મનન કી બાત:તમારી અટેચમેન્ટ પેટર્ન તમારા વિશે શું કહે છે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી દરેક વ્યક્તિને એટલો તો ખ્યાલ હશે જ કે આપણું બાળપણ અને આપણાં માતા-પિતા દ્વારા આપેલા ઉછેર, આપણી લાંબેગાળે બનતી પ્રકૃતિમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. મોટા થઇ આપણે કેવા પ્રકારની વ્યક્તિ બનીએ, આપણા કયા ગુણો હોય અને કઈ તકલીફ હોય, એ બધું આપણા ઉછેર ઉપર ખૂબ જ નિર્ભર હોય છે. મનોવિજ્ઞાનમાં રસ ધરાવતી દરેક વ્યક્તિએ સિગ્મંડ ફ્રોઇડ વિશે સાંભળ્યું હશે, પરંતુ અટેચમેન્ટ પેટર્ન ઉપર ખૂબ જ ઊંડાણમાં કામ કરનારા જોન બોલ્બી વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે.

બોલ્બીને પોતે ખૂબ નાની ઉમરમાં બોર્ડિંગ સ્કૂલમાં મૂકવામાં આવેલા અને એમને પોતાના બાળપણમાં પોતાના માની મમતા ઘણા ઓછા પ્રમાણમાં મળી હતી. મનોવિજ્ઞાન ક્ષેત્ર વિશે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે જે પણ મનોવૈજ્ઞાનિકે જે પણ ક્ષેત્રે ખૂબ જ ઊંડાણમાં કામ કર્યું હશે, એ મનોવૈજ્ઞાનિકના એક ક્ષેત્રમાં પોતાના જીવનમાં ચોક્કસ કંઈક ને કંઈક તકલીફ તમને જોવા મળશે. અલબત્ત, જો તમે એમના વિશે ઊંડાણમાં જાણવાની કોશિશ કરો તો. આપણે એ વસ્તુ બીજા ક્ષેત્રમાં પણ જોઈએ છીએ. જે વ્યક્તિનાં માતા-પિતાનું મૃત્યુ હાર્ટ અટેકથી થયું હોય એ વ્યક્તિએ કાર્ડિયોલોજિસ્ટ બનવું હોય, અથવા જે વ્યક્તિના જીવનમાં લાંચ-રુશ્વતના કારણે ખૂબ તકલીફ પડી હોય એને રાજકારણી બનવું હોય, અથવા જે વ્યક્તિના જીવનમાં પૈસાની ખૂબ જ તંગી રહી હોય એણે સૌથી પહેલાં ખૂબ પૈસા કમાવા હોય. બોલ્બીનાં માતા-પિતાએ ખૂબ નાની ઉંમરમાં એમને હોસ્ટેલ મૂકી દીધેલા. આના કારણે એમને ઘરમાં રહેવાની સિક્યુરિટી ક્યારેય મળી નહોતી.

એમણે એક પ્રયોગ કર્યો. એક રૂમમાં એક નાના બાળકને તેમની માતા સાથે પ્રવેશ કરાવ્યો. થોડીવાર પછી એ જ રૂમમાં એક અજાણી વ્યક્તિ આવે છે. અજાણી વ્યક્તિ પાંચ મિનિટ રૂમમાં રહે એ પછી માતા રૂમમાંથી જતી રહે છે. માતા જતી રહે એ પછી અમુક બાળકો અલગ રીતે અને બાકીનાં બાળકો અલગ રીતે રિએક્ટ કરતાં દેખાય છે. જ્યાં મોટા ભાગનાં બાળકો માતાના જવાથી રડે છે અને તે એક ખૂબ જ નોર્મલ રિએક્શન કહેવાય. બાકીનાં બાળકોને માતાના જવાથી કશો જ ફેર પડતો નથી. થોડીવાર થતાં માતા પાછી આવે છે, આ જોઈ રડતું બાળક શાંત થઈ જાય છે. પરંતુ અમુક રડતાં બાળકો હજી પણ રડતાં જ રહે છે. જે બાળકને માતાના જવાથી ફેર નહોતો પડ્યો, એને માતાના પાછા આવવાથી પણ ફેર નથી પડતો. વળી, થોડી વાર થાય એટલે અજાણી વ્યક્તિ અને માતા બંને રૂમમાંથી જતાં રહે છે. બાળક એકલું પડે ત્યારે અમુક બાળકો રડે છે અને બાકીનાં બાળકોને કશો ફેર જ નથી પડતો. થોડીવાર બાળક એકલું રહ્યા બાદ તે જ અજાણી વ્યક્તિ પાછી આવે છે. અચરજની વાત એ છે કે જે બાળકને માતાના જવાથી કે આવવાથી કશો ફેર ન પડ્યો, એ બાળક બીજીવાર અજાણી વ્યક્તિને જોઇને ખુશ થાય છે. જ્યારે કે જે બાળકો જે માતાના જવાથી રડી રહ્યાં હતાં એ માતાના આવવાથી જ શાંત થાય છે અને એમને અજાણ્યા વ્યક્તિના પાછા આવવાથી કશો ફેર નથી પડતો.

આ આખો પ્રયોગ આપણને બાળકની માતા પ્રત્યેની લાગણી બરાબર હોય અને જ્યારે તે લાગણી બરાબર ન હોય ત્યારે એ જ લાગણી બહાર શોધવાની ઉત્સુકતા વિશે વાત કરે છે. આ પ્રયોગના અંતે બાળકોની અટેચમેન્ટ પેટર્ન ત્રણ પ્રકારમાં વહેંચાતી દેખાય છે:

  1. સિક્યોર અટેચમેન્ટ: આ એક એવું બાળક છે જેને પોતાની માતા પ્રત્યેથી પૂરતી લાગણી મળી શકે છે. માતા પ્રત્યેથી પૂરતી લાગણી મળવાને કારણે, એ અજાણી વ્યક્તિ જોડે સ્વસ્થ રીતે વાત કરી શકે છે, પરંતુ અજાણ્યા વ્યક્તિ સામે લાગણીથી ઓળઘોળ પણ નથી થઈ જતું. આવું વ્યક્તિ બહારની દુનિયામાં જઈ એક આત્મવિશ્વાસ સાથે કે મારો પરિવાર મારી જોડે જ છે, બહારની દુનિયામાં પોતાનું ધાર્યું કામ કરી પણ શકે છે. લોકો જોડે સાચા અને સારા તેવા માપમાં સંબંધ પણ બનાવી શકે છે અને પોતાની રીતે પોતાના પરિવાર જોડે ખુશ રહી શકે છે.
  2. ચિંતાતુર અટેચમેન્ટ: આ એક એવું બાળક છે જે સતત ચિંતામાં રહે છે. એની માતા એનાથી સહેજ પણ દૂર જાય તો એને સતત ચિંતા રહ્યા કરે છે કે એનું શું થશે. આ એક એવું બાળક છે જેને બાળપણમાં માતાપિતાનો પ્રેમ તો મળ્યો છે, પરંતુ માતા અથવા પિતાએ સતત મનમાં એક ડર રાખ્યો છે કે એ કોઈપણ ખરાબ કરશે તે ક્યાંય પણ ખોટો પડશે તો એના હાથમાંથી આ પ્રેમ છીનવાઈ જશે. સતત ચિંતાના કારણે બાળકમાં કંઈ પણ નવું કરવાની ઈચ્છા અથવા કોઈ પણ રિસ્ક લેવાની શક્તિ નથી હોતી. એની પ્રગતિ એક બેઝિક સ્ટેજ પર આવી ને અટકી જતી હોય છે.
  3. એવોઇડન્ટ એટેચમેન્ટ: આ એક એવું બાળક છે કે જેને જીવનમાં ક્યારેય એક સ્વસ્થ રીતે પોતાનાં માબાપનો પ્રેમ મળ્યો જ નથી. એક એવું બાળક જેને પોતાના મા-બાપનો પ્રેમ હોવા અથવા ન હોવાથી કશો ફેર નથી પડતો. પરંતુ બાળપણમાં પ્રેમ ન મળવાને કારણે આખું જીવન આ પ્રેમ અજાણ્યા માણસોમાં શોધવાની સતત કોશિશ કરે છે. આના કારણે એ પોતાના સંબંધોમાં એવી અપેક્ષા રાખે છે કે જે ઘણીવાર પૂરી નથી થતી અને એના કારણે સંબંધો તૂટતા હોય છે. સાથે સાથે એના જીવનનું મુખ્ય લક્ષ્ય આ પ્રેમ મેળવવાનું રહે છે અને એ પોતાનાં બીજા કોઈ લક્ષ્ય બનાવી નથી શકતાં.

મન: તમારું બાળપણ અને તમારી અટેચમેન્ટ પેટર્ન કઈ છે અને તે તમારા વિશે શું કહે છે એ મને નીચેના ઈ-મેલ આઈડી પર જણાવો.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ અને અચ્છા સ્ટેન્ડઅપ કોમેડિયન છે)