મારી વાર્તા:'બા, શું થયું છે? કેમ બધાં આમ બેઠાં છો?' બા રડવા લાગ્યાં... અને સુમિત્રાના મનમાં જાતજાતની શંકાઓ ઘેરાવા લાગી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વરંડામાં પ્રવેશતાંની સાથે જ સુમિત્રાના પગ અટકી ગયા. અંદરના પરિવેશે એના સમગ્ર અસ્તિત્વને હચમચાવી મૂક્યું. અંધારું અને સન્નાટો. હમણાં જ ઢળેલી મે મહિનાની સાંજ ઘરમાં પ્રવેશીને પોતાનું સામ્રાજ્ય સ્થાપવાની મથામણ કરતી હતી. છતાંય કોઇને લાઈટ કરવાનું કેમ સૂઝ્યું નહીં હોય? આ ઘરમાં પરણીને આવ્યાને સુમિત્રાને અગિયાર વર્ષ થયાં. આવું ભારઝલ્લું વાતાવરણ એણે આ પૂર્વે ક્યારેય જોયું નથી. સાંજના આ સમયની તો સૌ બપોરથી વાટ જોતાં હોય. ઝાંખ વળ્યે ઘરના બધાય સભ્યો અહીં એકત્રિત થયા હોય. એના પતિ અને દિયર કારખાનેથી આવે ત્યાં સુધી ખુલ્લા દિલે થતી મજાક-મશ્કરી અને ટોળટીખળ. દિવસભરનો થાક ઘડીકવારમાં છૂમંતર. એને ઠેકાણે આ શું? આંખો પર હાથ મૂકી પલંગમાં સૂતેલા ભાઈજી, ખુરશીમાં માથું ઢાળી આંખો મીંચી બેસેલાં બા અને કમરામાં ઠાંસીઠાંસીને ભરાયેલું મૌન. અનિલ અને આનંદને આવવાને હવે તૈયારી હતી. તોય આમ કેમ? એ બંને સિવાય પણ આ દૃશ્યમાં કંઇક ખૂટી રહ્યું છે. શું હતું એ? એણે ધારીને જોયું. હા, સુમન અહીં નથી.

એના આગમનની બા કે ભાઈજી પર કશી જ અસર ન થઈ. તેથી એ એકદમ અંદર પ્રવેશવાને બદલે ક્ષણાર્ધ ઉંબરમાં જ રોકાઈ ગઈ. મોઢા પર વળી આવેલા પરસેવાના રેલા સાડીના છેડા વડે લૂછીને એણે હળવેથી લાઈટની સ્વીચ ઓન કરી. ભાઈજી ભડકીને બેઠા થઈ ગયા. થોડીવાર આંખો પટપટાવતા એની સામે જોઇ રહ્યા. પછી સાવ નંખાઈ ગયેલા અવાજે બોલ્યા: ‘ઓહો... આવી ગઈ, સુમિ..?’

સુમિત્રા કંઈ બોલી નહીં. માથું હકારમાં હલાવી એમને જોઇ રહી. જે ચહેરા પર ચોવીસેય કલાક આનંદની લહેરો ઉછાળા મારતી ત્યાં અત્યારે વિસ્તરેલું ઉદાસીનું અફાટ, અનંત રણ એને દઝાડવા લાગ્યું. એ ત્યાંથી ખસીને બા પાસે ગઈ. ચરણસ્પર્શ કર્યાં. એય કંઈ બોલ્યાં નહીં. ખાસ્સીવાર સુધી એકટક તાકી રહ્યાં. એમના આવા વર્તન પરથી એને થયું કે, નક્કી મારી અનુપસ્થિતિમાં કંઇક અજુગતું બની ગયું છે. શું હશે એ? એનો તાગ મેળવવાના આશયથી જ એણે હળવા અવાજે પૂછી લીધું, 'બા, શું થયું છે? કેમ બધાં આમ બેઠાં છો?' એનો પ્રશ્ન પૂરો થાય તે પહેલાં તો બા ડૂસકાવા લાગ્યાં. એને ફાળ પડી. જાતજાતની શંકાઓ એના મનને ઘેરવા લાગી. કોઇ નજીક કે દૂરનું સગું ગુજરી ગયું હશે? કે પછી સુમનને કંઇ થયું હશે? બીજી પળે એ તમામ શક્યતાઓને નકારતી હોય એમ માથું ધૂણાવતી એ સ્વગત બોલી પડી, 'ના, ના.એવું ન પણ હોય. તો પછી?' એ શંકાના સમાધાનાર્થે જ એણે તરત બીજો સવાલ કર્યો, 'સુમન દેખાતી નથી., ક્યાંય બહાર ગઈ છે કે પછી..?'

