મનન કી બાત:આત્મવિશ્વાસનું મનોવિજ્ઞાન શું હોય છે? સમજો, આત્મવિશ્વાસ કેળવવાની ત્રણ મહત્ત્વની Key

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ આત્મવિશ્વાસુ વ્યક્તિ સફળતા વધુ વહેલી અને વધુ સારી રીતે મેળવી શકે છે. આત્મવિશ્વાસ એક ખૂબ જ આકર્ષક વસ્તુ પણ છે. જે વ્યક્તિ ખૂબ આત્મવિશ્વાસથી ભરેલી હોય છે એના તરફ લોકો જાતે જ કેન્દ્રિત થતા હોય છે. તમને એ પણ જાણીને આશ્ચર્ય થશે કે કોઈ વ્યક્તિ કેટલી સાચી કે ખોટી છે એના તરફ કેન્દ્રિત થવા કરતાં તે વ્યક્તિ કેટલી આત્મવિશ્વાસુ છે, તેનાથી લોકો એના તરફ વધારે કેન્દ્રિત થતા હોય છે.

આપણે બધાએ આત્મવિશ્વાસુ તો ચોક્કસ બનવું હોય જ છે. આત્મવિશ્વાસના કેટલાક ફાયદા છે એ પણ આપણને બધાને ખબર છે. એવી જ રીતે આત્મવિશ્વાસ એક એવી વસ્તુ છે કે જે તમને અમુક વસ્તુમાં હોય પરંતુ બીજી વસ્તુઓમાં ના હોય. જેમ કે કોઈ વ્યાપારીને પોતાના વ્યાપાર માટે ખૂબ જ આત્મવિશ્વાસ હશે. સાડીની દુકાન ધરાવતો વ્યાપારી આત્મવિશ્વાસથી એવું કહી શકે કે ‘આ સાડી જે મને પાંચસો રૂપિયામાં પડી છે એ હું તમે કહો એને પાંચ હજારમાં વેચીને બતાવું.’ પરંતુ એ જ સાડીનો વ્યાપારી કોઈ છોકરીને ડેટ પર લઈ જવાનું પૂછવા માટે આત્મવિશ્વાસુ નહીં હોય.

આવી પરિસ્થિતિમાં લોકો અલગ-અલગ પ્રકારનાં પુસ્તકો વાંચે, અલગ-અલગ લોકોનાં સલાહ-સૂચન લેવાની કોશિશ કરે, કંઇપણ કરીને પોતાને આત્મવિશ્વાસુ અને આકર્ષક પ્રદર્શિત કરવાની કોશિશ કરે. પરંતુ એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે જે આત્મવિશ્વાસ તમે બતાવવાની કોશિશ કરશો એ ક્યારેક ને ક્યારેક ખુલ્લો પડી જશે. જે આત્મવિશ્વાસ અંદરૂની હશે અને સાચો હશે એ આત્મવિશ્વાસ ક્યારેય પાછો નહીં પડે. કોઈપણ સ્ત્રીને પૂછશો તો એને કોઈ પુરુષમાં સહુથી વધુ આકર્ષક એ પુરુષ સાચો છે કે ખોટો છે એના કરતાં એ કેટલો આત્મવિશ્વાસુ છે અને એની કેટલી પર્સનાલિટી પડે છે એ લાગશે.

તો આત્મવિશ્વાસ મેળવવાની અને એને જાળવી રાખવાની ત્રણ મુખ્ય ચાવીઓ કઈ છે?
ઘણા બધા લોકો એક એવા જીવનમાં કેદ હોય છે કે જે એમને સુખ નથી આપતું. એક એવી વ્યક્તિ જે એવું જીવન જીવે છે કે જેમાં એને પોતાને ખુશી નથી મળતી અથવા આનંદ નથી મળતો, એ વ્યક્તિમાં ક્યારેય પણ આત્મવિશ્વાસ સંપૂર્ણ માત્રામાં નહીં હોય. એક એવી નોકરી કે જે તમને ગમતી નથી અથવા અમુક એવા સંબંધો જે તમને ગમતા નથી, તમારા આત્મવિશ્વાસ પર ખૂબ જ કપરી અસર પાડી શકે છે. હંમેશાં એવું કામ કરવું કે જે તમને કરવું ગમે છે, સંબંધો એવા અને એટલી સીમા સુધી રાખવા કે જે તમને ગમે છે.

