વેદવાણી:વેદ: સતત વધતો અમર વિચારવડલો અને વિજ્ઞાનનો અખૂટ ખજાનો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

વેદ તો જીવતો અને સતત વધતો રહેતો વિચાર વડલો છે! તમે કહેશો કે મેં તો વેદ ભણ્યું નથી અને મોટાભાગના યુવાઓ વેદ વિશે કંઈ જાણતા નથી. તો પછી વેદને જીવતું ધબકતું તત્ત્વજ્ઞાન કઇ રીતે કહી શકાય? ખરું ને? મિત્રો! આપણા વ્યક્તિગત અને સમાજજીવનની એકપણ સ્વસ્થ પરંપરા એવી નથી કે જેમાં વેદ-ભગવાનનો ચમત્કારિક સ્પર્શ ન હોય!

વેદવાણીના છેલ્લા બે અંકોમાં આપણે મહર્ષિ વશિષ્ઠ અને વિશ્વામિત્રના પ્રેરક અને રસપ્રદ જીવનચરિત્રો જોયાં. આજે વેદ-સાહિત્યનાં જુદા-જુદા ભાગોનાં દર્શન કરીએ. જેનાથી વેદની વિશાળતાનો સૌને ખ્યાલ આવી શકે.

વેદ માટે શ્રુતિ, આમ્નાય અને ત્રયી એમ ત્રણ ઉપનામ વપરાય છે. ત્રણેય શબ્દોનો સુંદર અર્થ છે. શ્રુતિ એટલે સાંભળેલું. કલ્પના કરો કે વેદના વિશાળ સાહિત્યને ગુરુશિષ્ય પરંપરામાં સાંભળીને જાળવવામાં આવ્યું છે. એક માત્રાના કે શબ્દના ફેરફાર વગર અને તે પણ હજારો વર્ષ સુધી! આ પોતે કેટલી મોટી વિસ્મયકારક વાત છે? આજે કોઇ એક જગ્યાએ ઘટના બને કે વાત થાય અને ફરતી ફરતી સામાન્ય માણસ સુધી પહોંચે ત્યાં સુધીમાં તો વાતનું વતેસર થઇ ગયું હોય છે! તેની સામે વેદમંત્રોને જેમના તેમ જાળવવાની આ મહાન ઘટનાને વર્લ્ડ હિસ્ટ્રી ઓફ નોલેજ- વિશ્વના જ્ઞાનના ઇતિહાસમાં સ્થાન મળવું જોઇએ, ખરું ને? ઋષિકુળો દ્વારા ખંતપૂર્વક પરિશ્રમ દ્વારા વેદમંત્રોની રક્ષા થઇ છે. એટલે તેને આમ્નાય કહે છે. વળી, વેદમંત્રોના ત્રણ પ્રકાર છે; ઋક્, સામ અને યજુષ્. એટલે તેને વેદત્રયી કહે છે. આ ત્રણ પ્રકારના મંત્રો આપણા ચાર વેદો- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં છે.

જ્ઞાનકાંડ અને કર્મકાંડ પાછળનું મનોવિજ્ઞાન
વેદનું મૂળ લક્ષ્ય આધ્યાત્મિક ઉત્કર્ષ છે. આપણા શરીરરથમાં આત્મા સૌથી અગત્યનું પરિબળ છે. તેના પછી ઉતરતા ક્રમમાં બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો આવે છે. જો કે, આત્મા અને બુદ્ધિ અને મન સૂક્ષ્મ છે. સ્થૂળ આંખે જોઇ શકાય તેમ નથી. એટલે આપણે સ્વાભાવિક રીતે ઊલટા ક્રમમાં ગાડી દોડાવ્યે રાખીએ છીએ. ઋષિ મનોવિજ્ઞાનના ઊંડા અભ્યાસુ છે. એટલે તેમણે અધ્યાત્મ ઉપર ભાર મૂક્યો. જો કે, સાવ એવું પણ નથી કે તેમણે ભૌતિક પાસાંની સાવ ઉપેક્ષા કરી છે. વેદનું આધ્યાત્મિક જ્ઞાન માનવજીવનની ભૌતિક અને ભાવનાત્મક બાજુઓને સંતુલિત કરે છે. તેના માટે યજ્ઞોની વિભાવના આપી. આપણે આગળ જોઇ ગયા છીએ તેમ યજ્ઞ એટલે પરમાર્થલક્ષી સત્કાર્ય. માણસ માટે સ્વાર્થ પણ સ્વાભાવિક ખેંચાણ છે. એટલે યજ્ઞ દ્વારા માણસની પ્રવૃત્તિઓને યોગ્ય દિશા આપવાનો પ્રયાસ થયો છે.

