આજકાલ થેરાપી અને કાઉન્સિલિંગ વિશે જાગૃતતા દિવસે ને દિવસે વધતી જાય છે. ‘ડિયર જિંદગી’ જેવી ફિલ્મોના કારણે મનોચિકિત્સા (સાઇકાયટ્રી) અને કાઉન્સિલિંગ વિશે લોકોની ઘણી બધી ગેરમાન્યતાઓ દૂર થઈ છે. વળી, આવી ફિલ્મોના કારણે લોકો માનસિક સ્વાસ્થ્ય વિશે વાતો કરતા પણ થયા છે. સામાજિક પ્રસંગોમાં મનોચિકિત્સક તરીકે તમે જાવ તો સહુથી વધુ પૂછવામાં આવતા પ્રશ્નોમાંથી એક પ્રશ્ન છે કે 'કાઉન્સિલિંગમાં તમે આટલી લાંબી લાંબી વાતો શું કરો?' તો આજે હું તમને એક દર્દીના સેશન વિશે કહીશ અને કઈ રીતે અમે એના માનસિક સ્વાસ્થ્ય પર કામ કર્યું એ તમને જાણવાની કોશિશ કરીશ.
***
પ્રિયા (ગોપનીયતા જાળવવા નામ બદલ્યું છે) 21 વર્ષની છોકરી છે કે જેણે હોસ્પિટલમાં 70 ગોળી ગળી, પોતાના જીવનનો અંત આણવાની કોશિશ કરી હતી. એકવાર એને મેડિકલ રીતે સ્થિર કર્યા બાદ તેને મનોચિકિત્સકને રીફર કરવામાં આવી. ખૂબ ઊંડાણમાં એની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું, કે એ બાળપણથી જ માનસિક સ્વાસ્થ્ય સાથે ઝઝૂમે છે.
બાળપણથી જ પ્રિયાનું વજન વધારે હોવાના કારણે લોકો એની ખૂબ મસ્તી ઉડાવતા. સાથે-સાથે વજન વધારે હોવાના કારણે, ટીનેજની શરૂઆતનાં વર્ષોમાં જ પ્રિયાને એવા શારીરિક બદલાવો પહેલાં આવ્યા જે બીજી છોકરીઓમાં પછી આવ્યા. આવા શારીરિક બદલાવો વહેલા આવવાના કારણે પણ એના વિશે ખૂબ જ અફવાઓ ઊડી કે એના ખૂબ બોયફ્રેન્ડ છે અને એની પોતાની સ્કૂલમાં છાપ પણ ખરાબ થઈ. પ્રિયાને એ પણ યાદ હતું કે અગિયારમા ધોરણમાં જ્યારે એ અમુક બહેનપણીઓ જોડે ફરવા ગઈ, ત્યારે પ્રિયા રાત્રે સૂતી હતી ત્યારે, એના અમુક ફોટા લઈ લોકોએ ફેલાવી દીધા કે જેથી કરીને એ આખી સ્કૂલમાં હાસ્યનું પાત્ર બની. આવા અનેક બનાવોના કારણે પ્રિયના મનમાં કોઇના પર વિશ્વાસ કરવાની હિંમત ન થતી. કોઈ પણ એવી પરિસ્થિતિમાં એ મુકાય કે જેમાં એણે લોકો જોડે વાત કરવાની આવે તો તેને પેનિક એટેક આવી જતા. હૃદયના ધબકારા વધવા માંડવા, ખૂબ પરસેવો છૂટવા લાગવો, આંખે અંધારા આવી જવા, તેવો અહેસાસ થવો કે બસ હવે તો મરી જઈશ. આવા એપિસોડ કોઈપણ સામાજીક કાર્યક્રમ પહેલાં પ્રિયાને આવતા. આવી તકલીફોના કારણે છેલ્લા અમુક મહિનાઓથી કોલેજ પણ જતી ન હતી અને બીજી કોઈપણ સામાજીક ક્રિયા પણ કરતી નહીં. ઘેરબેઠાં ડરેલું જીવન જીવતી. એણે પોતાના જીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો.
થેરાપીના શરૂઆતના સેશનમાં એને રિલેક્સેશન ટેક્નિક શીખવવામાં આવી. આમાં સહુથી મહત્ત્વની 5-4-3-2-1 ગ્રાઉન્ડિંગ ટેક્નિક હતી. આ એક એવી પદ્ધતિ છે કે જેમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને પેનિક એટેક આવે ત્યારે એના મગજના વિચારોને અલગ-અલગ જગ્યાએ કેન્દ્રિત કરી આપણાં મગજમાં ભેગા થતા રસાયણોને શાંત પાડવાની કસરત કરાવવી. પહેલાં અમુક સેશન આ પેનિક એટેક પર નિયંત્રણ પામવા માટે હતાં.
