તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદવાણી:વેદ અને વેદવ્યાસ: વેદ એટલે જ્ઞાન અને વ્યાસ એટલે વિસ્તાર, જેણે જ્ઞાનનો વ્યાપ વધાર્યો તે વેદવ્યાસ!!

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહર્ષિ વેદવ્યાસ ભારતની જ્ઞાનગંગાને જનજન સુધી પહોંચાડનાર ભગીરથ છે. મહર્ષિ વેદવ્યાસ સનાતન ધર્મનો વિચારવડલો છે, જેની વડવાઇએ અને ડાળીએ ડાળીએ પાંગર્યા અનેક શાસ્ત્ર અને વિદ્વાન! વાચક મિત્રો! વેદવાણી શરૂ કરી ત્યારે તમને વચન આપ્યું હતું કે વેદના ગંભીર તત્ત્વજ્ઞાન સાથે આપણે કેટલાંક રસપ્રદ જીવનચરિત્રો પણ જોઇશું, ખરું ને? તો ચાલો આજે મહર્ષિ વેદ વ્યાસ વિશે જાણીએ.

મહર્ષિ વેદવ્યાસે વેદમંત્રોનો કડક તપસ્યાથી અભ્યાસ કર્યો અને વ્યવસ્થિત રીતે જુદા જુદા ભાગોમાં વહેંચ્યા. તેમણે પોતાના ચાર શિષ્યો -પૈલને ઋગ્વેદ, વૈશમ્પાયનને યજુર્વેદ, જૈમિનિને સામવેદ અને સુમન્તુને અથર્વવેદ ભણાવ્યો. આ શિષ્યોની કુળપરંપરાથી વેદોની જાણવણી થઇ. એ કેવું અદ્ભૂત છે કે હજારો વર્ષ પહેલાંના મંત્રો આજે પણ શુદ્ધ અવસ્થામાં આપણી સાથે છે! તેનો જશ કોઇ એક વ્યક્તિને આપવો હોય તો મહર્ષિ વેદવ્યાસને આપી શકાય. આજે પણ રામાયણ કે ભાગવત કથાની વેદીને વ્યાસપીઠ કહે છે. તે શા માટે?

મહર્ષિ વેદવ્યાસનો પરિચય
પરંપરા અનુસાર મહર્ષિ વેદ વ્યાસને પરાશર મુનિ અને સત્યવતી (મત્સ્યગંધા)ના પુત્ર માનવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ પાવન યમુના નદીના કોઇ બેટ (દ્વીપ)માં થયેલો એટલે તેમને દ્વૈપાયન અને તેમના શરીરનો રંગ શ્યામ હોવાને લીધે તેમને કૃષ્ણ; બંને વિશેષતાઓને લીધે કૃષ્ણ દ્વૈપાયન કહે છે. બદરીવનમાં તેમણે તપસ્યા અને નિવાસ કર્યો હતો. તેથી, તેમનું ઉપનામ બાદરાયણ છે. વળી, તેમણે વેદોનો વિસ્તાર કર્યો એટલે વેદવ્યાસ કહે છે.

વેદવ્યાસનો મહિમા
મહર્ષિ વેદવ્યાસના દિવ્ય વ્યક્તિત્વની સ્તુતિ કરતો શ્લોક છે; 'નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે, ફુલ્લારવિન્દાયતપત્રનેત્ર; યેન ત્વયા ભારતતૈલપૂર્ણ: પ્રજ્જ્વલિતો જ્ઞાનમય: પ્રદીપ!.' એટલે કે, પૂરા ખીલેલા કમળ જેવા જેમના સુંદર નયનો છે, જેમની બુદ્ધિ ઘણી વિશાળ છે; ભારત (મહાભારત) રૂપી દિવેલથી જ્ઞાનના દીપકને જલતો રાખનાર ભગવાન વ્યાસને વંદન! બીજા એક શ્લોકમાં કહે છે; 'અચતુર્વદનો બ્રહ્મા, દ્વિબાહુરપરો હરિ: અભાલલોચન: શમ્ભુર્ભગવાન્ બાદરાયણ:!' ચાર માથાં ન હોવા છતાં જે બ્રહ્મા છે, બે હાથ હોવા છતાં જે હરિ છે, કપાળમાં ત્રીજી આંખ ન હોવા છતાં જે શંભુ છે, એવા ભગવાન બાદરાયણને વંદન!

