તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેક્નોહોલિક:વર્ચ્યુઅલ કમ્પ્યૂટર: હવામાં ચણાતા મહેલમાં રહેવાની સાચુકલી મજા!

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમાનો વર્ચ્યુઅલ વાસ્તવિકતાનો છે. વર્ચ્યુઅલ દોસ્તી, વર્ચ્યુઅલ સંબંધો, વર્ચ્યુઅલ સગાઇ, વર્ચ્યુઅલ લગ્નો વગેરે વગેરે. જો સજીવ ગણાતાં મનુષ્યને આ આભાસી દુનિયા માફક આવી ગઈ હોય તો નિર્જીવ ગણાતું મશીન એમાંથી બાકાત રહે? જી હા, કહેવાય છે કે આ અને આવતી સદી ફક્ત વર્ચ્યુઅલ સંબંધોની નહીં હોય પણ વર્ચ્યુઅલ કમ્પ્યૂટરની પણ હશે..!

તો વર્તમાન અને ભવિષ્ય જેનું છે એ વર્ચ્યુઅલ કમ્પ્યૂટર શું છે? વર્ચ્યુઅલ મશીન કે વર્ચ્યુઅલ કમ્પ્યૂટર શું છે એ જાણવાની કોશિશ કરીએ તો આઈટી કોલેજના ક્લાસરૂમમાં બેઠા હોઈએ ને પ્રોફેસર અઘરી ટર્મિનોલોજી વાપરીને સમજાવતા હોય એવું લાગે. એટલે આપણે અહીં સાવ સરળતાથી સમજીએ. 'કર્ઝ' ફિલ્મમાં કે 'ઓમ શાંતિ ઓમ'માં વિલનની સામે સ્કિટ દ્વારા આખો ભૂતકાળ રજૂ કરવામાં આવે. એટલે કે આપણે જે ફિલ્મ જોતા હોઈએ એ ફિલ્મની વાર્તામાં જ એક બીજું નાટક ભજવાય. એ નાટકને વર્ચ્યુઅલ કમ્પ્યૂટર કહી શકાય! આવો કોન્સેપ્ટ શેક્સપિયરે સૌથી પહેલાં પ્રખ્યાત કર્યો હતો. 'પ્લે વિધિન અ પ્લે' અર્થાત નાટકની અંદર નાટક. વર્ચ્યુઅલ કમ્પ્યૂટર પણ આ જ રીતે આપણી કમ્પ્યૂટર સિસ્ટમમાં રહીને એક અલગ કમ્પ્યૂટરની જેમ કામ કરી શકે.

વર્ચ્યુઅલ કમ્પ્યૂટર એક ફાઇલ છે જેની પાસે પોતાની મેમરી છે, જેની પોતાની અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે પોતાની રીતે પ્રોસેસ કરીને આઉટપુટ આપે છે. વર્ચ્યુઅલ કમ્પ્યૂટરને વર્ચ્યુઅલ મશીન પણ કહેવાય છે. આની જરૂર શું પડે? રોજબરોજના એક સાદા ઉદાહરણ દ્વારા સમજીએ. લગભગ બધા ટ્રુ-કોલર વાપરે છે. ટ્રુ-કોલર એપ્લિકેશન ડેટા કલેક્શન કરે છે. જેમ કે, એક વ્યક્તિના ફોનમાં એક નંબર વીણા માસીના નામે સેવ છે. એ જ નંબર બીજી વ્યક્તિના ફોનમાં વીણા બહેનના નામે સેવ છે. ટ્રુ-કોલર તો જેણે પહેલાં નંબર સેવ કર્યો હોય અથવા તો જેણે પહેલાં ઓથેન્ટિક રજિસ્ટ્રેશન કારવ્યું હોય એ જ નામ બતાવે. પણ માની લઈએ કે, જુદા-જુદા મોબાઈલ ડિવાઇસમાં સેવ થયેલા આ નંબરનું પ્રોસેસિંગ કરવામાં આવે અને એક સોફ્ટવેર પૃથ્થકરણ કરીને એવું સાબિત કરી આપે કે આ નંબર વીણા પટેલનો છે તો? તો એ સોફ્ટવેર વર્ચ્યુઅલ કમ્પ્યૂટર હશે કારણ કે, બધા જ મોબાઈલ ફોન તો જુદા-જુદા છે અને પણ એ જુદા-જુદા મોબાઈલ ફોનને સાંકળીને તેનો ડેટા પ્રોસેસ કરીને એનું એનાલિસિસ કરવામાં આવે છે.

