મનન કી બાત:ધોનીની આગેવાનીમાં એવું શું છે કે એ કેપ્ટન તરીકે આટલો સફળ છે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત વર્ષે ચેન્નાઇ IPLમાંથી બહાર નીકળનારી પહેલી ટીમ હતી. આ વખતે ક્વોલિફાય થનારી પણ પહેલી ટીમ અને ફાઇનલમાં પણ 15 મિનિટ સિવાય આખી મેચમાં પકડ બનાવીને જીતનારી ટીમ પણ એ જ બની. ધોની પાસે એવી કઈ ફોર્મ્યૂલા છે જે બીજા કોઈ સુકાની પાસે નથી? 9 ફાઈનલ રમેલી ટીમ અને આટલું સદંતર પર્ફોર્મ કરતી ટીમ કંઇક તો અલગ ચોક્કસ કરતી હશે. ધોનીએ પ્લેયરના મનોવિજ્ઞાન વિશે ખૂબ રસપ્રદ વાતો કરી, જેમાં કોઈપણ લીડર ઘણું શીખી શકે એમ છે. ધોનીની મેચ પછીનો આ ઇન્ટરવ્યૂ ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

એમણે શરૂઆત કલકત્તાની ટીમનાં વખાણ કરવાથી કરી
ધોની હંમેશાં એક શાલીન વ્યક્તિ રહ્યો છે. આ વખતે પણ ફાઇનલમાં હારવાનું દુઃખ જાણતી વ્યક્તિ જ પોતાની વિનિંગ સ્પીચની શરૂઆત એના સામેની ટીમનાં વખાણ કરીને કરી શકે. એમણે કલકત્તાની ટીમનાં વખાણ કર્યાં અને એવું કહ્યું કે કદાચ કોઈપણ ટીમ હતી જે જીતવાલાયક હતી તો એ કલકત્તા હતી. શીખવા જેવું છે સાહેબ, કે જ્યારે તમે સામેવાળાથી ઊંચી પદવી પર પહોંચી જાઓ તો એમના માટે એકવાર વિચારીશું તો ચોક્કસ આપણું વ્યક્તિત્વ નાનું નહીં થઈ જાય.

એમણે કહ્યું કે ચેન્નઇની ટીમ હજી ઘણું વધારે સારું કરી શકતી હતી
આ આખા વક્તવ્યમાં દેખાઈ આવે કે ધોની કેટલી સારી રીતે સફળતા પચાવતા જાણે છે. જીતના તરત પશ્ચાત એ કહે છે કે હવે ચેન્નઇએ આ બધા સુધારાઓ કરવાની જરૂર છે. એક મહત્ત્વની વાત કહે છે કે, હું ટીમ મીટિંગમાં લાંબી વાતો નથી કરતો. એક પ્લેયરનું ધ્યાન એક વાતમાં 20 મિનિટથી વધારે ન રહેતું હોય અને મીટિંગમાં માહોલ ખૂબ ગંભીર થઈ જાય. એટલે હું પ્રેક્ટિસ સમયે પ્લેયર જોડે વન ટુ વન વાત કરું અને એમના વિચારો જાણવા કોશિશ કરું અને પછી એમને પોતાનો રોલ સમજાવું.

આ વાત દર્શાવે છે કે ધોની કેમ આટલો સફળ કેપ્ટન છે અને કેમ મોટી મેચમાં એ અને એમની ટીમ આટલી રિલેક્સ હોય છે. ગંભીર મીટિંગ કરી, પ્લેયરને ખિજાઈને અથવા મોટિવેશનલ સ્પીચ આપીને એ લોકો પાસે કામ નથી લેતા. જે 80% બોસ કરે છે દુનિયામાં. એ લોકોને સારો અનુભવ કરાવવામાં માસ્ટર છે. કોઈને પોતાના વાંક બીજાની સામે નહીં કહે. મેચમાં કોઈની ટીકા નહી કરે. પ્લેયરના વિચાર જાણવાનો પ્રયત્ન કરશે. આ બધું કરવાના કારણે એમની ટીમનો પ્લેયર એમની પાસે વહેંચાયેલો હશે. એ એટલો ખુશ હશે કે પછી એને ક્રિકેટ સિવાય બીજું કંઈ વિચારવાનું રહેતું નથી.

એક બીજો મહત્ત્વનો નિર્ણય ધોનીની કોઈ પણ ટીમમાં હોય છે સ્થિરતા. આ વખતની વિજેતા ટીમ અને છેલ્લાં વર્ષની ટીમમાં કદાચ જ કોઈ મોટો ફેરફાર હશે. ધોની પોતાના પ્લેયર પસંદ કરે છે અને એ પ્લેયર પર ખૂબ વિશ્વાસ બતાવે છે. એ અવારનવાર કહે છે કે ફાઇનલમાં બહુ મોટા બદલાવ ન કરવા. એક સ્થિરતા હોય છે એમનામાં અને ટીમમાં પણ. પ્લેયર જાણતો હોય છે કે એને શું કરવાનું છે અને ધોની દરેક પ્લેયરની ખૂબી અને નબળાઈ પણ જાણે છે. T20 વર્લ્ડ કપમાં જોગિન્દર શર્મા તો બધાને યાદ જ હશે.

મન : ધોની લીડરશિપની ચાલતી ફરતી બુક છે. એમની પાસેથી કોઈપણ લીડરે ખૂબ શીખવાનું છે.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)