મનન કી બાત:તમારી બોડી લેંગ્વેજ તમારા વિશે શું કહે છે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોડી લેંગ્વેજ ઉપર તમે ઘણી બધી બુક વાંચી હશે અને ન્યૂઝ ચેનલો ઉપર પણ, જ્યારે કોઈપણ બે રાષ્ટ્રના વડા મળતા હોય છે ત્યારે તેમની બોડી લેંગ્વેજ વિશે ખૂબ ઊંડાણમાં ચર્ચા થતી હોય છે. કોમ્યુનિકેશનની પરિભાષા કોઈપણ જાતની માહિતીની અદલાબદલી હોય છે. માહિતીની અદલાબદલી, વર્બલ એટલે કે શબ્દો વડે થાય એના કરતાં નોન વર્બલ એટલે કે શબ્દો વિના ખૂબ જ વધારે માત્રામાં થતી હોય છે.

કોઈપણ પ્રોફેશનલ વ્યક્તિની બોડી લેંગ્વેજનો સહુથી પહેલો ભાગ હોય છે હેન્ડશેક. એટલે કે આપણે સામેવાળા જોડે હાથ કઈ રીતે મિલાવીએ છીએ. ટ્રમ્પ અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન વચ્ચે થયેલા હેન્ડશેક વિશે કેટલાય પોલિટિકલ પંડિતોએ પુસ્તકો લખ્યાં છે. આપણે કોઈ પણ જોડે હાથ મિલાવીએ ત્યારે વધારે પડતા હોશથી હાથ ખુલ્લો રાખી, ઉભા રહી અને એમની રાહ જોવું એ બતાવે છે કે આપણે થોડા વધુ પડતા ઉત્સુક છીએ. કોઈપણ વ્યક્તિ તમારાથી ઉપરની હોય અથવા નીચેની, એમની જોડે હાથ મળાવતી સમયે આપણે રાહ જોવી કે એ પહેલાં એમનો હાથ આગળ કરે છે. જે વ્યક્તિ પહેલાં હાથ આગળ કરે એ બતાવે છે કે કઇ વ્યક્તિ વધારે ઉત્સુક છે. કોઈપણ વ્યક્તિ જ્યારે આપણી સાથે હાથ મિલાવવા માટે સામેથી શરૂઆત કરે છે તો એ આપણી પોઝિશન ઊંચી કરી દે છે.

હાથ મેળવવાની કળા પણ એટલી જ મહત્ત્વની છે. હાથ મિલાવતી સમયે ખૂબ વધારે લુઝ પણ નહીં અને ખૂબ વધારે ટાઈટ પણ નહીં, એક ફર્મ હેન્ડશેક કરવું જરૂરી છે. જો તમે યુટ્યુબ પર ટ્રમ્પના હેન્ડશેકના વિડીયો જોશો, તો તમે નોટિસ કરશો કે કોઈ પણ લીડર જોડે હાથ મિલાવતા સમયે ટ્રમ્પ ખૂબ જ ઉગ્ર તરીકે એમનો હાથ મેળવે છે અને પછી હાથ મેળવતાં મેળવતાં એમને પોતાની તરફ જોરથી ખેંચે છે. ટ્રમ્પની આ રીત એ બતાવે છે કે કોઈપણ વાર્તાલાપમાં એ સૌથી વધુ ડોમિનન્ટ હશે અને એ કહેશે એ જ રીતે વાત થશે.

વાત કરતી સમયે પણ, આપણી બેસવાની કે ઊભા રહેવાની શૈલી આપણા વિશે ઘણું કહે છે. તમે જોશો કે ઘણા લોકો બેવડા વળીને પોતાના ખભા જોડીને ઉભા અથવા બેઠા હોય છે. કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાના ખભા છુટ્ટા રાખી, છાતી આગળ રાખી બેસે છે અથવા ઉભું રહે છે ત્યારે એ ડોમિનેટિંગ લાગે છે. સાથે સાથે ઘણા લોકો વાત કરતી સમયે ખૂબ જ ઝડપથી બોલવા માંડે છે, જ્યારે જે લોકો કોન્ફિડન્ટ અને ડોમિનન્ટ હોય છે એ લોકો પોતાનો સમય લઇ ધીરે અને દૃઢ બોલે છે.

આપણી ચાલવાની રીત પણ આપણા વિશે ખૂબ કહે છે. ઘણા લોકો નીચું જોઈ ખૂબ ઝડપથી ખભા ભેગા રાખી ચાલતા હોય છે. એક આકર્ષક પુરુષ પોતાના ખભા છુટ્ટા રાખી, થોડા ખભા હલાવતાં હલાવતાં ચાલતો હશે. જ્યારે એક આકર્ષક સ્ત્રીની પણ ચાલવાની શૈલી ખૂબ જ સ્પેસિફિક હોય છે. જેમ પુરુષ ચાલતા સમયે ખભા હલાવતો આકર્ષક લાગે છે, એમ સ્ત્રી ચાલતા સમયે જ્યારે સહેજ કમર હલાવે ત્યારે એ ચાલવાની રીત લોકોને આકર્ષિત કરતી હોય છે. યુટ્યુબ પર તમને ચાલવાની રીતના હજારો વીડિયો મળશે. સૂટ્સ સિરીયલના હાર્વી સ્પેક્ટર અને ડોનાની ચાલવાની રીત જરૂર જોજો. આ બંને વ્યક્તિની ચાલવાની રીતમાં એક વસ્તુ ખાસ નોટિસ કરજો, કે બંને સામું જોતા પોતાની ઝડપે ચાલે છે. એમની ચાલવાની રીત જ એવું બતાવે છે કે કંટ્રોલ એ લોકોના હાથમાં છે. મીટિંગની ઉતાવળ એમને એટલે નથી હોતી કારણ કે એમના વિના મીટિંગ શરૂ જ નથી થતી.

ચાલતી વખતે અથવા કોઈપણ જોડે વાત કરતી વખતે આઈ કોન્ટેક્ટ રાખવો, એટલે કે આંખમાં આંખ નાખીને વાત કરવી ખૂબ જ જરૂરી છે. તમે જોશો કે જેટલા પણ પાવરફુલ લોકો છે, એ લોકો જોડે વાત કરતી સમયે આંખમાં આંખ નાખીને સાંભળતા અને બોલતા હોય છે. આનાથી કોઈપણ વ્યક્તિ તમને ખોટું અથવા ખરાબ બોલતા કે તમારી સાથે ખરાબ વર્તન કરતાં બે વાર અટકાશે. સાથે-સાથે તમે પણ કેટલું પણ ધીમે બોલતા હશો, જો તમે આંખમાં આંખ નાખીને બોલશો તો સામેવાળો તમને વધારે સમય માટે અને વધારે ધ્યાન આપી સાંભળશે.

મન: બોડી લેંગ્વેજ અને નોનવર્બલ કમ્યુનિકેશન વિશે ઘણાં પુસ્તકો ઘણાં યુટ્યુબ વીડિયો બનેલાં છે અને બનતાં રહેશે. બોડી લેંગ્વેજ એક એવું વિજ્ઞાન છે કે જે તમારી આજુબાજુની દરેક વ્યક્તિમાં તમે ઓબ્ઝર્વ કરી શકશો. એકવાર તમે બોડી લેંગ્વેજ ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરી દો, પછી એ એક નેચરલ રિફ્લેક્સ બની જતો હોય છે.

mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)