તો જ્યાં આ એનાલિસિસ થાય છે એ હોસ્ટ કમ્પ્યૂટર કહેવાય. જે જે ડિવાઇસ કે કમ્પ્યૂટરનો ડેટા લેવામાં આવે છે એ ગેસ્ટ છે. આમ ગેસ્ટ અને હોસ્ટની જુગલબંધી વર્ચ્યુઅલ મશીનમાં રચાય. હોસ્ટ એક હોય પણ ગેસ્ટ કમ્પ્યૂટર એક કરતાં વધુ હોઇ શકે. બધા જ ગેસ્ટ હોય એવી પણ સિસ્ટમ ડેવલપ થઈ શકે. આમાં ટાઈમ-શેરિંગનો ફંડા પણ છે કે એક કરતાં વધુ કમ્પ્યુટેશનલ ડિવાઇસ વચ્ચે કામની વહેંચણી થઈ જાય અને કામ પણ એક કરતાં વધુ મશીનોનું થાય.

વર્ચ્યુઅલ મશીનનું એવું છે કે જેમાં બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ એક જ મોટા વર્ચ્યુઅલ મશીન મતલબ કે વર્ચ્યુઅલ કમ્પ્યૂટરમાં હોય છે. ટેક્નિકલી જોવા જઈએ તો વર્ચ્યુઅલ મશીનની પોતાની રેમ, હાર્ડ ડ્રાઇવ અને પ્રોસેસર છે. રોજેરોજ લેપટોપ કે ડેસ્કટોપ વાપરનારાઓને રેમ, હાર્ડ ડ્રાઇવ અને પ્રોસેસર કઈ બલાનું નામ છે એ ખબર જ છે. તો વર્ચ્યુઅલ મશીન પર તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ જેમ કે વિન્ડોઝ, લિનક્સ, એપલ મેક OS, ગૂગલ એન્ડ્રોઇડ OS એકસાથે ઇન્સ્ટોલ કરી શકો છો. સાદી અને સરળ ભાષામાં કહેવું હોય હોય તો તે એક પરફેક્ટ ગુજરાતી થાળી છે, જેમાં દાળ, ભાત, શાક, રોટલી,પાપડ, કચુંબર અને અથાણું બધું હોય..! હવે તમને થશે કે એકસાથે કોમ્પ્યુટરમાં આટલી બધી સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાનો મતલબ શું?

તો કેટલીક કંપનીઓને અલગ અલગ ઓપરેટિવ સિસ્ટમની જરૂર પડતી હોય છે જેમ કે, લિનક્સ, વિન્ડોઝ વગેરે...અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા અલગ-અલગ કમ્પ્યૂટરની જરૂર પડે અને અહીં જ વર્ચ્યુઅલ કમ્પ્યૂટર બાજી મારી જાય છે. વર્ચ્યુઅલ મશીન એવી સિસ્ટમ છે, જે એક વખત સોફ્ટવેરમાં ઇન્સ્ટોલ કરી દો પછી એક જ કમ્પ્યૂટરમાં તમે લિનક્સ, વિન્ડોઝ અને જેટલી જોઈએ એટલી ઓપેરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકશો, જે તમારી સિસ્ટમની એફિશિયન્સી વધારે છે અને મેન્ટેનન્સ કિંમત પણ ઘટાડે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિસિટી અને કૂલિંગનો ખર્ચ પણ ઘટાડે છે.

કમ્પ્યૂટર આર્કિટેક્ચર નામની એક અલગ શાખા છે. જેની અંદર હાર્ડવેર અને સોફ્ટવેરની ગૂંથણી થાય છે. જેમાં વર્ચ્યુઅલ કમ્પ્યૂટરનું નિર્માણ થઈ શકે છે. લોકોને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાની એટલી બધી જરૂર છે કે તેની જાળવણી અને વિકાસ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જ પડશે. જો કે, વર્ચ્યુઅલ કમ્પ્યૂટરનો પહેલો ફાયદો જ એ છે કે એમાં ચોક્કસ નિશ્ચિત પ્લેટફોર્મની જરૂર નથી. તેનો ફાયદો એ કે મેમરી ઓવર કમિટમેન્ટના ઇશ્યૂમાં સરળતા રહે. એક જ સરખી ફાઇલ બે જુદા જુદા ડેસ્કટોપમાં હોય તો વર્ચ્યુઅલ કમ્પ્યૂટર તેને ડિલીટ કર્યા વિના મેમરી ખાલી કરી શકે. વાઇરસના એટેક સામે કે એન્ટી-વાઇરસ સોફ્ટવેરના ટેસ્ટિંગમાં પણ વર્ચ્યુઅલ કમ્પ્યૂટિંગ સિસ્ટમનો ખૂબ વપરાશ કરી શકાય.

