ટેક્નોહોલિક:ભારતમાં ફુલહાર લઇને જોવાઈ રહી છે ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર આવવાની રાહ, શું તમે ઈ-કારનું બુકિંગ કરાવ્યું?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યાદ છે, હર્મન બાવેજાનું એક મૂવી આવેલું? ન યાદ આવ્યો આ હીરો? અરે, પ્રિયંકા ચોપરા સાથે જે ફિલ્મો કરતો તે. એ બંનેનું એક મૂવી આવેલું – લવ સ્ટોરી 2050. એ ફિલ્મને તો જો કે ખુદ પ્રિયંકા યાદ કરવા નહીં માગતી હોય પણ એ ફિલ્મના ટ્રેલરના કેટલાક દૃશ્યોએ ખાસ્સું એટેન્શન મેળવ્યું હતું. એ દૃશ્યોમાં ઉડતી ગાડીઓ જોવા મળી હતી. હિન્દી ફિલ્મમાં ઉડતી કારના ફૂલ ફ્લેજ્ડ દૃશ્યો હોય એવી આ પહેલી ભારતીય ફિલ્મ હતી. આ ફિલ્મ આવી 2008માં. એ જ અરસામાં ભારતથી થોડાક હજાર કિલોમીટર દુર ઇલોન મસ્ક નામનો માણસ ટેસ્લા કંપની સ્થાપીને તે કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર રોડસ્ટર બનાવી રહ્યો હતો. 2008માં જ ટેસ્લાએ 147 ગાડીઓ બનાવી પણ 187 મિલિયન ડોલરનો ખર્ચો કર્યો. એ જ વર્ષે અમેરીકન સરકારના એક ખાતાએ ટેસ્લા કંપનીને 465 મિલિયન ડોલરની લોન આપી. હર્મન બાવેજા અને પ્રિયંકાની એ કહેવાતી સાઈ-ફાઈ લવ સ્ટોરીના લેખક-દિગ્દર્શકે જો થોડું વધુ સંશોધન અને વિચારવિમર્શ કર્યો હોત તો તેમણે 2050ના મુંબઈમાં ઉડતી ગાડીઓને બદલે ઇલેક્ટ્રિક ગાડીઓ બતાવી હોત કારણ કે, ભવિષ્ય એ જ છે. ટેસ્લા કાર ભારતમાં આવી રહી છે.

ટેસ્લા ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં પહેલ કરનારી પહેલી કંપની નથી. ટેસ્લા પહેલાં ઘણી કંપનીઓ ઇલેક્ટ્રિક કાર બનાવતી હતી અને વેચાણ પણ કરતી હતી. વીસમી સદીના એંશી-નેવુંના દસક માં તો અમેરીકામાં સોલાર પાવર્ડ કારની રેસ ટુર્નામેન્ટ પણ ઓર્ગેનાઈઝ થતી. આપણે સૌએ નાનપણથી સાંભળ્યું હશે કે ડ્રાઈવર વિનાની ગાડીઓ જલ્દી આવશે. જે હજુ સુધી આવી નથી. ટેસ્લા સહિત ઘણી બધી કંપનીઓ ઓટો-પાયલટ કાર બનાવવા પાછળ મચી પડ્યા છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર બનાવતી બીજી કંપનીઓ અને ટેસ્લા કંપની વચ્ચે એક મોટો ફરક હોય તો તે ફરકનું નામ છે- ઇલોન મસ્ક. બીજી કોઈ કંપની પાસે ઇલોન મસ્ક નામનો વિઝનરી ન હતો માટે ટેસ્લા આ હદે સફળ થઇ. દુનિયાનો લગભગ દરેક દેશ અત્યારે ટેસ્લા કંપનીને આવકારવા માટે ફૂલહાર લઈને ઉભો છે. પરંતુ ટેસ્લાએ 2016માં પ્રોમિસ આપેલું કે અમે ભારતમાં અમારી ગાડીઓ એક્સપોર્ટ કરશું. હવે ઇલોન મસ્ક બેંગલુરુમાં એક પ્રોડક્શન યૂનિટ પણ નાખશે. જો એ પ્રોજેક્ટ પાર પડશે તો આપણને મેડ ઇન ઇન્ડિયા ટેસ્લા કાર મળશે.

