સુખનું સરનામું:આપણે બધા જ ભગવાનના મદદનીશ છીએ

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભગવાને આખી સૃષ્ટિનો વહીવટ ચલાવવાનો હોવાથી એમણે પોતાનાં કામમાં મદદ કરવા માટે ત્રણ મદદનીશ રાખેલા હતા. દરેક મદદનીશ પાસે એમની વિશિષ્ટ પ્રતિભાઓ હતી. આ પ્રતિભાઓ ભગવાને તેમને ભેટમાં આપેલી હતી જેથી એ ભગવાનને તેમનું કામ કરવામાં મદદરૂપ થાય.

એક વખત ભગવાને થોડા સમય માટે વેકેશનમાં જવાનું વિચાર્યું. આટલો મોટો વહીવટ મૂકીને ક્યાંય જવાની એમની ઇચ્છા નહોતી, પણ મદદનીશ એમની ગેરહાજરીમાં કેવો વહીવટ ચલાવે છે એ જોવા માટે ભગવાન રજા પર ઊતર્યા. પોતાનો સંપૂર્ણ વહીવટ આ ત્રણ મદદનીશોને આપ્યો અને કહ્યું, ‘મેં તમને બધાને જુદી જુદી પ્રતિભાઓની ભેટ આપી છે. એના ઉપયોગ દ્વારા આ સૃષ્ટિનું સંચાલન કરજો.’

વેકેશન પૂરું કરીને ભગવાન પરત આવ્યા ત્યારે એ જાણવા ઉત્સુક હતા કે એમની ગેરહાજરીમાં એમણે નીમેલા મદદનીશોએ કેવો વહીવટ કર્યો છે? પોતાની પ્રતિભાઓ દ્વારા એમણે જગતનાં કલ્યાણ માટે કેવાં કાર્યો કર્યાં છે? ભગવાને પોતાના પ્રથમ મદદનીશને બોલાવ્યો અને પૂછ્યું, ‘મને એ જણાવ કે તે મારી ગેરહાજરીમાં શું કર્યું?’ મદદનીશે જવાબ આપતાં કહ્યું, ‘પ્રભુ, આપે મને જે પ્રતિભાઓ આપેલી હતી તે પ્રતિભાઓનો મેં ભરપૂર ઉપયોગ કરીને લોકોને જેટલી મદદ થઇ શકે એટલી મદદ કરી છે અને આ પ્રતિભાઓનો ઉપયોગ કરવાથી મને થોડી નવી પ્રતિભાઓ પણ મળી છે.’ ભગવાન તેના પર રાજી થયા અને એ મદદનીશ પાસે જેટલી પ્રતિભાઓ હતી એ બમણી થઇ જાય એવા આશીર્વાદ આપ્યા.

બીજા મદદનીશને બોલાવીને પ્રભુએ એને પણ એ જ પ્રશ્ન કર્યો. બીજા મદદનીશે કહ્યું, ‘પ્રભુ, આપે મને આવડી મોટી સૃષ્ટિના વહીવટની જવાબદારી સોંપી પણ એ માટે મને બહુ વધારે પ્રતિભાઓ નથી આપી. આમ છતાં મારી પાસે જે પ્રતિભાઓ હતી એનો ઉપયોગ કરીને મારો અને આપના સામ્રાજ્યનો વિકાસ કરવાનો પ્રયાસ કર્યો છે અને હું એમાં સફળ પણ રહ્યો છું.’ ભગવાન બીજા મદદનીશ પર પણ રાજી થયા અને એને પણ થોડી વધુ પ્રતિભાઓ ભેટમાં આપી.

ભગવાને ત્રીજા મદદનીશને બોલાવીને કહ્યું, ‘મેં તને સૌથી વધુ પ્રતિભાઓ આપેલી હતી તે એ પ્રતિભાઓનું શું કર્યું?’ ત્રીજા મદદનીશે જવાબ આપતાં જણાવ્યું, ‘પ્રભુ, હું જાણું છું કે આપ સર્વશક્તિમાન છો. આપ જ બધું કરો છો તો પછી મારે મારી બુદ્ધિ ચલાવવાની શું જરૂર? આપ કણમાંથી મણ કરવા સમર્થ છો. આથી મેં તો મારી બધી જ પ્રતિભાઓને જમીનમાં દાટી દીધી, જેથી તેમાંથી બીજી અનેક પ્રતિભાઓનો પાક મળે અને હું અનેક પ્રતિભાઓનો માલિક બનું.’ ત્રીજા મદદનીશનો જવાબ સાંભળીને ભગવાન પોતાનું કપાળ કૂટતાં બોલ્યા, ‘મુરખ મેં તને પ્રતિભાઓ ઉપયોગ કરવા માટે આપી હતી જમીનમાં દાટી દેવા માટે નહીં!’

***

ભગવાન જ્યારે દરેક માનવને આ ધરતી પર મોકલે છે ત્યારે એ એમના પ્રતિનિધિ તરીકે જ મોકલે છે અને ભગવાનના પ્રતિનિધિ તરીકે આપણે સારી રીતે કામ કરી શકીએ તેના માટે આપણને સુંદર પ્રતિભાની ભેટ પણ આપે છે. દરેકને કોઇ ને કોઇ આવડત આપીને એમના દ્વારા જગતને હર્યુંભર્યું અને મનમોહક બનાવવાની પ્રભુની ઇચ્છા હોય છે, પણ આપણે આળસમાં ને આળસમાં પ્રભુએ આપેલી પ્રતિભાની પ્રસાદીનો ઉપયોગ કરતા જ નથી.

