• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • 'What Are You Reading, Uncle'? 'Tagore's Whites' ... It Was Natural For A Person Reading Such A Novel To Be Interested And That Is Why I Continued The Conversation !!

મારી વાર્તા:'ટાગોરની ગોરા જેવી નવલકથા વાંચનાર વ્યક્તિમાં રસ પડવો સ્વભાવિક હતું, અને એટલે મેં વાર્તાલાપ આગળ ચલાવ્યો!’

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એવા કેટલાય સંબંધો હોય જે જીવનભર પાસે રહેવા છતાંય જીવાયા વગર જ કપાઈ જાય અને કેટલાક વળી થોડા સમય માટે દસ્તક કરી ચાલ્યા જાય છતાં જીવનભર એના ધૂંધળા ઓછાયા સ્મરણપટ પર પગરણ કરતા રહે!

આ વાત છે આશરે વીસ વર્ષ પહેલાની જ્યારે હું બી.એ. થર્ડ યરમાં અભ્યાસ કરતી હતી. હંમેશાં બસમાં મુસાફરી કરતી. શ્રાવણ મહિનાની એ બપોર. કોલેજથી છૂટી ઘરે જવા નીકળી. બસમાં ખૂબ ભીડ. જેમ-તેમ કરી આગળ વધતી હેન્ડલ પકડી ઊભી રહી. બાજુમાં ઊભેલા મવાલી જેવા દેખાતાં બે-ત્રણ યુવાનો વારંવાર બ્રેકના અને ધક્કાના બહાને અથડાવાનો મોકો ચૂકતા નહોતા. વ્યવસ્થિત ઊભા રહેવા કહ્યું તો એકબીજા સામે જોઈ આંખ મીંચીને બોલ્યા, 'ઊભા રહેવાનું શીખવાની જરૂર તારે છે. શાહી ઠાઠથી મુસાફરી કરવી હોય તો પોતાની ગાડીમાં ફર, સમજી', ને હાથતાળી આપી જોરજોરથી હસવા માંડ્યા.

આ બધું બાજુની સીટમાં બેઠેલા એક અંકલે જોયું. આશરે પચાસ વર્ષની આસપાસની ઉંમર. મધ્યમ વર્ગમાંથી આવતા હોય એવો દેખાવ. એમણે તરત ઊભા થઇ મને બેસી જવા કહ્યું. મેં એમનો આભાર માન્યો. પેલા છોકરાઓ ભોંઠા પડી ગયા. હું ધીમેથી અંકલ સામે મલકાઈ એમના હાથમાં રહેલી થેલી મેં પકડી લીધી. અંદર ટિફિન જેવું લાગ્યું. થોડીવારમાં અંકલ ઊતરી ગયા અને એ છોકરાઓ પણ.

બીજા દિવસે બસમાં ખાસ ભીડ નહોતી. હું આગળ વધી ત્યાં જ મારી નજર ગઈકાલવાળા સજ્જન પર ગઈ. હું એમની બાજુમાં રહેલી ખાલી સીટ પર બેસી ગઈ. એ વાંચવામાં મશગુલ હતા. લોકો સાથે વાત કરવી મને ગમતી. એમાં પણ અમુક વ્યક્તિઓ જે સામાન્યથી સહેજ અલગ અને વિશિષ્ટ જણાય કે સહૃદય જણાય તો એમની સાથે વાતો કરવાની મજા આવતી. સાહિત્યનો અભ્યાસ કરતી એટલે લોકોના મનમાં ડોકિયું કરવાની, લોકોના વર્તન પરથી એના ભાવ જગતનો ભેદ પામવાની મથામણ ગમતી. મેં ધીમેથી કહ્યું: 'જય શ્રી.' એમણે ચશ્માંમાંથી ઉપર ત્રાંસી નજરે જોયું. મારો હસતો ચહેરો જોઈ એ પણ મીઠું મલકાયા. મને પણ સુખદ અનુભૂતિ થઈ કોઈ સ્વજનને મળ્યા જેવી!

'શું વાંચો છો, અંકલ'? મેં પૂછ્યું.

'ટાગોરની ગોરા 'એમણે કહ્યું.

'શું?' મને આશ્ચર્ય થયું. આવી નવલકથા વાંચનાર વ્યક્તિમાં રસ પડવો સ્વભાવિક હતું. મેં વાર્તાલાપ આગળ ચલાવ્યો, 'તમે ટીચર છો કે પ્રોફેસર?'

'બંનેમાંથી કોઈ નહીં. સરકારી કર્મચારી છું. ફાઈલો અને કાગળના જંગલમાં ભટકતો જીવ પણ ક્યારેક એમાંથી છૂટીને સાહિત્યની દુનિયામાં ચક્કર મારી આવું છું.' કહી અંકલ મલકાયા. 'મને તો તમે સાહિત્યમાં બહુ ઊંડા ઊતરેલા લાગો છો.' મેં કહ્યું.