આટલું શાંત થયા બાદ ઊંડાણમાં કામ ચાલુ થયું. થેરાપીનો એક મહત્ત્વનો ભાગ છે રોજિંદી એક્ટિવિટી ગોઠવવી. આ એવી એક્ટિવિટી હોય છે કે જેમાંથી અમુક એકલાં પણ કરી શકાય અને અમુક ગ્રૂપ જોડે કરવી પડે. પ્રિયાના કેસમાં એને પેઈન્ટિંગ કરવું ખૂબ જ ગમતું અને એને ડાન્સ કરવો પણ ખૂબ જ ગમતો પણ છેલ્લાં ઘણા મહિનાઓથી એ કોઈ પણ ડાન્સ ક્લાસમાં નથી ગઈ. પહેલી શરૂઆત પેઈન્ટિંગ હતી. પેઈન્ટિંગમાં એણે કોઈ સામાજિક વાર્તાલાપ કરવાનો નહોતો આવતો અને એટલે માત્ર પેઈન્ટિંગ ફરી શરૂ કર્યાથી જ એને થોડું સારું લાગવા માંડ્યું. હવે સહુથી મોટી ચેલેન્જ એટલે કે ડાન્સ ક્લાસ કઈ રીતે ચાલુ કરવા? જ્યારે કોઈપણ સામાજિક વાર્તાલાપ વિશે વાત કરીએ તો પ્રિયા સતત એવું જ કહે કે 'લોકો મારી મસ્તી ઉડાવશે તો?', 'લોકો મારા વિશે ખરાબ બોલશે તો?'
મનોવિજ્ઞાનની ભાષામાં આવા વિચારોને નેગેટિવ ઑટમૅટિક વિચાર કહેવાય. જીવનમાં બનેલાં અમુક એવા કપરા અનુભવો આપણાં માનસિક સ્વાસ્થ્ય પર એટલી ઊંડી અને લાંબી છાપ છોડી જતા હોય છે કે, આવી ઘટનાઓ આપણાં વિચાર કરવાની શૈલીથી લઈને આપણી પ્રકૃતિ બદલવાની ક્ષમતા રાખતા હોય છે. ગુજરાતીમાં એક કહેવત છે ને કે ‘દૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે’.
થેરાપીનું એક ખૂબ જ મહત્ત્વનું અંગ હોય છે આવા નેગેટિવ વિચારોને લોજિકલ અને રેશનલ વિચારોથી બેલેન્સ કરવા. આ પદ્ધતિમાં અમે દર્દી જોડે ખૂબ વિસ્તારમાં વાત કરીએ છીએ કે હા ચોક્કસ તમારી જોડે ભૂતકાળમાં ખૂબ જ ખરાબ અનુભવ થયો, પરંતુ લોજિક પ્રમાણે વિચારીએ તો તમે ડાન્સ ક્લાસ વિશે પૂછપરછ કરવા જશો તો સહુથી ખરાબ વસ્તુ શું થઈ શકે? અને ચોક્કસ એનો પહેલો જવાબ એ જ હતો કે લોકો મારા પર હસે, લોકો મારી જોડે વાત ન કરે, વગેરે. આ ટ્રેક પર વધુ ઊંડાણમાં વાત કરતા એ ચર્ચા થાય કે જ્યારે કોઇપણ સામાન્ય વ્યક્તિ, ડાન્સ ક્લાસમાં પૂછપરછ જ કરવા જાય, તો એને સામાન્ય રીતે શું અને કેવો જવાબ મળે? મોટાભાગે તો સારો અને સાચો જ જવાબ મળે. આ રીતે નેગેટિવ ઑટમૅટિક વિચારને એક સાદા વિચાર થકી બેલેન્સ કરવામાં આવે છે.
એકવાર આવા બેલેન્સિંગ વિચારોની પદ્ધતિ શરૂ થઈ જાય, તો આવા વિચારોને પુરવાર કરવા હાઇપોથિસિસ ટેસ્ટિંગ એટલે કે આ વિચારોને ટેસ્ટ કરવાનો સમય આવે છે. જેમ-જેમ પ્રિયા ડાન્સ ક્લાસમાં અને અલગ-અલગ સામાજિક કાર્યક્રમોમાં જતી થઈ, તેમ-તેમ તેનો આ રેશનલ બેલેન્સિંગ વિચાર સાચો અને નેગેટિવ ઑટમૅટિક વિચાર ખોટો પુરવાર થયો.
શરૂઆતમાં ડાન્સ ક્લાસ, પછી કોલેજ, પછી કોલેજની પરીક્ષા અને પછી બોયફ્રેન્ડથી લઈને લગ્ન સુધી ધીરે-ધીરે પ્રિયાના ઘાવ ભરાઈ ગયા અને એના જીવનમાં રહેલા કપરા અનુભવોના કારણે બનેલા કપરા વિચારોની જગ્યા સારા, સાચા અને ખુશ વિચારોએ લઈ લીધી.
મન: થેરાપી એક ખૂબ જ વૈજ્ઞાનિક અને સાબિત થયેલી માનસિક સ્વાસ્થ્યની ટ્રીટમેન્ટ છે. આના વિષે વધુ જાણવું હોય તો મને નીચેના ઈ-મેલ આઈડીમાં લખી આપના પ્રશ્નો પૂછો.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.