બાએ નાક નસીકતાં સુમનના રૂમ તરફ આંગળી ચીંધી. એ દોડતી એ તરફ ગઈ. એના રૂમમાં પણ ઘટ્ટ અંધારું છે. એણે લાઈટ કરી. સુમન સામે પલંગમાં સૂતી હતી. એ હળવેથી સરકીને એ તરફ ગઈ. પલંગની ધારે બેસી પડી. પડખું ફરીને સૂતેલી સુમન ચોંકીને આ તરફ ફરી. સુમિત્રા જોઇ રહી. એના ચહેરાના હાવભાવ પરથી જ પરિસ્થિતિ પામી ગઈ.

'અરેરે! આ શું થઈ ગયું?'

'સારું થયું તમે આવી ગયાં, દીદી! એક તમે છો, મારા મનને સમજી શકો એવાં. બાકી, આમાં મારો કોઈ વાંક-ગુનો ખરો?' એ હમણાં જ રડીને શાંત થઈ હોય એવું એના અવાજની ભીનાશ પરથી પરખાયું.

'હોય, સુમન! એમાં આટલાં દુ:ખી ન થઈએ, બેન..! બધું કંઈ આપણા હાથમાં નથી હોતું. ક્યારેક કુદરતના ક્રૂર આદેશોને આપણે મને-કમને માથે ચડાવવા પડતા હોય છે અને હજી તારી ઉંમરેય શી છે?' એના બરડે હાથ ફેરવતાં એ વિચારતી હતી. અઠવાડિયાં પહેલાં અહીંથી ગઈ ત્યારે તો બધું બરાબર હતું. તો પછી આ બધું ક્યારે બની ગયું?

એને બરાબર યાદ છે. પંદરેક દિવસ પહેલાં સુમને એને સામેથી જણાવેલું. એ વખતે ઘરમાં કોઇને કંઈ જ ખબર નહોતી. સુમન ખુદ પણ હમણાં જણાવવા માગતી નહોતી. પરંતુ સુમિત્રાએ જ વાત વહેતી કરેલી. સારા સમાચાર આપવામાં વળી વિલંબ શાનો? પછી તો જેવી ખબર પડી કે બધાંય ગેલમાં આવી ગયેલાં. ઘરનું વાતાવરણ એકદમ બદલાવા લાગ્યું હતું. રાત-દિવસ એક જ વાત. આનંદ તો સુમિત્રાનેય થયો જ હતો. પરંતુ આનંદની એ ક્ષણોમાં એને કંઇક અજાણી અને અકથ્ય મુંઝવણ ઉમેરાતી અનુભવાતી હતી. એના મનનો વહેમ હોય કે ગમે તે પણ આ બધા સમય દરમિયાન એણે નોંધેલું કે, ઘરના અન્ય સભ્યોની જેમ એ સુમનની સાથે જોઇએ એવી સહજ રહી શકતી નથી. બધુંય જાણે અનિચ્છાએ બનતું હોય એમ એ કોઈ અવઢવમાં અટવાતી હતી. કોઈ વાતે ગૂંચવાયેલી. પરિણામે, એની પેલી મુંઝવણ બેવડાતી જતી હતી. મનમાં કોઇક અજાણ્યો ભાવ જન્મ લેવા લાગ્યો હતો. રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નહીં. રોજ રાત્રે સ્વપ્નમાં સુમનના પાલવનો કોરોકટ્ટ છેડો ખેંચતું એક બાળક એને દેખાયા કરતું હતું. એ ઝબકીને જાગી જતી. પછીની રાત્રે સૂવું વસમું થઈ પડતું. દિવસેય ઘરમાં ગમતું નહીં. સાંજની બેઠકોમાં પણ એ પરાણે જોડાતી.

બાને આનંદ થાય તે સ્વાભાવિક છે. પરંતુ એ ચોવીસેય કલાક સુમનની આગળ-પાછળ ફર્યા કરતાં, જાતજાતની સલાહો આપતાં એ એને ખટકતું હતું. સુમનને અપાઈ રહેલા આટલા મહત્ત્વ પરથી સુમિત્રાને ઊંડે-ઊંડે થતું કે, મને હડસેલીને એ રાતોરાત કેન્દ્રમાં આવી ગઈ છે. એનો જીવ ચચર્યા કરતો. પરંતુ કોઇને કળાવા દેતી નહીં. સુમનથી એક સલામત અંતર રાખવા લાગી હતી. છેવટે એવા વાતાવરણમાંથી મુક્તિ ઝંખતી એ પિયરના બહાને અહીંથી ચાલી ગઇ હતી અને..

‘હુંય એ જ કહું છું, દીદી કે, એવી તે શી ઉતાવળ છે? મારાં લગ્નને હજી દોઢ જ વર્ષ થયું છે. આ તો અમારી હરવા-ફરવાની ઉંમર છે અને મારે મારાં કરિયરનું પણ વિચારવાનું કે નહીં?’સુમનના અવાજે એ સહસા ચોંકી ઊઠી. એના સ્વરમાં અધીરાઈ આવી ગઈ,

'એટલે આ બધું તેં જાતે...?'

'નહીં તો શું કરું? તમારા દિયર તો ભવિષ્યમાં જાણે ફરી થવાનું જ ન હોય એમ સાવ નામક્કર ગયેલા. છેવટે મારે જ નિર્ણય લેવો પડ્યો. ડૉક્ટરે પણ કહેલું કે, વધારે સમય થયો નથી, એટલે કોઇ જોખમ નથી.'

સુમિત્રા નખશિખ ધ્રુજી ઊઠી. બીજી જ પળે ઊભી થઈને એ દોડતી બહાર આવી ગઈ. અંધારામાં આમતેમ આંટા મારવા લાગી. ફાઈબર શેડના એક ખૂણે થોડાક સમય પહેલાં બંધાયેલા માળામાંથી આવતો ચકલીના બચ્ચાંનો આછો અવાજ સાંભળી પગ થંભી ગયા. વર્ષો પહેલાંની હાઇસ્કૂલમાં હતી ત્યારની વાત સાંભરી આવી. વેકેશનમાં ઘર સાફ કરતાં ભીંત પર લટકતી દાદાજીની છબી પાછળના ચકલીના માળામાંથી એક ઇંડું નીચે સરી પડેલું. એ જોઇ એને ચક્કર આવી ગયેલા. મમ્મીએ ઘણું સમજાવેલી પણ બે દિવસ સુધી ખાવાનું ભાવ્યું નહોતું. એ પછીય દિવસો સુધી આખાયે ઘરમાં પાંખો ફફડાવતી આમતેમ ઊડ્યા કરતી ચકલીને જોઇને એની વેદના બેવડાતી જતી હતી.

એ પીડાગ્રસ્ત ચકલીની પાંખોનો ફફડાટ અત્યારે પણ એની અંદર ફેલાવા લાગ્યો હતો. એમાં ભળ્યો બહારનો અને ભીતરનો ઉકળાટ. પરસેવે રેબઝેબ થયેલી એ સીધી બાથરૂમમાં ઘૂસી ગઈ. કેટલીયવાર સુધી શરીર પર ઠંડું પાણી રેડતી રહી. અગિયાર વર્ષથી સાવ ખાલી રહેલા પેટ અને સપાટ પેઢુ પર હાથ ફેરવતાં ફેરવતાં એનાથી અનાયાસે અરીસા સામે જોવાઈ ગયું. પોતાનો ચહેરો એને સાવ જુદો જ લાગવા માંડ્યો. એ ધારી-ધારીને જોતી રહી અને આ શું? ચહેરાના ભાવ ધીરે-ધીરે બદલાવા લાગ્યા. અચાનક એક અજાણી લકીર ક્યાંકથી ધસી આવી. આવીને એના હોઠના ખૂણા પર બેસી ગઈ...

(તમારી વાર્તાઓ આ સરનામે મોકલી આપોઃ marivarta.divyabhaskar@gmail.com શરત એટલી કે તમારી વાર્તાઓ સંપૂર્ણપણે મૌલિક, અપ્રકાશિત અને ટાઇપ થયેલી હોવી જોઇએ. વાર્તાની સાથે તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ પણ મૂકશો.)