'જીવન અને સાહિત્ય એક જ તો છે. જેટલું જીવન ઊંડાણથી જાણો એટલું જ સાહિત્યથી નજીક જવાય. તું પણ સાહિત્યની સ્ટુડન્ટ છે ને?'

'હા, તમને કઈ રીતે ખબર પડી?'

'કાલે તારા હાથમાં રમેશ પારેખનો કાવ્ય સંગ્રહ જોયો હતો. આજે આ 'ભાષા- વિજ્ઞાન'નું પુસ્તક.' એમણે ફરી નવલકથામાં માથું ખૂંપાવ્યું.

મને શાંતિથી બેસી રહેવું ન ગમ્યું. 'અંકલ ગોરા મારી પ્રિય નવલ છે. એની ધર્મ વિશેની સમીક્ષા અદભુત છે. તમારું શું કહેવું છે?'

'હા, મારી પણ. એકવાર વાંચવાની ચાલુ કરીએ પછી પૂરી કરે જ છૂટકો .એવી મજાની!'

મને પણ મારા જ્ઞાનનું પ્રદર્શન કરવાનો મોકો મળ્યો, તો સાથે સાથે ગોષ્ઠિનો પણ! અમારા વચ્ચે 'ગોરા' વિશે ખાસો લાંબો સંવાદ થયો. વિશાળ ને ગહન એવું એમનું ભાવ વિશ્વ! દરેક વસ્તુને કેટલી બારીકાઈથી નિરીક્ષણ કરતા હતા એ મેં અનુભવ્યું. મેં આગળ ચલાવ્યું .'મેં તમને પહેલાં ક્યારેય જોયા નથી, બે દિવસથી જ દેખાવ છો?' મેં પૂછ્યું. સહેજ વાર નીચે જોઈ એમણે એક નજર મારા તરફ કરી અને ધીમેથી બોલ્યા, 'દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. કાલે એકસિડન્ટ થયો. હું અડધી રજા મૂકી એની પાસે રહું છું. અત્યારે હવે એની પાસે રહીશ' એમણે નિઃસાસા સાથે કહ્યું. મેં દિલગીરી વ્યક્ત કરતા જલ્દી સાજો થઈ જાય એવી હૈયા ધારણા આપી. થોડીવારમાં એમનું સ્ટેન્ડ આવતા ઊભા થઇ મારી તરફ હાથ ઊંચો કરી ઝડપથી ઊતરી ગયા.

ત્રીજા દિવસે કોલેજથી છૂટતાંની સાથે જ અંકલ યાદ આવ્યા. મનમાં વિચાર્યું આજે પણ મળી જાય તો સારું. બસમાં ખૂબ ધક્કામુક્કી. એક બાજુ આકાશ ઘનઘોર છવાયેલું અને બેભાન થઈ જવાય તેવો બફારો. અંધારું એવું કે દિવસ આથમી જવા આવ્યો હોય! માહોલ એવો ઘેરાયેલો કે જો વરસાદ તૂટી પડશે તો ચાર-પાંચ કલાક વગર બંધ નહીં રહે. ટાઈમસર ઘેર પહોંચી જવાય તો સારું એમ મનોમન વિચારતી બસમાં આગળ વધી. ત્યાં જ અંકલને બેઠેલા જોયા. મેં હાથ ઊંચો કરી બૂમ મારી, 'અંકલ …'.અંકલે પાછું વળી જોયું મને જોઈ પાસે બોલાવી. બાજુમાં બેઠેલા ભાઈ મને જોતાં જ ઊભા થઈ ગયા. અંકલે મારા માટે સીટ રાખી હતી.

'તમારા દીકરાને કેવું છે?' બધી ફોર્માલિટી છોડીને મેં પહેલા એમના દીકરા વિશે પૂછ્યું.

'કોમામાં સરી ગયો છે. હવે ક્યારે ભાનમાં આવે તે કંઈ જ ખબર નથી. અધૂરામાં પુરું આઘાતથી એની મમ્મીનું બીપી વધી જતાં લકવો થઈ ગયો.’

એમની આવી કપરી પરિસ્થિતિમાં મને પણ શું બોલવું એ સમજાયું નહીં. આવા સમયે ખોખલાં આશ્વાસન આપવા યોગ્ય ન લાગ્યાં. મેં ફક્ત અંકલ તરફ કરુણાભરી નજર કરી. એ પણ આ મૂક આશ્વાસન અને હૃદયથી હૃદયની સાંત્વનાને પારખી ગયા. એમણે કંઈ જ બોલ્યા વગર મારે માથે હાથ ફેરવ્યો.

થોડીવાર રહી સ્વસ્થ થઈ વાત બદલતાં બોલ્યા, 'હું કંઈ હારીને, થાકીને બેસી રહું એવો માણસ નથી. બેટા, આ દુઃખ ન હોય તો સુખની કિંમત કેવી રીતે સમજાય?'

