ટેક્નોહોલિક:ભારતના નેતાઓ અને પત્રકારોના ફોન ઉપર ત્રાટકનારું જાસૂસી પીગાસસ સોફ્ટવેર શું છે?

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક્નોલોજીના એડવાન્સમેન્ટનો અર્થ શું? કે આપણને સારી સિસ્ટમ મળે, સિક્યોર્ડ ગેજેટ્સ મળે, સેફ ઈન્ટરનેટ મળે પણ ટેક્નોલોજીના વિકાસ સાથે તે વલ્નરેબલ પણ એટલી જ બનતી જાય. ખંભાતી તાળાની એકને બદલે વીસ ચાવી બની ગઈ હોય એના જેવો ઘાટ છે. હમણાં ભારતના ઘણા પત્રકારો અને નેતાઓના ફોન હેક થયા એવા સમાચાર આવ્યા. મોટાભાગના લોકો એપલનો હાઈસિક્યોરિટી ફીચર ધરાવતો આઈફોન વાપરતા હોવા છતાં તેના ફોનમાં બધું રેકોર્ડિંગ થઈ રહેલું અને ડેટા પણ લીક થતો હતો. ટેક્નોલોજીના વિકાસની દૃષ્ટિએ આ સારા સમાચાર કહેવાય પણ સુરક્ષા અને નૈતિકતાની દૃષ્ટિએ આ ખરાબ થયું. તો ચાલો આપણે આ જાસૂસી સોફ્ટવેરની દુનિયા વિશે જાણીએ.

અમેરીકામાં રિચાર્ડ નિક્સનનું વોટરગેટ કૌભાંડ આપણે સૌ જાણીએ છીએ. તે અમેરિકન પ્રેસિડેન્ટે વોટરગેટ નામના બિલ્ડિંગમાં વિપક્ષના નેતાઓ ઉપર જાસૂસી કરવા માટે ત્યાંના ટેલિફોનનું ટેપિંગ કરેલું. આ ખબર બહાર આવતા અમેરિકામાં તહેલકો મચી ગયો હતો. રિચાર્ડ નિક્સને રાજીનામું આપવું પડેલું. વાયરવાળા ટેલિફોન ટેપ કરવાથી લઈને વાયરલેસ મોબાઈલ ફોન હેક કરવા સુધી ટેક્નોલોજીએ હરણફાળ ભરી છે. હવે ટેબ, મોબાઈલ, ઇ-મેઇલ, સોશિયલ મીડિયા, બેંક અકાઉન્ટ બધું જ હેક થઈ શકે છે. મોટી સેલિબ્રિટીઝ એટલે જ ઉત્તમ સિક્યોરિટી ધરાવતો આઈફોન વાપરવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ આઈફોન પણ હેકેબલ છે. સંપુર્ણ સુરક્ષાની ખાતરી એક પણ કંપની આપી શકતી નથી. હમણાં ભારતના મોટા લોકોના ફોનમાં ત્રાટકેલા પીગાસસ સોફ્ટવેરે આઈફોનનું સુરક્ષા કવચ પણ ભેદી નાખ્યું હતું.

શું છે આ પીગાસસ સોફ્ટવેર?
ઇઝરાયેલ ધારે તો આખી દુનિયાની નાકમાં દમ કરી શકે છે. પીગાસસ સોફ્ટવેર એક ઇઝરાયેલી કંપનીએ જ બનાવ્યો છે. ઇઝરાયેલનું NSO ગ્રુપ સાયબર હથિયારો બનાવવા માટે નિષ્ણાત છે. પીગાસસ આ જ ગ્રુપનું કાવતરું હોય એવું લાગે છે. પીગાસસ ખૂબ જ સોફિસ્ટિકેટેડ સોફ્ટવેર છે, જે જાસુસીથી સર્વેલન્સનું કામ કરે છે. 2016માં એક આરબ આંદોલનકારીનો આઈફોન હેક થયો હતો. તે પીગાસસનું કામ હતું. તે બનાવ પછી એપલ કંપનીએ આઈઓએસ સિસ્ટમની એક અપડેટ પણ બહાર પાડી હતી. જેથી ભવિષ્યમાં પીગાસસ ગેરકાયદેસર રીતે કોઈ પણ આઈફોનમાં ઘૂસણખોરી ન કરી શકે.

2017માં નિષ્ણાતોને ખબર પડી કે આ પીગાસસ તો એન્ડ્રોઇડ ફોન ઉપર પણ હુમલો કરી શકે છે. વિશ્વમાં આઈઓએસ સિસ્ટમ ધરાવતા ફોનની સંખ્યા કરતાં એન્ડ્રોઇડ ફોનની સંખ્યા અનેકગણી વધુ છે. અર્થાત પીગાસસ બહુ મોટી સંખ્યામાં સાયબર તારાજી ફેલાવી શકે. આ વિશે આગળ સંશોધન કરતા મોબાઈલ ફોનની સિક્યોરિટી સિસ્ટમમાં ઘણા લુપહોલ્સ નજરે ચડ્યા. ગૂગલ અને એપલ પોતાના ગેજેટ્સને મજબૂત કરવામાં મચી પડ્યા. ફેસબુકનો પણ પીગાસસ સાથે બારમો ચંદ્રમા છે. ઇઝરાયેલના NSO ગ્રુપ વિરુદ્ધ બહુ કાગારોળ મચી પણ ઇઝરાયેલ કોઈને ગાંઠે?

પીગાસસ કામ કઈ રીતે કરે?
પીગાસસ સોફ્ટવેર એકદમ શાર્પ અને સ્માર્ટ છે. એક લિંક ઉપર ક્લિક કરવામાં આવે તો પણ તે ફોનમાં ઇન્સ્ટોલ થઈ જાય છે. પીગાસસને એટલો પાવરફુલ બનાવવામાં આવ્યો છે કે કોઈ નંબર ઉપર એક મિસકોલ કરવાથી પણ ઇન્સ્ટોલ થઈ જાય. મોબાઇલધારકને ખબર પણ ન પડે અને તેના ફોનની બધી ડિટેલ્સ પીગસેસના કબ્જામાં આવી ગઈ હોય. કોલ રેકોર્ડિંગ, વ્હોટ્સએપ, ઇ-મેઇલ, સોશિયલ મીડિયા, ફાઈલો બધું જ ત્રાહિત વ્યક્તિ સર્ચ કરી શકે અને તેની કોપી મેળવી શકે. અધૂરામાં પૂરું, ખબર ન પડે એ રીતે પીગાસસ સ્ક્રીનશોટ પણ પાડીને બીજે મોકલી દે. મોબાઇલધારક અંધારામાં રહે.

પીગાસસનો એન્ટિ-વાઇરસ પણ વહેલા મોડો બજારમાં આવશે. ભવિષ્યમાં બીજું સોફ્ટવેર આવશે અને એ પણ આ રીતે એટેક કરશે. આ સાઇકલ ચાલતી રહેવાની છે. કોઈપણ ફોન કે લેપટોપ સંપૂર્ણપણે સુરક્ષિત નથી.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)