જ્યારથી વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ઇલેક્ટ્રિક કાર ટેસ્લાના પ્રણેતા ઇલોન મસ્કે ટ્વિટ કરી કે, ક્રિપ્ટો કરન્સી બીટકોઈનથી ટેસ્લા કાર ખરીદી શકાશે ત્યારથી બીટકોઈનના ભાવ આસમાનને આંબી ગયા છે...!! આ સમાચાર જ બતાવે છે કે વર્લ્ડ માર્કેટમાં અત્યારે ટેસ્લાનું કેટલું બધું વજન પડે છે. આમ, બીટકોઈન જેવી કરન્સી જેના ભાવ ઓલરેડી વધારે હોય એના ભાવ આસમાને લઈ જનાર ઇલેક્ટ્રિક કાર ટેસ્લા શું છે એના વિશે હવે ગલીનું બચ્ચે બચ્ચું જાણતું થઇ જશે.

પણ ટેસ્લાને ખાસ બનાવનારા પરિબળો કયા છે એની વાત આજે કરીએ. અત્યારે માર્કેટમાં અલગ-અલગ 20 ઇલેક્ટ્રિક કાર ઉત્પાદકો દ્વારા બનાવાતી 40 જેટલી ઇલેક્ટ્રિક કાર હાજર છે જેવી કે, ઓડી ઈ ટ્રોન, BMW i3, શેવરોલેટ બોલ્ટ EV, હોન્ડા ક્લેરિટી, હુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક, જગુઆર આઈ પેસ, કિયા નીરો EV, નિસાન લીફ, મિની કૂપર SE વગેરે વગેરે વગેરે. પણ આમાંથી મોટા ભાગની કંપની હાઈબ્રીડ કાર બનાવે છે. હાઈબ્રીડ કાર એટલે આપણી પાસે અત્યારની ગાડીઓ છે તે. પેટ્રોલથી પણ ચાલે અને સીએનજી કીટ ઇન્સ્ટોલ કરાવો તો એ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસથી પણ ચાલે. ટેસ્લાએ આજથી બે દાયકા પહેલા એવો બોલ્ડ નિર્ણય લીધો હતો કે, આપણે દહીં અને દૂધ બંનેમાં પગ નહીં રાખીએ. આપણે ફુલ્લી ઇલેક્ટ્રિક કાર બનાવીશું, જે વિજળી સિવાય બીજા એક પણ એનર્જી સોર્સથી ચાલે નહીં. ટેસ્લા એમાં સફળ થયું અને હવે વર્ષે દહાડે હજારો ગાડીઓ બનાવે છે, જે ફુલ્લી ઇલેક્ટ્રિક છે.

ગ્લોબલી ટેસ્લા કંપની એ 2020 સુધીમાં 5 લાખ કાર વેચી છે અને ટેસ્લાનું મોડેલ 3 વિશ્વનું સૌથી વધુ વેચાણ ધરાવતું પ્લગ ઈન મોડેલ છે. વિશ્વના સૌથી વધુ વેચાયેલા પ્લગ ઈન અને બેટરી ઇલેક્ટ્રિક પેસેન્જર કાર ઉત્પાદક તરીકે સ્થાન મેળવનાર ટેસ્લા ઈનકોર્પોરેશન એ અમરિકાના કેલિફોર્નિયા સ્થિત પાલો અલ્ટોમાં આવેલી ઇલેક્ટ્રિક વ્હીકલ અને ક્લીન એનર્જી કંપની છે. વર્ષ 2003માં ટેસ્લા કંપની સ્થપાઈ. મહાન વિજ્ઞાની નિકોલા ટેસ્લાને ટ્રીબ્યુટ આપવા માટે ઇલોન મસ્કે ટેસ્લા નામ પસંદ કર્યું. ઇલોન મસ્ક જેણે એ કંપની સ્થાપવામાં સૌથી મોટો નાણાકીય ફાળો આપ્યો એ વર્ષ 2008થી એના CEO છે.