'આજે તો ગજબનું વાતાવરણ છે! કેટલું અંધારું છે! અંધારુ, કાળો રંગ મને નથી ગમતા. કાળો રંગ અશુભ હોય કે ન હોય પણ મનને અંધારાનો ભાસ કરાવે છે. આ વાદળા જાણે ઉદાસી ભરી રહ્યા છે!' હું બોલી. આમ બોલી હું એમનું ધ્યાન બીજી તરફ કરવામાં સફળ રહી. એમણે ચર્ચાનો દોર આગળ ધપાવતાં કહ્યું, 'અજવાળા સાથે દોસ્તી અને અંધારા સાથે દુશ્મની એવા પૂર્વગ્રહમાં શા માટે પડે છે? મારા માટે બધું જ સહજ છે. દિવસ, રાત, સૂર્ય, ચંદ્ર. હું તો સોનેરી કિરણોને પણ ચાહું છું ને અમાસની અંધારી રાત ને પણ. અંધારામાં જ્યારે સૃષ્ટિ અદૃશ્ય થઈ જાય અને ફક્ત ચમકતું આકાશ દેખાય એ અંધારું મને બધાથી અળગા કરી મારી સાથે જોડી દે છે. શરીર અને પડછાયાનો ભેદ સાવ ગાયબ! 'બ્લેક એન્ડ વ્હાઈટ'ની દુનિયા પણ અનોખી છે! તું જૂની 'બ્લેક એન્ડ વ્હાઈટ' ફિલ્મો જુએ છે?'

'હા' મેં કહ્યું.

'એમાં દેખાતા ભાવો કેવા મનમોહક દેખાય છે! કાળાશથી નફરત શા માટે? સફેદ વાદળો કાળાં બનીને આવે ત્યારે કેવી ભીનાશ વરસાવે! દરેક રંગ હોય, વસ્તુ હોય કે વ્યક્તિ એના સ્થાનથી ભ્રષ્ટ થાય ત્યારે જ અણગમતી અને અરૂચિ પેદા કરે. કાજલને આંખોમાં નાખો તો ચહેરાને સુંદર બનાવે પણ ગાલે ઘસો તો?' ડોકું ધુણાવી હું વિચારોમાં હામી ભરતી હતી. અણગમતા અંધારામાં પણ એમની અજવાસ ભરવાની રીત મને ગમી. થોડીવાર એ બહાર જોતા રહ્યા અને હું બારીમાંથી કાળાં વાદળોને.

'માણસનું વિચારજગત કેટલું વિશાળ હોય છે! ને જિંદગી કેવી પ્રિયતમા જેવી! જેમ-જેમ એને ચાહતા જઈએ, દિવસે ને દિવસે એના નખરા વધતા જાય! એ વધુ ને વધુ હેરાન કરે.' મેં કહ્યું. અંકલ જોરજોરથી હસવા માંડ્યા બાળકની જેમ. 'બેટા, તું તો તત્ત્વચિંતક જેમ ચર્ચા કરે છે.'

'અંકલ, તમારી સંગતની અસર તો આવવાની જ ને...' હું પણ હસવા માંડી...

'લે ચલ, મારું સ્ટેન્ડ આવી ગયું. ફરી મળીશું', કહી અંકલ બસમાંથી ઊતરી ગયા. વરસાદ પણ ધીમી ધારે ચાલુ થયો. હું આજે વરસાદ કરતાં અંકલના ભાવવિશ્વથી વધારે ભીંજાઈ હતી! સાહિત્ય સાથે જેના તાર જોડાયેલા હોય એ કંઈક બીજાથી તો નોખા રહેવાના જ! એ દિવસ પછી ફરીથી એમને બસમાં ક્યારેય જોયા નહીં. એમના ચડવા, ઊતરવાનું સ્ટેન્ડ આવતું ને મારી નજર શોધવા ફરી વળતી. મારું બી.એ., એમ.એ. પૂરું થયું પણ એ ફરી ક્યારેય દેખાયા નહીં. પરંતુ એમનો લગાવેલો વિચારોનો રંગ મારામાંથી કદી ઝાંખો પડ્યો નહીં. એમની સાથે બેસીને સંવાદ કરવાની ઈચ્છા પણ અધૂરી....

વીસ વર્ષ બાદ અચાનક એક દિવસ લાઇબ્રેરીમાં હું પુસ્તક શોધતી હતી ત્યારે એકાએક નવા જ કાવ્યસંગ્રહ પર નજર પડી. હાથમાં લીધું અંતિમ પૃષ્ઠ પર કવિનો ફોટો જોઈ સુખદ આશ્ચર્ય થયું! આ તો એ જ બસમાં મળેલા અંકલ! ને હું હસી ઊઠી! કેવો હતો આ ઋણાનુબંધ... હું પણ એમની પાછળ-પાછળ સાહિત્ય સફરમાં જઈ રહી હતી! અધૂરા સંવાદો પૂરા કરવાની ભરપૂર શક્યતાઓ સાથે! સહૃદયી સંબંધની નજીક. જેને કોઈ નામ આપવાની જરૂર નહોતી!
(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)