શ્રીમદ્ભાગવત મહાપુરાણમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર ગણવામાં આવ્યા છે. દેવી સરસ્વતી સાથે તેમની સ્તુતિ કરતાં કહે છે, 'નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્, દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત્.' વેદવ્યાસજીને અમર માનવામાં આવ્યા છે. બાળકના જન્મદિને આશિર્વાદ આપવા સાત ચીરંજીવીઓ અશ્વત્થામા, બલિરાજા, વ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામને યાદ કરવામાં આવે છે, તેમાં પણ ભગવાન વેદવ્યાસજીનો સમાવેશ થાય છે.

મહાભારત અને વેદવ્યાસ
ભારતના બે અમર ઈતિહાસગ્રંથો (મહાકાવ્યો)માં રામાયણ અને મહાભારતનો સમાવેશ થાય છે. રામાયણની રચના મહર્ષિ વાલ્મીકિએ અને મહાભારતની વેદવ્યાસજીએ કરી. બંને વચ્ચે એક સુંદર સમાનતા એ છે કે બેઉ જે તે ઘટનાના સાક્ષી અને વક્તા છે. એટલે તેમણે કરેલાં વર્ણનને આજે પણ એટલી જ શ્રદ્ધાથી માનવામાં આવે છે.

વેદવ્યાસ પોતે કુરુકુળના વડીલ છે. સત્યવતી (મત્સ્યગંધા) વ્યાસજીને જન્મ આપીને પરાશર મુનિની કૃપા વડે ફરીથી કુમારી બન્યા. તેમના વિવાહ હસ્તિનાપુરના મહારાજા શાંતનુ સાથે થયા. શાંતનુના વંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો અનુક્રમે કૌરવો અને પાંડવો કહેવાયા. જેમની વચ્ચે થયેલ મહાયુદ્ધ એટલે મહાભારત. ગીતા મહાભારતનો ભાગ છે, જેમાં વેદ અને ઉપનિષદના ઊંડા તત્ત્વજ્ઞાનનો વ્યવહારુ સારાંશ છે. મહાભારતમાં વિદુરનીતિ, સનત્સુજાતીય અને બાણશય્યા પર સૂતેલા ભીષ્મ પિતામહ દ્વારા યુધિષ્ઠિરને સુસાશનનો ઉપદેશ જેવા અનેક સંવાદો છે.

મહાભારતની રચના અંગે એક કથા છે. ભગવાન વેદવ્યાસ યાદ કરે પણ તેને કલમ વડે કાગળ પર કોણ ઉતારે? તેમણે ભગવાન ગણેશનું સ્મરણ કર્યું. ગણેશજી સંમત થયા પણ તેમણે શરત મૂકી કે લખવામાં તેમને વિક્ષેપ ન પડવો જોઇએ. વ્યાસજીએ સામી શરત મૂકી કે ગણેશજીએ સમજીને જ લખવું! ગણેશજીની લખવાની સ્પીડ બહુ જબરી. એટલે વેદવ્યાસજી વચ્ચે વચ્ચે કોઇ અઘરો શ્લોક મૂકી દે. ગણપતિ વિચારે ચઢે ત્યાં પોતે આગળની ઘટના વિચારી કાઢે!

શ્રીમદ્ભાગવત મહાપુરાણ અને વેદવ્યાસ
વેદોના વિસ્તાર અને મહાભારત જેવા મહાગ્રંથની રચના પછી પણ મહર્ષિને સંતોષ નહોતો થયો. મન હજુ વ્યાકુળ હતું. તે સમયે દેવર્ષિ નારદ મળે છે. નારદજી ભગવાન શ્રીકૃષ્ણની અવતારલીલાને લખવા કહે છે. વ્યાસજી બાર સ્કંધ અને ચોવીસ હજારથી વધુ શ્લોકો વાળા ભાગવતપુરાણની રચના કરે છે. તમે માનશો? ભાગવતના ચોવીસ હજાર શ્લોકોમાંથી દસ હજારથી વધુ શ્લોકોમાં કનૈયાની બાળલીલા છે. શ્રીમદ્ભાગવતમાં ગાઇ શકાય તેવી અનેક સુંદર સ્તુતિઓ છે. ગોપીગીત અને રાસપંચાધ્યાયી તો અદ્ભૂત છે. વેદની અઘરી વાતોને ન સમજી શકતા સામાન્ય માણસ સારુ એ જ તત્ત્વજ્ઞાનને મધુર ભક્તિરસમાં ઓગાળીને રજૂ કર્યું છે. એટલે ભાગવતજીને ‘વેદ-કલ્પવૃક્ષના પાકેલાં ફળ”ની ઉપમા આપવામાં આવે છે.