આ જગતમાં કેટલાક લોકો તો પ્રભુભક્તિના નામે કામચોરી જ કરે છે. ત્રીજા મદદનીશની જેવી વિચારસરણી ધરાવતા આ લોકો ‘જે કંઇ કરશે તે પ્રભુ કરશે આપણે પ્રભુના કાર્યમાં શું વિક્ષેપ ઊભો કરવો’ એમ માનીને કામચોરીનો રસ્તો અપનાવે છે. આવા કામચોરો માટે જ ભગવાને શ્રીમદ્ ભગવદગીતામાં કર્મને જ યોગ ગણાવ્યો છે. ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કરીશું તો સમજાશે કે આપણા અવતારો અને ઋષિઓ પલાયનવાદી નહોતા. ભગવાને એમને જે કાર્ય માટે આ ધરતીની મુલાકાતે મોકલેલા હતા એ કાર્ય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવતા હતા. ભગવાને એમને જે જે ક્ષમતાઓ આપી હતી એ ક્ષમતાઓનો એને લોક કલ્યાણ માટે ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઋષિમુનિઓ એ ધ્યાન ભજન કરવાની સાથે-સાથે પોતાની આવડત પ્રમાણે સમાજની સેવાઓ પણ કરી છે. કોઇએ યંત્રવિજ્ઞાનમાં સંશોધન કર્યું તો કોઇએ આરોગ્યની બાબતમાં સમાજ માટે કંઇક કર્યું, કોઇએ ઉત્તમ સાહિત્યની રચના કરી તો કોઇને શિક્ષણસેવાઓ કરી આ દરેક પર પ્રભુની પ્રસન્નતા ઊતરી અને એમની પ્રતિભાઓ ભગવાને બમણી કરી આપી, કારણ કે એમને પોતાની પ્રતિભાઓનો લોકકલ્યાણ માટે યથાયોગ્ય ઉપયોગ કર્યો. આ બધા પહેલા પ્રકારના મદદનીશ જેવા છે.

કેટલાક લોકો એવા હોય છે જે પોતાની પ્રતિભાઓ ઉપયોગ માત્ર પોતાના વિકાસમાં જ કરે છે. સમાજના તમામ વર્ગને એની સેવાઓ મળતી નથી માત્ર જે વર્ગ એમની સેવાઓની કિંમત ચૂકવી શકે તે વર્ગને જ એમની પ્રતિભાઓ લાભ મળે છે. આજે સ્વનિર્ભર શાળાઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે એના માટે સરકારી શાળાઓમાં કામ કરતાં અપવાદરૂપ શિક્ષકોને બાદ કરતાં મોટાભાગના શિક્ષકોની કામચોરી જ જવાબદાર છે એ જગ આખું જાણે છે, તો બીજી તરફ કેટલીક સ્વનિર્ભર શાળાઓમાં ખૂબ સારા શિક્ષકો છે, પણ એમની સેવાનો લાભ માત્ર એ શાળાની ફી ભરવા સક્ષમ હોય એવા વિદ્યાર્થીઓ જ લઇ શકે છે. સ્વનિર્ભર શાળાઓ ઊંચી ફી લે કે સારા શિક્ષકો સ્વનિર્ભર શાળામાં ભણાવે એની સામે ક્યારેય વાંધો ન હોઈ શકે, પણ આ શાળાઓ અને શિક્ષકોએ બીજા એક વર્ગને જેમને એમની ફી પોસાતી ન હોય એમને પોતાની સેવાઓ મળે એવું કરવું જોઇએ, કારણ કે ભગવાને એમને આપેલી પ્રતિભાઓ જગતના કલ્યાણ માટે છે અને એમણે ભગવાનના મદદનીશ તરીકે કામ કરવાનું છે. જો કે હવે કેટલીક શાળાઓ અને શિક્ષકો સામાજીક જવાબદારી સમજીને આવાં કાર્યો કરે છે અને કેટલીક તો નિયમ પ્રમાણે ગરીબ બાળકોને પ્રવેશ આપવાની પણ ના પાડી દે છે.

ત્રીજો વર્ગ એવો છે જે પોતાની પ્રતિભાઓનો કોઇ ઉપયોગ જ નથી કરતો. આવો વર્ગ આ ધરતી માટે બોજારૂપ છે. ધર્મના નામે ભગવો પહેરીને પછી ભીખ માગવા સિવાય બીજુ કંઇ ન કરનારા પર ભગવાનને કેવો ગુસ્સો આવતો હશે? આ કામ ભગવાને કરવું જોઇએ એવો વિચાર વારે વારે આવે છે, પણ એ કામ એમના પ્રતિનિધિ તરીકે આપણે જ કરવાનું છે એવો વિચાર કેમ નથી આવતો?

પ્રભુએ આપણને સૌને કંઇક ને કંઇક પ્રતિભાઓ આપી છે જો તેનો સ્વવિકાસની સાથે-સાથે લોકકલ્યાણ માટે ઉપયોગ કરીશું તો ભગવાન રાજી થશે અને ‘જેવી ઈશ્વરની ઇચ્છા’ એમ કહીને બેસી રહીશું તો કપાળ કૂટશે.

(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)