ઘણા બધા લોકો પોતાની શારીરિક ફિટનેસ ને એકદમ ઇગ્નોર કરે છે. જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ નહિ હોય, એમનામાં હંમેશાં આત્મવિશ્વાસની કમી દેખાશે જ. જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હશે એ પોતાના શરીર માટે સારું મહેસૂસ કરશે અને એનાથી આત્મવિશ્વાસ આપોઆપ આવશે. જો તમને તમારું શરીર નહીં ગમતું હોય અથવા તમને એની શરમ આવતી હશે, તમારાં કપડાં, તમારી બોડી લેંગ્વેજ અને તમારી વાત કરવાની રીતમાં જ આત્મવિશ્વાસની કમી દેખાશે.

એક એવી વ્યક્તિ કે જેમાં આત્મવિશ્વાસ છે એ હંમેશાં પોતાના મનની વાત એક યા બીજી રીતે કહેતું જ હશે. તમે જોયું હશે કે જે વ્યક્તિમાં ખૂબ જ આત્મવિશ્વાસ છે એ પોતાનું મંતવ્ય ખૂબ જ સ્પષ્ટ રીતે કહે છે. જે લોકો પાણીની જેમ વહી જાય એ મોટાભાગે એવી વ્યક્તિઓ હોય છે કે જેમાં ખૂબ આત્મવિશ્વાસ નથી હોતો. ઘણાં લોકોને એવું લાગે કે પોતાનું એક મંતવ્ય ન હોવું એ એક સારી વસ્તુ છે અને એના કારણે આપણે બધામાં સહજતાથી ભળી જઈએ. પરંતુ આ વસ્તુ આપણા આત્મવિશ્વાસ માટે ખૂબ જ ખોટી છે. આપણા વિચાર અમુક વસ્તુમાં જો લોકોથી અલગ હોય તો એને સામાજિક રીતે ખરાબ ન લાગે એ રીતે, ચોક્કસ વર્ણવવા જોઈએ અને જો એ વર્ણવશો તો આપણને ખ્યાલ આવશે કે આપણા વિચારો સાચા અર્થમાં એટલા ખરાબ નથી, એની પાછળ આપણો પણ કંઈક તર્ક છે અને આનાથી આત્મવિશ્વાસની અનુભૂતિ થશે.

આપણે કેવાં કપડાં પહેરીએ છીએ એ આપણા આત્મવિશ્વાસ માટે ખૂબ જ જરૂરી છે. હાથમાં વિશ્વાસુ વ્યક્તિ મોટાભાગે પોતાની પર્સનાલિટી સાથે જાય એવાં કપડાં પહેરતા તમે જોયું હશે. જે વ્યક્તિ ખૂબ જ ઢીલા કે ઈસ્ત્રી વગરનાં, મેલાંઘેલાં કપડાં પહેરે એમનામાં મોટાભાગે આત્મવિશ્વાસની કમી પણ દેખાશે. એ બતાવે છે કે વ્યક્તિ પોતાને જ સિરીયસલી નથી લેતા, તો સમાજ એને કઈ રીતે સિરિયસલી લેવાનો?

છેલ્લું અને સહુથી મહત્ત્વનું, આપણી વાત કરવાની શૈલી આપણો આત્મવિશ્વાસ ખૂબ બદલે છે. એક એવી વ્યક્તિ કે જે પોતાના મનમાં રહેલી વાત સાચી અને સારી રીતે દુનિયામાં બહાર બોલી શકે, એનામાં એક એવી વ્યક્તિ કે જે ગાડરિયા પ્રવાહ સાથે જાય છે કારણ કે એને ક્યાંય વાંકમાં નથી આવવું એના કરતાં ખૂબ વધારે આત્મવિશ્વાસ હશે. આપનાં મંતવ્યો હંમેશાં ખૂબ જ પ્રખ્યાત હોય અથવા ખૂબ જ સાચાં હોય એ જરૂરી નથી. પરંતુ આપણા આત્મવિશ્વાસ માટે આપનાં મંતવ્યો આપણે સમાજમાં જણાવીએ અને સાચી રીતે જણાવીએ એ આપણા પોતાના આત્મવિશ્વાસ માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણા વિચારો નહીં જણાવીએ તો આપણું મન પોતાને કહેતું રહેશે કે આપણા વિચારો મહત્ત્વના જ નથી. અને જે મનને પોતાના વિચારો મહત્ત્વનાં ન લાગે એને પોતાની અંદર વિશ્વાસ કઈ રીતે હોઈ શકે?

મન: આત્મવિશ્વાસ મેળવવાની અને કેળવવાની આટલી અમુક ચાવીઓ તમને કેવી લાગી મને નીચેના email id પર જણાવો.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)