સુખનું સરનામું:જીવનમાં કંઇક મેળવવું છે... તો પ્રયાસો ચાલુ રાખો! એક દિવસ ભગવાન પાસેથી આપણી ઇચ્છા મુજબની ગિફ્ટ ચોક્કસપણે મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એક માણસનું મૃત્યું થયું. ભગવાનના દૂતો એને તેડવા માટે આવ્યા. જીવન દરમિયાન ખૂબ સારાં કામો કરેલાં એટલે એને પૂર્ણ આદર સાથે દેવદૂતો પોતાની સાથે લઇ ગયા. પેલા માણસે દેવદૂતોને પૂછ્યું કે તમે મને ક્યાં લઇ જાઓ છો? દેવદૂતોએ કહ્યું કે, ભગવાન તારા કામને કારણે તને મળવા માટે આતુર છે. એટલે તને ભગવાન પાસે લઇ જઇએ છીએ. એક પછી એક દરવાજા પસાર કરતાં કરતાં દેવદૂતો આ માણસને લઇને આગળ વધી રહ્યા હતા. ત્યાં એક બહુ મોટું મેદાન આવ્યું. ભગવાનને મળવા માટે જઇ રહેલા માણસના પગ થંભી ગયા. એ તો આંખો ફાડીને મેદાનમાં ચારે બાજુ જોવા લાગ્યો. આ વિશાળ મેદાનમાં જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી જુદી-જુદી ભેટો સરસ મજાના રેપરમાં પેક થઇને પડી હતી. પેક થયેલી ગિફ્ટના ઢગલે ઢગલા હતા. રાક્ષસી કદની ભેટથી શરૂ કરીને સાવ નાની નાની ગિફ્ટના પાર્સલ પણ હતાં. પેલા માણસે દેવદૂતોને પૂછ્યું, 'આ બધું શું છે? આ રેપરમાં શું પેક કરેલું છે? આટલી બધી ગિફ્ટ કોને આપવાની છે?'

દેવદૂતે દુ:ખી હૃદયે જવાબ આપ્યો, 'ભાઇ આ રેપરમાં જુદી જુદી વસ્તુઓ છે. કોઇનામાં રૂપિયા છે તો કોઇનામાં બંગલો છે. કોઇ રેપરમાં નોકરી છે તો કોઇકમાં છોકરી પણ છે. પૃથ્વી પરના માણસોએ જે જે ઇચ્છાઓ કરી એ બધું જ આમાં પેક કરીને રાખ્યું છે.' પેલા માણસે આશ્ચર્ય સાથે પૂછ્યું, 'આ બધી જ ગિફટ ધરતી પરના માણસોને આપવાની છે તો પછી બધું અહીંયા કેમ રાખી મૂક્યું છે? એ કેમ કોઇને આપ્યું નથી?' દેવદૂતોએ સ્પષ્ટતા કરતાં કહ્યું, 'જેમણે જેમણે કંઇક મેળવવાનું નક્કી કર્યુ અને એ મેળવવા માટેના પ્રયાસ ચાલુ કર્યા એટલે ભગાવાને રાજી થઇને એમની ઇચ્છા પુરી કરવાનું નક્કી કર્યુ. લોકોને એમની ઇચ્છા મુજબની વસ્તુ આપવા માટે ભગવાને સરસ મજાનું ગિફ્ટ પેક તૈયાર કર્યું. ભગવાન આ ગિફ્ટ એમને આપે તે પહેલાં જ માણસે પોતાની ઇચ્છા મુજબની વસ્તુઓ મેળવવાના પ્રયાસ છોડી દીધા ભગવાને તૈયાર કરેલી આ ગિફ્ટ્સ અહીંયા જ પડી રહી છે. પૃથ્વી પરના માણસોએ જો થોડી વાર વધુ પ્રયાસ ચાલુ રાખ્યા હોત તો આ ગિફ્ટ અહીંયા નહીં પરંતુ પૃથ્વી પર હોત અને બધા લોકોને એમની ઇચ્છા મુજબનું મળી ગયુ હોત!'

આપણે પૃથ્વી પર રહેનારા માણસો છીએ અને એટલે આપણે બધા પણ આ જ ભૂલ કરીએ છીએ. જીવનમાં કંઇક મેળવવા માટેનો સંકલ્પ કરીને એ મેળવવાના પ્રયાસ પણ ચાલુ કરીએ છીએ. માત્ર પ્રયાસ જ કરીએ છીએ એવું નહીં, દિલથી એના માટે પુરુષાર્થ કરીએ છીએ. આપણા એ પ્રયાસો જોઇને ઉપરવાળો આપણા માટે આપણી ઇચ્છાઓ મુજબની વસ્તુઓનું પેકિંગ શરૂ કરી દે છે પણ આપણે ધીરજ રાખતા નથી અને થોડો સમય પ્રયાસો કર્યા પછી પણ જ્યારે ઇચ્છા મુજબનું ન મળે તો આપણા નસીબમાં નથી એમ માનીને પ્રયાસોને પડતા મૂકીએ છીએ. આ દુનિયામાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જેમણે આપણી જેમ જ ઇચ્છાઓને પૂરી કરવા માટે મહેનત કરી આપણને આપણી ઇચ્છા મુજબનું ન મળ્યું અને એમને એમની ઇચ્છા પ્રમાણેનું મળી ગયું... આવું કેમ બનતું હશે? આનું કારણ માત્ર એટલું જ છે કે આપણને કોઇ અડચણો આવી કે નિષ્ફળતા મળી તો હવે મારા ભાગ્યમાં નથી એમ માનીને મહેનત બંધ કરી અને અન્ય લોકોએ નિષ્ફળતાઓ મળવા છતાં મહેનત મૂકી દેવાને બદલે એમના પ્રયાસો ચાલુ રાખ્યા અને પરિણામે એ પોતાના કામમાં સફળ રહ્યા. સ્વામી વિવેકાનંદ કહે છે એમ જે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહે છે એ ચોક્કસપણે સફળતા મેળવે જ છે.