યજ્ઞનો આધુનિક ભાવાર્થ તો આપણે જોયો. વેદની મૂળ યજ્ઞ પરંપરા પણ રસપ્રદ છે. તેમાં ચાર પ્રકારના ઋત્વિજો હોય છે. જેને હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા કહેવામાં આવે છે. વાસ્તવમાં આ ચાર કાર્ય માટે વેદમંત્રોને જુદા જુદા ચાર સંગ્રહમાં મૂકવામાં આવ્યા છે. હોતાવર્ગ (હોમ કરનાર) માટેના ઋક્ મંત્રોને ઋગ્વેદ, યજ્ઞના અનુષ્ઠાનનું આયોજન કરનાર અધ્વર્યુ માટે યજુર્વેદ, વેદમંત્રોના છંદબદ્ધ ગાન કરનાર ઉદ્ગાતા માટે સામવેદ અને યજ્ઞમાં ક્ષતિ ન રહી જાય તે જોવાનું કામ કરતા બ્રહ્મગણ માટે અથર્વવેદ. અથર્વ શબ્દનો અર્થ જ છે, 'ભૂલો સુધારીને કામને સારી રીતે કરવું!' તમે આધુનિક મેનેજમેન્ટના સંદર્ભમાં આ ચારેયને મૂલવી શકો. જેમ કે, ગ્રાસરૂટ ફિલ્ડ વર્કર, સુપરવાઇઝર, મોટિવેટર અને ટોપ મેનેજમેન્ટ!

વેદનો શાખા વિસ્તાર
વેદ જ્ઞાનવિજ્ઞાનનો અખૂટ ખજાનો છે. તેનો વિસ્તાર એટલો મોટો છે કે માત્ર યાદી બનાવવા બેસીએ તો પણ થાકી જવાય. જો કે, આપણી આ મહાન પરંપરા અંગે આત્મગૌરવ કેળવાય એ હેતુથી કેટલીક રસપ્રદ વાતો ચૂંટીને મૂકી છે.

તમે કબીરવડ જેવા કોઇ મોટા વડલાને જુઓ તો વડવાઇઓ અને ડાળીઓમાં એટલા ગુંચવાઇ જાઓ કે તેનું થડ અને મૂળ તો જડે જ નહીં! આવું વેદરૂપી વટ્ટવૃક્ષનું પણ છે. અહીં રસપ્રદ સરખામણી એ છે કે, ઋષિએ વેદના વિસ્તારને શાખાઓમાં વહેંચ્યો છે. શાખા એટલે ડાળી. વેદ-સંસ્કૃતિનો વિકાસ થતો ગયો તેમ-તેમ વિવિધ ઋષિકુળોમાં અભ્યાસની શાખાઓની પરંપરા વહેતી થઇ. ઋગ્વેદની 21 શાખા, યજુર્વેદની 101 શાખા, સામવેદની 1000 શાખા અને અથર્વવેદની 9 શાખાઓ મળીને કુલ 1131 શાખાઓ છે.

કોઇને થશે કે જુદા-જુદા વેદની શાખાઓની સંખ્યા વચ્ચે આટલો મોટો તફાવત શા માટે છે? ઋગ્વેદમાં મોટાભાગે દેવતાઓની સ્તુતિઓ છે. એટલે તેમાં ફેરફાર થવાનો બહુ અવકાશ નથી. યજુર્વેદમાં મોટે ભાગે કર્મકાંડ છે. એટલે જેમ માણસની કામ કરવાની શૈલી અલગ અલગ હોય તેમ શાખાઓની સંખ્યા વધુ છે. સામવેદમાં ગાયનશૈલી છે એટલે તેમાં આટલી મોટી સંખ્યા હોવાનું સ્વાભાવિક છે. જો કે, શાખાઓની સંખ્યાને લઇને એકબીજાથી વધુ ચઢિયાતા હોવાનું માની ન શકાય. ચારેય વેદનું મહત્ત્વ અને શ્રદ્ધેયતા સમાન છે.

વેદ- સાહિત્યિક દૃષ્ટિ
ચાર વેદ અને ચાર પ્રકારના ઋત્વિજની પેઠે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એમ ચાર પ્રકારના સાહિત્યમાં વહેંચવામાં આવ્યા છે. એટલે કે, ચારેય વેદમાં આ ચાર પ્રકારના ગ્રંથો છે. જે વેદમંત્રો રોજબરોજના અભ્યાસમાં અગત્યના છે, તેને સંહિતા કહે છે. એટલે ઋષિએ વેદપાઠમાં સંહિતાપાઠ, પદપાઠ, અને ક્રમ પાઠ નામના ત્રણ પ્રકૃતિપાઠ અને જટા, માલા, શિખા, રેખા, ધ્વજ, દંડ, રથ અને ઘન નામના વિકૃતિપાઠ દર્શાવ્યા છે. તમે વેદમંત્રોની સ્ક્રિપ્ટ જોશો તો અમુક ખાસ નિશાનીઓ જોવા મળશે અને સાચી રીતે વેદપાઠ થતો સાંભળશો તો હાથ વડે ખાસ નિશાનીઓ ધ્યાને આવશે. વેદસંહિતાના મંત્રોમાં અક્ષર, વર્ણ અને સ્વરમાં જરા પણ અશુદ્ધિ ન આવી જાય તેની કાળજી ઋષિએ રાખી છે. તેના વિના હજારો વર્ષ સુધી આ મહાન પરંપરા કઇ રીતે જાળવી શકાઇ હોત!

વેદિક યજ્ઞોના અનુષ્ઠાન માટેના કર્મકાંડની વિધિ બ્રાહ્મણગ્રંથોમાં જોવા મળે. જેને તમે આધુનિક ભાષામાં પ્રોસિજર કહી શકો. જેટલું મહત્ત્વ જ્ઞાનનું છે એટલું જ કર્મનું ખરું કે નહીં! તેની સાથે કર્મકાંડના જીવનમાં સદુપયોગ, ફળપ્રાપ્તિ સુધી નિષ્ઠાને દૃઢ બનાવવાની સમજણનો સમાવેશ બ્રાહ્મણગ્રંથોમાં થાય છે. ઉપનિષદો મૂળભૂત રીતે આધ્યાત્મિક તત્ત્વજ્ઞાન અથવા ફિલોસોફી છે. તેનો એક એક મંત્ર સુંદર છે. ઈશોપનિષદના 'ઈશાવાસ્યં ઇદમ્ સર્વમ્' મંત્રમાં તો જાણે જગતનું સઘળું તત્ત્વજ્ઞાન સમાઇ જાય છે! મારી નજર સામે જે કંઇ છે, તે માત્ર ઈશ્વર છે! આવી ગોળી ગળે ઊતરી જાય તો પછી કોઇ બીજી દવા લેવાની જરુર ખરી? ફળની આકાંક્ષાથી ઉપર ઊઠી જીવનના અંતિમ રહસ્યને પામવાની ચાવી એટલે આરણ્યક. તેનું નામ સૂચવે છે તેમ ગૃહસ્થાશ્રમથી પરવારી અરણ્ય (વન)માં એકાંત માણી જીવનું કલ્યાણ કરવાનો પરમ આદર્શ છે. વાનપ્રસ્થનો 'વનમાં જીવવું' જેવો સ્થૂળ અર્થ લેવાને બદલે નિ:સ્વાર્થ સેવા જેવો અર્થ લઇએ તો કેવું સારું! સિનિયર સિટિઝન માટે વાનપ્રસ્થ શબ્દમાં મજાનો અર્થ મળે છે. જાણે જીવતેજીવ મુક્તિનો મંત્ર!

આજનું અમૃતબિંદુ: માનવજીવનના દરેક સદવિચાર અને સત્કાર્ય પાછળ ક્યાંક ને ક્યાંક વેદનો વિચાર છે. ભગવાન શ્રીરામ કે શ્રીકૃષ્ણ જેવા આપણા બધા જ અવતારો વેદના તત્ત્વજ્ઞાનને વ્યવહારમાં અમલમાં મૂકવાની જીવતી પ્રયોગશાળાઓ હતી! ઉપનિષદોને તો ટાઇમલેસ અને ગ્લોબલ કહી શકાય તેનું વૈશ્વિક તત્ત્વજ્ઞાન છે. ગીતાને શ્રીકૃષ્ણ રૂપી ગોપાળે ઉપનિષદરૂપી ગૌમાતાને દોહી જગતના કલ્યાણ માટે પીરસેલ અમૃત કહે છે!
holisticwisdom21c@gmail.com
(લેખક ગુજરાત સરકારમાં સનદી અધિકારી છે અને દિવ્ય ભાસ્કરની વેદી પર એક દાયકાથી વધુ સમયથી યોગ, ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા વગેરે ગંભીર વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં લખતા રહ્યા છે)