ઇલોન મસ્કની વાત મુજબ, ટેસ્લાનો ઉદ્દેશ સોલાર પાવર અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા મળેલી ઉર્જાથી ટકાઉ વાહનોની સ્પીડ વધારવાનો છે. આ વિચાર દ્વારા દુનિયા બદલી નાખવાની દિશા તરફ ટેસ્લાએ એક ડગલું ભર્યું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ટેસ્લા કાર મેળવવા માટે ખૂબ રાહ જોવી પડે છે. અમેરીકામાં તેની ડિમાન્ડ એટલી છે કે ટેસ્લા સપ્લાય આપવામાં પહોંચી નથી વળતી. જો કે, અમેરીકાના નેવાડાના રણમાં લાખો ચોરસ મીટરની જગ્યામાં મોટું યૂનિટ ચણાઈ રહ્યું છે. જે વર્ષે દહાડે હજારોને બદલે લાખો ટેસ્લા મોડેલ કાર ઉત્પાદિત કરી શકે. જયારે આ બિલ્ડીંગ બની જશે ત્યારે તે દુનિયાનું સૌથી મોટું બિલ્ડીંગ બનશે એવું કહેવાય છે. તે યૂનિટ ગીગાફેક્ટરી કહેવાય છે. ઇલોન મસ્ક અને એની આખી કંપની પાસે અત્યારે સહેજે સમય નથી. તેઓ કંપનીને સતત વિસ્તારતા જાય છે અને હોંશિયાર માણસોને પોતાના સ્ટાફમાં ભરતી કરતા જાય છે.

ટેસ્લાને ટક્કર આપવા માટે જનરલ મોટર્સ, ફોર્ડ અને ટોયોટા મેદાને પડી છે. તેમણે પણ હાઈબ્રીડને બદલે ફુલ્લી ઇલેક્ટ્રિક કાર બનાવીને માર્કેટમાં મૂકવાનો નિર્ણય લીધો છે. જો કે, ભારતમાં ટાટાએ તો ઇલેક્ટ્રિક મોડેલ કાર વેચવાની ચાલુ પણ કરી દીધી છે. ઇલેક્ટ્રિક કાર તરફ બધી કંપનીઓ વળી રહી છે તેનું કારણ ટેસ્લા જ છે. ટેસ્લા કારનું ભારતમાં બુકિંગ શરૂ થઇ ગયું છે. ટેસ્લા કારના મુખ્ય ચાર મોડેલ છે. ચારેયના મોડેલના નામ આવા કંઇક છે: મોડેલ S, મોડેલ 3, મોડેલ X અને મોડેલ Y. ભારતમાં જે સૌથી પહેલું મોડેલ આવશે તે મોડેલ 3 હશે. જેની અમેરીકામાં કિંમત ચાલીસ હજાર ડોલર જેટલી છે. જો ભારતમાં કોઈને મોડેલ S કે મોડેલ X જોઈતા હોય તો તેના માટે અનુક્રમે દોઢ કરોડ અને બે કરોડ ચૂકવવા પડે.

હવે સવાલ થાય કે ઇલેક્ટ્રિક કાર આટલી મોંઘી કેમ? આશ્ચર્ય થશે પણ ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર ઇલેક્ટ્રિક કારની કેટેગરીમાં સૌથી સસ્તી છે. ઇલેક્ટ્રિક કાર મોંઘી હોવાનું મુખ્ય કારણ તેની બેટરી છે. મોડેલ S ચારસો માઈલ સુધી નોનસ્ટોપ ચાલી શકે. તેની હાઈબ્રીડ ચાર્જિંગ ફેસિલિટી ગણતરીના કલાકોમાં ગાડીને રીચાર્જ કરી નાખે. ટેસ્લા તો અમેરીકામાં ઠેર ઠેર ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરી રહી છે. જેમ ઇલેક્ટ્રિક કારનો ઉપાડ વધશે અને ભારત જેવા વિકાસશીલ દેશોમાં તે વપરાવવા લાગશે તેમ તેમ ગાડીની કિંમતમાં ઘટાડો થશે, ચાર્જિંગની સ્પીડ વધશે અને બેટરીની કેપેસિટી ઘટશે તથા પેટ્રોલ-ડીઝલ કારનો સૂર્ય આથમશે. બિલીવ ઇટ ઓર નોટ. જેમ અત્યારે બધાના હાથમાં મોબાઈલ છે એમ ભવિષ્યમાં દર બીજા ઘરે ઇલેક્ટ્રિક કાર હશે. ટેસ્લાની ઇલેક્ટ્રિક કારના ચારેય મોડેલ વિશે વિગતવાર પછી ક્યારેક ચર્ચા કરીશું.
mindequity@gmail.com
(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...