આ વાતને વધુ સરળતાથી સમજાવે એવી પંડિત મદનમોહન માલવિયાજીના જીવનની એક સરસ ઘટના છે. માલવિયાજીનું હિંદુ યુનિવર્સિટી બનાવવાનું એક સપનું હતું. આ માટે તેઓ ખૂબ મહેનત કરતા હતા. અનેક પ્રશ્નો અને પડકારોનો સામનો કરવો પડતો. દાન મેળવવા માટે એ ભારતભ્રમણ કરતા. શાહુકારો અને રાજા-મહારાજાઓને મળીને બનારસ હિંદુ યુનિવર્સિટી માટે દાન આપવા વિનંતિ કરતા. પંડીતજી દાન લેવા માટે હૈદરાબાદના નિઝામ પાસે ગયા. નિઝામને યુનિવર્સિટીની સ્થાપનાની વાત કરીને યથાયોગ્ય દાન આપવા માટે વિનંતિ કરી. નિઝામ તો એકદમ ચિડાઇ ગયા. પંડીતજીને મોઢામોઢ સંભળાવી દીધું, 'તમારી હિંમત કેવી રીતે થઇ મારી પાસે આવવાની? હિંદુ યુનિવર્સિટી માટે નિઝામ પાસે દાન માગતા પહેલાં કોઇ વિચાર પણ ન આવ્યો?' હજી તો પંડીતજી જવાબ આપે એ પહેલા ગુસ્સે ભરાયેલા નિઝામે પોતાના પગનું જૂતું કાઢીને પંડીતજી પર ફેંકી અને બહાર જતા રહેવાનું કહ્યું.

અપમાનિત થયેલા પંડીતજી નિઝામનું જૂતું પોતાની સાથે લઇને નિકળી ગયા. હૈદરાબાદના મુખ્ય બજારમાં જઇને લોકોને એકઠા કર્યા અને કહ્યું કે મારી પાસે નિઝામનાં બહુ સરસ જૂતાં છે અને મારે એની હરાજી કરવી છે. નિઝામનાં જૂતાં હોવાથી ખરીદનારાની સંખ્યા વધી અને ભાવ પણ ઉંચા બોલાવા લાગ્યા. નિઝામને આ બાબતના સમાચાર મળ્યા. નિઝામને લાગ્યુ કે જો પોતાનાં જૂતાં બીજા કોઇ ખરીદશે તો તેનું અપમાન ગણાશે. તેથી, ગમે તે કિંમતે જૂતાં ખરીદવાં એટલે તુરંત જ પોતાના એક ખાસ માણસને મોકલ્યો અને હરાજીમાં ભાગ લઇને ગમે તે ભાવે જૂતાં ખરીદી લેવાની સુચના આપી. માલવિયાજીએ બહુ ઉંચી કિંમતે નિઝામના જૂનતાં નિઝામના જ માણસને વેચ્યાં અને જે રકમ મળી એ રકમનો ઉપયોગ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કર્યો.

જીવનમાં નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરીએ ત્યારે અનેક પ્રકારનાં વિધ્નો અને પ્રશ્નો આવે પણ વિચલિત થયા વગર સતત પ્રયાસો ચાલુ રાખીએ તો સફળતા મળ્યા વગર રહે જ નહીં. થોમસ આલ્વા એડીસને વીજળીનો ગોળો બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. આમાં તેમને ઘણીવખત નિષ્ફળતાઓ મળી હતી. દરેક નિષ્ફળતામાંથી એક નવી પ્રેરણા લઇને એ ફરીથી પોતાનું કામ શરૂ કરતા. એમણે શરૂ કરેલા પ્રયાસો છોડ્યા નહીં. એના લીધે જ આજે આખુ વિશ્વ ઝળહળી રહ્યું છે. ભગવાન તો આપણી ઇચ્છા મુજબનું આપવા માટે તૈયાર જ હોય છે, આપણે શ્રદ્ધાવાન બનીને પ્રયાસો ચાલુ રાખવા જોઇએ.
(લેખક જાણીતા વિચારક અને વક્તા છે)

અન્ય સમાચારો પણ છે...