અઢારેય પુરાણોમાં સૌથી લોકપ્રિય શ્રીમદ્ભાગવતને મહાપુરાણ કહે છે. પ્રેમ અને આનંદથી છલકાતા શ્રીકૃષ્ણલીલામૃતના પાનથી વેદવ્યાસજીને શાંતિ મળી. તેમણે પોતાના પુત્ર શુકદેવજીને ભાગવત ભણાવ્યું. પરમ સંન્યાસી શુકદેવજીએ અર્જુનના પૌત્ર મહારાજા પરીક્ષિત સમક્ષ ભાગવતનું મધુર ગાન કર્યું અને તેમનો ઉદ્ધાર કર્યો. હજારો વર્ષથી ભારતમાં ગામેગામ ગવાતા ભાગવતજીની આ હતી પ્રથમ પારાયણ અને આવા મહાન હતા વક્તા-શ્રોતા!

વેદવ્યાસ અને આદિ શંકરાચાર્ય
સનાતન પરંપરાના સ્થાપક જગદ્ગુરુ આદિ શંકરાચાર્યના જીવનમાં ભગવાન વેદવ્યાસનો રસપ્રદ સંયોગ છે. આદિ શંકરાચાર્ય માત્ર બત્રીસ વર્ષ ધરતી પર રહ્યા અને મહાન યુગકાર્ય કર્યું. જો કે, તેમનું મૂળ આયુષ્ય તો માત્ર સોળ વર્ષનું જ હતું. માત્ર બાર વર્ષની આયુમાં આદિ શંકર વેદ-શાસ્ત્રોમાં પારંગત થઇ વારાણસી (કાશી) ગયા. ત્યાં તેઓ વેદના વિદ્વાનો સાથે ચર્ચા કરતા. એ દરમિયાન તેમને એક વૃદ્ધ સંન્યાસી મળ્યા. બંને શાસ્ત્રાર્થ કરે છે. યુવા શંકરાચાર્યની વિદ્વતાથી પ્રસન્ન થઇ સંન્યાસી પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કરે છે. એ હતા ભગવાન વેદવ્યાસ!

વેદવ્યાસ શંકરાચાર્યને કહે છે કે તેમની આયુ માત્ર સોળ વર્ષની છે પણ તેમણે હજુ ઘણું મોટું કામ કરવાનું છે. એટલે પોતાના યોગબળથી ભગવાન વેદવ્યાસ તેમને વધુ સોળ વર્ષનું આયખું આપે છે. સાથે એ પણ વચન લઇ લે છે કે બાકીના જીવન દરમ્યાન આદિ શંકર ભારતમાં પરિભ્રમણ કરી સનાતન ધર્મમાં પેસી ગયેલા પાખંડ અને અંધશ્રદ્ધાને દૂર કરી ધર્મનો ઉદ્ધાર કરશે. આદિ શંકરાચાર્ય તેમને વચન આપે છે અને પૂરેપૂરું પાળી બતાવે છે.

ભગવાન આદિ શંકરાચાર્યના જીવનની આ ઘટનાથી ભગવાન વેદવ્યાસ ચિરંજીવી હોવાની સાબિતી મળે છે. આટલું જ નહીં, સુપાત્ર વ્યક્તિને તેમનો સત્સંગ થાય તેવી ખાતરી આપે છે. વળી, વેદ-ઉપનિષદનું જ્ઞાન કેટલાક વિદ્વાનો પૂરતું મર્યાદિત ન રહે પણ જનસાધારણ સુધી પહોંચે અને જીવનમાં ઉતરે. આવો સતત પ્રયાસ કરતા રહે છે, મહર્ષિ વેદવ્યાસ!

આજનું અમૃતબિંદુ: મહર્ષિ વેદવ્યાસના જીવનનો સાર એ છે કે જ્ઞાનનો વિસ્તાર થવો જોઇએ. તે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચવું જોઇએ. જ્ઞાન (Knowledge) એકલું પૂરતું નથી. તેની સાથે કર્તવ્ય (Action) અને ભક્તિ-સમર્પણ (Dedication) પણ એટલાં જ જરૂરી છે. જો શિષ્યભાવે લેવા તૈયાર હોઇએ તો જ્ઞાનનું અમૃત પીરસવા અને આપણા મારફતે જનકલ્યાણનું કામ કરવા મહર્ષિ વેદવ્યાસજી સતત સાથે છે!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)