મનન કી બાત:તમારી વાણી તમારા મનોવસ્થા વિશે શું કહે છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણી વાણી અને આપણું વર્તન આ બે જ એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે સામેવાળાના મનમાં શું ચાલી રહ્યું છે અને સામેવાળી વ્યક્તિ કેવી છે એનું એક અનુમાન લગાવી શકીએ છીએ. આપણું મગજ જાણતા-અજાણતા એ વસ્તુ માટે ટ્રેઇન થઈ ગયેલું છે કે આપણે સામેવાળાને જાણી અને માપી શકીએ. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણું મગજ સામેવાળા વિશે હજાર વસ્તુ નોટિસ કરતું હોય છે. આપણે શું નોટિસ કરીએ છીએ એના ઉપરથી એમના માટેનો આપણો અભિપ્રાય બનતો હોય છે અને આપણે આ અભિપ્રાયના પ્રમાણે જ એમને રિસ્પોન્ડ કરતા હોઈએ છીએ.

ઘણી વ્યક્તિઓ ખૂબ જ બોલતી હોય છે પરંતુ બહુ જ ઓછું કહેતી હોય છે. આ વ્યક્તિઓ માટે તમને ક્યારેક એ બોલી ખૂબ મીઠી લાગતી હશે, તો તમને એના માટે પ્રેમ ચોક્કસ આવશે, ખાસ કરીને સ્ત્રી જ્યારે ખૂબ જ બબલી અથવા બોલકી હોય છે તો આપણને એના માટે પ્રેમ આવે છે. ‘જબ વી મેટ’ની ગીતને જોઈ અને આપણને હંમેશાં પ્રેમની લાગણી અનુભવાય છે. પરંતુ એક આખાબોલા વ્યક્તિ કે જે જરૂર કરતાં વધારે બોલ્યા કરે છે એના માટે તમને આદર અથવા સન્માનની અનુભૂતિ નહીં થાય. ખાસ કરીને એક પુરુષના સ્વભાવમાં જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ આખાબોલો કે જરૂર કરતાં વધારે બોલતા હોય, તો તમને એ મીઠાબોલો હશે તો ગમશે, એ તમને હસાવશે એ પણ ગમશે, પરંતુ કોઇપણ વ્યક્તિ જેને પોતાના શબ્દોની કિંમત નથી થતી તેમના માટે આદર અથવા સન્માનની અનુભૂતિ થવી ખૂબ અઘરી છે.

ઉપરની બધી જ વસ્તુ એટલે કે આપણા આજુબાજુવાળા લોકોને હસાવવા, એક પ્લેઝન્ટ કંપની બનવું, ક્યાંય બોરિંગ ન હોવું, આ બધું તમે ઓછું બોલીને પણ મેળવી શકો છો. જ્યારે પણ આપણે શબ્દો બોલતા હોઈએ છીએ, ત્યારે એ ખૂબ જરૂરી છે કે આપણે ખૂબ જ વિચારીને, મંથન કરીને બોલીએ. આપણે કોઈ જોક પણ વિચારીને મંથન કરીને બોલી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે જરૂર કરતાં ખૂબ જ ફાસ્ટ બોલીએ છીએ, ત્યારે આપણને પોતાને વિચારવાનો સમય નથી આપતા અને મોટાભાગે કંઈક એવું બોલી કાઢીએ છીએ કે જેના માટે આપણે માફી માગવી પડે. સાથે-સાથે ખૂબ જ ઝડપથી બોલતાં આપણે ઘણીવાર કરીએ છીએ અથવા ‘અમમમ…’ ‘જેમ કે……’ ‘લાઈક…..’ જેવા શબ્દોનો પણ પ્રયોગ કરીએ છીએ, કે જેનો વારંવાર પ્રયોગ કરવાથી આપણી એક અન-શ્યોર વ્યક્તિની છાપ પડે છે.

તમે નરેન્દ્ર મોદીના 2012 આસપાસના ઇન્ટરવ્યૂ જોશો અથવા ત્યાંની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જન સંમેલન રેલીની એમની સ્પીચ જોશો, તો તમે એ ચોક્કસ ઓબ્ઝર્વ કરશો કે ત્યારે એ ખૂબ ફાસ્ટ બોલતા. 2014 પછીની એમની કોઇપણ સ્પીચ અથવા એમનો કોઈપણ ઇન્ટરવ્યૂ તમે જોશો તો તમે એક ચોક્કસ નિહાળશો કે ઇન્ટરવ્યૂ લેતી વ્યક્તિ કરતા મોદી પોતે અડધી અથવા અડધીથી પણ ઓછી સ્પીડે બોલે છે! એમના અવાજમાં એક ચોક્કસ વજન જણાય છે. એમનો એક એક શબ્દ જોખેલો અને મહત્ત્વનો લાગે છે. અક્ષય કુમાર જોડેના એમના ઇન્ટરવ્યૂમાં પણ, કે જે એક હળવો-ખુશમિજાજ ઇન્ટરવ્યૂ હતો, તેમાં પણ તેઓ અક્ષય કુમાર કરતાં અડધી સ્પીડે બોલે છે.

કહેવાનો મતલબ એ છે કે તમે કેટલી સ્પીડે બોલો છો એ જરા પણ મહત્ત્વનું નથી, તમે શું અને કેવું બોલો છો એ મહત્ત્વનું છે. આપણી અંદર રહેલી ચિંતા આપણા મનને એવું કહે છે, કે જો હું ઝડપથી નહિ બોલું તો સામેવાળાનું ધ્યાન ભટકી જશે અને એને મારામાં રસ નહીં રહે. પરંતુ જો તમે જરૂરથી વધારે ઝડપથી બોલશો તો સામેવાળું એમ પણ ડિસ્ટ્રેક્ટ થઈ જશે અને એનું ધ્યાન બીજે ક્યાંક જતું રહેશે.

મન: ખૂબ જ વિચારીને સારું અને સાચું બોલો અને પોતાને સાચું બોલવા માટે પૂરતો સમય આપો.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)