પેરેલલ વર્કસ્ટેશન કે એક જ ઓપરેટિંગ સિસ્ટમ માટે એક કરતાં વધુ સમાંતર ડેસ્કટોપ ચલાવવા હોય તો વર્ચ્યુઅલ મશીનનો ઉપયોગ થઈ શકે. મોટાભાગે જાવા લેન્ગવેજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સોફ્ટવેર એનાલિસિસ માટે સૌથી વધુ વર્ચ્યુઅલ મશીનનો ઉપયોગ થાય છે.

આ ઉપરાંત બીજા પણ કેટલાક ફાયદા મળે છે:

  1. પાંચ અલગ-અલગ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવવા પાંચ કમ્પ્યૂટરની જગ્યાએ એ એક જ કમ્પ્યૂટર જોઈએ, જે સરવાળે કોસ્ટ બાબતે સસ્તું પડે છે.
  2. પાંચ કમ્પ્યૂટરનું કામ એક જ કમ્પ્યૂટર કરે છે જે ઉત્પાદકતા વધારે છે.
  3. સરળ ડેટા સેન્ટર મેનેજમેન્ટ
  4. જે નાની-નાની કંપનીઝ કે સ્ટાર્ટઅપ્સ ક્લાઉડ વાપરતી હોય એમને આખી ઓપેરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ નથી કરવી પડતી પણ એ બધા VMware, ગૂગલ, માઈક્રોસોફ્ટ જેવી કંપની પાસેથી આ વર્ચ્યુઅલ મશીન ભાડે લઇ શકે છે, જે કોસ્ટ કટિંગની રીતે ખૂબ જ ફાયદાકારક છે.

આ સિસ્ટમ ઈમ્પ્લિમેન્ટ કરવાનો ખર્ચ ઊંચો હોઈ શકે છે એ એક જ ગેરફાયદો છે. આ સિસ્ટમના બાકી ફાયદા જ ફાયદા છે. તો આ વર્ચ્યઅલ કમ્પ્યૂટર ક્યાં-ક્યાં વપરાય છે એ સવાલ થવો સ્વાભાવિક છે તો જવાબ એ છે કે એ ક્યાં નથી વપરાતું? ડેટા સેન્ટર્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલિંગ્સ, હોસ્પિટલ્સ દરેક જગ્યાએ વર્ચ્યુઅલ કમ્પ્યૂટર્સ વપરાય છે. અત્યારે જમાનો ક્લાઉડ કમ્પ્યૂટિંગનો છે, તો જે જે કંપનીઝ ક્લાઉડ વાપરતી હોય ત્યાં બધે આ વર્ચ્યુઅલ મશીન્સ હોવાના જ!

આ વર્ચ્યુઅલ મશીન્સ બનાવતી કંપનીઝમાં શિરમોર છે VMware. કોઈપણ ડેટા સેન્ટર હોય કે એવિએશન કંપની હોય કે હોસ્પિટલ્સ, એ દરેક એ દરેક જગ્યાએ VMwareનાં મશીન વપરાય છે. બીજી જે જાણીતી કંપનીઝ વર્ચ્યુઅલ મશીન્સ બનાવે છે એમાં છે ગૂગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, ઓરેકલ વગેરે વગેરે છે. આમ દરેક મોટી કંપનીને વર્ચ્યુઅલ મશીન્સ બનાવવામાં ઘી કેળાં દેખાય છે અને એ જ બતાવે છે કે એનું ભવિષ્ય શું છે..!! mindequity@gmail.com

(લેખિકા સિલિકોન વેલી, અમેરિકા સ્થિત એક મલ્ટિનેશનલ ટેક. કંપનીમાં કાર્યરત છે અને ટેક્નો-ઇન્થ્યૂસિએસ્ટ છે)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો