પોઝિટિવ પેરેન્ટિંગ:તમારાં બાળકનું લંચબોક્સ કેવું છે? તે બાળક અને પરિવાર વિશે ઘણું બધું કહી આપે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્કૂલો ઓફલાઈન થઇ ગઈ છે અને હવે સવારે ઊઠતાવેંત જ પેરેન્ટ્સ માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે બાળકના ટિફિનમાં શું ભરવું? પણ શું તમે જાણો છો કે આ ટિફિનનો આકાર અને મટિરિયલ તમારા અને તમારા બાળકના વ્યક્તિત્વ વિશે શું વ્યક્ત કરે છે? તો ચાલો ત્યારે, આ વિશે વધુ જાણવા માટે આ લેખ વાંચીએ...

તમારું લંચ બોક્સ તમારા વિશે શું જણાવે છે?
આહાર એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને જો તમે ભારતમાં ઊછર્યાં હો તો ટિફિન બોક્સે તમારા સ્કૂલનાં વર્ષોમાં ખૂબ જ અગત્યનો રોલ ભજવ્યો હશે. સ્કૂલમાં જ્યારે બાળક પોતાનું ટિફિન બોક્સ ખોલે છે ત્યારે તે ક્ષણ ખૂબ જ ઉત્સાહ, ખુશી, રાહત અને મનોરંજનની હોય છે પણ જ્યારે બાળકને ટિફિનમાં રાખેલી વસ્તુ ભાવતી ન હોય ત્યારે ઘણીવાર આ ક્ષણ દુ:ખદાયક પણ હોઈ શકે છે. જેમ-જેમ બાળક મોટું થાય તેમ-તેમ ટિફિન બોક્સનો આકાર પણ બદલાતો જાય છે. ટિફિન બોક્સ કેવું છે અને તેની અંદર શું ભર્યું છે તેનું નિરીક્ષણ કરવાથી બાળક અને તેના કુટુંબ વિશે આપણે ઘણું જાણી શકીએ છીએ.

ચાલો ત્યારે, શરૂઆત ડબ્બાથી જ કરીએ અને જાણીએ કે તે તમારા કે તમારા 'આંખોના તારા' (બાળક) વિશે શું વ્યક્ત કરે છે. આ કોલમમાં હું મારું નાનકડું વિશ્લેષણ શૅર કરી રહી છું. પ્લીઝ, આને બહુ ગંભીરતાથી ન લેતા. ફક્ત એન્જોય કરવાના હેતુથી જ વાંચજો.

ચાલો જાણીએ કે લંચ બોક્સનો આકાર શું વ્યક્ત કરે છે...
સૌ પહેલાં ટિફિન બોક્સના આકાર ઉપર ફોક્સ કરીએ કે શું તે ગોળ છે, ચોરસ છે કે લંબચોરસ છે? ચોરસ કે લંબચોરસ ટિફિન એ આહાર અને જીવનને લઈને એક પ્રેક્ટિકલ અને વાસ્તવિક દૃષ્ટિકોણ દર્શાવે છે, કારણ કે આવા ટિફિનના આકાર ખૂબ જ કોમન છે અને વળી, આવા ટિફિનમાં ખોરાકને વ્યવસ્થિત રીતે જુદાં જુદાં સેક્શનમાં ગોઠવીને મૂકી શકાય છે. કદાચ આનાથી આપણે એવું ધારી શકીએ કે તે વ્યક્તિ ખૂબ જ ઓર્ગેનાઈઝ્ડ છે, કારણ કે ટિફિનની ચારેબાજુ એક સપ્રમાણ સીમારેખા હોય છે. પુરેપુરી શક્યતા છે કે આવા ટિફિનના માલિક (બાળક અથવા પુખ્તવયના) તે આહાર ફટાફટ ગ્રહણ કરતા હશે. બીજી બાજુ ગોળ આકારના ટિફિન બોક્સમાં બહુ ખાવાનું નથી ભરાતું, ખાસ કરીને જો તે ટિફિન એક જ લેયરનું હોય તો એટલે આવી વ્યક્તિઓ ખોરાકને બહુ મહત્તા નથી આપતા.

ચોક્કસ, ટિફિન બોક્સના કલર અને તેના પરની ડિઝાઇનનું વિશ્લેષણ કરવાથી આપણે વધુ મજા માંડી શકીએ... પણ તે આપણે ફરી કોઈક વાર કરીશું.

પશ્ચિમમાં લંચ એટલે એક ફટાફટ બનાવેલો નાસ્તો કે સેન્ડવિચ જેને નાનકડા ડબ્બા અથવા સિલ્વર ફોઈલમાં વિંટાળી દેવામાં આવ્યો હોય છે. મોટાભાગે ત્યાં માણસો ચાલતાં ચાલતાં તે ખાતા હોય છે, પણ ભારતમાં પરંપરાગત ટિફિન એટલે ત્રણ કે ચાર ખાનાંવાળો ડબ્બો.

આ પરંપરાગત ત્રણ કે ચાર ખાનાંવાળો ડબ્બો દર્શાવે છે એક સંપૂર્ણ ભોજન અને એક એવું વ્યક્તિત્વ જેને ઘરનો રાંધેલો ખોરાક ખૂબ જ ભાવે છે. આવી વ્યક્તિ હંમેશાં બેલેન્સ્ડ ખોરાક લેવામાં માને છે અને તેને જમતા વાર પણ લાગે છે. આ ત્રણ કે ચાર ખાનાંવાળો ડબ્બો ફટાફટ ખાઈ લેવાય એવા નાસ્તા માટે નથી. આ ડબ્બો એક પરંપરા છે. એટલે આવી વ્યક્તિ ખાવાનું ખાવામાં અને તેની મજા માણવામાં પોતાનો સમય ફાળવશે. વળી, આવા ડબ્બાને ખોલવા માટે જગ્યા અને સમય બંને જોઇતા હોય છે એટલે આને વાપરનાર પાસે આ બંને હોવા ખૂબ જ જરૂરી છે. બીજી બાજુ, ચોરસ કે લંબચોરસ ટિફિનમાંથી આપણે કોઈપણ જગ્યાએ અને ગમે તે સમયે ખાઈ શકીએ છીએ ભલે પછી આપણે બેઠા હોઈએ કે ઊભા હોઈએ.

લંચ બોક્સનું મટિરિયલ શું વ્યક્ત કરે છે…
ફક્ત ટિફિન બોક્સનો આકાર જ નહીં પણ તેનું મટિરિયલ પણ જાણવું જરૂરી છે. જ્યારે હું નાની હતી ત્યારે અમારાં ટિફિન સ્ટેનલસ સ્ટીલનાં હતાં અને તે પહેલાં આપણાં પેરેન્ટ્સ તો પિત્તળ અથવા કાંસાનાં ટિફિન બોક્સમાંથી જમતાં, કારણ કે આવી ધાતુઓ સ્વાસ્થ્ય માટે સારી ગણાતી. પરંતુ આજકાલનાં મોટાભાગનાં ટિફિન પ્લાસ્ટિકમાંથી નિર્મિત હોય છે. એક અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિકમાં સૂક્ષ્મ અવયવ હોય છે, જે ટિફિનમાં ભરેલા આહાર થકી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એક પેરેન્ટ તરીકે આપણે આને લઈને જે સૌથી જરૂરી પગલું લેવાનું છે તે એ છે કે આપણે પ્લાસ્ટિકનાં ટિફિન બોક્સનો બહિષ્કાર કરી તેને સ્ટીલના ડબ્બા સાથે રિપ્લેસ કરી દેવાં જોઈએ. આજના જમાના પ્રમાણે, આપણા ઘરમાં પણ લિક્વિડ અને ગરમ ખાવાનાને નોન-ટોક્સિક અને પ્લાસ્ટિક-ફ્રી કન્ટેનરોમાં સ્ટોર અને સર્વ કરવા જોઈએ. પ્લાસ્ટિકનો સતત ઉપયોગ એ ઘણા બધા રોગોનું મૂળ કારણ છે.

વળી, બાળકોનો એક વર્ગ એવો પણ છે જે સ્કૂલે ટિફિન લાવતાં જ નથી. આ તેમના વ્યક્તિત્વ વિશે શું દર્શાવે છે તેની ચર્ચા આપણે ફરી ક્યારેક કરીશું... એ મારું પ્રોમિસ છે.

ઘણી મમ્મી (અને આશા રાખું છું કે પપ્પા પણ!) પોતાના બાળકના ટિફિન બોક્સમાં શું ભરવું તેના પર વિચારણા કરવા માટે પોતાનો ખૂબ સમય ફાળવે છે. કદાચ આજની આ કોલમ વાંચીને પેરેન્ટ્સ હવે થોડું ધ્યાન ટિફિનના કન્ટેનર (પાત્ર) પર પણ આપવા માંડશે.

તો ચાલો 2022-2023ના શૈક્ષણિક વર્ષમાં આપણે આશા રાખીએ કે આપણે અવનવા આકાર અને મટિરિયલથી સર્જાયેલાં ટિફિન બોક્સ જોઈ શકીશું.

(લેખિકા જાણીતાં શિક્ષણવિદ્ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદનાં સ્થાપક છે)