાને લૂંટી રહ્યાં છે. સરકારે ગંભીરતાથી વિચારીને પારદર્શી રીતે ભરતી પ્રક્રિયા વિચારવી જ પડશે. યુવાનોનો અસંતોષ અવગણવા જેવી બાબત નથી. વળી ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો ચર્ચાય છે માટે તેની ગંભીરતા સમજવી જોઈએ.
DG: મુદ્દો ગંભીર છે, પણ સરકાર અને શાસક પક્ષ તેને ગંભીરતાથી લેશે તેમ લાગતું નથી. કારણ કે આવા લોકહિતના મુદ્દા રાજકીય મુદ્દાઓ બનતા નથી. ચૂંટણીમાં તેના કારણે પરિણામો આવતાં નથી. કોરોનોમાં પ્રજાની કફોડી સ્થિતિ, આરોગ્યની અપૂરતી સુવિધા, મોંઘું શિક્ષણ. હજીય કેટલીક જગ્યાએ પાણીના અને વીજળીના પ્રશ્નો છે. સરકારી એકમોનું વીજ ઉત્પાદન ઘટી રહ્યું છે અને મોંઘી વીજળી ખરીદવામાં આવી રહી છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી એકધારી મળતી નથી. એટલે મને લાગે છે કે આ બધા મુદ્દા રાજકીય રીતે અસરકારક બનતા નથી અથવા વિપક્ષ તેને રાજકીય અને ચૂંટણીના મુદ્દા બનાવી શકતું નથી.
KB: ના એવું નથી, રાજકીય રીતે આ મુદ્દાઓ મહત્ત્વના છે અને જો મહત્ત્વના ના બન્યા હોત તો નેતાઓની વાણીમાં કે કે સોશિયલ મીડિયાની ભડાસમાં આ મુદ્દાઓ ચર્ચાતા ના હોત. આમ આદમી પાર્ટીના દિલ્હીમાં શિક્ષણ ક્ષેત્રે કરેલાં પરિવર્તનોની વાત આજે ગુજરાતનાં ગામડાંમાં પણ ચર્ચાય છે. ભાજપને ઊંડે ઊંડે તો થતું જ હશે કે 'કૉંગ્રેસ કાઢતા આપ ના પેસે.' દિલ્હી એકલું હતું ત્યાં સુધી ઠીક, પણ હવે પંજાબમાં પણ આપની સરકાર આવી છે. સામી બાજુ શિક્ષણનો વધતો ખર્ચ અને નિમ્ન કક્ષાએ ગયેલી ગુણવત્તા સામાન્ય માનવીની ચિંતાનો વિષય છે જ. માટે તે અગત્યનો નથી તેમ ના કહી શકાય.
DG: અગત્યના છે, પણ તેને વિપક્ષ પરિણામલક્ષી બનાવી શકશે કે કેમ તે ચિંતાનો વિષય છે. દાખલા તરીકે ઉત્તર પ્રદેશમાં રખડતાં ઢોરનો ત્રાસ ચૂંટણી વખતે બહુ ચગ્યો હતો. છતાં ભાજપને જીત મળી. અર્થાત રખડતા ઢોરથી ત્રાસ છે તે લોકોએ કદાચ તેને મુદ્દો ગણીને મતદાન કર્યું હશે, પણ પરિણામ આવ્યું નથી. કદાચ એવું બને કે એક મુદ્દો બહુ ચગ્યો હોય, પણ તમારી વૉટબેન્કને તે અસર ના કરતો હોય ત્યારે શાસકને ચિંતા હોતી નથી. ગુજરાતનાં શહેરોમાં રખડતાં ઢોરની સમસ્યા સામે ક્રૂરતા લાગે તેવો દંડ ફટકારતો કાયદો ભાજપ સરકારે કરી નાખ્યો. હવે વિરોધ બહુ થયો છે, પણ ભાજપની વોટબેન્કને ગૌસંવર્ધનની વાતો કરવી છે, પણ ગાયોને પાળનારા વર્ગની મુશ્કેલી નથી સમજવી. એટલે ગમે તેટલા વિરોધ છતાં ભાજપની વોટબેન્ક તૂટવાની નથી. શિક્ષણમાં પણ તમે સમજી લો કે તમારી વોટબેન્ક લાખો રૂપિયા ખર્ચીને ખાનગી શાળામાં સંતાનોને ભણાવવાની હોય અને મોંઘાંદાટ ટ્યૂશનોથી જ પ્રવેશ મળે તેમ ઇચ્છતી હોય ત્યારે રાજકીય મુદ્દા તરીકે અસરકારક થવાનો નથી. સરકારી શિક્ષણ ખાડે ગયું તો ભલે ગયું, આપણે શું... આ મનોવૃત્તિને જ્યારે હવા આપવામાં આવતી હોય અને એ મનોવૃત્તિ અને વોટબેન્કથી જીતી જવાના અહંકારના કારણે - 'ના ફાવે તે રવાના થઈ જાય' - એવું કહી દેવાતું હોય ત્યારે આ મુદ્દા પરિણામલક્ષી બનશે કે કેમ તેની શંકા ઊભી જ છે.
KB: એ વર્ગનો તો પ્રશ્ન જ જુદો છે. એમને તો બાળકો ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા છે, પણ વક્રતા જુઓ કે વળી તેઓ પાછા સરકાર ફી ઓછી કરે તેવી માગણી પણ કરે છે. પણ ગુજરાતમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ ચોક્કસ ખાનગી શાળાની લૂંટથી અકળાયો છે. એમાંય હવે તેની સામે વિકલ્પ આવ્યો છે. માટે આ વખતે ચૂંટણીમાં શિક્ષણનો મુદ્દો અસર જરૂર કરશે. પ્રશ્ન તો એ થશે કે જે મતદારો પર આની અસર થવાની છે તે ભાજપના છે કે કૉંગ્રેસના? ટૂંકમાં એટલું સ્પષ્ટ છે કે મોંઘા બનેલા શિક્ષણનો મુદ્દો ચૂંટણીઓ પર અસર કરે એટલો મહત્ત્વનો તો છે જ.
(પ્રોફેસર કાર્તિકેય ભટ્ટ અર્થશાસ્ત્રી અને વિશ્લેષક છે, જ્યારે દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.